કળશ ૮

વિશ્રામ ૫૯

ઉપજાતિવૃત્ત

વર્ણી કહે હે વસુધાધિપાળ, કહું કથા કૃષ્ણ તણી રસાળ;

શ્રી જીર્ણદુર્ગે કરિ વાસ્તુકામ,1 શ્રીજી પધાર્યા ગઢપુર ધામ. ૧

ત્યાં કામ જે મંદિર કેરું ચાલે, તે નિત્ય પોતે નજરે નિહાળે;

વિલોકિ રૂડી રચના ઘણેરી, કરે પ્રશંસા પ્રભુ શિલ્પિ કેરી. ૨

રાજા કહે હે વરણી કૃપાળ, વાણી સુધા તુલ્ય કહો રસાળ;

તે ચિત્ત મારું સુણવા ચહાય, સુણું તથાપિ નહિ તૃપ્ત થાય. ૩

મંદીર મોટું ગઢપૂર માંય, તમે કહ્યું જેહ થતુંતું ત્યાંય;

કેણે કર્યો આગ્રહ ત્યાં કર્યાનો, સમો કહો મંદિર આદર્યાનો. ૪

એ તો કથા આદિ થકી અશેષ, વિસ્તારથી સર્વ કહો વિશેષ;

જે ધામ સર્વોપરિ સૌ કહે છે, તેની કથા ચિત્ત બહુ ચહે છે. ૫

પરોપકારી જન આપ જેવા, રાજી સદા કૃષ્ણકથા કહેવા;

ગંગાજિ જેવા જ ઉદાર એ છે, જે સર્વને જીવનદાન દે છે. ૬

બોલ્યા સુણીને વળિ બ્રહ્મચારી, છે ધન્ય શ્રદ્ધા નૃપતી તમારી;

સ્નેહે સદા કૃષ્ણકથા સુણો છો, પવિત્ર પ્રશ્નો પણ જે પુછો છો. ૭

કહે સુણે પ્રશ્ન પુછે પુછાવે, કે તે કથા કોઇ લખે લખાવે;

તે સર્વની પાવન બુદ્ધિ થાય, એવી કથા શ્રીહરિની ગણાય. ૮

શ્રીધર્મપુત્રે ગઢપુર માંય, કર્યું મહા મંદિર જેહ ત્યાંય;

તેની કથા મૂળ થકી સુણાવું, ઉત્સાહ ઝાઝો ઉર માંહિ લાવું. ૯

એકાશિયાના મૃગશીર્ષ2 માસે, આવ્યા હરિ સૂરતથી હુલાસે;

સાથે હતા જે સરદાર શાણા, તે કાઠિ સૌ એક થળે ભરાણા. ૧૦

પાંચાળ નામે સુપવિત્ર દેશ, જે કાઠિનો દેશ કહે વિશેષ;

ત્યાંના હતા તે સરદાર સારા, જે શ્રીહરિના પદ પૂજનારા. ૧૧

સૌએ મળી એમ વિચારિ વાત, છે ભાગ્યશાળી કચ્છ ગુજરાત;

ત્યાં શ્રીજિએ મંદિર શ્રેષ્ઠ કીધાં, ને આપણાં ગામ વિસારિ દીધાં. ૧૨

સર્વે મળી શ્રીહરિ પાસ જૈયે, તે કૃત્યનું કારણ પૂછિ લૈયે;

એવું વિચારી પ્રભુ પાસે આવ્યા, વિચાર સૌના મનના સુણાવ્યા. ૧૩

હે નાથ છો આપ અનાથનાથ, સદા વસો છોજિ અમારિ સાથ;

તથાપિ ભક્તો પરદેશિ પ્યારા, તમે ગણો છો વૃષના દુલારા. ૧૪

જે ભક્ત કચ્છી ગુજરાતિ જે છે, વિશેષ વાલા તમને જ તે છે;

ત્યાં મંદિરો શ્રેષ્ઠ કરાવિ દીધાં, અમો તણાં ગામ વિસારિ દીધાં. ૧૫

શું તેહનું કારણ તે સુણાવો, આ દેશમાં ધામ ભલું કરાવો;

આ દેહગેહાદિ બધાં અમારાં, તે જાણજો છે પ્રભુજી તમારાં. ૧૬

વૈતાલીય

સુણિ શ્રીહરિ એમ ઉચ્ચર્યા, નથિ ઓછા પ્રિય તો તમે ઠર્યા;

સુરમંદિર જે તહાં કર્યાં, બહુ તેનાં મન કારણો ધર્યાં. ૧૭

તમ સાથ મળી વસું સદા, તમથી દૂર નથી થતો કદા;

મુજને ગઢડે કહે રહે, ગઢડું સ્વામિ તણું સહુ કહે. ૧૮

નિરખો મુજને સદા તમે, પરદેશી નિરખે કદી સમે;

અવલંબન કાજ એહને, રચિ દીધાં મુજ ધામ તેહને. ૧૯

પણ મંદિર એહ દેશમાં, સહુથી શ્રેષ્ઠ પ્રભા વિશેષમાં;

નહિ જ્યાં લગિ એહવું સજું, નહિ ત્યાં સૂધિ શરીર આ તજું. ૨૦

મુરતી મુજ માપ જેવડી, રહિ પાસે જ રચાવું એવડી;

મુજ હસ્તથિ થાપના કરું, ઉર ઇચ્છા અતિ એવિ હું ધરું. ૨૧

કહી એમ પ્રસન્ન સૌ કર્યા, હરિભક્તો નિજ ગેહ સંચર્યા;

સહુને દિલ એ સમે દિસે, શિખરાળું મુજ ગામમાં થશે. ૨૨

પછિ એક સમે મહાપ્રભુ, અતિ આનંદ ભર્યા દિસે વિભુ;

નૃપ ઉત્તમ આવિને તહાં, સ્તુતિ કીધી હરિજી હતા જહાં. ૨૩

વળિ ત્યાં લલિતા તથા જયા, અમરાં ને અમુલાં મળી ગયાં;

વિચર્યાં વળિ રાજબાઈ જ્યાં, ઉપમા શી કહિયે નવાઇ ત્યાં. ૨૪

નર અક્ષરમુક્ત શું દિસે, પ્રભુ પાસે નિજ ધામને વિષે;

મળિ ત્યાં વળિ રાધિકા રમા, વળિ શક્તી સ્વરૂપે દયા ક્ષમા. ૨૫

પ્રણમી પ્રભુ પાય પ્રીતથી, ઉચર્યાં વાણિ રસાળ રીતથી;

કરિયે વિનતી કૃપાકર, સુણજો સ્નેહ ધરી સુખાકર. ૨૬

શિખરિણી

  બહૂનામી સ્વામી પરમ શુભધામી પ્રભુ તમે,

  અમારા છો પ્યારા તમ ચરણનાં સેવક અમે;

  અમારૂં સર્વસ્વે તમ ચરણમાં અર્પણ કર્યું,

  તજી બીજા દેવો તમ ચરણમાં ચિત્ત જ ધર્યું. ૨૭

  તમે સર્જૂ તીરે જનમ ધરિ આવી અહિ વસ્યા,

  ઘણાં વર્ષો વીત્યાં પણ અમથિ દૂરે નથિ ખસ્યા;

  અમોને આ દેહે અધિક સુખ આપી સુખિ કર્યા,

  અમે સોંપી સર્વે તન મન તમારાં જન ઠર્યા. ૨૮

  અમારી આ ટાણે અરજ સુણિને અંતર ધરો,

  અમારી જગ્યામાં શિખર સહિતું મંદિર કરો;

  સદા સૌ કો3 જેથી ગઢપુર ગણે ગોકુળ કરી,

  અમારી એ આશા પ્રિયતમ કરો પૂરણ હરી. ૨૯

રથોદ્ધતા

એહ ભૂમિ સતસંગ મૂળ છે, અત્ર સર્વ વિધિ સાનુકૂળ છે;

મિષ્ટ નીર ઉનમત્તગંગ છે, સ્નાન યોગ્ય સુખનો પ્રસંગ છે. ૩૦

અત્ર બાગ બગિચા ભલા દિસે, પત્ર પુષ્પ ફળ પૂર્ણ તે વિષે;

દેવઅર્થ ઉપયોગિ એ થશે, સંતવૃંદ સુખથી અહીં વસે. ૩૧

ભાવ પૂર્ણ અહીં સર્વ ભક્તનો, વાસ અત્ર વળિ સર્વ મુક્તનો;

અત્ર આપ કરિ છે લીલા બહૂ, શ્રેષ્ઠ તીર્થ ગણશે અહીં સહૂ. ૩૨

આસપાસ પથરાનિ ખાણ છે, શ્વેત પાર્શ્વમણિને4 પ્રમાણ છે;

લાવતાં સુલભ સર્વથા થશે, કાળ દીર્ઘ નહિ કામમાં જશે. ૩૩

વસ્તુ સર્વ દરબારમાં થકી, આવશે જ ઉપયોગમાં નકી;

ધામકામ કરશું વળી અમે, દૃષ્ટિમાત્ર ધરજો પ્રભૂ તમે. ૩૪

કાંઈ પૂર્વ તપ જો અમે કર્યાં, હોય તીર્થ વ્રત કાંઈ આદર્યાં;

એ બધાનું ફળ ઇચ્છિયે અમે, આંહિ ધામ પ્રભુ આદરી તમે. ૩૫

આજ સૂધિ કરિ જેહ સેવના, આપને જ ગણિ દેવદેવના;

એ બધાનું ફળ ઇચ્છિયે અમે, આંહિ ધામ પ્રભુ આદરો તમે. ૩૬

નિત્ય થાળ કરિને જમીડિયા, પૂર્ણ હર્ષ હસિને પમાડિયા;

એ બધાનું ફળ ઇચ્છિયે અમે, આંહિ ધામ પ્રભુ આદરો તમે. ૩૭

નામમંત્ર જપ જે અમે કર્યા, ધ્યાન માંહિ પદ આપના ધર્યા;

એ બધાનું ફળ ઇચ્છિયે અમે, આંહિ ધામ પ્રભુ આદરો તમે. ૩૮

દેહ ગેહ થકિ નેહ તોડિયો, આપ અંગછબિ સંગ જોડિયો;

એ બધાનું ફળ ઇચ્છિયે અમે, આંહિ ધામ પ્રભુ આદરો તમે. ૩૯

જો અનન્ય નિજ સેવકો ગણો, હોય ભાવ શુભ જો અમી તણો;

તો વિશેષ દિલમાં દયા ધરો, શ્રેષ્ઠ ધામ શુભ આંહિ આદરો. ૪૦

ઉપજાતિવૃત્ત

બોલ્યા સુણી શ્રીહરિ મેઘશ્યામ, ધારું છું હું અહિ કર્યાનું ધામ;

ઘણું વસ્યો હું ગઢપુર માંહી, માટે ગણું અક્ષરધામ આંહીં. ૪૧

શાર્દૂલવિક્રીડિત

ઝીંઝાવદર કારિયાણી પુર સારંગાખ્ય લોયા રુડા,

કર્યાણું વળિ વાંકિયું પણ ભલું બોટાદ ને કોટડા;

કુંડળ આદિક ગામમાં હું વસિયો તે ધામ કેવાં કહું,

શ્રીગોલીક સમાન કોઈ વળિ છે વૈકુંઠ જેવાં સહુ. ૪૨

માટે મુખ્ય સુધામ દુર્ગપુરમાં મોટું કરાવું સહી,

મારા અંગ સમાન મૂર્તિ પણ હું સ્થાપીશ નિશ્ચે અહીં;

ગોપીનાથ સુનામ તેનું ધરશું રાધા અબાધા5 સદા,

તેની પાસે વિરાજશે છબિ વિષે મુક્તોનિ માતા મુદા. ૪૩

ભક્તિ ધર્મ સુવાસુદેવ છબિયો છે ઓરડા માંહિ જે,

મોટા મંદિર માંહિ યોગ્ય થળમાં તે સાથ થાપીશ તે;

શ્રીભાનૂ કુળદેવ છે તમ તણા તે સ્થાપશું તે સ્થળે,

જેના તેજ પ્રતાપથી જન તણા ચિત્તોનિ ચિંતા ટળે. ૪૪

ઉપજાતિવૃત્ત

તે સાંભળી સૌ હરિભક્ત તેહ, રાજી થયા અંતર માંહિ એહ;

પ્રેમે પ્રભૂ પાય કર્યા પ્રણામ, જાણ્યું થશે નિશ્ચય આંહિ ધામ. ૪૫

બોલાવિ નારાયણજી સુતાર, કહે કૃપાળુ વૃષના કુમાર;

સુચિત્ર મારી મુરતી બનાવો, યથાર્થ સર્વાવયભાવ લાવો. ૪૬

એવી જ ઉંચી વળિ પુષ્ટ એવી, જુઓ નિહાળી મુજ મૂર્તિ જેવી;

ત્રિભંગી તે મૂર્તિ જણાય કેવી, જથાર્થ ગોપીપતિ કૃષ્ણ જેવી. ૪૭

આજ્ઞા સુણી મસ્તક તે ચડાવી, સુચિત્રમૂર્તી હરિની બનાવી;

સર્વાંગ એવાં વળિ સર્વ રેખા, ચિત્રી શકે તે નહિ ચિત્રલેખા. ૪૮

તે ચિત્રમૂર્તિ પ્રભુએ નિહાળી, રાજી થયા જોઇ છબી રુપાળી;

તે શિલ્પિને મસ્તક મૂકિ હાથ, પ્રસન્નતા પૂર્ણ જણાવિ નાથ. ૪૯

બોલાવિયા સૌ હરિભક્ત ભાઈ, બોલાવિ સર્વે હરિભક્ત બાઈ;

દેખાડિ મૂર્તિ મનમાનિ એહ, રાજી થયાં સૌ જન જોઇ તેહ. ૫૦

નિત્યાખ્ય નામે મુનિને વિચારી, સોંપી છબી તત્ક્ષણ તેહ સારી;

કહે હરિ એહ મગાવું જ્યારે, તે લાવજો મૂજ સમીપ ત્યારે. ૫૧

આજ્ઞા પ્રભૂની સુણિ એવિ પ્રીતે, તે મૂર્તિ રાખી મુનિએ સુરીતે;

પછી કર્યો ઉત્તમરાય કેરો, ઉત્કર્ષ વીવા પ્રભુએ ઘણેરો. ૫૨

તે તો કથા મેં તમને કહી છે, તે સર્વ મારી સ્મૃતિમાં રહી છે;

પંચાળના કાઠિ નરેશ જેહ, વિવાહમાં સૌ વિચરેલ તેહ. ૫૩

વિવા કરીને ગઢપૂર આવ્યા, પવિત્ર કન્યા પણ તેડિ લાવ્યા;

કાઠી સહૂએ સુણિ વાત ત્યાંય, થશે મહા મંદિર ગામમાંય. ૫૪

તે સર્વ એવું નિજ ચિત્ત ધારે, કરાવવું ધામ પુરે અમારે;

પ્રત્યેક રાજા પ્રભુ પાસ આવી, સ્નેહે હરિને વિનતી સુણાવી. ૫૫

પ્રભૂજિ મારા પુરમાં પધારો, જુઓ તહાં છે બહુ જોગ સારો;

આપીશ જગ્યા પણ હું વિશાળ, કરો તહાં મંદિર હે કૃપાળ. ૫૬

પ્રત્યેકનો આગ્રહ જાણિ લીધો, જોવા જવાનો નિરધાર કીધો;

તે તો સહૂને મન શાંતિ માટે, ધાર્યું તથાપી કરશે સ્વઘાટે. ૫૭

પુષ્પિતાગ્રાવૃત્ત

નિજજન મન સૌખ્ય શાંતિદાતા, અતિ કરુણાળુ સુભક્ત તાત માતા;

શિશુસમ ગણિ લાડ તે લડાવે, દિન દિન અંગ ઉમંગ ઊપજાવે. ૫૮

 

ઇતિશ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીદુર્ગપુરે-મંદિરકરણવિચારનામૈકોનષષ્ઠિતમો વિશ્રામઃ ॥૫૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે