કળશ ૮

વિશ્રામ ૬૧

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

જીવો ખાચર વેગ લાવિ વિચર્યા તે શેઠ ઘેલા કને,

શ્રીસારંગપુરે સુધામ કરવા ઇચ્છા જણાવી અને;

શ્રીજીનો મહિમા કહ્યો વળિ ઘણો થાઓ સહાયી કહ્યું,

ઘેલો શેઠ સુણી ઘણા જ હરખ્યા ચિત્તે વસી તે રહ્યું. ૧

ઘેલો શેઠ કહે ભલે શુભ કરો મંદિર મોટું તમે,

થાશે જેવિ સહાયતા અમ થકી એવી કરીશું અમે;

મારો પચ્ચિશ ગામમાં અમલ છે ગાડાં ઘણાં છે તહાં,

પાષાણાદિક લૈ જવા નિમિત તે આપીશ જોશે જહાં. ૨

પોતાના મતનાં તથા પર તણાં ધર્મસ્થળો થાય ત્યાં,

આપે સદ્ય સહાયતા શુભ રિતે નીતિજ્ઞ તે રાય જ્યાં;

મંત્રી મૂર્ખ ગણાય અડ્ચણ કરે જે ધર્મના કામમાં,

ધર્મસ્થાન થકી સુધર્મ પ્રસરે શોભા વધે ગામમાં. ૩

જો ત્યાં મંદિર થાય તો નૃપ તણું જે બીડ1 છે ઘાસનું,

તે કૃષ્ણાર્પણ હું અપાવું શુભ છે જે ગામની પાસનું;

જીવે ખાચર જૈ પ્રભૂ સમિપમાં તે વાત સર્વે કહી,

બોલ્યા શ્રીહરિ શેઠ તેહ સમજૂ ઘેલો સુઘેલો નહીં. ૪

તે સર્વે વળિ વાત દુર્ગપુરમાં પ્રખ્યાત જ્યારે થઈ,

દાદા ખાચર આદિના દિલ થકી શાંતી સમૂળી ગઈ;

થાશે મંદિર જો તહાં ગઢપુરી પ્રખ્યાત શાથી થશે,

મોટા જેહ મનોરથો મન તણા તે વ્યર્થ સર્વે જશે. ૫

દાદા ખાચર ને જયા સુલલિતા ચાલ્યાં મળીને તહીં,

જીવો ખાચર રાજબાઈ અમરાં ચાલ્યાં અમૂલાં સહી;

શ્રીજીની કરિ પ્રાર્થના જઈ તહાં સૌએ મળી સ્નેહથી,

જો સ્વામી તપ માંહિ ખામિ દરસે તો કીજિયે દેહથી. ૬

પોતાનાં કહીને પ્રસિદ્ધ કરિયાં શું છોડિ દ્યો છો હવે,

બીજા ગામ વિષે સ્વધામ કરવું તે શી રિતે સંભવે;

અર્પ્યાં છે સહુ દેહ ગેહ તમને રચે ન રાખ્યું અમે,

શા માટે અમને તથાપિ તજશો હે ત્રીકમાજી તમે. ૭

જે જગ્યા તમને ગમે ગઢપુરે ત્યાં ધામ પોતે કરો,

ચાલો કૃષ્ણ કૃપા કરી અમ તણી હે નાથ ચિંતા હરો;

એવું સાંભળિને દયા દિલ ધરી તૈયાર જાવા થયા,

જીવો ખાચર તો ઉદાસિ અતિશે એવે સમે થૈ ગયા. ૮

બોલ્યા દીનદયાળ દુઃખિ ન થશો ચિંતા તમારી જશે,

થાશે ધામ પ્રતાપિ દેવ તણું તે પ્રખ્યાત પૂરું થશે;

આ સ્થાને બહુ સંઘ શ્રેષ્ઠ જનના એ કારણે આવશે,

મોટું તીર્થ ગણી મહામુનિ જનો માહાત્મ્ય સૌ ગાવશે. ૯

ઉપજાતિવૃત્ત

એવાં સુવાક્યો મુખ ઉચ્ચરીને, સૌને દિલે સાંતવના કરીને;

પછી પધાર્યા ગઢડે કૃપાળુ, જે ધામ છે અક્ષરતુલ્ય વાલું. ૧૦

કહે જિવો ખાચર શ્રીહરિને, વિવેક સાથે વિનતી કરીને;

ભૂમી ભલી છે ગઢમાં અમારી, તહાં કરો મંદિર હે મુરારી. ૧૧

જોવા પધાર્યા પ્રભુ તેહ ઠામ, છેવાડિ જાણી ગણિ તે નકામ;

જૈ લક્ષ્મિવાડી તણિ ભૂમિ જોઈ, શ્યામે ન દીઠી તહિં સારિ સોઈ. ૧૨

બોલ્યા તહીં ઉત્તમ નામ રાય, જગ્યા અમારા દરબાર માંય;

જે દક્ષિણાદે મુખ ઓરડા છે, તે મંદિરાર્થે તમને દિધા છે. ૧૩

વળી વિશેષે વસુધા વિશાળ, જો જોઇશે આપિશ તર્તકાળ;

છે દેહ ગેહાદિક જે અમારાં, તે જાણજો હે હરિ છે તમારાં. ૧૪

આ જે અમારો દરબાર આખો, ભલે તમે મંદિર કાજ રાખો;

અમે બિજે ઠામ નવા નિવાસ, ચણાવશું મંદિરની જ પાસ. ૧૫

માન્યું તમે અક્ષરધામ ગામ, દર્બાર સિંહાસનને જ ઠામ;

તો ધામ જે આપ કર્યાનું ધારો, તે કેમ બીજે કરવા વિચારો. ૧૬

વાણી સુણી ઉત્તમરાય કેરી, પ્રસન્નતા થૈ પ્રભુની ઘણેરી;

બિજા જનોનો પણ ભાવ કેવો, જાણ્યું પ્રભૂએ સહુ જોઇ લેવો. ૧૭

બોલાવિયાં ત્યાં લલિતા જયાને, ને રાજબાઈ વળિ પાંચુબાને;

બોલાવિયા ધાધલ નામ ઘેલો, બોલાવિયા ત્યાં વળિ નાગમાલો. ૧૮

બોલાવિયા ઠક્કર કારભારી, લાધાનિ બુદ્ધિ હરજીનિ સારી;

બોલ્યા પ્રભૂ તે જન સર્વ પાસ, સુણો તમે જેહ કરું પ્રકાશ. ૧૯

દાદો કહે છે દરબાર આખો, ભલે તમે મંદિર કાજ રાખો;

વિચાર તેમાં મનનો તમારો, જે હોય તે એહ સમે ઉચ્ચારો. ૨૦

જે જે રહે છે દરબાર માંય, સર્વે કરે વાસ બિજે જ ક્યાંય;

ત્યારે તહાં મંદિર શ્રેષ્ઠ થાય, કોઈનું તેથી દિલ તો દુખાય. ૨૧

બોલ્યા સુણીને સહુ એવિ વાણી, એ શું કહો છો પ્રભુ પદ્મપાણી?

અહો અમારાં અતિ ધન્ય ભાગ્ય, જો થાય તે મંદિર એહ જાગ્ય. ૨૨

બિજાં ઘરો છે બહુ આસપાસ, તેમાં અમે જૈ કરશું નિવાસ;

એવો ભલો ભાવ નિહાનિ શ્યામ, રાજી થયા શ્રીપ્રભુ પૂર્ણકામ. ૨૩

જે દક્ષિણાદા મુખની ગણાઈ, તે પંક્તિનાં માલિક પાંચુબાઈ;

તે ઓરડા તત્ક્ષણ માગિ લીધા, બિજે સ્થળે બેય બનાવિ દીધા. ૨૪

જે પૂર્વદ્વારે શુભ ઓરડા છે, તે પંક્તિમાં બે પણ તે કર્યા છે;

જે પાંચુબાને વસવા દિધેલા, પ્રસાદિ તે શ્રીપ્રભુએ કરેલા. ૨૫

તે પાંચુબાને પણ ધન્ય ધન્ય, એવું કરે કારજ કોણ અન્ય;

આભૂષણો કે ધન તો અપાય, નહીં તથાપી ઘર તો તજાય. ૨૬

કર્યાનું ત્યાં મંદિર તો ઠરાવ્યું, મહાપ્રભૂને મન તેહ ભાવ્યું;

ત્યાં દ્વારિકા જૈ વૃષવંશિ આવ્યા, તે ગોમતી આદિક તીર્થ લાવ્યા. ૨૭

તે સ્થાપવાને વરતાલ માંય, મહાપ્રભુજી વિચર્યા જ ત્યાંય;

જૈને કર્યું સ્થાપન જે તહીં છે, તે તો કથા મેં તમને કહી છે. ૨૮

સભા વિષે શ્રીહરિ ત્યાં બિરાજી, તે એક ટાણે થઈ રાજિ રાજી;

નિત્યાખ્યને જે હતિ મૂર્તિ દીધી, તે ચિત્રમૂર્તી તહિં માંગિ લીધી. ૨૯

પછી કહ્યું મુક્ત મુનીંદ્ર પાસે, પંચાળમાં મંદિર જેહ થાશે;

ત્યાં સ્થાપવાને મુજ મૂર્તિ જેવી, કરાવિ છે ચિત્રનિ એક એવી. ૩૦

એવી જ પાષાણ તણી રુપાળી, મંગાવીયે ડુંગરપૂરવાળી;

તે લાવવા ત્યાં જન કોણ જાશે, કેનાથિ તે કારજ સિદ્ધ થાશે? ૩૧

બોલ્યા સુણીને મુનિ મુક્ત તેહ, નિત્યાખ્ય ને નિષ્કુળ નામ જેહ;

તે સંત બે ડુંગરપૂર જાય, તો કામ તે સિદ્ધ યથાર્થ થાય. ૩૨

તૈયાર તે બે મુનિનેય થાવા, આજ્ઞા કરી ડુંગરપૂર જાવા;

કહ્યું અમારી મુરતી પ્રમાણ, જૈ લાવજો સુપ્રતિમા સુજાણ. ૩૩

એવી જ ઉંચી વળિ પુષ્ટ એવી, સર્વાંગ મારા તન તુલ્ય તેવી;

જણાય તે તો ઘનશ્યામ અંગે, શ્રીરાધિકાની પણ શ્વેત રંગે. ૩૪

એવું કહી સંત વિદાય કીધા, બે પાર્ષદોને પણ સંગ દીધા;

તે સાથ આપ્યું ધન મૂર્તિ લેવા, કારીગરોને બહુ મૂલ્ય દેવા. ૩૫

તે સંત જૈ ડુંગરપૂર ગામ, તપાશિ મૂર્ત્તી બહુ ઠામ ઠામ,

તથાપિ તે શ્રીહરિના જ જેવી, મળી નહીં ત્યાં પ્રતિમા જ તેવી. ૩૬

રાધા તણી તો પ્રતિમા રુપાળી, મળી તહાં શ્વેત સુરંગવાળી;2

તે સંત ત્યાં શ્રીહરિ મૂર્તિ માટે, એ ઠામ અત્યંત પડ્યા ઉચાટે.3 ૩૭

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

કૃષ્ણાદી અવતાર જેહ હરિના તે તો ઘણા થાય છે,

તેનાં અંગ અવેવ4 તુલ્ય પ્રતિમા સર્વત્ર દેખાય છે;

જે છે અક્ષરવાસિ કોઈ સમયે આવ્યા નથી આ સ્થળે,

તો તેના તન તુલ્ય દિવ્ય મુરતી બ્રહ્માંડમાં ક્યાં મળે. ૩૮

સંતે એમ વિચાર ચિત્ત ધરિયો આંહીં કરાવાય તો,

તે તો શ્રીહરિની જ મૂર્તિ સરખી નિશ્ચે નહીં થાય તો;

વીતી જાય વળી ઘણા દિવસ તો ચિંતા કરે સૌ તહાં,

એવું ધારિ સુસંત બેય વિચર્યા પાષાણખાણો જહાં. ૩૯

સારી એક શિલા વિલોકિ દુરથી આશ્ચર્ય એમાં ઘણું,

દીઠું બે મુનિએ સ્વરૂપ સઘળું સાક્ષાત શ્રીજી તણું;

જોયું તે પછિ જ્યાં સમીપ જઈને આકાર ભાસ્યો નહીં,

સાધી સાધન સિદ્ધ જેમ નિરખે તે બ્રહ્મજોતી સહી. ૪૦

તે તેજસ્વિ શિલા લિધી મુનિજને ત્યાં દ્રવ્ય ઝાઝું દઈ,

ચાલ્યા દુર્ગપુરી પથે વળિ રુડી રાધાનિ મૂર્તી લઈ;

લીધા શિલ્પિ સુજાણ બે તહિં થકી મૂર્તી કરાવા ભલી,

શ્રીજીનાં પ્રતિઅંગ નેણ નિરખી તેવાં બનાવે વળી. ૪૧

તે સંતો ગઢડે ગયા તહિં હરી વૃત્તાલથી આવિયા,

સંતે સર્વ કથા સુણાવિ હરિને અત્યંત રીઝાવિયા;

ત્યાં નારાયણજી સુતાર જનને બોલાવિ કૃષ્ણે કહ્યું,

આ કારીગરના તમે જ ઉપરી થૈ કામ સાધો સહુ. ૪૨

શિખરિણી

તમે પાસે બેસી અવયવ વિલોકી મુજ તણા,

કરાવો તે તુલ્ય સરસ મુરતી તો નહિ મણા;

ધરી આજ્ઞા માથે શિલપિ જન સાથે રહિ સદા,

કરાવા માંડી તે મુરતિ હરિ કેરી મનમુદા. ૪૩

તહાં પુજાભાઈ ધવળપુરથી તે મુદ ધરી,

પ્રભુ પાસે આવી વચન ઉચર્યા વંદન કરી;

મહારાજા મારી અધિક વિનતી અંતર ધરો,

અમારે ત્યાં રૂડું શિખર સહિતું મંદિર કરો. ૪૪

તહાં ઝીણાભાઈ જિરણગઢથી શ્રીહરિ કને,

નમ્યા આવી નેહે વચન ઉચર્યા એમ જ અને;

કહે શ્રીજી જાઓ ધવળપુરમાં નિષ્કુળમુને,

મુની બ્રહ્માનંદ પ્રમુખ વિચરો શ્રીગઢ જુને. ૪૫

ગયા સંતો જ્યારે ધવળપુર ને જીરણગઢે,

રચાવાને ધામો શિખર સહિતાં પથ્થર દૃઢે;

પ્રભૂ પાસે બોલ્યા નરપતિ ભલા ઉત્તમ નહીં,

કહો ક્યારે થાશે પરમ પ્રભુજી મંદિર અહીં? ૪૬

બપૈયો પોકારે પિયુ પિયુ સદા પૃથ્વિતળમાં,

ન પામે તે પાણી જલદ5 વરસે અન્ય થળમાં;

ઘનશ્યામ સ્વામી ઘનસમ સ્વભાવે પ્રભુ તમે,

રહ્યા આશા ધારી ગઢપુરનિવાસી સહુ અમે. ૪૭

ઉપજાતિવૃત્ત

હવે હરી આ સ્થળમાં ભલેરો, પાયો નખાવો પ્રભુ ધામ કેરો;

દિને દિને લાલચ લાંબિ દેવી, રીતી તમોને ન ઘટે જ તેવી. ૪૮

પછી પ્રભુએ મનમાં વિચાર્યું, પાયો નખાવા દૃઢ ચિત્ત ધાર્યું;

જે દક્ષિણાદે મુખ ઓરડા તે, જહાં રહેતાં વસિ પાંચુબા તે. ૪૯

પડાવિયા મંદિર કાજ તેહ, જગ્યા ગમી શ્રીહરિને જ જેહ;

એકાશિયે જેષ્ઠ જ માસ સાર, એકાદશી શુક્લ શશાંક6 વાર. ૫૦

મુહૂર્ત તે જ્યોતિષિયે બતાવ્યું, ત્યાં ખાતનું પૂજન તો કરાવ્યું;

તે વાસ્તુ શાસ્ત્રે જ કહ્યા પ્રમાણે, કર્યું બધું શ્રીહરિએ સુજાણે. ૫૧

સુવર્ણનો સુંદર એક લેલો, હતો હરીએ કરમાં ધરેલો;

તેણે કરી કર્દમ7 નાખિ નાથે, પાષાણ દાબ્યો પ્રભુએ સ્વહાથે. ૫૨

વાજિંત્ર વાગ્યાં તહિં તો અપાર, કરે જનો સૌ જયનો ઉચાર;

દેવો તણાં દુંદુભિ શ્રેષ્ઠ વાગ્યાં, ત્યાં નાચવા અપ્સરવૃંદ લાગ્યાં. ૫૩

આકાશથી પુષ્પની વૃષ્ટિ થાય, આનંદ સૌના ઉરમાં ન માય;

એ રીત કૃષ્ણે શુભ કામ કીધું, ત્યાં તો દ્વિજોને બહુ દાન દીધું. ૫૪

વર્ણી કહે સાંભળ ભક્ત ભૂપ, પુછ્યો તમે પ્રશ્ન મને અનૂપ;

ક્યારે અહીં ખાત મુહૂર્ત કીધું, તે સ્નેહથી સર્વ સુણાવિ દીધું. ૫૫

હવે કહું તે પછિની કથાય, સુણો તમે સ્નેહ સહીત રાય;

ચારૂં સુણે જે પ્રભુનાં ચરિત્ર, તે થાય છે પાપ તજી પવિત્ર. ૫૬

બોલાવિ નારાયણજી સુતાર, તેને કહે ધર્મ તણા કુમાર;

કરાવવું મંદિર એહ કેવું, દિસે ભલું દિવ્ય વિમાન જેવું. ૫૭

તેવું ભલું ચિત્ર તમે બનાવો, બનાવિને તે મુજ પાસ લાવો;

તે સૂણિ નારાયણજી સિધાવ્યા, મંદીરનું ચિત્ર બનાવિ લાવ્યા. ૫૮

રત્નો તથા શિલ્પિ સુજાણ જેઠો, પ્રત્યેક ત્યાં પાસ હતો જ બેઠો;

તે ચિત્ર તેના કરમાં અપાવ્યું, કહ્યું કરો મંદિર શ્રેષ્ઠ આવું. ૫૯

આ કામમાં મુખ્ય તમે ગણાશો, પ્રખ્યાત પૃથ્વીપડ માંહિ થાશો;

છે વિશ્વકર્માનું પ્રસિદ્ધ જેમ, તમારું તો નામ થશે જ તેમ. ૬૦

તે શિલ્પિયે ચિત્ત ઘણું ઠરાવ્યું, તથાપિ તેના મનમાં ન આવ્યું;

ત્યારે સમાધી હરિયે કરાવી, વિમાન પંક્તી બહુધા જણાવી. ૬૧

તે માંહિ જે મંદિર જોગ્ય ભાળ્યું, વિમાન તે ત્યાં રહિને નિહાળ્યું;

જાગ્યા સમાધી થકિ તેહ જ્યારે, આકાર ચિત્રો પટ માંહિ ત્યારે. ૬૨

બોલ્યા થઈ ખૂબ પ્રસન્ન માવો, આવું ભલું મંદિર આ બનાવો;

ઝવેર ઉકાદિક શિલ્પિ જેહ, તમે કહો તે કરશે જ તેહ. ૬૩

ત્યાં કામ તે મંદિરનું ચલાવે, ઇંદ્રાદિ જોવા બહુ દેવ આવે;

ઉંડો કર્યો ત્યાં અતિશે જ પાયો, શિલા તણો શૈલ તહાં સમાયો. ૬૪

ગાડાં લઈને હરિભક્ત આવે, પાષાણ ચૂનો મૃતિકાદિ લાવે;

લેવા ચહે છે જન સૌ લહાવો, ક્યાંથી મળે ઉત્તમ કાળ આવો. ૬૫

માહામ્ય મોટું મનમાં વિચારે, અહો ભલું ઉત્તમ ભાગ્ય ધારે;

ભક્તો તણો ભાવ જણાય ભારી, તે જોઇને ચિત્ત રિઝે મુરારી. ૬૬

પુષ્પિતાગ્રાવૃત્ત

અભયતનુજના જ આંગણામાં, સરસ થશે હરિધામ આ સમામાં;

પરમ પુનિત પુણ્યનો ન પાર, મુનિવર એમ મુખે કરે ઉચાર. ૬૭

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

દુર્ગપરે શ્રીગોપીનાથમંદિરખાતપૂજનકરણનામૈકષષ્ઠિતમો વિશ્રામઃ ॥૬૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે