વિશ્રામ ૫૫
પૂર્વછાયો
કૃપાનિધી કરમડ થકી, જવા વિચર્યા અમદાવાદ;
તે જોઈને રાજી થયા, નિજ અંતરે અવધપ્રસાદ. ૧
ચોપાઈ
ચાલ્યા કરમડથી કૃપાનાથ, ગયા શીયાણીયે સહુ સાથ;
માવો મેઘા પટેલને ઘેર, ઉતર્યા જઇને રુડિ પેર. ૨
ભટ શિવરામની દીકરી, બાઇ કુંવર્યે રસોઇ કરી;
તેનો ભાઈ મોરારજી નામ, તેણે પીરશું પ્રભુને તે ઠામ. ૩
જમ્યા જીવન જગતઆધાર, જેનો નિગમ ન પામે પાર;
રહ્યા પટેલને ઘેર રાત, પરવરિયા ઉઠીને પ્રભાત. ૪
ગયા તાવિયે ત્રિભુવનનાથ, મળ્યો ત્યાં સતસંગનો સાથ;
અખોભાઇ જેઠાભાઈ ભારો, પુજોભાઈ અદોભાઈ સારો. ૫
સૌએ સેવા સજી બહુ સારી, રહ્યા રાત તહાં ગિરધારી;
બીજે દિવસ ત્યાં સારંગપાણી, અદાભાઈ પ્રત્યે બોલ્યા વાણી. ૬
આજ વપન1 કરાવવું છેય, સારો વાળંદ તેડાવો તેય;
અદાભાઈએ તેડાવ્યો ત્યારે, વેલો વાળંદ આવ્યો તે વારે. ૭
બેઠા વપન કરાવાને શ્યામ, કોરે અસ્ત્રે કર્યું તેણે કામ;
અસ્ત્રો આકરો લાગ્યો અતીશે, નહિ સહન થયો જગદીશે. ૮
તજી તેહ બિજા બદલાવ્યા, એક એકથિ આકરા આવ્યા;
ફરે અસ્ત્રો તે જે સમે શીર, આવે નાથના નેણમાં નીર. ૯
હતા જાલમસિંહજિ પાસ, જેનો દેવળિયામાં નિવાસ;
કહ્યું તેણે કરીને પ્રણામ, સારો વાળંદ છે મુજ ગામ. ૧૦
થઈ અસ્વાર ત્યાં હું સિધાવું, તેને તરત અહીં તેડી લાવું;
એમ કહિને તરત ગયા ત્યાંય, વાલે વેલાને કીધો વિદાય. ૧૧
શાર્દૂલવિક્રીડિત
માથે અર્ધ દિસે હજામત કરી ત્યાં તેજ ભાસે ઘણું,
કેવી શ્રીહરિની છબી તહિં દિસે તે ભાવથી હું ભણું;
ગંગારૂપ દિસે શિખા અહિપતીની કંઠિ કંઠે કરી,
ચીખી ચંદ્રકળા શિરે ચળકતી શું નીલકંઠે ધરી. ૧૨
ચોપાઈ
પછિ સ્નાન કર્યું તહાં નાથે, ચાલ્યા ત્યાં થકી સંતની સાથે;
ચાલ્યા દેવળીયા ભણિ જ્યાંય, આવિ ડોળિ તલાવડી ત્યાંય. ૧૩
ત્યાં તો જાલમસિંહજી આવ્યા, એક વાળંદને સાથે લાવ્યા;
તેનિ કોથળિ તો તેહ રાયે, વળગાડિ હતી કંઠ માંયે. ૧૪
દીસે અસ્વાર તે તેહ ઠામ, ચાલે પેગડું ઝાલી હજામ;
તેને સંત ને હરિજને ભાળ્યા, ત્યારે પ્રેમના ગર્વ તે ટાળ્યા. ૧૫
મહીનાથ2 દિઠા નિરમાની, તે તો વાત નહીં કાંઈ નાની;
કદિ હાથમાં જેહ ન ઝાલી, તે તો કોથળિ કોટમાં ઘાલી. ૧૬
થઇ અસવાર દોડતા આવે, દોડતો સાથે વાળંદ લાવે;
સંત હરિજન ઉચર્યા એમ, ધન્ય ધન્ય અહો એનો પ્રેમ. ૧૭
પ્રભુને કર્યા તેણે પ્રણામ, કહ્યું નાથ આ આવ્યો હજામ;
લાવ્યા પાણી તણો ભરિ પ્યાલો, બેઠા વપન કરાવાને વાલો. ૧૮
બેઠા સંત સહુ આસ પાસે, બેઠા હરિજન દર્શન આશે;
મુક્તાનંદ કહે મહારાજ, કેવો વાળંદ આ કહો આજ. ૧૯
સુણિ બોલિયા શ્રીઘનશ્યામ, હતો વાળંદ જે તાવિ ગામ;
હતું જીવજોખમ તેહ વિષે, આમાં દેહનું જોખમ દીસે. ૨૦
સમઝ્યા સહુ વચનનો સાર, ઓલ્યાથી એહ સારો લગાર;
સુણો ભૂપ કહે વરણીજી, બનિ એવે સમે વાત બીજી. ૨૧
પૂર્ણાનંદ નિર્વિકારાનંદ, આવ્યા જ્યાં હતા સૌ મુનિવૃંદ;
નવ દીઠો ત્યાં બેસવા માગ, નવ દીઠો ત્યાં પેસવા લાગ. ૨૨
મનમાં આવિયું અભિમાન, કેમ બેસિયે છેવાડે સ્થાન;
આઘા જાય અને પાછા આવે, કોઇ સંત તેને ન બોલાવે. ૨૩
જોઇ સંતોને શ્રીજિ કહેય, જૂવો માનની મૂર્તિ આ બેય;
માન ખંડનની બહુ વાત, કહિ શ્રીજિ મુખે સાક્ષાત. ૨૪
માની ભક્ત મને નવ ગમે, માની જાય વહ્યો કોઈ સમે;
કામ ક્રોધ કદાપિ જિતાય, પણ માન થકી તો હરાય. ૨૫
માનિ ભક્તે સેવા ન સજાય, માનિથી નહિ આજ્ઞા મનાય;
માનિનું થાય જો અપમાન, સામો થાય તે શત્રુ સમાન. ૨૬
નિરમાનિ મને પ્રિય જેવો, માનિ ભક્ત નહીં પ્રિય તેવો;
એવી વાત કરી ભગવાન, કર્યું તેહ તળાવમાં સ્નાન. ૨૭
રહ્યા દેવળિયે જઇ રાત, સૌએ સેવા કરી ભલિ ભાત;
માવો ત્યાંથિ ગયા મછિયાવ, ત્યાંના ભક્તનો ભાળિને ભાવ. ૨૮
કર્યો ત્યાંથિ જઈને નિવાસ, અમદાવાદમાં અવિનાશ;
બદરીપતિનાં દરશન, કરિને જમ્યા થાળ જીવન. ૨૯
દિન આવ્યો પ્રબોધિનિ કેરો, સમૈયો તો ભરાયો ઘણેરો;
કર્યો ઉત્સવ તે રુડિ રીતે, પૂજ્યા શ્રીહરિને સૌએ પ્રીતે. ૩૦
પછિ સાંજે સભા સજિ શ્યામે, બેઠા પાંચસે સંત તે ઠામે;
માવે ખેશ મગાવ્યા અનેક, સર્વ સંતને આપ્યો અકેક. ૩૧
અતિ અંતરમાં ભાવ ધરી, પૂજા આનંદસ્વામિએ કરી;
એમ લીલા કરે અવિનાશી, વીતિ કાર્તિકી પૂરણમાસી. ૩૨
ચાલ્યા શ્રીપુરથી જગવંદ, ગયા જેતલપુર સુખકંદ;
સાથે લૈને ઘણા ઘણા સંત, ગયા ગામડિયે ગુણવંત. ૩૩
ત્યાંથિ ચાલ્યા હરી ધિમા ધીમા, આવિ ગામ કનીજનિ સીમા;
તહાં દીઠિ તળાવની પાળ, એક રાયણ વૃક્ષ વિશાળ. ૩૪
થોડિ વાર કર્યો ત્યાં વિરામ, ગયા મેમદાવાદમાં શ્યામ;
રહ્યા બેચરભાઈને ઘેર, સેવ્યા દુલ્લભરામે સુપેર. ૩૫
કર્યો સ્નેહે કરી તેણે થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ;
જુનું મંદિર છે જેહ ઠામે, સભા ત્યાં સજિ સુંદરશ્યામે. ૩૬
કરિ સંપ વિષે ઘણિ વાત, સુણિ સર્વ થયા રળિયાત;
બીજે દિવસ મળી હરિજન, કહે ચાલો કરીને ભોજન. ૩૭
અતિ આગ્રહના શબ્દ ભાખ્યા, ત્યારે સંતોને જમવાને રાખ્યા;
ચાલ્યા ત્યાં થકિ શ્યામ સુજાણ, ઉતર્યા વડ હેઠ ડભાણ. ૩૮
સતસંગિયો સૌ મળિ આવ્યા, સિધુ સામાન તે સર્વ લાવ્યા;
બ્રહ્મચારિએ ત્યાં કર્યો થાળ, જમિ રાત રહ્યા ત્યાં દયાળ. ૩૯
પ્રભુ ચાલિયા પ્રાતસકાળે, વાલો વેગે આવ્યા વરતાલે;
રમાનાથનાં દર્શન કરી, હરિમંડપે ઊતર્યા હરી. ૪૦
બીજા સર્વને આપ્યા ઉતારા, જેને જેમ ઘટે તેમ સારા;
હરિજન ઘણા દર્શને આવે, જ્ઞાનવાત વાલો સંભળાવે. ૪૧
સૌને આનંદ થાય અપાર, એમ વીત્યા દિવસ ત્રણ ચાર;
અયોધ્યાવાસિ એ સમે આવ્યા, પરિવાર સાથે તેડિ લાવ્યા. ૪૨
રામપ્રતાપનો પરિવાર, તેનાં નામ સુણાવું આ ઠાર;
મોટા પુત્ર તેના નંદરામ, તેની પત્નિનું લક્ષમી નામ. ૪૩
નારાયણ રામશરણ બે પુત્ર, સારું શોભે તેનું ઘરસૂત્ર;
નંદરામ તણા સગા ભ્રાત, નામે ઠાકોરરામ વિખ્યાત. ૪૪
શિવકુંવર્ય તથા કઇલાસી, તેની પત્નિયો બેય સુવાસી;
રામસુખ તેહનો સુત જાણો, એ રીતે એનો વંશ પ્રમાણો. ૪૫
પુત્રિ રામપ્રતાપનિ એક, ધનુબા નામ જાણે વિવેક;
ઇચ્છારામનો કહું પરિવાર, વરીયાળિ જેની ઘરનાર. ૪૬
તેના પુત્ર ગોપાળજી આવ્યા, ત્રણ ભાઈને તે તેડિ લાવ્યા;
વૃંદાવનજિ અને સીતારામ, બદરીનાથ ત્રીજાનું નામ. ૪૭
ઇંદિરાવાસી ને ઇંદિરાસી, કમળા ત્રીજી સદગુણરાશી;
ત્રણ ભાઈનિ તે ભારજાઓ, વિવેકી સમજૂ વનિતાઓ. ૪૮
ઇચ્છારામનિ બેય દીકરી, નામ ફૂલશ્રી ને ફૂલઝરી;
મામા ગોપાળજી તણા જાણો, શિવદીનજિ નામ પ્રમાણો. ૪૯
વિશરામ ઘેલઈ ને સુબોધ, મામા શ્રીજિના તે ત્રણ જોદ્ધ;
વિશરામના પુત્રોનાં નામ, મંચ્છારામ તથા કન્હિરામ. ૫૦
ઘેલઇના તનુજ બેય જાણો, ગવરી તથા બદરી પ્રમાણો;
કહું સુબોધ કેરા કુંવર, જગન્નાથ અને વંસીધર. ૫૧
જાણો સીટન ત્રીજાનું નામ, આવ્યા તે સહુ વરતાલ ધામ;
કર્યાં શ્રીહરિનાં દરશન, થયાં તેથિ આનંદિત મન. ૫૨
શ્રીજિએ પણ સ્નેહ જણાવ્યો, જથાજોગ્ય ઉતારો અપાવ્યો;
નાવા ગોમતિયે જન જાય, જતાં આવતાં કીર્તન ગાય. ૫૩
શોભે અક્ષરધામ તે જેવું, ભાસે વરતાલ તે સમે તેવું;
લૈને વૃષકુળ સંત સમાજ, ગયા મેળાવ શ્રીમહારાજ. ૫૪
રસ્તે ક્યાંઇક કરતા મુકામ, પહોંચ્યા પ્રભુ ધોલેરે ધામ;
કરિ દેવનાં દર્શન ત્યાંય, ઉતર્યા હરિમંદિર માંય. ૫૫
કર્યો થોડા દિવસ ત્યાં નિવાસ, જગ્યા જે હતિ મંદિર પાસ;
ભળતી જાણિ કૃષ્ણને ભાવી, તથિ તે તો જગ્યા લેવરાવી. ૫૬
પછી ત્યાં થકિ સંચર્યા સ્વામી, બરવાળે ગયા બહુનામી;
હરી સાથે સખા અસવાર, નદિ ઉતાવળીનિ મોઝાર. ૫૭
જળ ભરતી હતી તહાં નારી, ઘોડાં પાવા રહ્યા ગિરધારી;
વસતાના તનુજ વશરામ, લુવાણા રહે બરવાળે ગામ. ૫૮
રાધા નામે તેની ઘરનાર, જળ ભરતી હતી તેહ ઠાર;
બિજિ સૂતાર ડાહ્યાનિ માય, જળ ભરતી હતી તેહ ત્યાંય. ૫૯
બેયે ભાળિયા શ્રીભગવાન, ભૂલિ ગૈ તેહ દેહનું ભાન;
નદી તીરે બેડાં મુક્યાં ખાલી, બેય શ્રીજિનિ પાછળ ચાલી. ૬૦
ગામ કુંડળ થૈને કૃપાળ, ગઢડે ગયા દીનદયાળ;
બેય બાઇયો ગઢપુર ગઈ, પ્રભુ માંઈ પ્રેમાતુર થઈ. ૬૧
બેઠા શ્રીજિ સભા સજિ ત્યાંય, બેઠિ બાઇયો બાઇયોમાંય;
સૂરા ખાચરે ત્યાં પછ્યો પ્રશ્ન, અહો સાંભળો હે હરિકૃષ્ણ. ૬૨
ભાગવત અમે સાંભળ્યું જ્યારે, ઉપજ્યું અતિ અચરજ ત્યારે;
ગોપિકાઓનો પ્રેમ અપાર, તજ્યા પુત્ર અને પરિવાર. ૬૩
ભુલિ દેહ તણું પણ ભાન, તેને લાગ્યું શ્રીકૃષ્ણથિ તાન;
હશે આજે કોઈ બાઈ એવી, કહિયે જેને ગોપિકા જેવી. ૬૪
સુણિ ઉચ્ચર્યા અંતરજામી, સરવેશ્વર સર્વજ્ઞ સ્વામી;
ગોપીયોથિ જેની અધિકાઈ, એવિ બાઇયો છે આજ ભાઈ. ૬૫
કહિ એમ કૃપા દૃષ્ટિ ધરી, બેય બાઈયોને ઉભી કરી;
પુછ્યાં તેઓનાં ગામ ને નામ, પુછ્યું આવ્યા તણું અહિં કામ. ૬૬
કહિ બાઈયોએ બધિ વાત, કહ્યાં નામ ને નાત ને જાત;
ભાળ્યા તમને અમે ભગવાન, તથિ ભૂલિ ગયાં તન ભાન. ૬૭
બેડાં મૂક્યાં નદી તણે તીર, આવ્યાં નિર્ખવા શ્યામ શરીર;
કહે રાધાને શ્રીહરિ ત્યારે, ત્રણ બાળકિયો છે તમારે. ૬૮
પાંચ માસનિ તે રોઇ મરશે, કોણ રક્ષણ તેહનું કરશે?
સુણિ બોલિયાં તે રાધાબાઈ, તમે રક્ષા કરી ગર્ભમાંઈ. ૬૯
તમે રક્ષણ કરશો જ તેમ, ચિંતા ચિત્તમાં રાખિયે કેમ?
વળિ તેને પુછે મહારાજ, તમે કેમ તજી લોકલાજ. ૭૦
કહે બાઇયો હે પ્રાણનાથ, તજ્યો છે અમે સર્વેનો સાથ;
તજ્યા ઘરધણિ ને ઘરબાર, તજ્યો સર્વ પ્રકાર સંસાર. ૭૧
કર્યું જીવિત પણ કુરબાન, લોકલાજ તો તૃણનિ સમાન;
તમે માથા થકી પ્રભુ મોંઘા, પ્રાણ સાટે મળો તોય સોંઘા. ૭૨
ત્યારે બોલ્યા હરિ તતખેવ, મને જો સમજો ઇષ્ટદેવ;
મારિ આજ્ઞાનો ભંગ ન કરો, નિજ ઘેર તમે પરવરો. ૭૩
સુણિ નેણમાં આવિયાં પાણી, બોલ્યાં ગદ્ગદ કંઠથિ વાણી;
વિના જળ મત્સ્ય જીવે ન જેમ, અમે તમ વિના જીવિયે કેમ. ૭૪
પછિ મૂર્તિ આગળ જ્યારે થઈ, ત્યારે બાઇયો બરવાળે ગઈ;
સુરાભક્ત આદી જન તેહ, અતિ આશ્ચર્ય પામિયા એહ. ૭૫
પુષ્પિતાગ્રાવૃત્ત
પ્રભુપદ પર પૂર્ણ પ્રેમવાળી, વ્રજજુવતીથિ વિશેષ ભક્ત ભાળી;
અગણિત જુવતી સુ એહ ટાણે, પ્રભુ ભજનારિ મહામુની વખાણે. ૭૬
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીવૃત્તાલયે-પ્રબોધિન્યુત્સવકરણનામ પંચપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૫॥