કળશ ૮

વિશ્રામ ૫૬

પૂર્વછાયો

કહે અચિંત્યાનંદજી, સુણી અભયસિંહ અવનીશ;

લીલા લલિત વૃષલાલની, મન કોડ ધરીને કહીશ. ૧

ચોપાઈ

એક અવસરે વૃષકુળરાય, વસિ વાસ દુરગપુરમાંય;

ખેલ સારો વસંતનો કીધો, લાવ હરિજન સંતોએ લીધો. ૨

પછે કીધો જુનાગઢ માંય, સમૈયો શિવરાત્રિનો ત્યાંય;

શુદિ ફાગુણિ અષ્ટમિ જ્યારે, પાછા ગઢપુરમાં આવ્યા ત્યારે. ૩

શાર્દૂલવિક્રીડિત

શ્રીમાળી સતસંગિ ડોશિ તણું ત્યાં વર્ષી હતું તે દિને,

શ્રીમાળી દ્વિજ સાતસેં જન મળ્યા સર્વે નમ્યા શ્રીજિને;

ત્યારે ત્યાં દલપત્તરામ સ્વપિતા સાથે નમ્યો નાથને,

પૂરાં વત્સર આઠની ઉમરમાં જોડ્યા હતા હાથને. ૪

પૂર્વછાયો

પુષ્પદોલોત્સવ ગઢપુરે, કર્યો શ્રીહરિ સુખના ધામ;

ગામ પંચાળેથિ આવિયા, ઝીણાભાઇ તે દર્શનકામ. ૫

ચોપાઈ

લલિતા જયા આદિક બાઈ, દાદા ખાચર આદિક ભાઈ;

મળિ સૌ જને કીધો વિચાર, સમૈયો કરવો એહ ઠાર. ૬

થાય વરસો વરસ વરતાલ, આંહિ કરવો જરૂર આ કાળ;

પછિ શ્રીજિનિ પાસ સંચરી, અતિ આગ્રહે વિનતિ કરી. ૭

હરિનવમીનો ઉત્સવ એહ, કરવો પ્રભુ આંહિ જ તેહ;

કંકોતરીયો લખી ગુજરાત, અમે મોકલશું ભલિ ભાત. ૮

દેશદેશના ભક્ત તમામ, તેથી આવશે ગઢપુર ધામ;

સૌનો આગ્રહ જોઇ અપાર, પ્રભુ બોલ્યા ન કાંઇ લગાર. ૯

સૌએ વાત તો એવિ ચલાવી, હરિનૌમી તો આંહિ ઠરાવી;

ઝીણાભાઇએ જૈ પ્રભુ પાસ, કર્યાં વિનતિનાં વચન પ્રકાશ. ૧૦

હરિનૌમીનો ઉત્સવ જેહ, આંહિ આ અવસર થશે તેહ;

તેમાં થાશે ખરચ જેટલું, તે તો આપીશ હું જ તેટલું. ૧૧

એહ વાત કરી અંગિકાર, મને આપો વચન એહ ઠાર;

સુણિ બોલ્યા પ્રભૂ રુડિ પેર, અમે રહિયે છૈયે જેને ઘેર. ૧૨

તેને પુછો તમે તેહ વાત, કેમ પરબારું માનિયે ભ્રાત;

ઝીણાભાઇએ સમજી લઈ, દાદા ખાચરને પુછ્યું જઈ. ૧૩

હરિનવમીનો ઉત્સવ થાશે, તેમાં જેટલું ખર્ચ જણાશે;

તે તો આપવું છે જ અમારે, વાત માનવિ પડશે તમારે. ૧૪

રહે છે પ્રભુ આંહિ હમેશ, તમે ખર્ચ કરો છો વિશેષ;

કરવા દ્યોજિ આટલું અમને, કહું છું વિનતી કરિ તમને. ૧૫

દાદા ખાચર બોલ્યા તે સમે, આંહિ આવ્યા છો મેમાન તમે;

જ્યારે આવે પ્રભૂ તવ ગામ, ત્યારે કરજો ખરચ તેહ ઠામ. ૧૬

આંહિ કરવું ઘટે ન તમારે, આંહિ તો કરવું જ અમારે;

ઝીણાભાઇએ આગ્રહ કર્યો, દાદા ખાચરે દિલ નવ ધર્યો. ૧૭

લાધો ઠક્કર ઠક્કર હરજી, આવ્યા સૌ જનની જોઇ મરજી;

બેસિ એકાંતમાં જનવાત, કંકોતરિયો લખી ગુજરાત. ૧૮

હરજીવન ને લક્ષ્મિરામ, વિપ્ર બેચર આદિક નામ;

આપી કંકોતરિયો ચલાવ્યા, કારિયાણીયે તે તો સિધાવ્યા. ૧૯

એક રાત રહી એહ ઠામ, જાવું ધાર્યું જુદે જુદે ગામ;

વસ્તા ખાચરનો દરબાર, વિપ્રો ઉતર્યા જૈ તેહ વાર. ૨૦

હતું મંદિર સંત ઉતરવા, વિપ્ર ત્યાં ગયા દર્શન કરવા;

હતા ત્યાં મુનિ સચ્ચિદાનંદ, તેને પ્રણમીને પામ્યા આનંદ. ૨૧

કહ્યું કેમ પધાર્યા છો ભ્રાત? ત્યારે વિપ્રે કહી બધી વાત;

સચ્ચિદાનંદ સ્વામી સમર્થ, તેણે જાણું જે જાય છે વ્યર્થ. ૨૨

સમૈયો એ તો વરતાલ થાશે, શ્રમ વિપ્રોના નિષ્ફળ જાશે;

એમ જાણિ બોલ્યા મુનિ ત્યારે, તમે આવજો આંહિ સવારે. ૨૩

મળ્યા વગર મને નવ જાશો, જશો તો પછિથી પસતાશો;

કહે વિપ્રો જો આવિયે અમે, સમાધીમાં બેઠા હોજિ તમે. ૨૪

જાગતાં તો દિવસ ચડિ જાય, તડકો જતાં પંથમાં થાય;

અમે તો ઉર ધાર્યું છે આવું, પાછલી રાતે ઊઠિને જાવું. ૨૫

સચ્ચિદાનંદ બોલિયા વાણી, મારિ વાત માનો હિત જાણી;

પ્રભાતે તમે તૈયાર થાજો, મને પૂછિને પંથે પળાજો. ૨૬

માનિ વિપ્રોએ તે પછી વાત, જમિ સૂતા ઉતારામાં રાત;

ગઢપુરના જનો તણો જ્યારે, વેગ શાંત પડ્યો કાંઇ ત્યારે. ૨૭

શ્રીજિએ સરવેને બોલાવ્યા, સુણિ આજ્ઞા સહુ જન આવ્યા;

કહે શ્રીજિ સુણો સહુ જન, કહું તે તો વિચારજો મન. ૨૮

દેશદેશના ભક્તોને અમે, કહ્યું છે તે તો જાણો છો તમે;

રામનૌમિ પ્રબોધનિ જેહ, સદા વરતાલ કરશું જ તેહ. ૨૯

માટે સૌ તમે આવજો ત્યાંય, કહ્યું છે એમ સમૈયા માંય;

તથિ સૂરત બુરાનપુર, એહ આદિક જે દેશ દૂર. ૩૦

હરિનવમી ઉપર વરતાલ, ત્યાંના આવશે સંઘ વિશાળ;

તેમણે ગઢપુર ન અવાય, માટે સમૈયો આંહિ ન થાય. ૩૧

વળતી આવતા વર્ષ માંહિ, રામનૌમિ તો કરશું જ આંહિ;

પણ આ વરસે ન કરાય, ફેરો કૈકનો ફોગટ જાય. ૩૨

મને કરવા જો ઇચ્છો પ્રસન્ન, માનો સૌ તમે મારું વચન;

સુણિ સૌ જન બોલિયા એમ, કરો તમને ગમે પ્રભુ તેમ. ૩૩

પણ કંકોતરિયો લખાણી, તેનું શું થશે સારંગપાણી;

સુણિ બોલિયા શ્રીઘનશ્યામ, તજો તેનિ તો ચિંતા તમામ. ૩૪

કારિયાણી ગયા કંકોતરિયા, તેઓ ત્યાં જઇને રાત ઠરિયા;

સચ્ચિદાનંદ સ્વામિ છે ત્યાંય, રાખશે વિપ્રને ગામ માંય. ૩૫

જવા સૌ તમે થાઓ તૈયાર, કોઇ પાળા ને કોઇ સવાર;

જવું આપણે આંહિથિ આજ, લઇ સંઘાતે સંત સમાજ. ૩૬

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિવર વરતાલ પંથ જાવા, સઉ જનને કહિ વાત સજ્જ થાવા;

સજિ ભલિ અસવારિ એહ વારે, છબિ શુભ તેહ વસો ઉરે અમારે. ૩૭

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવૃત્તાલયે-વિચરણનામ ષટ્પંચાશત્તમો વિશ્રામઃ ॥૫૬॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે