વિશ્રામ ૫૦
પૂર્વછાયો
પાંડે અયોધ્યાપ્રસાદજી, રઘુવીરજી જેનું નામ;
આવ્યા ધવળપુરમાં મળી, કર્યા પ્રભુને દંડ પ્રણામ. ૧
ચોપાઈ
દેખી રાજિ થયા દીનનાથ, મુક્યા બેયને મસ્તકે હાથ;
શિક્ષાપત્રિયો બેય મગાવી, આપિ બેયને હેતે બોલાવી. ૨
કહ્યું પાઠ તમે નિત્ય કરજો, એમાં છે લખ્યું એમ આચરજો;
જે જે શિષ્ય તમારા ગણાય, વરતાવજો તેને સદાય. ૩
દાદા ખાચરને પછિ આપી, કહ્યું વર્તજો એમ સદાપી;
સર્વે લાગ્યા પ્રભુજિને પાય, કહ્યું વર્તશું એમ સદાય. ૪
રાધાકૃષ્ણની મૂર્તિયો જેહ, ગઢપુર થકી લાવિયા તેહ;
ગાંફના દેવકૃષ્ણજિ વ્યાસે, હાલ છત્રિ કરાવેલિ ભાસે. ૫
હતો ઓરડો ઉત્તમ ત્યાંય, મુકી મૂર્તિયો લાવી તે માંય;
મૂર્તિ જોવા આવ્યા મુનિનાથ, હેતે ફેરવ્યો ઉપર હાથ. ૬
રાજિ થૈ બોલ્યા વિશ્વવિહારી, મૂર્તિ છે ઘણિ ચમતકારી;
વધશે એનો પ્રૌઢ પ્રતાપ, કીધે દર્શન ટાળશે પાપ. ૭
ઉતારે આવિ ધર્મકુમારે, હરિભક્તોને કહિ તેહ વારે;
કંકોતરિયો ઘણીક લખાવી, દેશોદેશ વિષે મોકલાવી. ૮
ચાલે મંદિરનું નિત્ય કામ, પાસે બેસિ જુવે ઘનશ્યામ;
દિસે મંદિર ઉત્તર દ્વારે, ઓપે મેરુ શિખરને આકારે. ૯
થોડા દિવસ આડા રહ્યા જ્યારે, વાલે મનમાં વિચારિને ત્યારે;
ઉમરેઠવાસી હરિભાઈ, વેદપુરુષ તેડાવિયા ચહાઈ. ૧૦
તેણે મંડપ કુંડ કરાવ્યો, શુદ્ધ શાસ્ત્ર પ્રમાણે બતાવ્યો;
બીજા વિપ્ર ઘણાક તેડાવ્યા, તેઓને વરુણીમાં વરાવ્યા. ૧૧
વિપ્ર આવિયા જે વિદવાન, તેનાં નામ સુણો ધરિ કાન;
દવે નાગજી ઘોલેરાવાસી, વરુણીમાં વર્યા ગુણરાશી. ૧૨
વળી તેના હતા ત્રણ પુત્ર, વરુણીમાં વર્યા તેહ તત્ર;
વિરજી દેવેશ્વર અને ઘેલો, તેહ પ્રત્યેક શાસ્ત્ર ભણેલો. ૧૩
દેવેશ્વરનું આપું ઓળખાણ, તમે સાંભળો ભૂપ સુજાણ;
બાળાપણથિ તે વૈરાગ્યવંત, વિદ્યાવંત ને જ્ઞાનિ અત્યંત. ૧૪
શ્રીજિ ધામ ગયા પછિ એહ, ઇચ્છ્યા સંસાર તજવાને તેહ;
રઘુવીરજી આગળ તાતે, તેને સોંપ્યા જઈ ભલિ ભાતે. ૧૫
દીધી નૈષ્ઠિક દીક્ષા સ્વછંદ, નામ પાડિયું નિષ્કામાનંદ;
શિષ્ય નારાયણાનંદ કેરા, થૈને તે વખણાયા ઘણેરા. ૧૬
દેવી લક્ષ્મીનારાયણ પાસ, સદા વરતાલમાં કર્યો વાસ;
કથા ચાલતિ તે હવે કહું, સાંભળો ધરિને સ્નેહ બહુ. ૧૭
વરુણીમાં વર્યા બીજા જેહ, કહું નામ તેનાં સુણો તે;
ગાંફ ગામના રાવળ વસ્તો, જાણે વેદવિધાનનો રસ્તો. ૧૮
ભાઇજી મેઘજી અને જગો, પુજો નાગજી ને વ્યાસ ગગો;
પંડ્યા નાથજી હીરજી નામ, તથા ઓધવજી ગુણધામ. ૧૯
પરશોત્તમ ઠાકર જાણો, નામે બેચર બેય પ્રમાણો;
દેવકૃષ્ણ જગો બેય વ્યાસ, કરું શુક્લનાં નામ પ્રકાશ. ૨૦
નારાયણજિ અને હરિરામ, જગો શુક્લ તથા આશારામ;
પંડ્યા પીંપળિના લક્ષ્મીરામ, બીજા કેશવજી ગુણધામ. ૨૧
માવજી તથા જીવણ જાની, મે’તા ભાઇજી પણ બહુ જ્ઞાની;
ગામ પછિમના હરિજન, વિપ્ર જાદવ હરજીવન. ૨૨
જેઠો ઓધવજી રાજારામ, હવે રોઝકાનાં કહું નામ;
પુરાણી શિવશંકર બેય, એક ગોવિંદરામ કહેય. ૨૩
ત્રવાડી જયશંકર જગો, જાણે શાસ્ત્ર ઘણાં ભટ ગગો;
પંડ્યા વસ્તો રાઘવજી ભાણજી, પંડ્યા બેચર ને નારાયણજી. ૨૪
કૃષ્ણજી પરશોતમ મે’તા, રોઝકાના વાસી બ્રહ્મવેત્તા;
જોશિ ગામ ખડોળના જેહ, કૃષ્ણજી હરિ મેઘજી તેહ. ૨૫
હરિ રાવળ હરિના ઉપાસી, હવે ભડિયાદના કહું વાસી;
પરશોતમ ને મયારામ, જયશંકર જાદવ નામ. ૨૬
કહું ખરડના ભક્ત અખંડા, દવે બેચર ભીમજિ પંડ્યા;
ગામ ચોકડિના વિપ્ર ચારુ, રામેશ્વર નારાયણ અધ્યારુ. ૨૭
મહા ભક્ત મે’તા નંદરામ, રટે સ્વામિનારાયણ નામ;
અણિયાળિના જગજીવન, વજેરામ ભલા હરિજન. ૨૮
નારાયણ પરશોતમ પ્રીત, દમો રાઘવ બેય દીક્ષિત;
ગામ ઝીંઝરના હરિરામ, હંસરાજનું ભોળાદ ગામ. ૨૯
એહ આદિ વરુણિમાં વરિયા, જપ હોમ અનેક આદરિયા;
સ્થાપ્યા લક્ષ્મીનારાયણ જ્યારે, ક્રિયા જેવિ કરી હતિ ત્યારે. ૩૦
ક્રિયા એવિ જ સર્વે કરાવી, મૂર્તિ મંદિરમાં પધરાવી;
નામ મદનમોહન મહારાજ, ધાર્યું શ્રીજિયે જનહિત કાજ. ૩૧
તેમાં અદ્ભુત દેખાયું તેજ, જાણે શ્રીહરિ પ્રત્યક્ષ એ જ;
આરતી મહારાજે ઉતારી, સ્તુતિ સંતે મળીને ઉચ્ચારી. ૩૨
વાજાં વિવિધ પ્રકારનાં વાજે, દેવ દુંદુભિ આકાશે ગાજે;
થાય બંદુક કેરા બહાર, થાય પુષ્પની વૃષ્ટિ અપાર. ૩૩
પુજાભાઈ આદિક હરિજને, ધરિ ભેટ ભૂષણ પટ ધને;
ભાલ દેશના ભક્ત અપાર, જે જે આવ્યાં હતાં નરનાર. ૩૪
સૌએ ભેટ ધરી ભલિ ભાતે, નહિ ખામિ રહી કોઈ વાતે;
હરિભક્તો પ્રત્યે મહારાજે, કહ્યું સાંભળતાં સૌ સમાજે. ૩૫
રૂપ મદનમોહન જાણો મારું, પૂજવાથિ આશા પુરનારું;
ધોલેરા પણ છે મુજ ધામ, જન જાત્રા કરે એહ ઠામ. ૩૬
મહિમા એનો મુનિવર જાણે, શતાનંદજિ સરખા વખાણે;
જપ તપ વ્રત જે આંહીં કરશે, તે તો માયાને પાર ઉતરશે. ૩૭
મોટાં ધામ થયાં અને થાશે, તેમાં આ પણ મોટું ગણાશે;
એવી વાત ઘણી ઘણિ કરી, સુણિ સૌ જને અંતરે ધરી. ૩૮
પછિ વિપ્ર તણી સર્વ નાત, જમાડી પ્રભુ ભલી ભાત;
સંત વર્ણિને ભોજન દીધું, દ્વિજોને દક્ષિણા દાન કીધું. ૩૯
નરસિંહ ચતુર્દશી આવી, રીઝ્યા ઉત્સવ એનો કરાવી;
પછિ પૂનમે પારણું કીધું, સભામાં બેસિ દર્શન દીધું. ૪૦
અદ્ભુતાનંદ નિષ્કુલાનન્દ, તેહ પ્રત્યે બોલ્યા જગવંદ;
તમે મંદિરનું બધું કામ, રહી પૂરું કરાવો આ ઠામ. ૪૧
કરી આજ્ઞા તે શીશ ચડાવી, લીધો લાવ પ્રભુને રિઝાવી;
ધોલેરા માંહિ ધર્મકુમાર, કર્યો એ રીતે જયજયકાર. ૪૨
ધન્ય ધોલેરાનાં હરિજન, જેણે અરપિયાં તન મન ધન;
ધન્ય ધન્ય તે ધોલેરા ધામ, કરિ લીલા ઘણી ઘનશ્યામ. ૪૩
ત્રીજે પો’રે ત્યાંથી વિદા થયા, પડવે દિન ગઢપુર ગયા;
કરે એવાં ચરિત્ર વિચિત્ર, ગાતાં સુણતાં થવાય પવિત્ર. ૪૪
પુષ્પિતાગ્રાવૃત્ત
ધવળપુર વિષે પધારિ પ્રીતે, કૃત હરિકૃષ્ણ ચરિત્ર રૂડિ રીતે;
મન ધરિ જન જે સુણે સનેહે, ભવજળ પાર પડે જ એહ દેહે. ૪૫
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિધવળપુરે મદનમોહનદેવપ્રતિષ્ઠાકરણનામ પંચાશત્તમો વિશ્રામઃ ॥૫૦॥