કળશ ૮

વિશ્રામ ૫૨

પૂર્વછાયો

એક સમે વાલે વસંતનો, ખરી ખાંતે કર્યો ખૂબ ખેલ;

અમર મળિ આકાશમાં, તેહ નિરખવા આવેલ. ૧

ચોપાઈ

પાંડે ગોપાળજી તણા મામા, દીસે સદ્‌ગુણિ સુફળ સુનામા;

તેનિ સાથે રમ્યા હરિ રંગે, રસબસ થયા એ થકિ અંગે. ૨

જેમ ભરતને શ્રીભગવાને, પાદુકાઓ દીધી પૂજવાને;

તેમ સુફળને શ્રીમહારાજે, આપી પાદુકા પૂજવા કાજે. ૩

સભા સાંજે સજી સુખકારી, જથાયોગ્ય બેઠાં નરનારી;

રઘુવીરજીના લઘુ ભાઈ, બદરીનાથ વય લઘુતાઈ. ૪

રુનિ ગાદલિ મસ્તકે લૈને, નિસર્યા સભા આગળ થૈને;

તેને પૂછિયું નટવર નાથે, ગાદલી કેમ લીધિ છે માથે? ૫

તેણે ઉત્તર આપિયો ત્યાંય, ગાદલી જમના1 લઈ જાય;

માવો બોલિયા મર્મવચન, તારી ગાદલી લે નહિ અન્ય. ૬

તેમાં તાત્પર્યતા એવી હતી, તારો પુત્ર2 થશે ગાદિપતી;

કહે સુફળ સુણો મુનિનાથ, હેતે વિનતી કરું જોડી હાથ. ૭

બદરીનાથને દ્યો જનોઈ, ઘણું સારું મુહૂરત જોઈ;

સીતારામ વૃંદાવન જેહ, ત્રીજા તો બદરીનાથ તેહ. ૮

સરવારમાં જૈ પરણાવું, ત્રણે કન્યાઓ તેડિને લાવું;

મેનાયે અને વિરજાયે જેમ, કર્યાં દર્શન તે કરે તેમ. ૯

ઇચ્છારામ બોલ્યા વાણિ એવી, મારિ ઇચ્છા છે તે પણ તેવી;

ત્રણ પુત્રની પત્નિયો આવે, કરે દર્શન આપનાં ભાવે. ૧૦

લાગિ શ્રીજિને તે વાત સારી, ઉપવીતની કીધિ તૈયારી;

વાલે ઉત્તમ મુહૂરત જોઈ, બદ્રીનાથને દીધી જનોઈ. ૧૧

પ્રભુજીએ સુફળજીને જ્યારે, ચાખડીયો આપી હતી ત્યારે;

આશા ગોપાળજી ઉર ધારી, મને ચાખડી આપે મુરારી. ૧૨

ઘણા દિવસ ઇચ્છા એમ કીધી, તોય ચાખડી નાથે ન દીધી;

એક દિન જમવા બેઠા હરી, ત્યારે જુક્તિ ગોપાળજી કરી. ૧૩

છાંની રીતે ચાખડીયો ઉપાડી, એક કોઠિમાં તે તો સંતાડી;

જમી ઊઠ્યા જ્યારે વનમાળી, ત્યારે ચાખડિયો નવ ભાળી. ૧૪

વાત જાણે છે અંતરજામી, તોય સૌને પુછે બહુનામી;

મારી ચાખડિયો લિધિ કેણે, સાચું બોલો લિધી હોય જેણે. ૧૫

બોલ્યા ગોપાળજી જોડિ હાથ, તે મેં લીધી છે ચાખડી નાથ;

જેમ સુફળ કરે છે પૂજન, તેમ પૂજવાનું મારે મન. ૧૬

ઘણી આશા મેં રાખિ તથાપી, આપે ચાખડીયો નવ આપી;

ત્યારે આ ઠામથી મેં ઉપાડી, અને આ કોઠિ માંહિ સંતાડી. ૧૭

પછિ ચાખડીયો લાવી ધરી, કૃપાનાથે અંગિકાર કરી;

પાવ ધારિને પરમ પ્રતાપી, પછિ ગોપાળજીને તે આપી. ૧૮

કહ્યું પૂજા આની નિત્ય કરજો, મહિમા તેનો મન માંહિ ધરજો;

કહે વર્ણિ સુણો મહિપાળ, દીનબંધુ છે એવા દયાળ. ૧૯

હરિનૌમી ઉપર પછિ હરી, જવા વરતાલ તૈયારી કરી;

ધર્મવંશી પ્રત્યે બોલ્યા નાથ, તમે સર્વ ચાલો મુજ સાથ. ૨૦

સરવાર જવું હશે જેને, રજા આપશું ત્યાં થકિ તેને;

સૌને સાથે લિધા કહિ એમ, દાદા ખાચરને પણ તેમ. ૨૧

જયા લલિતાદિને કહે વાલો, તમે પણ સૌ વરતાલે ચાલો;

વળિ અમર અમુલાને એમ, કહ્યું શ્રીહરિયે ઘટે તેમ. ૨૨

પછિ તે સહુને સાથે લઇ, ચાલ્યા વરતાલ તતપર થઈ;

સાથે સંતમંડળ તથા પાળા, લીધા તરવાર બંદુકવાળા. ૨૩

રાધાવાવ્ય પાસે પ્રભુ આવ્યા, સચ્ચિદાનંદે હાર ધરાવ્યા;

ઉગામેડિયે જૈ ગિરધારી, પીધું વાવ્યનું નિર્મળ વારી. ૨૪

ગયા ત્યાં થકી ગામ નિંગાળે, નદિને સામે કાંઠે રુપાળે;

જઈ ઉતર્યા થોડિક વાર, બન્યો એક બનાવ તે ઠાર. ૨૫

રઘુવીરજીનો એક જન, રુડું નામ જેનું અરજુન;

એના અંતરની વાત જાણી, લાગ્યા પૂછવા સારંગપાણી. ૨૬

તજિ સંસાર આવ્યા છો આંઈ, તોય સાંભરે છે વળિ કાંઈ;

સાચેસાચું કહો હોય જેમ, સુણિ બોલ્યો તે અર્જુન એમ. ૨૭

સ્વામી સર્વજ્ઞ છો સાક્ષાત, તમથી છાનિ શી રહે વાત;

તોય પૂછ્યું તેથી કહું છુંય, મારે ઘેર હતો જ્યારે હૂંય. ૨૮

ત્યારે ગાયો ચરાવાને જાતો, તહાં દૂધ પીને તૃપ્ત થાતો;

તે તો સાંભરે છે મનમાંઈ, બીજું સાંભરતું નથી કાંઈ. ૨૯

પછિ તે જેમ વીસરી જાય, કર્યો મહાપ્રભુએ ઉપાય;

ગવરાવ્યાં પદો પંથ આખે, સાચા હરિજન હીમત રાખે. ૩૦

તેથિ સૌ સમઝ્યા મનમાંય, જ્યારે સંસારી સંકલ્પ થાય;

ત્યારે જો આવાં કીર્તન ગાય, તેના સંકલ્પ સૌ ટળી જાય. ૩૧

ઝીંઝાવદર શ્યામ સિધાવ્યા, તહાં કેરિયાના ભક્ત આવ્યા;

ભારા શેલડીના ભેટ કીધા, શ્યામે સૌ જનને વહેંચી દીધા. ૩૨

ધર્મવંશીની નારિ સમાજે, કર્યો થાળ મહાપ્રભુ કાજે;

જમિ પરવર્યા સારંગપાણી, રાતવાસો રહ્યા કારિયાણી. ૩૩

વસ્તા ખાચરનો દરબાર, ઉતર્યા જઇ ધર્મકુમાર;

બીજે દિન સંતને ઘનશ્યામે, લાડુ ખૂબ જમાડ્યા તે ઠામે. ૩૪

ત્યાંથિ પરવર્યા પ્રાસ કાળે, ગયા શ્રીહરિ સમઢિયાળે;

આવ્યા કુંડળના સતસંગી, બરવાળાના આવ્યા ઉમંગી. ૩૫

કહ્યું એક કરીને પ્રણામ, ચાલો હે હરિ કુંડળગામ;

ચાલો બીજા કહે બરવાળે, કર્યો આગ્રહ એમ એ કાળે. ૩૬

ત્યારે બોલ્યા ધરમકુળમણી, ઘોડિ ચાલશે જે ગામ ભણી;

અમે આવશું એ ગામ ભાઈ, એમ બોલિયા જનસુખદાઈ. ૩૭

ઘનશ્યામે ચલાવી જ્યાં ઘોડી, બરવાળા દિશે તે તો દોડી;

વીરો ભૂતો ને દ્વારકો ભૂતો, જોઇ રાજિ થયા તે સહૂ તો. ૩૮

બરવાળે ગયા બળવાન, દિધાં ત્યાં સૌને દર્શનદાન;

સેવા સૌની અંગીકાર કરી, ગામ નાવડે સંચર્યા હરી. ૩૯

કર્યો લીંબડીયોમાં ઉતારો, થાળ ત્યાં જમ્યા ધર્મદુલારો;

લાડુ સંતને પીરસ્યા પ્રીતે, જમ્યા પાર્ષદ પણ રુડિ રીતે. ૪૦

પછિ ચાલ્યા પ્રભૂ પ્રખ્યાત, રહ્યા સામરસદ જઈ રાત;

ગયા ધોલેરે ધર્મદુલારો, કર્યો મંદિર માંહિ ઉતારો. ૪૧

કહે ખેડુઓને મહારાજ, ચુનો કરવાને મંદિર કાજ;

બરવાળેથિ કાંકરી લાવે, તે તો ભક્ત ભલા મને ભાવે. ૪૨

આપું ચરણ છાતી માંહિ તેને, બોલો હોય જવા રુચિ જેને;

પછિ જે જે જને પાડિ હાય, તેને ચરણ દીધાં છાતિમાંય. ૪૩

એમ સૌને કરીને પ્રસન્ન, ગયા આંબળી ગામ જીવન;

પછિ પીપળિયે રહ્યા રાત, ત્યાંથી પરવર્યા ઊઠિ પ્રભાત. ૪૪

ભોગાવો ઉતરી ભગવાન, ગયા વારણે કરુણાનિધાન;

ગયા ત્યાંના તળાવની પાળે, દીઠી મેડિ ત્યાં દીનદયાળે. ૪૫

ધણિ તેનો અતીત તે સારો, કર્યો શ્રીહરિયે ત્યાં ઉતારો;

ધર્મવંશીએ ત્યાં કર્યો થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ. ૪૬

બીજે દિન વિચર્યા બળવાન, જઇ સાભ્રમતી કર્યું સ્નાન;

ગયા વરસડે વૃષનો દુલારો, કર્યા સરોવર પાળે ઉતારો. ૪૭

બીજે દિન ચાલ્યા થૈને તૈયાર, ઇંદણજ ગયા વિશ્વઆધાર;

સંજિવાડે આવ્યા ત્યાંથિ શ્યામ, ત્યાંથિ વરતાલ પૂરણકામ. ૪૮

રમાનાથનાં દર્શન કરી, હરિમંડપે ઊતર્યા હરી;

વીત્યા વાસર જ્યાં ત્રણ ચાર, ધર્મવંશિયે કીધો વિચાર. ૪૯

કોણ કોણ જશે સરવાર, રહે કોણ આ દેશ મોઝાર;

ઇચ્છારામને કહે અવિનાશ, તમે તો રહો અમારિ પાસ. ૫૦

વળિ આચાર્ય બે કહેવાય, તેમાંથી કોઇએ ન જવાય;

બોલ્યા સુફળ સુણો વનમાળી, આવે ગોપાળજી વરિયાળી. ૫૧

કામ સરશે તેઓ બેય વડે, ત્રીજા કોઇનું કામ ન પડે;

વૃંદાવન બદરી સીતારામ, તેને પરણાવવાનું છે કામ. ૫૨

વળિ હું મનમાં એમ ધારું, સાથે એના આવે તોય સારું;

સુણિ બોલિયાં તે મેના બાઈ, હમણાં નહિ આવું હું ભાઈ. ૫૩

પ્રભુદર્શનનો લાભ જેહ, નથિ પૂરો લીધો મેં તો તેહ;

તમે આવશો થોડેક માસે, માટે હું તો રહું પ્રભુ પાસે. ૫૪

વળિ એક કહું સુણો વાત, જે છે અવધપ્રસાદના ભ્રાત;

જેનું નામ છે ઠાકોરરામ, શિવકુંવર્ય તેની સ્ત્રીનું નામ. ૫૫

તેને સંતાન નવ થયું જ્યારે, મારી બેહેનને પરણ્યા છે ત્યારે;

તેનું નામ છે કૈલાસિ બાઈ, તેડિ આવજો તેહને ભાઈ. ૫૬

મહારાજનું દર્શન કરે, તેથિ અંતર તેહનું ઠરે;

કહે સુફળ ધરો વિશ્વાસ, તેડિ લાવું તેને તમ પાસ. ૫૭

પછિ બોલ્યા વચન વનમાળી, જાય સુફળ તથા વરિયાળી;

સાથે ગોપાળજીયે સિધાવે, ત્રણ ભાઇને પરણાવિ આવે. ૫૮

તેહ છ જણને કરતાં વિદાય, વળિ બોલિયા વૃષકુળરાય;

તમે સરવાર દેશ સિધાવો, કામ સિદ્ધ કરી સદ્ય આવો. ૫૯

સાથે લાવજો સૌ પરિવાર, કરે દર્શન આવી આ ઠાર;

વિચર્યા પછિ સરવારવાસી, વરતાલ વસ્યા અવિનાશી. ૬૦

જન આવે ચરોતર કેરા, કરી દર્શન હરખે ઘણેરા;

વરતાલમાં વિશ્વ આધારે, કરિ લીલા અનંત પ્રકારે. ૬૧

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિવર વરતાલમાં વસીને, નિજજનના મનમાં બહુ ઠસીને;

અદભુત સુખ સર્વનેય આપ્યાં, અજ હર આદિ થકી ન જાય માપ્યાં. ૬૨

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

બદરીનાથયજ્ઞોપવીત-ધારણનામ દ્વિપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે