વિશ્રામ ૫૮
પૂર્વછાયો
વર્ણિ કહે વસુધેશને, સુણો જીરણ ગઢ મહિમાય;
રાધારમણ દેવ સ્થાપિયા, હવે કહું છું તે કથાય. ૧
ચોપાઈ
હરિનવમી ચોરાશિયા કેરિ, કરિ વરતાલમાં રંગલેરી;1
પછિ ગઢપુરમાં રહિ શ્યામ, જુવે ચાલતું મંદિર કામ. ૨
સુખશજ્યાંનું છે જહાં સ્થાન, તહાં પોઢતા શ્રીભગવાન;
જેઠો રત્નો બે શિલ્પિ સુજાણ, જેનાં વિશ્વમાં થાય વખાણ. ૩
તેઓને હરિ જેમ બતાવે, તેવી કોરણી બેય બનાવે;
વાસુદેવ નારાયણ કેરો, ઓરડો જે પવિત્ર ઘણેરો. ૪
તેનિ ઓસરિ પશ્ચિમ પાસ, જેમાં આવે વિશેષ ઉજાસ;
તહાં બેસિ નારાયણભાઈ, ઓપે મૂર્તિ કરી ચતુરાઈ. ૫
મુરતી ગોપિનાથજી કેરી, ઘાટમાં દિસે સરસ ઘણેરી;
મહારાજ તહાં ઘણું રહે, મુરતી ઓપનારને2 કહે. ૬
ગોપીનાથની મૂરતિ જેહ, કરો માપિને મુજ સમ તેહ;
ઉંચિ જાડિ ને આકારવાળી, કરો તે મુજ અંગ નિહાળી. ૭
સુણિને તે નારાયણભાઈ, ચલાવે નિજની ચતુરાઈ;
મહારાજનાં અંગ પ્રમાણે, કરિ મૂર્તિ તે સૌ જન જાણે. ૮
એક અવસરે મંદિરમાંય, વિરાજ્યા હરિ શજ્યા છે જ્યાંય;
ધર્મવંશિ તહાં મળિ આવ્યા, નમ્યા તે હરિને મન ભાવ્યા. ૯
પ્રણમી બોલ્યા રામપ્રતાપ, સુણો અરજ કૃપાનાથ આપ;
મુજ પુત્ર નામે નંદરામ, રામશરણ તેના સુત નામ. ૧૦
નારાયણપ્રસાદ બીજા છે, જનોઈ દેવા જોગ્ય થયા છે;
માટે મુહુરત ઉત્તમ જોઈ, આપો બેયને આપ જનોઈ. ૧૧
સુણિ શ્રીજિના મનમાં તે ભાવ્યું, જોશિ પાસે મુરત જોવરાવ્યું;
કૃપાનાથે રુડું કામ કીધું, બેય બાળને ઉપવીત દીધું. ૧૨
એવામાં જુનાગઢનિ મોઝાર, થયું મંદિર કાંઇ તૈયાર;
મોટા સંત તથા હરિજન, મળ્યા કરવા વિચાર તે મન. ૧૩
બ્રહ્માનંદ ગુણાતીતાનંદ, ઝીણોભાઈ જે સદગુણવૃંદ;
ગગોભાઇ ને ઉમેદસંગ, દાદાભાઈ એ સહિત ઉમંગ. ૧૪
અંબારામ ને માણેકલાલ, રૂપશંકર બુદ્ધિ વિશાળ;
જટાશંકર શિવશંકર, આવ્યા અમરજિ ઉમંગભર. ૧૫
દાસ રંગિલ માધવરાય, વૃંદાવન પણ આવિયા ત્યાંય;
દાસ ભૂખણ હીમતરામ, દાસ દયાળ ને દેવરામ. ૧૬
કાનજી ભિમજી દુર્ગાદાસ, બોલ્યા એક બિજા તણિ પાસ;
થયું મંદિર તો મને પ્યારું, હવે શ્રીજિ પધારે તો સારું. ૧૭
પ્રતિમાની પ્રતિષ્ઠા તે કરે, જોઈ હરિજનનાં મન ઠરે;
લખ્યો દુર્ગપુરે એક પત્ર, ગગાભાઈને મોકલ્યા તત્ર. ૧૮
તેણે જૈને દુરગપુર ધામ, પ્રેમે કીધા પ્રભુને પ્રણામ;
આપિ કાગળ આનંદકાર, કહ્યા મુખથી વળિ સમાચાર. ૧૯
પત્ર સૌ જનને સંભળાવ્યો, સૌને હૈયે હરખ ઉપજાવ્યો;
રામચંદ્ર જોશીને બોલાવી, શુદ્ધ માસ તિથી જોવરાવી. ૨૦
બીજ વૈશાખ વદ ગુરુવારી, જોશિયે કહિ તે તિથિ સારી;
જુનાગઢથિ જે આવેલો પત્ર, લખ્યો ઉત્તર તેહનો તત્ર. ૨૧
પતિષ્ઠાનિ લખી તિથિ વાર, લખ્યું સામાન કરજો તૈયાર;
થોડા દિવસમાં આવશું અમે, તેનિ ચિંતા ન રાખશો તમે. ૨૨
એવો કાગળ દૈ કરમાંય, ગગાભાઈને કીધા વિદાય;
પછિ તેણે જુનેગઢ જૈને, સમાચાર કહ્યા પત્ર દૈને. ૨૩
બ્રહ્માનંદ આદિક મળી સહુ, કરવા માંડ્યો સામાન બહુ;
નાતે નાગર જે પાંચિબાઈ, તેને એમ કહે ઝિણોભાઈ. ૨૪
જે જે જોઇયે તે માલ મગાવો, વડિ પાપડ સેવો કરાવો;
ત્યારે તે પાંચિબાઈ કહે છે, આખા ગામે જે બાઇયો રહે છે. ૨૫
નારાયણ દવેનો પરિવાર, એવા કામમાં છે હુશિયાર;
નરસી મહેતા પીપલાણે, તેના કુળની સ્ત્રિયો પણ જાણે. ૨૬
ધોરાજીમાં છે માવજિભાઈ, તેના ઘરનિ સ્ત્રિયો પણ ડાઈ;
એહ આદિક બાઇયો આવે, વડી પાપડ આદિ કરાવે. ૨૭
પછિ તે બાઇયોને તેડાવી, અતિ આનંદથી એહ આવી;
માંડ્યો તે કરવાને સામાન, પાડ્યાં સારાં સારાં પકવાન. ૨૮
ઝિણાભાઇ આદિક મળિ સહુ, લખિ કંકોતરી ગામ બહ;
તે સમે જુનેગઢ જવા કાજે, માંડિ તૈયારિ શ્રીમહારાજે. ૨૯
દાદા ખાચર સહપરિવાર, થયા તે તો જવાને તૈયાર;
જીવો ખાચર કુટુંબ સહીત, થયા તૈયાર તે રુડિ રીત. ૩૦
ધર્મવંશિ સરવ નરનારી, તેઓએ પણ કીધિ તૈયારી;
સંત વર્ણિ તથા સર્વ પાળા, હરિભક્ત સહુ ધર્મવાળા. ૩૧
પરગામિ કાઠી સરદાર, તેડાવ્યા ગઢપુરનિ મોઝાર;
ગામ કુંડળ ને કારિયાણી, તેડ્યા સારંગપુર થકી જાણી. ૩૨
ઝીંઝાવદર બોટાદ લોયા, એહ આદિક જે મુખ્ય જોયા;
આવ્યા સૌ સરદાર ઉમંગે, જુનેગઢ જવા શ્રીહરિ સંગે. ૩૩
નારાયણજિભાઈ બોલ્યા ત્યારે, તહાં આવ્યાનિ ઇચ્છા છે મારે;
સુણિ બોલિયા ધર્મદુલારો, ગોપીનાથનિ મૂર્તિ સુધારો. ૩૪
જેવા અવયવ દેખો અમારા, કરો મૂર્તિના એ અનુસારા;
ધરજો મનમાં મારું ધ્યાન, કરી મૂર્તિ તે ધ્યેય સમાન. ૩૫
રાજિ કરશો એ કામથિ અમને, થશે તીર્થ તણું ફળ તમને;
એમ શાંત કરી સુખકારી, શ્યામ ચાલ્યા સજી અસવારી. ૩૬
વાલો વાંકિયે જૈ રહ્યા રાત, પછિ પરવર્યા ઊઠી પ્રભાત;
જુનેગઢ ગયા જગજીવન, આવ્યા સામૈયું લૈ હરિજન. ૩૭
બાબિ3 નવાબ બહાદુરખાન, તેણે જાણ્યું આવ્યા ભગવાન;
ત્યારે ડંકા નિશાન સહીત, પાયગા4 મોકલી ધરિ પ્રીત. ૩૮
બ્રહ્માનંદાદિ સંત સમસ્ત, ઝીણાભાઈ પ્રમુખ્ય ગૃહસ્થ;
સામા મેતા મુસદિયે આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા. ૩૯
પ્રભુને કર્યા સૌએ પ્રણામ, હાર તોરા ધરાવ્યા તે ઠામ;
પુરમાં પેઠા વિશ્વવિહારી, કેવિ શ્યામનિ શોભે સવારી. ૪૦
ઘોડિયે ચડ્યા ધર્મકુમાર, સાથે કાઠિ ઘણા અસવાર;
તેના હાથમાં બરછીયો ઝળકે, જાણે મેઘમાં વીજળી ચળકે. ૪૧
વાંસે ઢળકે5 મોટી મોટિ ઢાલ, જાણે ચંદ્રના બિંબ વિશાળ;
કૈકની તો મોટી મુછો કેવી, તેમાં લીંબુ ઠરી રહે તેવી. ૪૨
માથે પાઘડાં શોભે છે કેવાં, ઇંડા શિખર ઉપર હોય જેવાં;
ધજા હોય દેવળશીશ જેમ, છોગાં ફરકે મોટાં મોટાં તેમ. ૪૩
સખા વચ્ચે શોભે જગવંદ, જેમ તારામંડળ માંહિ ચંદ;
લોકો દર્શન કરવાને ધાય, ઠામ ઠામ ઘણી ભિડ થાય. ૪૪
નિરખી હરખે નરનાર, બોલે શ્રીહરિનો જયકાર;
સંત હરિજન કીર્તન ગાય, તેનિ શોભા વરણવી ન જાય. ૪૫
મહાપૂરણ તેજ પ્રકાશે, જેને જોતાં જ ઈશ્વર ભાસે;
પ્રભુજી ગયા મંદિર પાસ, ઝીણાભાઇનો ત્યાં છે આવાસ. ૪૬
કર્યો ઉતારો જૈ હરિ ત્યાંય, જન બીજા જેને ઘટે જ્યાંય;
પુરના જન કરિને પ્રણામ, ગયા પોતપોતા તણે ઠામ. ૪૭
સંઘ સઘળી જમ્યો રુડિ રીત, સભા સાંઝે સજી ધરિ પ્રીત;
પેખવા પ્રભુજીનો પ્રતાપ, આવ્યા બહાદુરખાનજી આપ. ૪૮
પ્રભુને કરિ પ્રેમે પ્રણામ, ઉચ્ચર્યા કર જોડિને આમ;
મુજ લાયક કામ કહેજો , જોઇયે વસ્તુ તે મંગાવિ લેજો. ૪૯
આપ જેવાનિ આશિષ થકી, જાણું છું રાજ્ય પામ્યો છું નકી;
એવું કહિને સિધાવિયા તેહ, ધન્ય ધન્ય અધિપતિ એહ. ૫૦
ગુણાતીત મુનિ બ્રહ્મ હાથ, ઝાલિ મંદિરમાં ગયા નાથ;
રચના જોઇ મંદિર તણી, રિઝ્યા કોટિ બ્રહ્માંડનો ધણી. ૫૧
બેય સદ્ગુરુને તેહ વાર, આપ્યા ઉરથી પ્રસાદિના હાર;
પછિ મંદિર માંહિથી જૈને, જોયો જજ્ઞમંડપ રાજિ થૈને. ૫૨
વિપ્ર આવ્યા હતા વિદવાન, તેણે જે જે બતાવ્યું વિધાન;
પ્રભુએ તેને અનુસરી, પ્રતિષ્ઠા પ્રતિમાઓનિ કરી. ૫૩
શોભે ધામ શિખર ત્રણ વાળું, ઉત્તરાભિમુખે તે રુપાળું;
રણછોડજિ ત્રીકમ રાય, સ્થાપ્યા તે વચલા ખંડમાંય. ૫૪
પૂર્વ ખંડમાં રાધારમણ, ભાંગે દર્શને ભવનું ભ્રમણ;
ખંડ પશ્ચિમમાં સિદ્ધેશ્વર, તે તો મૂર્તિ દિસે મનોહર. ૫૫
શોભે પાર્વતિ તે સ્થળમાંય, નંદીકેશ્વર પણ દીસે ત્યાંય;
વળી પૂર્વમુખે કોળિમાંય,6 સ્થાપ્યા હનુમાનજી પણ ત્યાંય. ૫૬
સતસંગિનું રક્ષણ કરવા, માને તેનું સંકટ હરવા;
વળી મંદિરમંડપ બહાર, દેરી છે એક પશ્ચિમ ઠાર. ૫૭
શિવનું બાણ7 થાપ્યું તે ઠામ, તેનું કાશિ વિશ્વેશ્વર નામ;
સાલ ચોરાશિયા તણિ જાણો, વદિ વૈશાખી બીજ પ્રમાણો. ૫૮
પ્રતિષ્ઠા તે કરી ગુરુવારે, સવાપો’ર ચડ્યો દિન જ્યારે;
થયો ઉત્સવ સરસ એ ટાણે, જોઇ સુર નર સર્વ વખાણે. ૫૯
વાજાં વિવિધ પ્રકારનાં વાજે, દિવિ8 દેવનાં દુંદુભિ ગાજે;
આરતી મહારાજે ઉતારી, સ્તુતિ સંત સહુએ ઉચ્ચારી. ૬૦
બોલે જન સહુ જયજયકાર, થયો આનંદ અપરમપાર;
દ્વિજને દક્ષિણા બહુ દીધી, કૃપાનાથે કૃપા ઘણિ કીધી. ૬૧
કરનાર મંદિર તણું કામ, જે જે શિલ્પિ હતા તેહ ઠામ;
આપ્યા ઇત્યાદિને શિરપાવ,9 ઢળ્યા અઢળક નટવર નાવ. ૬૨
નાત ચોરાશિના વિપ્ર જેહ, મહારાજે જમીડિયા તેહ;
સંત વર્ણિ આદિકને જમાડ્યા, જન સૌને સંતોષ પમાડ્યા. ૬૩
વર્ણિ વાસુદેવાનંદ નામ, પૂજા કરવાને રાખ્યા તે ઠામ;
આનંદાનંદને તેહ સાથે, રાખ્યા પૂજામાં નટવર નાથે. ૬૪
સ્વામિ ગુણાતીતાનંદ પાસ, બોલ્યા એવિ રીતે અવિનાશ;
તમે આંહિ થઈને મહાંત, રહો જ્યાં સુધિ થાય દેહાંત. ૬૫
ઝીણાભાઇ આદિને એ સ્થાને, ભલામણ દીધિ શ્રીભગવાને;
આવ્યો એકાદશી દિન જ્યારે, નારાયણધરે જૈ નાહ્યા ત્યારે. ૬૬
આવિ મંદિરમાં સભા ભરે, હરિની પૂજા હરિજન કરે;
વસ્ત્ર ભૂષણાદિ ભેટ ધારે, આરતિ અતિ હેતે ઉતારે. ૬૭
જીર્ણગઢ તીર્થનો મહિમાય, કહ્યો વિસ્તાર વૃષકુળરાય;
હરિલીલા કલ્પતરુ માંહી, તમે સાંભળ્યો છે ચિત્ત ચાહી. ૬૮
માટે એટલું કહું છું આ ઠામ, અતિ પ્યારું પ્રભુને એ ધામ;
આવી જાત્રા કરે જન જેહ, પામે ચારે પદારથ તેહ. ૬૯
દ્વાદશી દિન પારણાં કરી, ચાલ્યા સંઘ સહિત પછિ હરી;
ગયા ગિરધર ગઢપુર ગામ, જેને માન્યું છે અક્ષરધામ. ૭૦
પુષ્પિતાગ્રાવૃત્ત
જિરણદુરગ જૈ જગન્નિવાસ, શુભ પ્રતિમા પધરાવિ સ્વપ્રકાશ;
પુનિત ચરિત તે સુણે સુણાવે, પ્રભુપદ પ્રીતિ અખંડ ચિત્ત આવે. ૭૧
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીજીર્ણદુર્ગે રણછોડજી-ત્રિકમજીસ્થાપનનામાષ્ટપંચાશત્તમો વિશ્રામઃ ॥૫૮॥