વિશ્રામ ૬૦
ઉપજાતિવૃત્ત
મહાપ્રભુ મંદિર જોગ ગામ, જોવા પધાર્યા કહું તેહ ઠામ;
જઈ નિહાળ્યું કરિયાણું નાથે, દેહો હતા ખાચર નાથ સાથે. ૧
ભલી નદી ત્યાં પણ કાળુભાર, ભૂપે કર્યો આગ્રહ એહ ઠાર;
તથાપિ જોવા વળિ અન્ય ગામ, ત્યાંથી પધાર્યા પ્રભુ મેઘશ્યામ. ૨
સુભક્ત મોકા નરપાળ સાથે, જૈ વાંકિયું ગામ વિલોક્યું નાથ;
દેખાડિ જગ્યા શુભ ત્યાં વિશાળ, રીઝ્યા રુદેમાં પ્રભુ વિશ્વપાળ. ૩
શ્રીકોટડે ત્યાંથિ ગયા જ શ્યામ, છે કાઠિ વાળા નૃપ તેહ ઠામ;
બતાવિ જગ્યા તહિં તે નિહાળી, રાજી થયા ભૂધર તેહ ભાળી. ૪
બોટાદ ત્યાંથી વિચર્યા બળિષ્ઠ, છે ભક્ત દાહો નૃપ જ્યાં વરિષ્ઠ;
ભલા ભગો દોશિ અનન્ય ભક્ત, મનુષ્ય રૂપે પણ શ્રેષ્ઠ મુક્ત. ૫
ઉતાવળી નામ નદી તહાં છે, શ્રીમંત સત્સંગિ જનો જહાં છે;
મહાપ્રભુએ મનવૃત્તિ પ્રોઈ, જગ્યા તહાં મંદિર કાજ જોઈ. ૬
લોયે ગયા ત્યાં થકિ ધર્મલાલ, વસે સુરોભક્ત જહાં નૃપાળ;
ત્યાંથી પ્રભૂ નાગડકે પધાર્યા, આનંદ સૌના ઉરમાં વધાર્યા. ૭
ત્યાંથી ઝીંઝાવદરમાં સિધાવ્યા, સામા અલૈયો નરનાથ આવ્યા;
પૂજા કરી અન્ન જમાડિ પ્રીતે, જગ્યા બતાવી જઇ રૂડિ રીતે. ૮
પછી પધાર્યા પ્રભુ કારિયાણી, ભૂપાળ વસ્તો હરિભક્ત જાણી;
જગ્યા તહાં મંદિર જોગ્ય જોઈ, સુભાગ્ય જાણે જન સર્વ કોઈ. ૯
ત્યાંથી ગયા કુંડળમાં મુનીશ, મુમુક્ષુ જ્યાં છે અમરો મહીશ;
એણે ઘણો અંગ ઉમંગ લાવી, જગ્યા ભૂલી મંદિરની બતાવી. ૧૦
શ્રી સ્વામિ સારંગપુરે પધાર્યા, આનંદ સૌના ઉરમાં વધાર્યા;
ભલા જીવો ખાચર ભૂપ જ્યાંય, કર્યો ઉતારો દરબારમાંય. ૧૧
પ્રેમે કર્યા ભક્તજને પ્રણામ, તેનાં કહું સાંભળ ભૂપ નામ;
જે નામ જો જાગિ પ્રભાત લૈયે, તો પાપને ટાળિ પવિત્ર થૈયે. ૧૨
શાર્દૂલવિક્રીડિત
જીવા ખાચરની પ્રિયા પતિવ્રતા પાંચાળિ નામે કહ્યું,
વાઘો ને અમરો સપૂત સુત બે તે બુદ્ધિવાળા બહુ;
દેવૂબાઈ સુરાજબાઇ વળિ જે છે સોમબાઈ સુતા,
માત્રો ધાધલ ને જુઠો સુજઇ તો જામાત1 ત્રણ્યે હુતા. ૧૩
જેનું ચિત્ત હિમાદ્રિ2 તુલ્ય થિર છે તે ભક્ત જીવો કહું,
મેના તુલ્ય પતિવ્રતા સતિ ભલી પાંચાળિ જાણે સહુ;
હીમાદ્રીસુત શ્વેત નીલ ગિરિ છે તેવા સુતો બેય છે,
ગંગા ને યમુના સરસ્વતિ સમી પુત્રી ત્રણે તેહ છે. ૧૪
તે સૌએ વિનતી કરી શુભ કરો જો ધામ આંહીં હરી,
પ્રખ્યાતી પુરની બધા જગતમાં તો થાય નિશ્ચે ખરી;
જે આ છે દરબાર તે તમ તણો જાણો કૃપાના નિધી,
જ્યાં જગ્યા પુરમાં ગમે જ તમને તે જાણજો છે દિધી. ૧૫
એવાં વેણ કહી વળી નર સહૂ શ્રીજીનિ સાથે મળી,
પૂર્વે ગામ થકી તહાં પરવરી દેખાડિ ભૂમી ભલી;
છે પાષાણ ભલા અહીં સમિપમાં એવું સહૂએ કહ્યું,
શ્રદ્ધા સૌનિ નિહાળિ હૈયું હરિનું રાજી જ રાજી થયું. ૧૬
ઉપજાતિવૃત્ત
પછી પધાર્યા પુર માંહિ નાથ, બેઠા ઊતારે મળિ સર્વ સાથ;
રાઠોડ જે ધાધલ તેનિ નારી, છે રાણિદેવી તહિં તે પધારી. ૧૭
તે સાથ પુત્રી ત્રણ આવિ ધાઈ, પુંજી મુળી ને વળિ સોતબાઈ;
સૌએ મળી એમ સ્તુતી ઉચારી, ચાલો અમારે સદને મુરારી. ૧૮
કરાવિ છે વિપ્ર કને રસોઈ, જમો પ્રભુજી મનભાવ જોઈ;
કર્યો ઘણો આગ્રહ એવિ રીતે, પ્રભુ પધાર્યા જમવા સુપ્રીતે. ૧૯
જમી પ્રસાદી સહુનેય આપી, પછી ઉતારે વિચર્યા પ્રતાપી;
હશે બિજાને મન ભાવે કેવો, કર્યો કૃપાનાથ વિચાર એવો. ૨૦
છે ગામ કેરા બહુ ભાગિદાર, તે ભૂમિ દેશે મળિ એહ ઠાર;
વળી બિજા સૌ સતસંગિ જેહ, કેવા થશે સર્વ સહાયિ તેહ. ૨૧
તે સર્વને અંતરભાવ કેવો, જરૂર તે તો સહુ જાણિ લેવો;
તહાં જીવા ખાચર કેરિ પાસ, તે વારતા સર્વ કરી પ્રકાશ. ૨૨
ચોરા વિષે એક પલંગ ઢાળ્યો, તહાં બિરાજ્યા જઈ ધર્મલાલો;
ભૂપાળના જે જન ભાગિદાર, બોલાવિયા સર્વશ તેહ ઠાર. ૨૩
બોલાવિયા ત્યાં હરિભક્ત જેહ, આવ્યા મળી તત્ક્ષણ સર્વ તહ;
જે જે બિરાજ્યા જન તેહ ઠામ, તેનાં કહું સાંભળ ભૂપ નામ. ૨૪
ચોપાઈ
ઓળખાવા પાંખી3 એહ ઠામ, કહું જૂનાં નવાં પણ નામ;
મોકા ખાચરનો સુત વસ્તો, જાણે સતસંગનો જેહ રસ્તો. ૨૫
બાવો ખાચર પુત્ર તે તેના, ભલા પુત્ર થયા બેય જેના;
મોકો ખાચર ખાચર રામ, રામનો સુત સોમલો નામ. ૨૬
સાતા ખાચરનો પરિવાર, સંભળાવું હવે એહ ઠાર;
સાતાના વાલેરો અને મૂળ, અજવાળ્યું જેણે નિજ કુળ. ૨૭
વાલેરાનો થયો સુત લાખો, જેણે હરિ ભજીને રંગ રાખ્યો;
ત્રીજું કુળ સૂરા ખાચર તણું, તેના પુત્ર બે ગુણિયલ ગણું. ૨૮
એક ગાંગો દેવાઇત બીજો, ભગવાનની ભક્તિમાં ભીંજ્યો;
દેવદાસના સુત થયા ચાર, સુણો નામ તેનાં નિરધાર. ૨૯
વાસકૂર ભીમો ને હમીર, પુજા સહિત ચારે શૂરવીર;
જસા ધાધલના સુત જોડ, એક માંચો ને બીજો રાઠોડ. ૩૦
સુત રાઠોડનો લુણવીર, ધર્મરક્ષક તે મહાવીર;
સંઘો જેબલિયો તહાં આવ્યા, સાથે સ્નેહિયોને તેડિ લાવ્યા. ૩૧
આવ્યા ત્યાં રાજગર સરિયાણ, જસો તેનો સપૂત સુજાણ;
શેઠ બોઘો તેનો સુત ઘેલો, આવ્યો તે તહાં સૌથી પહેલો. ૩૨
કમો શેઠ તેના સુત બેય, કસળો અને શંભુ કહેય;
જીવરાજ તણું કુળ ભલું, પુત્ર દામો અમરશિ ને વલુ. ૩૩
શેઠ કસળો તથા શેઠ લાધો, જેના અંતરમાં પ્રેમ વાધ્યો;
એહ આદિક શેઠિયા આવ્યા, ભગવાન જેને મન ભાવ્યા. ૩૪
આવ્યા ત્યાં ભગવાન મેરાઈ, સુત દેવો ધનો ભીમોભાઈ;
કુંભકાર જેનું વીરો નામ, તેનો પુત્ર પવિત્ર જેરામ. ૩૫
કુંભકાર હિરો ગુણવાન, સુત વાલો હમિર ભગવાન;
નારાયણ કુંભકાર છે ત્યાંનો, તેના પુત્રનું નામ તો કાનો. ૩૬
ગોવો કુંભાર ધર્મે અડગો, તેનો પુત્ર વાલો અને ભગો;
કુંભકાર લાખો આવ્યો હસ્તો, તેના પુત્રનું નામ તો વસ્તો. ૩૭
બીજો લાખો કુંભાર ત્યાં આવ્યો, પુત્ર મૂળજી નથુ ને માવો;
ભલા ભક્ત જે હીરો કુંભાર, પુત્ર ભીમો ને પરમો ઉદાર. ૩૮
જેઠાનો સુત મૂળો ને ખીમો, કમા કુંભારનો સુત રામો;
પુજો કુંભાર આવિયા પ્રીતે, પ્રભુચરણ ધરી નિજ ચિત્તે. ૩૯
કલાનો સુત રાઘવ નામ, તેણે કીધા પ્રભૂને પ્રણામ;
રણછોડ તણો સુત ભોજો, ભક્ત તે પણ ઉત્તમ ઓઝો. ૪૦
ભગવાન તણો સુત જીવો, ભજે કૃષ્ણને તે કુળ દીવો;
પુત્ર કહિએ ગણેશનો વાલો, બીજો ખોડો ભજે ધર્મલાલો. ૪૧
શામળો હીરો કુંભાર સારા, પરમેશ્વર જેહને પ્યારા;
આવ્યા સુતાર ત્રણ તેહ કાળ, નામ કાનો ગોવિંદ ગોપાળ. ૪૨
રજપૂત નામે એક દલ્લો, પ્રભુ ભક્તિ કર્યામાં તે ભલો;
આવ્યા પ્રેમિ ત્યાં લાખો પટેલ, ભલો મનમાં છે ભાવ ભરેલ. ૪૩
આવ્યા હરખી ને વાળંદ હરજી, મહારાજનિ જાણિને મરજી;
ભરવાડ આવ્યા તેહ ઠામ, હાજો માલો ને નાનો છે નામ. ૪૪
આવ્યા નથુ મિયાં તતકાળ, આવ્યો પ્રેમિ પિંજારો જલાલ;
જીવો ખાચર શ્રેષ્ઠ જણાય, જેમ માળામાં મેર ગણાય. ૪૫
જીવે ભક્તે પુછ્યું સૌને એમ, અહિં મંદિર થાય તો કેમ?
સુણિ બોલિ ઉઠ્યા સર્વ જન, થાય મંદિર તો ધન્ય ધન્ય. ૪૬
બોલ્યા કાઠિ સહૂ સરદાર, અમે આપિએ જગ્યા અપાર;
બીજા ભક્ત બોલ્યાં મળિ બહૂ, અમે કરશું સહાયતા સહૂ. ૪૭
અમારાં તન મન ધન ગેહ, સોપ્યાં છે શ્રીહરિને જ તેહ;
આપણે ગામ મંદિર થાય, નામ આખા જગતમાં જણાય. ૪૮
જાત્રા કરવા ઘણા જન આવે, ભલાં આપણાં ભાગ્ય કહાવે;
કહે શ્રીહરિ પાષાણ કાજ, રજા કેનિ લેવી પડે આજ. ૪૯
જીવો ખાચર બોલ્યા તે વાર, બરવાળે છે વહિવટદાર;
ઘેલો શેઠ શ્ચિમાળિ વણીક, છે તો શ્રાવક તોય છે ઠીક. ૫૦
મહા ડાહ્યો છે દિલનો ઉદાર, કરી જાણે વિવેક વિચાર;
શ્રીજી કહે પરમતનો ગણાયો, હજો દુશમન પણ જન ડાહ્યો. ૫૧
ઉપજાતિવૃત્ત (દુશમન પણ ડાહ્યો ભલો તે વિષે)
શત્રૂ તથાપિ સમજૂ જ સારો, જો મિત્ર તો મૂર્ખ મહા નઠારો;
નરેશનો વાનર જીવ લેત, વિપ્રે ઉગાર્યો ઉર ધારિ હેત. ૫૨
ક્રોધી વિરોધી નિજ ગેહ વાસી, તે કોઇ કાળે કરશે ઉદાસી;
સ્વગેહનો અગ્નિ સમસ્ત બાળે, પાણી પરાયું પણ તાપ ટાળે. ૫૩
જો પારકા પક્ષ વિષે જનારો, સારો કદી થાય નહીં નઠારો;
જો શત્રુનો બાગ સમીપ હોય, તથાપિ આપે જ સુગંધ તોય. ૫૪
મ્હોરો4 અહીના5 મુખમાં રહે છે, તથાપિ તે સજ્જનતા લહે છે;
જો સર્પનું ઝેર વિશેષ વ્યાપે, મ્હોરો તથાપી વિષ તેહ કાપે. ૫૫
કદાપિ જો પંડિત શત્રુ થાય, તથાપિ અંતે નહિ હાડ જાય;
જો ઇંદ્રને ગૌતમ શાપ દીધો, તેણે સહસ્રાક્ષ તથાપિ કીધો. ૫૬
શા કામનો મૂરખ સ્નેહિ કોય, તેના થકી નક્કિ વિનાશ હોય;
જો વાનરાને તન ઘાવ વાગે, સ્નેહી તપાસે તન તેથિ ત્યાગે. ૫૭
જો હોય શત્રૂ પણ નીતિમાન, તે કષ્ટ ઝાઝું ન કરે નિદાન;
શસ્ત્રો તજે કે નમિ જાય જેહ, તે ઊપરે ઘાવ કરે ન તેહ. ૫૮
જો અન્ય ધર્મી મતિમંત હોય, ન વૈર રાખે ઉર માંહિ તોય;
કદાપિ તે પ્રેમ કરી ન વંદે, તથાપિ પોતે કદિયે ન નિંદે. ૫૯
પોતા તણું ને પરનું સદાય, ભલા થકી કામ ભલું જ થાય;
ભલો હશે જો જન શેઠ ઘેલો, સહાયતા તે કરશે પહેલો. ૬૦
એવું સહૂને હરિએ સુણાવ્યું, ત્યાં કોઇને મોકલવા ઠરાવ્યું;
પછી પધાર્યા પ્રભુજી ઉતારે, રાજી થયા તે જન સર્વ ત્યારે. ૬૧
પુષ્પિતાગ્રાવૃત્ત
નિજજન મન ભક્તિભાવ જોવા, જનમન માંહિ વિશેષ શાંતિ હોવા;
વચન વિવિધ શ્રીહરી સુણાવે, નિજમન ધાર્યું કરે અને કરાવે. ૬૨
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિમંદિરાર્થ-સારંગપુરાદિ સ્થાનનિરીક્ષણનામ ષષ્ઠિતમો વિશ્રામઃ ॥૬૦॥