કળશ ૮

વિશ્રામ ૫૪

પૂર્વછાયો

શ્રીહરિએ એક સમયમાં, ફૂલિબાનો નિહાળિને નેહ;

કરમડ જઈ અન્નકૂટ કર્યો, હવે કથા કહું છું તેહ. ૧

ચોપાઈ

ગઢપુરમાં બિરાજે ગોવિંદ, આવે દર્શને બહુ જનવૃંદ;

ધોલેરાના જે બાપજીભાઈ, જેનિ ભગનિ ભલી ફુલિબાઈ. ૨

તેનું સાસરું કરમડ ગામ, ત્યાંથિ આવ્યાં તે ગઢપુરધામ;

સાથે ભાઈને પણ તેડિ આવ્યાં, પુજાભાઈને પણ સાથે લાવ્યાં. ૩

પુજાભાઈ ને બાપજિભાઈ, બેય કાકાના સુત તે સગાઈ;

પુજાભાઈના ભત્રીજા જેહ, બનેસિંહજિના સુત તેહ. ૪

ભોજોભાઈ ને કૈ અજુબાઈ, આવ્યાં એ પણ દર્શને ધાઈ;

કૃપાનાથનાં દર્શન કર્યાં, તેથિ અંતર ત્રણેનાં ઠર્યાં. ૫

ફુલિબાએ કહ્યું ભાઈ પાસ, આવે કરમડ શ્રીઅવિનાશ;

અન્નકૂટ ત્યાં આવિને કરે, સમૈયો પણ ત્યાં સારો ભરે. ૬

આવે સંતનાં વૃંદ પવિત્ર, કરે ત્યાં હરિ ચારુ ચરિત્ર;

લીલા તે ગ્રંથ માંહિ લખાય, ગામ ગોકુળ તુલ્ય ગણાય. ૭

મારાં ભાગ્ય એવાં ક્યાંથિ હોય, તમે વિનતિ કરી જુવો તોય;

દયાસિંધુ દયા દિલ લાવે, આશા પૂરવા કરમડ આવે. ૮

પછિ ભાઇયો બે પરવરી, વિનતિ હરિકૃષ્ણને કરી;

ફુલિબાનો છે આગ્રહ અતી, ચાલો કરમડ સંતના પતી. ૭૯

અન્નકૂટ ઉત્સવ તહાં કરવો, સમૈયો ભલો તે સમે ભરવો;

નહિ આવો જો જગકરતાર, ફુલિબાનો છે એવો વિચાર. ૧૦

રહિ આ સ્થળમાં તપ કરવું, સુખ સર્વ બિજું પરહરવું;

સુણિ બોલિયા સુંદરશ્યામ, અમે આવશું કરમડ ગામ. ૧૧

મહા સંસ્કારિ છે ફુલિબાઈ, તપ ઉગ્ર કરેલું છે ભાઈ;

એવા એવા જનોને જ કાજ, અવતાર ધર્યો છે મેં આજ. ૧૨

મળેલાં જેઓને વરદાન, મળશે તમને ભગવાન;

વરદાન તે તો સત્ય કરવા, કેશોદેશ હું જાઉં છું ફરવા. ૧૩

તમે પ્રથમ તહાં પરવરો, અન્નકૂટનો સામાન કરો;

પ્રજ્ઞાનંદ ને સવિત્રાનંદ, બ્રહ્મચારિ જેરામ સ્વછંદ. ૧૪

તેને સાથે લઇને સંચરજો, કામ તેઓ કહે તેમ કરજો;

દિવાળિ પર આવશું અમે, કશિ ચિંતા ન રાખશો તમે. ૧૫

એમ કહિ કર્યો સૌને વિદાય, રહ્યા શ્રીહરિ ગઢપુરમાંય;

જ્યારે દિવાળિ ઢુંકડિ આવી, જવા તૈયારિ કૃષ્ણે કરાવી. ૧૬

સાથે ધર્મ તણો પરિવાર, તથા કાઠિ સખા અસવાર;

પારષદ વરણી અને સંત, સાથ લૈને ચાલ્યા ભગવંત. ૧૭

રહ્યા બોટાદ જૈ હરિ રાત, રાણપર ગયા ઉઠી પ્રભાત;

નદી ભાદરમાં ગયા જ્યારે, સતસંગિ સામા આવ્યા ત્યારે. ૧૮

મુખ્ય તો વિપ સંઘજી વ્યાસ, કુંભકાર બે કૃષ્ણના દાસ;

નામ વિશ્રામ ને જિવરામ, એહ આદિકે કીધા પ્રણામ. ૧૯

બહુ વિનયના શબ્દ સુણાવ્યા, ગામમાં પ્રભુને પધરાવ્યા;

ચાલ્યા અસવાર સૌ નોરાનોરે,1 ગયા મોલેસલામને ચોરે. ૨૦

હતા બેઠા ત્યાં આલમભાઈ, નમ્યા ધરમકુંવરને તે ધાઈ;

કહ્યું કૃષ્ણે બડેમિયાં ક્યાં છે, કહ્યું અમદાવાદ ગયા છે. ૨૧

કહે કૃષ્ણ ઉગામેડી ગામે, તેઓ આવ્યા હતા કાંઇ કામે;

ત્યારે અમને મળ્યા હતા તેહ, પરિપૂર્ણ જણાવ્યો તો નેહ. ૨૨

અમે જાણ્યું જે ભેટશું આજ, પણ તે તો થયું નહિ કાજ;

એમ કહિને ચાલ્યા સુખદાઈ, આડા ઉભા ત્યાં આલમભાઈ. ૨૩

મહારાજ રહો આંહિ રાત, પછિ ચાલજો ઊઠી પ્રભાત;

અતિ આગ્રહ કીધો એ ઠામ, ત્યારે બોલિયા સુંદરશ્યામ. ૨૪

શિદ તાણ્ય કરો રાખવાની, ઉતાવળ છે અમારે જવાની;

પછિ આલમભાઇએ લાવી, ભેટ સાકર કેરિ ધરાવી. ૨૫

હરિભક્તોએ પણ ચિત્ત ચાઈ, ધરિ માવાને ભેટ મિઠાઈ;

પછી ત્યાંથી ચાલ્યા અઘહારી, લોયે ગામ જવા ગિરધારી. ૨૬

ધારપીપળે જાવાની જેહ, રાણપરની છે ભાગોળ તેહ;

જ્યાં છે નારેચાણો હનુમાન, તહાં ઉભા રહ્યા ભગવાન. ૨૭

વળાવાને આવેલા જે ભાળ્યા, પ્રભુએ તેઓને પાછા વાળ્યા;

પછિ પરવર્યા સુંદરશ્યામ, લોયે ગામ ગયા ગુણધામ. ૨૮

સુરા ખાચરને દરબાર, ઉતર્યા જઇ વિશ્વઆધાર;

સંત ઉતર્યા મંદિર માંય, બીજા જેને ઘટે જેમ જ્યાંય. ૨૯

ઉતર્યા ધર્મવંશી સુપેર, તે તો સંઘા પટેલને ઘેર;

ધર્મવંશીએ કીધો જે થાળ, જમ્યા તે પ્રભુ જનપ્રતિપાળ. ૩૦

પોતપોતાને ચોકે પધારી, જમ્યા સંત તથા બ્રહ્મચારી;

સભામાં કરિ શ્રીજિએ વાત, સુણિ સર્વે થયા રળિયાત. ૩૧

સુખ સર્વને આપિ અપાર, પોઢ્યા રાત્રિયે પ્રાણઆધાર;

બીજે દિવસ જમીને સિધાવ્યા, ખળાવાડમાં જ્યાં પ્રભુ આવ્યા. ૩૨

સુરો ખાચર બોલ્યા તે ઠામ, બીજું નાગડકું મુજ ગામ;

તહાં સંચરો શ્રીગિરધારી, સ્નેહે સેવા સજીશ હું સારી. ૩૩

ભેંસજાળ તણા કાંયોભાઈ, કહે સાંભળો જનસુખદાઈ;

સુરો ખાચર તો છે શ્રીમંત, તેવો હું તો નથી ધનવંત. ૩૪

તમે હો જો ગરીબનિવાજ, મારે ગામ ચાલો મહારાજ;

તમે રાજનિવાજ કહાવો, ગામ નાગડકે તો સિધાવો. ૩૫

સુણિ બોલ્યા હરી સાક્ષાત, નથિ મારે કાંઈ પક્ષપાત;

છૂટિ મૂકું ઘોડીનિ લગામ, ઘોડિ જાય જવું તેહ ગામ. ૩૬

છૂટિ મેલિ લગામ તે જ્યારે, ભેંસજાળ ચાલી ઘોડિ ત્યારે;

કાંયોભાઈ બોલ્યા તેહ સ્થાન, બેલિ ગરિબ તણા ભગવાન. ૩૭

પ્રભુએ પછિ ઘોડી દોડાવી, ભેંસજાળ તે તરત જ આવી;

હરિભક્ત ઘણા સામા આવ્યા, વાજતે ગાજતે પધરાવ્યા. ૩૮

કાંયાભાઇના દરબાર માંય, ઉતર્યા પરમેશ્વર ત્યાંય;

કાંયાભાઇએ બરદાશ કીધી, વસ્તુ જોઇયે તે લાવી દીધિ. ૩૯

પ્રભુજી ઉતર્યા હતા જ્યાંય, બીજો ઓરડો જે હતો ત્યાંય;

ઠકરાણીયો તે માંહિ હતી, પ્રભુદર્શને આતુર થતી. ૪૦

પણ પુરુષ બેઠા હોય જ્યાંય, તેઓનાથિ જવાય ન ત્યાંય;

પુરુષો તો ભુલ્યા તેનું ભાન, થવા દીધું ન દર્શનદાન. ૪૧

બાઇયો અતિ આતુર થઈ, કરિયે દરશન ક્યાંહાં જઈ;

એમ કરતાં ગઈ રાત ઘણી, આશા પૂર્ણ ન થઈ તેહ તણી. ૪૨

પછી દીપક તેજ નસાડ્યું, કરામાં2 ખોદિ જાળિયું પાડ્યું;

કર્યાં શ્રીહરિનાં દરશન, ત્યારે શાંતિ પામ્યું તેનું મન. ૪૩

એવો અદ્‌ભુત ભાવ તે ભાળિ, અતિ રીઝિયા શ્રીવનમાળિ;

હતિ ગોદડિ પોતાની જેહ, પૂજવા આપિ તેઓને તેહ. ૪૪

પુરુષોને પછી ભાન આવ્યું, આપણે દરશન ન કરાવ્યું;

પછિ બાઇયોયે દર્શન કામ, એક સમય ઠરાવ્યો તે ઠામ. ૪૫

અહો ધન્ય એ બાઇયોનો પ્રેમ, તેનો મહિમા વર્ણવાય કેમ;

એના ચરણ તણી રજ લૈને, બ્રહ્મા શીશ ધરે રાજિ થૈને. ૪૬

બીજે દિવસ આરોગિને થાળ, ગયા કરમડ ગામ કૃપાળ;

સામા આવ્યા ઘણા સતસંગી, નમ્યા પ્રભુપદને તે ઉમંગી. ૪૭

હાર તોરા હરીને ધરાવ્યા, ગાજતે વાજતે પધરાવ્યા;

ફુલીબાનો છે દરબાર જ્યાંય, ઉતર્યા જગજીવન ત્યાંય. ૪૮

દિધી સ્વાદુ રસોઈ અત્યંત, જમ્યા શ્રીહરિ ને જમ્યા સંત;

અન્નકૂટ તણો જે સામાન, પછી જોવા ગયા ભગવાન. ૪૯

ભીમ પંડ્યો જે વેજળકાના, પાકશાસ્ત્ર જાણે સોળે આના;

ડોસો કંદોઈ પણ હતા પાસ, નાગનેશમાં જેનો નિવાસ. ૫૦

પેંડા બરફિ આદી પકવાન, તે તો તેણે કર્યાં તેહ સ્થાન;

એહ આદિ રસોઇયા જાણ્યા, વૃષનંદને સૌને વખાણ્યા. ૫૧

મોટિ ઓસરિ જોઇ રુપાળી, બિરાજ્યા તહાં શ્રીવનમાળી;

બ્રહ્મચારી જેરામે તે વાર, ધર્યાં ત્યાં પકવાન અપાર. ૫૨

ગામોગામના હરિજન જેહ, આવ્યા દર્શન કારણ તેહ;

બજાવે જન તાલ મૃદંગ, કરે ઉત્સવ ધારિ ઉમંગ. ૫૩

જમ્યા ભાવ જોઈ ભગવંત, જમાડ્યા પછિ શ્રીજિએ સંત;

ગામના પરગામના જેહ, સતસંગિ જમ્યા સહુ તેહ. ૫૪

બાપજીભાઈ ને પૂજાભાઈ, બોલ્યાં તેહ પ્રત્યે કુલિબાઈ;

તમે પૂજા કરો મારિ વતી, જેમ રીઝે મુનીશ્વરપતી. ૫૫

પછિ તે પૂજા કરવાને આવ્યા, શ્રીજિને શણગાર ધરાવ્યા;

સુરવાળ જામો અને પાઘ, જોતાં મૂલ તો જેનું અથાગ. ૫૬

કડાં કંઠી ધરાવિને સારી, આરતી અતિ હેતે ઉતારી;

વાજાં વિવિધ પ્રકારનાં વાય, તાળિ પાડે ને આરતિ ગાય. ૫૭

ફુલિબાયે તે મૂરતિ ધારી, લીધી અંતર માંહિ ઉતારી;

સમૈયો થયો તે બહુ સારો, કોઇને નહિ વીસરનારો. ૫૮

ધન્ય ધન્ય તે કરમડ ગામ, જહાં લીલા કરી ઘનશ્યામ;

તે તો ગોકુળ તુલ્ય ગણાય, એનો મોટો ઘણો મહિમાય. ૫૯

તીથિ આવે પ્રબોધિની જ્યારે, વરતાલ જવા ધાર્યું ત્યારે;

પ્રભુએ તે પોતાનો વિચાર, કહ્યો સૌને સભાની મોઝાર. ૬૦

ત્યારે બોલ્યા અયોધ્યાપ્રસાદ, આવો હે હરિ અમદાવાદ;

ઝાલાવાડિ બોલ્યા હરિજન, ઝાલાવાડને કરો પાવન. ૬૧

સુણિ બોલિયા શ્રીમહારાજ, દેવી લક્ષ્મીનારાયણ કાજ;

ધરાંગધરે સુભક્ત સિધાવો, ગાડાં પથ્થરનાં ભરિ લાવો. ૬૨

વળતાં પછી ગામ તમારે, આવવું તો જરૂર અમારે;

સુણી વચન વાલાજીનાં ભાવ્યાં, ગાડાં લૈ જવા નામ લખાવ્યાં. ૬૩

પુષ્પિતાગ્રાવૃત્ત

કરિ કરમડ ગામમાં કપાળે, લલિત લિલા અનકોટ એહ કાળે;

સુણિ જન મન સદ્ય શુદ્ધ થાય, અગણિત પાપ જરૂર નાસિ જાય. ૬૪

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિકરમડગ્રામે-અન્નકૂટોત્સવકરણનામ ચતુઃપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૪॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે