કળશ ૮

વિશ્રામ ૫

પૂર્વછાયો

આવ્યો સમૈયો નવમીનો, આવ્યા એ સમે સંઘ અપાર;

આનંદથી ઉત્સવ કર્યો, વરત્યો તે જયજયકાર. ૧

ચોપાઈ

નાવા ધારુસરે જવા કાજે, ઉર ઇચ્છા કરી મહારાજે;

અતિ સારી સજી અસવારી, ચાલ્યા ધારુસરે ગિરધારી. ૨

કરી સ્નાન દીધાં બહુ દાન, સભા પાળે સજી ભગવાન;

જહાં બેઠક છે ભલી આજ, બિરાજ્યા તહાં શ્રીમહારાજ. ૩

એક પાસે બેઠા સહુ સંત, બીજે હરિજન બેઠા અનંત;

જ્ઞાન વૈરાગ્ય સંબંધી વાત, લાગ્યા કરવા શ્રીજી સાક્ષાત. ૪

આવ્યો વાંદરો એક એ ટાણે, ઠેકી ઝાડે ચડ્યો તે ઠેકાણે;

કાઠિયો તેનું જોઈ વદન, બોલવા લાગ્યા મર્મ વચન. ૫

રામચંદ્ર પાસે હનુમાન, નળ નીલ હશે આ સમાન;

પણ રાક્ષસ સાથે તે વાર, લડ્યા હાથે ધરી હથિયાર. ૬

હશે આવા કે તે હશે કેવા, જેણે જીત્યા ઇંદ્રજિત જેવા;

પછી શ્રીજીને પુછી તે વાત, ત્યારે બોલ્યા પ્રભુ સાક્ષાત. ૭

હતા વાનર જાતે તો આવા, થયા સમરથ તે જુદ્ધે જાવા;

એ તો ઈશ્વર ઇચ્છાથી જાણો, બળ પૂરણ પામ્યા પ્રમાણો. ૮

કહે કાઠીયો આને બોલાવો, ક્રિયા કાંઇ તે પાસે કરાવો;

અમને તો તે વાત મનાય, નહિ તો મન સંશય થાય. ૯

એવું સાંભળી એ સમે હરી, સમશા આંગળી તણી કરી;

તેથી વાંદરો ઉતર્યો હેઠો, સભામાં હરિ સન્મુખ બેઠી. ૧૦

માળા આપી તેને કૃપાનાથે, લઇ ફેરવવા લાગ્યો હાથે;

વળી રામકથાની ચોપાઈ, બોલવા લાગ્યો તે ગાઇ ગાઈ. ૧૧

સુણી રાજી થયા જન સહુ, વળી અચરજ પામિયા બહુ;

કહે કાઠી સુણો મહારાજ, લઘુ દેહ દીસે એનો આજ. ૧૨

પ્રૌઢ1 પર્વત કેમ ઉપાડ્યો, મોટો સંશય એહ મટાડો;

પછી શ્રીહરિએ જોયું સામું, વૃદ્ધિ વાનરનું તન પામ્યું. ૧૩

જોતાં એવું દીઠું સહુ સાથે, જાણે પર્વત લીધા છે હાથે;

કપિ આકાશ મારગે ચાલ્યો, ગયો ક્યાં તે તો કોઇએ ન ભાળ્યો. ૧૪

જન સૌ થયા વિસ્મિત ત્યાંય, જાણ્યો ઈશ્વરનો મહિમાય;

વાણી કાઠિયોએ ત્યાં ઉચ્ચારી, પ્રભુ અકળિત માયા તમારી. ૧૫

એવામાં કોઇ નાગડા બાવા, દશ બાર મળી તહાં આવ્યા;

પ્રભુને તેણે કીધા પ્રણામ, બેસાર્યા પ્રભુએ એક ઠામ. ૧૬

બોલ્યો તે માંહિથી એક બાવો, સીધાં પાકાં અમોને અપાવો;

અમે આપનું સાંભળિ નામ, આવ્યા આપ આગળ એહ ઠામ. ૧૭

સુણી બોલિયા શ્રીભગવાન, જ્ઞાનવાત સુણો ધરિ કાન;

તમે ત્યાગીનો પાળો છો ધર્મ, પણ મનમાં વિચારો ને મર્મ. ૧૮

તજે નારીને અષ્ટ પ્રકારે, ધનને હાથમાં નવ ધારે;

રસકસ ન જમે કદી માગી, ત્યારે તેને કહિયે ખરો ત્યાગી. ૧૯

ફર્યે નગ્ન ત્યાગી કહેવાય, શ્વાન ગર્દભ2 ત્યાગી ગણાય;

ગાંજા ભાંગ પીને ભુંડું બોલે, તે તો જાણવો ગર્દભ તોલે. ૨૦

પગ ચંપાવે નારિયો પાસે, કેમ ત્યાગી તેને કહેવાશે;

ફરે નગ્ન સીધાં માગી ખાય, એ તો પેટ ભર્યાના ઉપાય. ૨૧

તમે જો જીવનું શ્રેય ઇચ્છો, શાસ્ત્ર સાંભળિને ધર્મ પ્રીછો;

એવી વાત કરે છે જ્યાં શ્રીજી, બની એ અવસર વાત બીજી. ૨૨

ભાદરા ગામના રહેનાર, ભક્ત રત્નો હતા એહ ઠાર;

તેને થૈ સમાધી તેહ ટાણે, પડ્યા થૈ ગતપ્રાણ3 પ્રમાણે. ૨૩

બાવાએ તેની નાડી તપાસી, પણ ચાલતી ક્યાંઇ ન ભાસી;

જોઈ અચરજ પામિયા બાવા, લાગ્યા શ્રીહરિના ગુણ ગાવા. ૨૪

બોલ્યા કોઇ તો જોડીને હાથ, કરો આજ્ઞા હવે કાંઇ નાથ;

ત્યારે બોલિયા જગજીવન, તમે માનો જો મારું વચન. ૨૫

તમે ત્યાગી જેવાં વસ્ત્ર ધરો, પાળો ત્યાગી તણો ધર્મ ખરો;

રહો સંતની સાથે સુજાણ, તેથી થાશે તમારું કલ્યાણ. ૨૬

એવી સાંભળી શુદ્ધ વારતા, તેમાં જેહ દૈવી જીવ હતા;

તેઓએ તો ધર્યાં વસ્ત્ર ત્યાંય, રહ્યા સંતના મંડળ માંય. ૨૭

બીજા પાકાં સીધાં લઈ ગયા, આસુરી હતા તે ક્રોધી થયા;

લીધા વગર ગયા તે રિસાઇ, થયા ગાભરા4 મનમાં મુંઝાઈ. ૨૮

સભામાં જે ખરા હતા ભક્ત, તે તો શ્રીહરિમાં જ આસક્ત;

તેણે મૂરતીમાં મન પ્રોયું, બાવા સામું જરીયે ન જોયું. ૨૯

પણ કાચા હતા ભક્ત જેહ, બાવા સામું જોતા હતા તેહ;

શ્રીજીયે તેઓને છેલી વારે, શીખામણનાં વચન કહ્યાં ભારે. ૩૦

ઉપજાતિવૃત્ત (દૃષ્ટિ નિયમમાં રાખવા વિષે)

રહે ન દૃષ્ટી નિયમે જ જેની, અજ્ઞાનતા જાણવિ એ જ તેની;

પ્રભુનિ મૂર્તિ તજી દૃષ્ટિ જાય, તે શુદ્ધ સત્સંગિ નહીં ગણાય. ૩૧

કથા સુણે કે ધર્યું હોય ધ્યાન, બેઠો દિસે તે બકની સમાન;

જો શ્વાન કે નારી તહાં જણાય, તો દૃષ્ટિ ખેંચાઈ તહાં જ જાય. ૩૨

એકાગ્ર ચિત્તે જ થવું કથામાં, દૃષ્ટી જવા દેવિ નહીં વૃથામાં;

ન વાત બીજી કરવી જ કાંઈ, જો માલ જાણો હરિભક્તિ માંઈ. ૩૩

એકાગ્ર થૈ તીરઘડાની5 રીતે, ભક્તિ વિષે લીન થવું જ પ્રીતે;

રાજા તણી ફોજ તહાંથિ જાય, વાજીંત્રના નાદ નહીં સુણાય. ૩૪

એવી જ રીતે શ્રવણાદિ ભક્તિ, ભક્તો કરે ઉત્તમ જાણી જુક્તિ;

ત્યારે જ તે ભક્તિ ખરી ગણાય, પ્રભૂજિ તેને જ પ્રસન્ન થાય. ૩૫

દેવી તણાં દર્શન કાજ જાય, જોડા મુકે ત્યાં મન તો રખાય;

બોલે દિશા બે ભણિ તર્તખેવ, ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ૩૬

કરે નહીં દર્શન એક ચિત્તે, ખેંચાય બીજે મન એવિ રીતે;

કીધું ભલે દર્શન તે ન કીધું, ન દેવતાયે પણ માનિ લીધું. ૩૭

પૂજા કરે ને મુખથી ન બોલે, તથાપિ તેનું મન ક્યાંઈ ડોલે;

મૂંગાનિ પેઠે સમશા6 કરે છે, તેવા ઘણા ઢોંગ જનો ધરે છે. ૩૮

શાર્દૂલવિક્રીડિત

ન્યાયાધીશ દ્વિજાતિ એક પ્રતિમા પૂજા ભલી રાખતો,

તે પૂજા સમયે મુનિવ્રત ધરે જીભે નહીં ભાખતો;

પૂછ્યું કારકુને જ ખુનિ જનને શીક્ષા શિ કીજે જઈ,

મૂર્તીને નિજની જનોઈ વતિ ત્યાં દેખાડી ફાંસી દઈ. ૩૯

પુષ્પિતાગ્રાવૃત્ત

કરિ ઘણિ હરિયે સુ એવિ વાત, સુણિ સમઝ્યા હરિભક્ત સર્વ ભ્રાત;

પ્રભુ સનમુખ સૌ રહે જ જોઈ, નજર બિજે ન ધરે કદાપિ કોઈ. ૪૦

વૃષસુત હરિનાં ઘણાં ચરિત્ર, અચરજકારિ અને વળી વિચિત્ર;

પરમતજન એહ સાક્ષિ આપે, નિજમત છોડિ દિધા પ્રભુપ્રતાપે. ૪૧

પછી પ્રભુ નિજમંદિરે પધાર્યા, નિજજન મોદ વિશેષ ત્યાં વધાર્યા;

વરણન બધિ વાતનું કરાય, અતિ વિસતારથિ શ્રેષ્ઠ ગ્રંથ થાય. ૪૨

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવૃત્તાલયે શ્રીહરિનવમીઉત્સવકરણનામ પંચમો વિશ્રામઃ ॥૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે