વિશ્રામ ૬
પૂર્વછાયો
વિત્યો સમૈયો જે સમે, સહુ સંઘ ગયા નિજગામ;
ભક્ત મળી વરતાલના, કહે પ્રભુને કરિને પ્રણામ. ૧
હે પ્રભુ આપે કહ્યું હતું, વડું મંદિર થશે વરતાલ;
આવશું ચૈતર માસમાં, કરાવશું આદર તે કાળ. ૨
કરો આદર કરુણાનિધી, પાળો વચન વિશ્વાધાર;
શ્યામે તે વિનતી સાંભળી, કર્યો મંદિર કરવા વિચાર. ૩
નરનારાયણની હતી, સ્થાપી મુરતિયો બે જેહ;
પુરવમાં જ્ઞાનકૂપથી, ઓરડીમાં ધરાવી એહ. ૪
પ્રથમ પધરાવી હતી, તેહ મુરતિયો જેહ ઠાર;
ખાતમુહૂર્ત મંદિર તણું, ધાર્યું ત્યાં કરવા કરતાર. ૫
શાણા સલાટ તેડાવિયા, શિલ્પશાસ્ત્રમાં શ્રેષ્ઠ પ્રમાણ;
પુરુષોત્તમ વટનગરના,1 એહ આદિક આવ્યા સુજાણ. ૬
શ્રીહરિયે કહ્યું શિલ્પિને, તમે છો શુભ શિલ્પ સુજાણ;
સરસ મંદિરનું કરો, એક ચિત્ર સુબુદ્ધિ પ્રમાણ. ૭
તે સુણિને શિલ્પી કહે, નડિયાદ વિષે એક ઠામ;
દેરું નારાયણ દેવનું, ઘણું સરસ છે ઘનશ્યામ. ૮
એવું જો રચિયે આ સ્થળે, જોવા જોગ્ય જરૂર જણાય;
કારિગરી કરશું અમે, જેવી એથિ અધિક વખણાય. ૯
તે સુણી શ્રીહરિ ઉચ્ચર્યા, કેવું મંદિર છે છબિદાર;
જોવા જશું નડિયાદમાં, એમ કહિ થયા તૈયાર. ૧૦
શિલપિ જનને સાથ લૈ, તથા શાણા જનો લઈ સંગ;
પીપરલગ પ્રભુજી ગયા, ધરિ અંગમાં અધિક ઉમંગ. ૧૧
દાવડીયે કુવે જૈ કરી, પિધું હરિયે જળ હરખાઈ;
દર્શન કરવા આવિયા, જોરાભાઈ ને ગોવિંદભાઈ. ૧૨
તે બેય જણ ત્યાં બોલિયા, ભલો કુવો અમારો એહ;
તેનું તમે જળપાન કરીને, પાવન કીધો તેહ. ૧૩
પછી પ્રસાદિનું નીર લઇ, બેયે નાખ્યું કુવા મોઝાર;
પીનારની મતિ પવિત્ર થાવા, એવો કીધો ઉપકાર. ૧૪
ત્યાંથી પ્રભુજી પરવર્યા, ગામ સમીપ છે વડ જ્યાંય;
છાયા જોઈ છબિલાજિયે, ઘોડિ ઉભિ રાખી જઈ ત્યાંય. ૧૫
ભક્ત ભલા તેહ ગામના, આવ્યા હરખભર્યા તેહ ઠામ;
એક તો કહું કાનદાસજી, તથા રાયજી બેનાં નામ. ૧૬
દયાળ રણછોડદાસજી, વાલોભાઈ ને વેણીભાઈ;
ગલાભાઇમાં ગુણ ઘણા, એહ આદિક આવ્યા ધાઈ. ૧૭
ચોકડું પકડ્યું ઘોડિનું, કહ્યું ચાલો પ્રભુ પુરમાંય;
કૃષ્ણ કહે મહાદેવની, આ છે જગ્યા ઉતરશું ત્યાંય. ૧૮
ત્યાં જ ઉતારો કરાવિયો, લાવ્યા રાયજીભાઇ પલંગ;
દર્શન કરિ મહાદેવનાં, તહાં બિરાજીયા શ્રીરંગ. ૧૯
વિપ્ર પવિત્ર બોલાવિને, થાળ કરાવિયો તૈયાર;
ભાવ જોઈ હરિભક્તનો, જમ્યા જીવન જગદાધાર. ૨૦
રુપૈયા સાઠ સમર્પિને, પૂજી બોલીયો સર્વ સમાજ;
મંદિર કરો વરતાલમાં, તેમાં વાવરજો મહારાજ. ૨૧
નાથ ગયા નડિયાદમાં, ગંગારામ ને મોહનરામ;
એહ આદિક સતસંગિયે, સતકાર કર્યો તેહ ઠામ. ૨૨
પછિ નારાયણ દેવનાં, કર્યાં દર્શન જઈ તતકાળ;
જુક્તિ મંદિરની જોઇને, પછિ વાલો ગયા વરતાલ. ૨૩
શ્રીજી કહે છે શિલ્પિને, નડીયાદનું મંદિર જેહ;
તેહ થકી વરતાલમાં, અતિ ઉત્તમ કરવું એહ. ૨૪
જાણ2 જોષિને તેડાવિયા, જેનું નામ છે ગોવિંદરામ;
વિદ્વાન બહુ જ વખાણિયે, વસે વાસ તે કેરિયાવિ ગામ. ૨૫
વિપ્ર તેડાવ્યા વેદિયા, ખાતપૂજા કરવા કામ;
આવ્યા તે તો ઉમરેઠથી, ઘેલાભાઈ હરિભાઈ નામ. ૨૬
સામાન સર્વ મગાવિયો, ખાતપૂજામાં જોઇયે જેહ;
કુબેરજિયે લાવિ આપિયો, પ્રભુજીને તતક્ષણ તેહ. ૨૭
મુહુર્ત શુભ જોવરાવિયું, ખાતપૂજન કરવા કાજ;
જોશીબાવે જોઇ આપિયું, મન રાજિ થયા મહારાજ. ૨૮
સંવત્ શતક અઢારપર, શુભ અઠ્યોતેરાની સાલ;
ચૈત્ર વિષે શુભ મુહુરતે, ખાતપૂજા કરી વૃષલાલ. ૨૯
બેઠા પૂજન કરવા પ્રભુ, મળ્યો સૌ જનનો ત્યાં સમાજ;
ધર્યા નારાયણ વણિયે, સર્વ સામાન પૂજન કાજ. ૩૦
ધર્મવંશી જન જે હતા, બેઠા તે પણ પ્રભુની પાસ;
દવે નરોત્તમ પણ હતા, ઉમરેઠમાં જેનો નિવાસ. ૩૧
વાજાં વાજે ઉછરંગનાં, સૌને હૈયામાં હરખ ન માય;
વેદ ભણે3 વિપ્ર વેદિયા, મળિ માનિની4 મંગળ ગાય. ૩૨
ખાતપૂજાનું ધોળ (‘ભમરા પે’લો વધાવો મારે આવિયો’ - એ રાગ છે)
સજની આજ દિવસ છે આનંદનો, વરતાલમાં વિશ્વના આધાર રે;
રાજાધિરાજા ખાતપૂજા કરે છે ખાંતથી
અંગે પહેરીને પીતાંબર ઓપતું,
શુદ્ધ આસને બેઠા સુખકાર રે... રાજાધિરાજા꠶ ૩૩
વાલે વિપ્રની પ્રથમ પૂજા કરી,
આપ્યાં કંકણ કુંડળ ને હાર રે... રાજાધિરાજા꠶
સ્વસ્તિવાચન વાંચે વિપ્ર વેદિયા,
કરે આશિરવાદના ઉચ્ચાર રે... રાજાધિરાજા꠶ ૩૪
પૂજ્યા ગણપતિ પૂજ્યા કુળદેવતા,
પૂજ્યા વિશ્વકર્માને ધરિ વહાલ રે... રાજાધિરાજા꠶
કોડે સોનાની કોશ કરમાં ધરી,
ગર્ત5 ગાળે છે ગોવિંદ ગોપાળ રે... રાજાધિરાજા꠶ ૩૫
પૂજ્યા કૂર્મ6 ને અરચ્યા અનંતને,7
પૂજ્યા પ્રીતીથી દશે દિગપાળ રે... રાજાધિરાજા꠶
નાખ્યાં ગર્તમાં ફોફળ8 ને ફૂલડાં,
નાખી સોનાની મોહોર વિશાળ રે... રાજાધિરાજા꠶ ૩૬
શ્યામે લેલો સોનાનો લઈ સ્નેહથી,
નાખ્યો કર્દમ9 કોડે ગર્તમાંય રે... રાજાધિરાજા꠶
સ્થાપી અચળ ઇંટ અવિનાશીયે,
જેજેકાર કરે છે જન ત્યાંય રે... રાજાધિરાજા꠶ ૩૭
ધાણા ગોળ વે’ચે છે સ્નેહે સર્વને,
કરે કંકુના ચંદ્રક કપાળ રે... રાજાધિરાજા꠶
વે’ચે પાનનાં બીડાં પણ પ્રીતથી,
આપે પુષ્પના ગુચ્છ પુષ્પમાળ રે... રાજાધિરાજા꠶ ૩૮
જેને હાથે પાયો નખાયો વિશ્વનો,
તેને હાથે થયું આ મુહુરત ખાત રે... રાજાધિરાજા꠶
થાશે મંદિર મોટું આ મહીતળે,10
આખા વિશ્વમાં તે થશે વિખ્યાત રે... રાજાધિરાજા ૩૯
બીજાં ધામ ઘણાં છે ધરા ઊપરે,
ભલાં થાશે વળી ભવિષ્યકાળ રે... રાજાધિરાજા꠶
સૌથી ઉત્તમ મહીમા આ ધામનો,
ગણશે મુખ્ય વિશ્વવિહારીલાલ રે... રાજાધિરાજા꠶ ૪૪
ચોપાઈ
ગીરી રુગનાથની ભારજાએ, પ્રણમી પ્રભુને જીતબાએ;
સો રૂપૈયા તણી ભેટ કીધી, દ્વિજને વાલે દક્ષણા દીધી. ૪૧
શિલ્પજાણ હતા તેહ ઠામ, કહું સાંભળો તેહનાં નામ;
પુરુષોતમ ને દામોદર, વટપત્તનમાં જેનાં ઘર. ૪૨
શ્રીનગરના કુબેરજી જાણો, હીરાજી મારવાડી પ્રમાણો;
નડીયાદના કેવળ હતા, મુખ્ય હું એમ સૌ સમજતા. ૪૩
સૌને બોલાવીને મહારાજે, કહ્યું કામ કરી એક આજે;
સારું ચિત્રો મંદિરનું સ્વરૂપ, એક એકથિ પરમ અનૂપ. ૪૪
નવ શિખરનું મંદિર કરવું, મારું વચન અંતર માંહિ ધરવું;
તેમાં ત્રણ શિખર મુખ્ય જેહ, ચિત્રી લાવો તમે સહુ તેહ. ૪૫
જેનું ઉત્તમ ચિત્ર જણાશે, મુખ્ય શિલ્પી તો તેહ ગણાશે;
માટે મનમાં મમત બહુ ધરજો , એક એકથી ઉત્તમ કરજો. ૪૬
સુણી સૌ ગયા આપ ઉતારે, મુખ્ય પ્રત્યેક થાવા વિચારે;
અતિ મનમાં મમતરત11 થયા, રૂપ રુચિર12 ચિતરવાને રહ્યા. ૪૭
મારું સરસ કે સરસ તમારું, એવું મમતપણું મન ધાર્યું;
વટપત્તનના શિલ્પી બેય, એક શિખર ચિત્રી લાવ્યા તેય. ૪૮
બીજું તો હિરાજી મારવાડી, ચિત્ર લાવ્યા પ્રભુની અગાડી;
ત્રિજું તો શ્રીનગરના નિવાસી, લાવ્યા તે શ્યામે જોયાં તપાસી. ૪૯
દામોદર પુરુષોત્તમ બેય, બોલ્યા અસલનાં શિખરો છે જેય;
તેહ સર્વના મુગુટ સમાન, થશે શિખર આ કરુણાનિધાન. ૫૦
હરિગીતછંદ (શિખરપ્રબંધ પહેલો)
સર્વે અસલ કૃત ધીર જન મળિ ઠિક ખરાં શિખરો હશે,
જુથ શિર મુગટસમ આ જણાશે શિખર સરસ અધિક થશે. ૫૧
દોહરો
જીવન બોલ્યા જોઈને, શિખરો રચ્યાં રુચિર;
મમ તમ મત રત થઇ તમે, રચ્યાં રૂપ મંદિર. ૫૨
શિખરબંધ બીજો (અથ ત્રિપદાક્ષરે ચતુર્થપાદ સર્વતોભદ્ર)
મમ તમ મત રત મમત રચી, રત મમત રચિ રુચીર;
તમ મત રચિ રુપ રુચિર તમ, મત રુચિ રુ૫ મંદીર. ૧૩
બોલ્યા મુનિજન જોઈને, નવા શિલ્પ વિદ્વાન;
નવા પ્રભુ શિખરો નવાં, નવે નવું જ નિદાન. ૫૪
મોતીદામ છંદ (શિખરપ્રબંધ ત્રીજે)
નવા વિદવાન નવા પ્રભુ એહ, નવા શિખરોનિ નવી વિધિ તે;
થશે ચતુરાનન13 દેખત લીન, નવીન નવીન નવીન નવીન. ૫૫
शिखरप्रबंध-९ शिखरप्रबंध-२ शिखरप्रबंध-३
પુષ્પિતાગ્રાવૃત્ત
શિખર નિરખિ દૃષ્ટિયે કરીને, અતિ શુભ લાગ્યું હિરાજિનું હરિને;
સરવ ઉપરિ શિલ્પિ તે ઠરાવ્યા, અવર ભલા ત્રણ તેય શિલ્પિ ભાવ્યા. ૫૬
પછી હરિવર આપ એક ટાણે, રવિ ઉગવા પ્રથમ ઉઠી વહાણે;
નિયમ ઉચિત નિત્યકર્મ કીધું, દૃઢ કરવા સુઠરાવ ચિત્ત દીધું. ૫૭
ઉપજાતિ
બીરાજિ નારાયણમોલમાંય, બોલાવિયા સદ્ગુરુ પાંચ ત્યાંય;
મુક્તાખ્ય ગોપાળ સુરામદાસ, નિત્યાખ્ય ને બ્રહ્મમુનિ સ્વ પાસ. ૫૮
નિવાસી બોચાસણ કાશિદાસ, બોલ્યા પ્રભુ તે જન સર્વ પાસ;
મંદિરનું ખાતમુહૂર્ત કીધું, તે કામ તો સર્વ યથાર્થ સિદ્ધં. ૫૯
રચાવવું મંદિર શ્રેષ્ઠ જેહ, કેને કહો સોંપવું કામ તેહ?
જે રાજનીતિ વ્યવહાર જાણે, છે કોણ એવો નર આજ ટાણે? ૬૦
બોલ્યા સુણી મુક્ત મુનિ પ્રમાણ, એ કામમાં બ્રહ્મ મુની સુજાણ;
પૂર્વાશ્રમે રાજદુવાર સાર, એવા કરેલા બહુ કારભાર. ૬૧
પુષ્પિતાગ્રાવૃત્ત
ચણતર ઉપયોગિ વસ્તુ જેહ, વિવિધ પ્રકાર તણી ઘણીક તેહ;
અગમ અવનિમાંથિ લાવિ આણે, અવર ન એહ સમાન આજ ટાણે. ૬૨
સુરપતિ સદને સુવસ્તુ હોય, તરત મગાવી શકે જ તેહ તોય;
જનમન ક્ષણમાત્રમાં રિઝાવે, ધન ઢગલે ઢગલા ઉપાર્જિ14 લાવે. ૬૩
સુણિ હરિ મુનિબ્રહ્મને કહે છે, તમ પર ભાર બધોય આ રહે છે;
મન ધરિ મુજવેણ આંહિ વાસ, વસિ શુભ કામ કરો અનન્યદાસ. ૬૪
સુણિ મુનિ ઉચર્યા સુજોડિ હાથ, વચનપ્રમાણ કરીશ સ્વામિનાથ;
જણશ જરુરની બધી મગાવું, ત્રિભુવન માંહિ જહાં તહાંથી લાવું. ૬૫
પણ મુનિવર અક્ષરાખ્યનંદ, પરમ વિચક્ષણ જેહ છે સ્વછંદ;
રહિ અહિં મુજને સહાયિ થાય, મુજ થકિ તો શુભ કામ તે કરાય. ૬૬
પછિ મુનિવર નિત્યાનંદ નામે, વચન વિચારિ વદ્યા સુએહ ઠામે;
કથિત સુમુનિ બ્રહ્મ કેરિ વાત, મુજ મનમાં ઉતરી ઉંડી અઘાત. ૬૭
જણશ નિમિત્ત બ્રહ્મ ક્યાંઇ જાય, ખબર અહીંનિ ન તેહથી રખાય;
થિર ઠરિ અહિં કામને તપાસે, ભડ15 મુનિ એહ સુઅક્ષરાખ્ય ભાસે. ૬૮
વળિ કિરતન આદિ કામ ક્યારે, ખપ પડશે મુનિ બ્રહ્મનો તમારે;
જરુર સમય અક્ષરાખ્ય જેહ, અહિં તણું કામ તપાસશે જ તેહ. ૬૯
સુણિ મુનિકૃત વાણિનો વિલાસ, હરિ ઉચર્યા મુનિ અક્ષરાખ્ય પાસ;
અહિં રહિ કરજો સુકામ એહ, મુનિ ઉચર્યા હું કરીશ કામ તેહ. ૭૦
અવનિ અનિલ16 અગ્નિ આપ17 વ્યોમ, દશ દિગપાળ સુમેઘ સૂર્ય સોમ;
પ્રભુ તવ વચને રહે સદાય, મુજ થકિ કેમ કદાપિ લોપ થાય. ૭૧
પ્રભુ સુણિ મનમાં થયા પ્રસન્ન, મુખ ઉચર્યા મુનિરાજ ધન્ય ધન્ય;
અતિ તપ તજિ ધામ આ કરાવો, મુનિવર જો મુજને તમે રિઝાવો. ૭૨
ઉપજાતિ
બોલ્યા મુનિ અક્ષર નામ સોય, આનંદસ્વામી પણ આંહિ હોય;
થશે સહાયી શુભ કામ માંય, તેનેય રાખ્યા હરિયે તહાંય. ૭૩
પુષ્પિતાગ્રાવૃત્ત
સુણિ મુનિજન કેરી સારિ ગાથ, કરિ કરુણા કરુણાનિધાન નાથ;
મુનિ શિરસિ થયા પ્રસન્ન જેમ, અમ પર શ્યામ થજો પ્રસન્ન તેમ. ૭૪
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
વૃત્તાલયે શ્રીહરિમહામંદિરખાતપૂજનકરણનામ ષષ્ઠો વિશ્રામઃ ॥૬॥