કળશ ૮

વિશ્રામ ૫૭

પૂર્વછાયો

પ્રભુ ચાલ્યા ગઢપુર થકી, સખા સંત ને પાર્ષદ સાથ;

રાત્ય રહ્યા રુડિ રીતથી, કારિયાણીયે જૈ કૃપાનાથ. ૧

ચોપાઈ

કંકોતરિયા હતા વિપ્ર જેહ, સચ્ચિદાનંદે રોકેલા તેહ;

તેઓ શ્રીજિને લાગિયા પાય, જાણ્યો સંત તણો મહિમાય. ૨

બીજે દિન ગયા હરિ ઝમરાળે, ત્યાંથિ ચોકડિ સરોવર પાળે;

ગયા ધોલેરે ધર્મકુમાર, રહ્યા મંદિર માંહિ મુરાર. ૩

ગયા પીપળિયે પરમેશ, દયાસાગર દીનજનેશ;

કમિયાળાના આવિયા જન, કહ્યા વિનતિનાં તેણે વચન. ૪

વિચરી પ્રભુ ગામ અમારે, નહિ રોકિયે ત્યાં ઝાઝી વારે;

સંત મંડળને કહે માવો, તમે પાંશરે1 પંથે સિધાવો. ૫

કમિયાળે જઈ જમી થાળ, અમે આવશું ત્યાં તતકાળ;

એમ કહિને ચલાવિયા સંત, કમિયાળે ગયા ભગવંત. ૬

જમિ ત્યાંથિ સિધાવિયા માવો, જતાં પંથમાં આવ્યો ભોગાવો;

સંતમંડળને મળ્યા ત્યાંય, સંતો રાજી થયા મનમાંય. ૭

થયો તે સમે મધ્યાહ્નકાળ, રવિતાપ તપ્યો વિકરાળ;

ઉઘાડે પગે ચાલતા સંત, કરિ આજ્ઞા હતિ ભગવંત. ૮

દેખિ દાઝતા સંતના પાય, દીનબંધુને આવી દયાય;

વાત રાખી તે અંતરે યાદ, ભગવાન પધાર્યા ભોળાદ. ૯

ચાલ્યા બોરુ ભણી બળવાન, આવ્યું એક તળાવ તે સ્થાન;

ગામ ભોળાદની સીમમાંય, શમડો2 દિઠો સુંદર ત્યાંય. ૧૦

તહાં ઉતર્યા અંતરજામી, સંત સુધાં તે સંતનો સ્વામી;

દિશા દક્ષિણમાં તેહ ઠામ, એક કૂપ જો કુવો નામ. ૧૧

તેનું નીર લાવ્યા સંત ભરી, છોટી ભૂમિ તે શીતળ કરી;

વસ્ત્ર ભીંજિ બાંધ્યા ચારે પાસ, પછી પોઢ્યા તહાં અવિનાશ. ૧૨

સુતાં સુતાં વિચારિયું એમ, તાપમાં સંત ચાલે છે કેમ;

કષ્ટ સહન કરે મને પામી, તપમાં તો નથી કાંઈ ખામી. ૧૩

બોલ્યા સંત પ્રત્યે પ્રભુ ત્યારે, માનવી મારિ આજ્ઞા તમારે;

માટે હું કહું છું તેમ કરજો, પગે ચર્મના પાવલાં3 ધરજો. ૧૪

સંત તો તપમાં રાજિ હોય, પ્રભુઆજ્ઞા ન લોપાય તોય;

તેથિ આજ્ઞા ચડાવી તે શીશ, ત્યારે રાજિ થયા જગદીશ. ૧૫

પછિ ત્યાંથી ચાલ્યા ભગવાન, વારણાની વાટે સુખદાન;

બુટદેવીનું દેવળ આવ્યું, ઝાડ વરખડાનું મન ભાવ્યું. ૧૬

જળાશય તટ જોઇને સારો, કર્યો શ્રીહરિએ ત્યાં ઉતારો;

જોરાભાઈ પ્રત્યે કહે માવો, કાંઇ ટીમણ4 હોય તો લાવો. ૧૭

ત્યારે બોલિયા તે જોરાભાઈ, કમિયાળા વિષે સુખદાઈ;

ગઢવી ખીમરાજની નારી, તેણે સાકર આપી છે સારી. ૧૮

કહો તો પ્રભુજી તેહ લાવું, નથિ બીજું જે લાવી ધરાવું;

માવે સાકર તે માગી લીધી, સુરા ખાચરને ખોબો દીધી. ૧૯

જોવા શ્રીજિનો પરમ પ્રતાપ, સુરોભક્ત બોલ્યા મર્મ આપ;

સૌને આપજો એહ પ્રમાણે, વેરોવંચો5 ન કરશો આ ટાણે. ૨૦

મર્મ શ્રીહરિએ જાણ્યો તેય, હતી સાકર તો શેર બેય;

પણ દેખાડવાને પ્રતાપ, વેંચિ સાકર શ્યામે અમાપ. ૨૧

સંત પાર્ષદ સાદ કરીને, આપી પ્રત્યેક પોસ6 ભરીને;

પીસ દેવીને પણ પોચડાવી, ફરિથી પોસ પોસ વેંચાવી. ૨૨

રહિ બાકિ તપાસિ તે જ્યારે, હતી ત્યાં તો બશેર તે ત્યારે;

લાગ્યું અચરજ સૌને અમાપ, જાણ્યો પ્રગટ પ્રભુનો પ્રતાપ. ૨૩

પછિ ત્યાંથિ ચાલ્યા ભગવાન, જઈ સાભ્રમતી કર્યું સ્નાન;

ગયા વરસડે વિશ્વઆધાર, રાતવાસો રહ્યા તેહ ઠાર. ૨૪

તહાં ગોપાળજી મહારાજે, કરિ બાટિયો જમવાને કાજે;

કરિ તે જોડે અડદનિ દાળ, જમ્યા શ્રીહરિ જનપ્રતિપાળ. ૨૫

ધર્મવંશિ જમ્યા સહુ પ્રીતે, પછિ પોઢિ રહ્યા રુડિ રીતે;

ત્યાંથિ પરવર્યા બિજે દહાડે, બપોરા કર્યા જૈ સંજિવાડે. ૨૬

પછિ વાલમ વરતાલ આવ્યા, સામૈયું કરિ સત્સંગિ લાવ્યા;

થોડા દિવસ રહ્યા હરિ જ્યારે, આવ્યો દિન હરિનવમી ત્યારે. ૨૭

આવ્યા હરિજન સંઘ હજારો, સમૈયો થયો તે બહુ સારો;

ચાલે સંતને નિત્ય રસોઈ, હરખે મુખ હરિજન જોઈ. ૨૮

નિત્ય વાતો નવી નવી થાય, મહા પ્રૌઢ પ્રતાપ જણાય;

જેમ સાગરમાં આવે ભરતી, નિત્ય દિસે વિશેષ તે ચઢતી. ૨૯

તેમ જે જે સમૈયો ભરાય, એક એકથિ શ્રેષ્ઠ જણાય;

લાખો લેખે વધ્યા સતસંગી, આટામાં લુણ તુલ્ય કુસંગી. ૩૦

થયો અસુર સમસ્તનો નાશ, થયો હરિના સુજશનો પ્રકાશ;

કહે કોઈ ખરા પ્રભુ એ છે, મહાપુરુષ કહે કોઇ તે છે. ૩૧

નમે સૌ હરિકૃષ્ણને જોઈ, જન નિંદા કરે નહિ કોઈ;

જોઇ સંતનો શુદ્ધ આચાર, જન સર્વને મન પડ્યો ભાર. ૩૨

કહે આવા નથિ ક્યાંઇ સંત, નકિ એને ભેટ્યા ભગવંત;

એમ જાણિ જનો ભલે ભાવે, મહારાજને દર્શને આવે. ૩૩

હતિ જ્યાં જ્યાં ઉપાધિ અશેષ, વધ્યો ત્યાં સતસંગ વિશેષ;

ગામમાં પેસવા નવ દેતા, એવા દ્વેષિ ઘણા જ્યાં રહેતા. ૩૪

હરિમંદિર ત્યાં થયાં સારાં, થયાં માણસ માન દેનારાં;

વરતાલમાં જયજયકાર, કરિ ચાલિયા ધર્મકુમાર. ૩૫

સંજિવાડે રહ્યા જઇ રાત, ત્યાંથિ પરવર્યા ઊઠિ પ્રભાત;

ગયા વરસડે કુંજવિહારી, ગળિયાણે ચાલ્યા ગિરધારી. ૩૬

આવ્યું વાટમાં એક તળાવ, તહાં ઊતર્યા નટવરનાવ;

સ્નાન આદિ કર્યું નિત્યકર્મ, નિજજનને શિખવવાને ધર્મ. ૩૭

સાધુ શૂન્યાતીતાનંદસ્વામી, તેણે શ્રીહરિને શિર નામી;

સાથવો અને સાકર આપી, જમ્યા તે પ્રભુ પ્રૌઢ પ્રતાપી. ૩૮

ગળિયાણે પ્રભુ પરવરિયા, હરિમંદિર માંહિ ઉતરિયા;

ગયા જાખડા ગામે જનેશ, ત્યાંથિ પીપળિયે પરમેશ. ૩૯

ગયા ધોલેરે ધર્મકુમાર, ત્યાંના હરિજન હરખા અપાર;

નિજજનને ઘણું સુખ દેવા, વિચરે પ્રભુ દેશમાં એવા. ૪૦

જે જે ગામમાં શ્રીહરિ જાય, હરિભક્તને હરખ ન માય;

સજે શ્રીહરિની ઘણિ સેવા, મોટો લાભ અલૌકિક લેવા. ૪૧

કોઇ પરમતના7 જન હોય, આવે દર્શન કરવાને તોય;

શુદ્ધ ધર્મ તણી રિત જોઈ, સંત સહિતને આપે રસોઈ. ૪૨

અવિદ્યાનો તો આવિયો અંત, ભાવ્યા સૌને દિલે ભગવંત;

ઘોલેરા થકિ ધર્મકુમાર, ગયા ગઢપુર ગુણના અગાર.8 ૪૩

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રગટ પ્રભુ તણો ઘણો પ્રતાપ, જગત વિષે પ્રસર્યો દિસે અમાપ;

પ્રગટ ભજન ઘેર ઘેર થાય, જન સતસંગિ જહાં તહાં જણાય. ૪૪

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવૃત્તાલયે હરિનવમીઉત્સવકરણનામ સપ્તપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે