કળશ ૮

વિશ્રામ ૫૩

પૂર્વછાયો

વાસ વસી વરતાલમાં, સુખદાયક શ્રીઘનશ્યામ;

અધુરું જે મંદિર તણું, તેહ પૂરું કરાવે કામ. ૧

ચોપાઈ

ભક્તિ કરવાનિ ભક્તને રીત, પોતે શીખવે ધારિને પ્રીત;

પોતે ભક્તિ કરીને બતાવે, જોઇ સંતને ઉમંગ આવે. ૨

કડિયા કરતા હતા કામ, તેણે ચૂનો માગ્યો તેહ ઠામ;

કોઇ દીઠું નહીં આપનારું, ત્યારે શ્રીજિએ આપ્યું તગારું. ૩

દોડિ આવ્યા નિત્યાનંદસ્વામી, કહ્યું શ્રીહરિને શિર નામી;

તગારાં આપશું પ્રભુ અમે, શીદ લ્યો છો એવો શ્રમ તમે? ૪

સુણિ બોલિયા સુંદરશ્યામ, અમને રુચે ભક્તિનું કામ;

જ્યારે દેહથિ ભક્તિ કરાય, ત્યારે સાર્થક દેહ ગણાય. ૫

નિત્યાનંદ કહે અહો શ્યામ, પોતે છો પ્રભુ પૂરણકામ;

પણ અમારા હિતને કાજ, ભક્તિ શીખવો છો મહારાજ. ૬

પછિ જોવા બેઠા ઘનશ્યામ, બહુ જન લાગ્યા કરવાને કામ;

એક દિવસ ઇંટો ખુટી જ્યારે, ઇંટવાડે ગયા પ્રભુ ત્યારે. ૭

હતો તે જ્ઞાનબાગનિ પાસે, લીધિ ઇંટો તહાં અવિનાશે;

સંત પાર્ષદ ને સતસંગી, સૌએ ઇંટો ઉપાડિ ઉમંગી. ૮

લૈને આવતાં મારગમાંય, નિત્યાનંદ સ્વામી બોલ્યા ત્યાંય;

મારિ પાસે તો ઓછિ છે છેક, માટે આપો પ્રભુ ઇંટ એક. ૯

એક ઇંટ વાલે તેને દીધી, બ્રહ્માનંદે બિજી માગિ લીધી;

કર્યો મંદિર પાસે અંબાર,1 લેવા ચાલ્યા પ્રભુ બિજિ વાર. ૧૦

ગંગામાં બોલ્યાં જોડિને હાથ, મારિ વિનતિ સુણો કૃપાનાથ;

ભક્તિ પુરુષ કરે મળિ જ્યારે, બાઇયોનાં તે શાં પાપ ત્યારે. ૧૧

માટે ઇંટો ન લાવશો તમે, બાકિ છે તે તો લાવિયે અમે;

દયા લાવિને શ્યામ સુજાણ, લેવા દ્યો અમને એહ લાણ.2 ૧૨

વિનતી હરિએ ઉર ધરી, આજ્ઞા બાઇયોને પછિ કરી;

ચાલિ અબળા મળીને અપાર, કર્યો ઇંટોનો લાવિ અંબાર. ૧૩

થાય મંદિરનો પરથાર, કામે લાગિયા સંત અપાર;

કોઈ સંત તો ત્યાં ઇંટો ચાંપે, કોઇ ગારો ભરી ભરી આપે. ૧૪

થાય ગારાળાં વસ્ત્ર ને અંગ, તોય ભક્તિ કર્યાનો ઉમંગ;

જોઇ રીઝે તે કરુણાનિધાન, ભુજા ભીડિ ભેટે ભગવાન. ૧૫

કોઇ સંત કહે જોડિ હાથ, ગારો ધોઉં પછી મળો નાથ;

કહે કૃષ્ણ રીઝ્યું મન મારું, નહિ ગારો તે ચંદન ધારું. ૧૬

ગારો વળગ્યો હશે જેને અંગે, હું તો તેને જ ભેટું ઉમંગે;

એવા શબ્દ જ્યાં શ્યામે સુણાવ્યા, ગારો ચોપડિને કૈક આવ્યા. ૧૭

સૌને ભેટિ બોલ્યા ભગવાન, મને વાલું ઘણું નિરમાન;

નિરમાનિ થઈ જન જેહ, નીચિ ટેલ કરે ઘણી તેહ. ૧૮

તેને થાઉં પ્રસન્ન હું જેવો, કોટિ નાણાં થકી નહિ તેવો;

માટે કીધાં છે મેં આવાં ધામ, તેમાં કરશે આવી રીતે કામ. ૧૯

વળિ જ્યાં જ્યાં જગ્યા મારિ થાશે, તહાં આ રીતે ભક્તિ કરાશે;

દિવ્યરૂપે હું તેહ દેખીશ, તેનું ફળ તેવું તેને આપીશ. ૨૦

એક દિવસ હરિભક્ત મળી, કરી વિનતિ પ્રભૂજિને વળી;

અમે સંતને જમવાને જ્યારે, તેડિયે છૈયે ઘેર અમારે. ૨૧

તેડિ જૈયે ગાડીમાં બેસારી, મહિમા મોટો મન માંહિ ધારી;

ઉપડાવો ગારો તેહ પાસે, અમને તો અયોગ્ય તે ભાસે. ૨૨

મોટા રાજા આપે માન જેને, પગે લાગે છે પંડિતો તેને;

તે તો માથે ઉપાડે તગારું, અમને નથિ લાગતું સારું. ૨૩

કહો તો ધન આપિયે અમે, સંત પાસે કરાવો ન તમે;

સુણિ બોલિયા સુંદરશ્યામ, તમે મર્મ ન સમઝ્યા તમામ. ૨૪

આવિ ભૂતળમાં ભક્તિ કરવા, દેવતા ઇચ્છે નરતન ધરવા;

બ્રહ્મા પણ જાણે છે મનમાંથી, આવિ ભક્તિ મને મળે ક્યાંથી. ૨૫

સંત છે નિરમાનિ તે કેવા, પરીક્ષા તેનિ પૂરણ લેવા;

આવી ભક્તિ કરાવું તે પાસ, જોવા ઉત્તમ મધ્યમ દાસ. ૨૬

નહિ તો ધામ સોનાનું સારું, હું તો આકાશમાંથી ઉતારું;

ધારું તો ધનના ઢગ થાય, પછી શી સજે ભક્ત સેવાય? ૨૭

સુણિ સમજિયા સૌ જન મર્મ, જાણ્યો ભક્તિ તે ઉત્તમ ધર્મ;

પછિ ગોમતિ ગાળવા કેરું, કૃષ્ણ કામ ચલાવ્યું ઘણેરું. ૨૮

મટોડી તણિ ટોપલી ભરી, પોતે પાઘ ઉપર ધરે હરી;

દેખિ દેવતા વિસ્મિત થાય, એવિ ભક્તિ તે કરવા ચહાય. ૨૯

મચ્યા સંત ને ભક્ત હજારો, કરે જયજયકાર ઉચ્ચારો;

છાયાં આકાશે દેવવિમાન, પુષ્પવૃષ્ટિ કરે તેહ સ્થાન. ૩૦

એમ ગોમતિ કૃષ્ણે ગળાવી, એવામાં તો હુતાશનિ આવી;

નારાયણમોલમાં ઉભા રહી, રંગ ઉડાડ્યો શ્રીજિએ તહીં. ૩૧

તેથિ સંત ને સતસંગિ તણાં, તન ને મન રંગાયાં ઘણાં;

નિત્ય લીલા કરે હરિરાય, અતિ આનંદમાં દિન જાય. ૩૨

હરિનૌમી તણો દિન આવ્યો, સમૈયો ત્યારે સારો ભરાવ્યો;

દેશો દેશથિ આવિયા દાસ, થઈ દર્શનથી પૂર્ણ આશ. ૩૩

ચૈત્રમાસનિ પૂનમ સારી, રહ્યાં ત્યાં સુધિ સૌ નરનારી;

પછિ કૃષ્ણે કરી આજ્ઞાય, સંઘ સૌ હવે થાઓ વિદાય. ૩૪

કોઈને જવું નવ ગમે ઘેર, ચિત્ત ચંદ્ર ચકોરનિ પેર;

મત્સ્ય નીરથિ દૂર ન જાય, તેમ સૌ જન મન અકળાય. ૩૫

કેમ આજ્ઞા ઉલ્લંઘન કરે, હરિમૂર્તિને મન માંહિ ધરે;

પછિ સૌ જન જાય વિદેશ, વાટે લીલા વખાણે વિશેષ. ૩૬

ધન્ય ધન્ય જે વરતાલવાસી, પ્રેમે પૂજ્યા પ્રભૂ અવિનાશી;

લાવ લીધો ઘણી વાર વાર, એના પુણ્ય તણો નહિ પાર. ૩૭

પછિ વરતાલથી જગવંદ, ગયા ગઢપુર આનંદકંદ;

જેમ પૂર્વ કે પશ્ચિમ માંય, રવિ વારે વારે આવે જાય. ૩૮

બ્રહ્મરંધ્ર ને નાસિકા દ્વારે, પ્રાણવાયુ ફરે વારે વારે;

તેમ ગઢપુર ને વરતાલ, જાય વારે વારે વૃષલાલ. ૩૯

પુષ્પિતાગ્રાવૃત્ત

ગઢપુર વરતાલ ધામ કેવાં, શરિર વિષે શુભ નેત્રજોડ જેવાં;

નજર કરિ જુવો વિરાટ માંહિ, અવર ન એહ સમાન ધામ ક્યાંહી. ૪૦

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવૃત્તાલયે હરિનૌમીઉત્સવકરણનામ ત્રિપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૩॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે