કળશ ૮

વિશ્રામ ૫૧

પૂર્વછાયો

સ્થાપિ ધોલેરા ધામમાં, શુભ મૂર્તિયો શ્રીમહારાજ;

પછિ વસ્યા ગઢપુર વિષે, સાથે લઇને સંતસમાજ. ૧

ચોપાઈ

વરષાઋતુ ચાતુરમાસ, કર્યો ગઢપુર માંહિ નિવાસ;

જન્માષ્ટમિ આદિક જેહ, કર્યા ત્યાં સર્વ સમૈયા તેહ. ૨

અન્નકોટનો ઉત્સવ કીધો, હરિભક્તે ભલો લાવ લીધો;

પછિ પ્રબોધની પર શ્યામે, જવા ધાર્યું શ્રીવરતાલ ધામે. ૩

કહ્યું સૌ જનને એહ કાળ, અમે જાશું હવે વરતાલ;

છડિ1 અસ્વારી સંઘાતે લૈને, સમૈયો કરશું તહાં જૈને. ૪

માટે જે અસવાર કે પાળા, હોય ચોંપથી2 ચાલવા વાળા;

તેવા હોય તે થાઓ તૈયાર, જવું કાલે નથી હવે વાર. ૫

સંત મંડળ પ્રથમ સિધાવો, ગાડાં ભારખાનાનાં ચલાવો;

પછિ સંત પરોઢિએ ચાલ્યા, વરતાલના મારગ ઝાલ્યા. ૬

કરિ ભોજન શ્યામ સુજાણ, ત્રીજે પહોર કર્યું પરિયાણ;

સાથે કાઠિ સખા અસવાર, તથા બે દત્તપુત્ર કુમાર. ૭

ત્રીજા ગોપાળજી મહારાજ, તથા પાર્ષદ કેરો સમાજ;

રહ્યા સારંગપુર જઈ રાત, ત્યાંથિ ચાલિયા ઊઠિ પ્રભાત. ૮

કર્યો સુંદરિયાણે વિરામ, રહ્યા રાત તો પછિમ ગામ;

પ્રભુ ઊતર્યા સરવર પાળે, ત્યાંના ભક્ત આવ્યા એહ કાળે. ૯

તેણે સેવા સજી સારી રીતે, પુરુષોત્તમ જાણિને પ્રીતે;

પછિ પોઢિ રહ્યા પ્રભુ જ્યારે, વારાફરતિ જાગે કાઠિ ત્યારે. ૧૦

એમ કરતાં વિતિ મધ્ય રાત, એવામાં બની અદ્‌ભુત વાત;

ભક્ત સોમલાનો આવ્યો વારો, સુતો જૈને બિજો જાગનારો. ૧૧

નાનાં બાળક અપરમપાર, આવ્યાં શ્રીજિનિ પાસે તે વાર;

તેઓને માથે ફેરવિ હાથ, બોલ્યા નેહથિ નટવર નાથ. ૧૨

સતસંગમાં જૈ જન્મ ધરો, ભાવે ભક્તિ ભલી મારિ કરો;

તથિ થાશે તમારું કલ્યાણ, નકિ પામશો પદ નિરવાણ. ૧૩

પ્રભુજીને કરીને પ્રણામ, ગયાં બાળક તે કોઇ ઠામ;

ભક્ત સોમલે અચરજ પામી, પુછ્યું શ્રીહરિને શિર નામી. ૧૪

કહો બાળક તે કોણ હતાં, ક્યાંથિ આવિયાં તે અણછતાં?3

અતિ અદ્‌ભુત અચરજ એહ, મહારાજ મટાડો સંદેહ. ૧૫

કહે શ્રીહરિ સાંભળો ભ્રાત, કહું તે બાળકો તણિ વાત;

બાળકો વ્રજ દેશ મોઝાર, પૂતનાએ જે માર્યા અપાર. ૧૬

પાપિણીને હાથે મરિ ગયાં, તેથિ તે મરિને ભૂત થયાં;

આવ્યા આજ મળી અમ પાસે, ગતિ ઉત્તમ પામવા આશે. ૧૭

લેશે સત્સંગમાં અવતાર, પછિ એહનો થાશે ઉદ્ધાર;

સોમલો કહે જોડિને હાથ, તમે ધન્ય દયાળુ છો નાથ. ૧૮

કહે વર્ણિ સુણો નૃપ આપ, એવો શ્રીજીનો પ્રૌઢ પ્રતાપ;

એવા તો ઘણા ચમતકાર, વારે વારે જુવે નરનાર. ૧૯

વિચર્યા વાલો ત્યાંથિ વહાણે, ગયા સાભ્રતટે ગળિયાણે;

તહાં ભાઠા4 વિષે ઉગનારાં, દીઠાં સોમલે વૃંતાક સારાં. ૨૦

લીધાં એક રુપૈયાનાં એહ, ભેટ ભગવાનને કર્યાં તેહ;

રાખ્યા ત્યાં હરિભક્તોએ રાત, આપ્યું ભોજન પણ ભલી ભાત. ૨૧

આપ્યાં ઘોડાંને ચંદી ને ઘાસ, કોઇ વાત ન રાખિ કચાશ;

તહાં ગોપાળજી મહારાજે, કરિ બાટિયો જમવાને કાજે. ૨૨

રીત પૂરવ દેશની જેવી, કરિ બાટિયો ઉત્તમ એવી;

આપ્યાં સોમલે જેહ વૃંતાક, કર્યું સ્વાદિષ્ટ તેહનું શાક. ૨૩

જમ્યા જીવન બેસી તે ઠામે, બહુ શાક વખાણીયું શ્યામે;

જાણ્યો સોમલાનો પૂરો પ્યાર, તથિ શાકમાં સ્વાદ અપાર. ૨૪

રઘુવીર અયોધ્યાપ્રસાદ, જમ્યા તે પણ આણિ આહ્‌લાદ;

જમ્યા ગોપાળજી ગુણવાન, આપી સૌને પ્રસાદિ તે સ્થાન. ૨૫

સુખે કીધું પછીથિ શયન, પ્રભાતે ચાલ્યા પ્રાણજીવન;

વરતાલ આવ્યા વૃષનંદ, ગયા સામા મળિ જનવૃંદ. ૨૬

વાજતે ગાજતે પધરાવ્યા, મહારાજ મંદિર માંહિ આવ્યા;

તહાં દેવનાં દર્શન કરી, હરિમંડપે ઉતર્યા હરી. ૨૭

બીજા જેને ઘટે વળિ જેવા, ઉતારા સૌને આપિયા એવા;

પછિ આવિ પ્રબોધિની જ્યારે, આવ્યા સંઘ ઘણા ઘણા ત્યારે. ૨૮

સમૈયો થયો તે બહુ સારો, આવ્યા હરિજન સંત હજારો;

રાતે રાસમંડળ તણિ રીતે, ગાયાં સંતોએ કીર્તન પ્રીતે. ૨૯

ઘણિ રાત ગાતાં ગઈ જ્યારે, રાજિ થૈને બોલ્યા હરિ ત્યારે;

આજ છે સહુને ઉપવાસ, ગાવું રાખો પડે છે પ્રયાસ. ૩૦

એમ કહી ગાવું બંધ રખાવ્યું, અતિ પ્રસન્ન પણું દરશાવ્યું;

પછિ જ્ઞાનકૂપ કેરી પાસ, ભેટ્યા સંતને શ્રીઅવિનાશ. ૩૧

પછિ પોઢિ રહ્યા ભગવંત, સુતા હરિજન ને સુતા સંત;

સવારે ઊઠીને સહુ સાથ, નાવા ગોમતીયે ગયા નાથ. ૩૨

નિત્ય ગોમતી સરને ગળાવે, બહુ જ કામ કરવાને આવે;

મૃતિકા પ્રભુ પોતે ઉપાડે, અતિ ઉત્સાહ એવો દેખાડે. ૩૩

શરીરે ગારો વળગેલો જેને, તોય ભેટે મહા પ્રભુ તેને;

આપે ઉરથિ પ્રસાદીના હાર, એમ હેત જણાવે અપાર. ૩૪

હોંશે હોંશે કરે જન કામ, જાણે રિઝાવું સુંદરશ્યામ;

આવે મંદિરમાં હરિરાય, તહાં સંતની પંક્તિયો થાય. ૩૫

નિત્ય નિત્ય નવાં પકવાન, પીરસે સંતને ભગવાન;

સભા માંહિ બિરાજિયા શ્યામ, બેઠા સત્સંગિ સંત તમામ. ૩૬

ગામ ગુડેલવાસિ જિભાઈ, ભલિ ઘોડી લાવ્યા હરખાઈ;

સાજ શોભિત ઊપર ધરી, ઘોડી શ્રીહરિને ભેટ કરી. ૩૭

કૃપાનાથે કરી અંગિકાર, જન સૌએ વખાણિ અપાર;

થોડા દિવસ કરીને નિવાસ, ચાલ્યા ગઢપુર શ્રીઅવિનાશ. ૩૮

નવિ ઘોડિયે બેસીને નાથ, ચાલ્યા પાર્ષદ ને સંત સાથ;

ગાડા ગામ ભણી નિજ જેહ, સંજિવાડા તણી સીમ તેહ. ૩૯

ખડીયાળું5 છે ખેતર જેમાં, દિઠો ખિજડો ઉત્તમ એમાં;

ઘોડિ ફેરવ તે તરુ ફરતી, ઘણિ ચાતુરતાથી વિચરતી. ૪૦

સખામંડળ ને સંતવૃંદ, અતિ પામિયા જોઈ આનંદ;

ઘોડ કુંડે ફેરાવી કૃપાળે, ચતુરાઈથી ધર્મને લાલે. ૪૧

ભલા ભલા કાઠી અસવાર, જોઈ અચરજ પામ્યા અપાર;

મુનિજન જોઈને એમ ધારે, ખીજડાનું હશે તપ ભારે. ૪૨

કોટિ બ્રહ્માંડના કરતાર, જેને ફેરા ફર્યા બહુ વાર;

સંજિવાડે ગયા જગભૂપ, ભક્ત બારોટ જ્યાં જગરૂપ. ૪૩

તેણે સેવા સજી ઘણિ સારી, રાતવાસો રહ્યા ગિરધારી;

પછિ ત્યાંથી ચાલ્યા ઘનશ્યામ, રહે જ્યાં હરિભક્તનાં ગામ. ૪૪

ગઢડે પહોંચ્યા ગિરધારી, જોઇ રાજિ થયાં નરનારી;

વાલે ગઢપુરમાં કર્યો વાસ, કરે દર્શન પ્રતિ દિન દાસ. ૪૫

પુષ્પિતાગ્રાવૃત્ત

ગિરધર ગઢપત્તને વિરાજી, નિજજન સંગ સુરંગથી રમ્યાજી;

વિગતિ સહિત તે હવે કહીશ, મન ધરિ તેહ સુણો વળી મહીશ. ૪૬

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવૃત્તાલયે પ્રબોધિની-ઉત્સવકરણનામૈકપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે