કળશ ૮

વિશ્રામ ૬૨

ઉપજાતિવૃત્ત

ત્યાં કામ તે મંદિરનું ચલાવ્યું, જેવૂં પ્રભૂના મન માંહિ ભાવ્યું;

હતા વિરક્તાખ્ય મુનીંદ્ર જેહ, તે કામના ઊપરિ કીધ તેહ. ૧

એવી રિતે આશ્વિન અંત આવ્યો, દીપોત્સવી ઉત્સવ ત્યાં કરાવ્યો;

ત્યાં આવિ નારાયણજી સુતાર, બોલ્યા પ્રભૂને નમિ વારવાર. ૨

પુરું થયું છે પ્રતિમા કર્યાનું, છે કામ બાકી છબિ આપવાનું;

આ શિલ્પિ બેનેય કરી વિદાય, તે તેહને ડુંગરપૂર જાય. ૩

હું જીર્ણદુર્ગે મુજ ઘેર જાઉં, આપો રજા આપ વિદાય થાઉં;

આવે પ્રતિષ્ઠાનું મુહૂર્ત જ્યારે, તેડાવજો વર્ષ અગાઉ ત્યારે. ૪

હું એકલાથી છબિ ઓપવાનું, તે કામ થાશે સઘળૂં થવાનું;

એવું સુણી શ્રીહરિએ તહાંય, ઇનામ તો આપિ કર્યા વિદાય. ૫

જે કામ ત્યાં મંદિર કેરું થાય, તે તો કદી બંધ નહીં રખાય;

જો ક્યાંઇ શ્રીજી ફરવા પધારે, તથાપિ તે બંધ રહે ન ત્યારે. ૬

શિખરિણી

ચડાવી જે રીતે કળ જગતની વિશ્વપતિએ,

સદા તેથી ચાલે કદિ ન અટકે તે સ્વગતિયે;

ચડાવી શ્રીજીએ કળ જુગતિથી મંદિર તણી,

વખાણે સૌ લોકો અકળ ચતુરાઈ અતિ ઘણી. ૭

જઈને વૃત્તાલે હરિવર તહાં કાર્તિકિ કરી,

કર્યા બે આચાર્યો ધુર ધરમની તે શિર ધરી;

શિયાજીએ તેડ્યા વટપુર પ્રભૂ તે થકિ ગયા,

રચી શિક્ષાપત્રી વૃતપુર રહીને કરિ દયા. ૮

પછી શ્રીપૂરે જૈ સરસ ફુલદોલોત્સવ કર્યો,

કમીયાળ જૈને હરિનવમિ મેળો બહુ ભર્યો;

જઈને વૈશાખે ધવળપુરમાં મૂરતિ ધરી,

રહ્યા ચોમાસામાં દુરગપુરમાં શ્રીહરિ ઠરી. ૯

પ્રબોધીની કીધી હરિનવમિ જૈને વૃતપુરે,

કર્યું ચોમાસું તો ગઢપુર વિષે શ્રીહરિવરે;

દિવાળીયે જૈને કરમડ સુ અન્નોત્સવ કર્યો,

પ્રબોધીની કેરો વૃતપુર વિષે ઉત્સવ ઠર્યો. ૧૦

પછી જોયું જૈને ગઢપુર વિષે મંદિર થતું,

અધૂરું તે ટાણે વરસ દિનનું કામ જ હતું;

ચલાવ્યું તે ચોંપે1 સમિપ રહિને શ્રીહરિવરે,

રિઝાવા શ્રીજીને જન ઝડપથી કામ જ કરે. ૧૧

ઉપજાતિવૃત્ત

સુતાર નારાયણ નામ જેહ, તેડાવિયા જીર્ણગઢેથિ તેહ;

ઓપો તમે મૂર્તિ કહે મુરારી, કરો અમારા સમ અંગધારી. ૧૨

બોલ્યા સુ નારાયણજી સુતાર, બેસો સમીપે પ્રભુ એહ ઠાર;

તો હૂં નિહાળૂં તવ અંગ જેવાં, મૂર્તી તણાં અંગ બનાવું એવાં. ૧૩

જ્યાં એક સંવત્સર2 વીતિ જાશે, ત્યારે સુમૂર્તી તમ તુલ્ય થાશે;

કહે હરિ બેસિશ આવિ પાસ, કરો તમે કામ ધરી હુલાસ. ૧૪

તે ઓપવા માંડિ સુમૂર્તિ જ્યારે, સમક્ષ બેઠા સુખસિંધુ ત્યારે;

પ્રભૂનિ પ્રત્યંગ છબી નિહાળી, તેવી કરે મૂર્તિ રુડી રુપાળી. ૧૫

ક્યારે જમે કૃષ્ણ તહાં જ થાળ, આપે પ્રસાદી જમિને રસાળ;

ત્યાંથી ન એકે પળ દૂર જાય, જાણે રખે તે તણિ ભૂલ થાય. ૧૬

ચૈત્રે પ્રભૂજી વરતાલ ચાલ્યા, ત્યારે સુતારે પ્રભુ પાવ ઝાલ્યા;

કહ્યું તમારા વિણ કેમ થાશે, પ્રત્યંગનો ભાવ નહીં લવાશે. ૧૭

દેવાધિદેવે વરદાન દીધું, તે શિલ્પિએ સાંભળિ સર્વ લીધું;

જોવાનિ ઇચ્છા ઉર માંહિ થાશે, ત્યાં મારિ મૂર્તિ તમને જણાશે. ૧૮

એવું કહી શ્રીજિ ગયા વૃતાલે, તથાપિ નારાયણજી નિહાળે;

તે જોઈ જોઈ મુરતી બનાવે, તેમાં લગારે નહિ ફેર આવે. ૧૯

વાલોજિ આવ્યા વરતાલ જૈને, પુછી બધી વાત પ્રસન્ન થૈને;

બોલ્યા જ નારાયણ તેહ ત્યાંહી, હું દેખતો આપનિ મૂર્તિ આંહીં. ૨૦

પ્રત્યક્ષ આવ્યા પ્રભુ આપ જ્યારે, સૌને થયાં દર્શન આજ ત્યારે;

મને જ જે મૂર્તિ અહીં જણાતી, બિજા જનોની નજરે ન થાતી. ૨૧

પછી પ્રભૂ જીર્ણગઢે સુ જૈને, સ્થાપી તહાં મૂર્તિ પ્રસન્ન થૈને;

આવ્યા તહાંથી ગઢપૂરમાંય, થતું હતું મંદિર કામ ત્યાંય. ૨૨

તે કામ ત્યાં ચોંપ કરી ચલાવ્યું, ચોમાસું પંચાશિ તણું જ આવ્યું;

દેવો કરે કામ અદર્શ3 આવી, તે કોઈ દેખે જન દૃષ્ટિ લાવી. ૨૩

જો દોર કે પાલખ કોઈ તૂટે, ન કોઇની ત્યાં નસકોરિ ફૂટે;

ઘણે ઉંચેથી જન જો પડે છે, અદર્શ તેને હરિ ઝીલિ લે છે. ૨૪

આશ્ચર્ય એવાં ઉપજે અનંત, ઉચ્ચારતાં કોઈ કહે ન અંત;

જે જે શિલા મંદિરમાં ચણાય, તેને કરે સ્પર્શ પ્રભુ સદાય. ૨૫

પાયા થકી શીખર સૂધિ જેહ, પ્રસાદિના પથ્થર સર્વ તેહ;

ઘણાં ચણાવ્યાં હરિએ સુધામ, પ્રસાદિનું એવું ન કોઈ ઠામ. ૨૬

જે ઠામ નારાયણજી સુતાર, ઓપે સુમૂર્તિ ધરિ પૂર્ણ પ્યાર;

ત્યાં બેસિને શ્રીહરિ સુખદાઈ, કહે કરો કામ ત્વરાથિ ભાઈ. ૨૭

તેણે કહ્યું હે હરિ ધર્મલાલા, છે નીમની ફેરવવાનિ માળા;

કહે હરી ફેરવશું અમે તે, કરી જ મૂર્તિ ઝટ આ તમે તે. ૨૮

શ્રીજી તણું અંગ સુતાર એહ, માપી જુવે સૂત્ર વતે જ તેહ;

તેવું જ મૂર્તિ તણું તે બનાવે, તે લેશમાત્રે નહિ ફેર આવે. ૨૯

વીતી ગયો શ્રાવણ માસ જ્યારે, ત્યાં એક ટાણે હરિકૃષ્ણ ત્યારે;

જયા લલિતાદિક પાસ વાણી, કહે કૃપાનાથ ઉમંગ આણી. ૩૦

હવે પ્રતિષ્ઠા પ્રતિમાનિ થાશે, ભલા અહીં સંઘ ઘણા ભરાશે;

વૃત્તાલયે શ્રીનગરે થયેલા, તેથી થશે ભક્ત વિશેષ ભેળા. ૩૧

વિદ્વાન વિપ્રો મળશે હજારો, સમો ગણીને અતિ એહ સારો;

સામાન તૈયાર કરો સમસ્ત, હવે ચલાવો ઝડપે સ્વહસ્ત. ૩૨

જયા કહે મૂરત જોવરાવો, શુભ પ્રતિષ્ઠાનિ તિથી ઠરાવો;

સામાન સર્વે મન ધારિ લીજે, તૈયાર તે ઊપર તેહ કીજે. ૩૩

રીઝ્યા સુણીને મનમાં મુનીંદ્ર, તેડાવિયા જોતિષિ રામચંદ્ર;

રુડી રિતે મૂરત જોવરાવ્યું, એ તો ભલું આશ્વિન માંહિ આવ્યું. ૩૪

જોશી કહે ઉત્તમ જોગ જેહ, ઇચ્છા પ્રભુની અતિ શુદ્ધ એહ;

જો હોય ઇચ્છા પ્રભુજી તમારી, શુદી તિથી દ્વાદશિ એહ સારી. ૩૫

તારાબલં ચંદ્રબલં તદેવ, બલિષ્ટ સૂર્યાદિ સમસ્ત દેવ;

પ્રસન્ન જ્યારે પરમેશ થાય, મુહૂર્ત સૌથી શુભ તે સદાય. ૩૬

બોલ્યા સુ એવું મુખ જોશિ જાણા, ત્યારે વહેંચ્યા બહુ ગોળ ધાણા;

વાજિંત્રના નાદ થયા વિશેષ, આનંદ સૌને ઉપજ્યો અશેષ. ૩૭

સુમંત્રિને વાત બધી સુણાવી, સર્વત્ર કંકોતરિયો લખાવી;

તેડાવિયા વિપ્ર સુ વેદવાદી, જે રીત જાણે અસલી અનાદી. ૩૮

જયા લલિતા અમરાં અમૂલાં, ને રાજબાઈ મન માંહિ ફૂલ્યાં;

સામાન માટે મચિ સર્વ બાઈ, ક્ષુધા તૃષા તેહ ગણે ન કાંઈ. ૩૯

ગંગાખ્ય જે જેતલપૂર કેરાં, વસોનિવાસી જમુનાં ભલેરાં;

શ્રીમેમદાવાદ તણાં હુલાસી, આવ્યાં વળી ત્યાં ઉમરેઠવાસી. ૪૦

આખા અને ઉત્તમ પીપલાણું, જ્યાં બાઇ સત્સંગિ બહૂ વખાણું;

તે સર્વ આવી ગઢપૂરમાંય, ભક્તી કર્યાની તક જાણિ ત્યાંય. ૪૧

તેના પતીયો ઋષિરાજ જેહ, રાજી થયા અંતર માંહિ એહ;

કાલિંદિ કાંઠે નહિ કૃષ્ણ જાણ્યા, એવા નહીં એહ ઋષી અજાણ્યા. ૪૨

સેવો વડી પાપડ લોટ દાળ, ભંડાર તેના ભરિયા વિશાળ;

ચોખા છડી4 કોઇ કરે રુપાળા,5 જાણ્યું જમે આ જન ધર્મવાળા. ૪૩

બોલ્યા પ્રભૂ ઉત્તમરાય પાસે, ભેળા ભલા ભૂપતિ આંહિ થાશે;

તે સર્વ કેરી બરદાશ માટે, સામાન રાખો સજિ વાટ ઘાટે. ૪૪

ઘેલો ભલો ધાધલ નાગમાલો, તેને કહે છે વળિ ધર્મલાલો;

સહાયતા ઉત્તમરાય કેરી, તમે મળીને કરજો ઘણેરી. ૪૫

મૂળૂ તથા ખાચર જેહ જીવો, તેને કહે શ્રીવૃષવંશ દીવો;

સંભાળ સૌની કરવી તમારે, તેમાં તમારો જશ છે વધારે. ૪૬

શાર્દૂલવિક્રીડિત

કર્યાણા વળિ કોટડા સુપુર જે સારંગ ને વાંકિયા,

ઝીંઝાવદર કારિયાણિ વળિ જે બોટાદથી આવિયા;

ધોલેરાપુર રોઝકાપુરપતી લોયાથિ આવ્યા નરો,

આવ્યા તે પ્રતિ એમ શ્રીજિ ઉચરે સૌ સંઘ સેવા કરો. ૪૭

જે જે શેઠ નિવાસિ દુર્ગપુરના સૌને કહે શ્રીહરિ,

દેજો ઊતરવા જનો તમ ગૃહ ઉત્સાહ ચિત્ત ધરી;

શોભા છે સહુ ગામના જન તણી ને ધર્મનું કામ છે,

માટે સર્વ સહાયતા શુભ કરો જેવું ભલું નામ છે. ૪૮

સત્સંગી સહુને કહે વળિ હરિ સૌ સજ્જ થૈને રહો,

છોડીને વ્યવહારકામ શુભ આ લાવો અલૌકી લહો;

જેને જોગ્ય સુકામ જે ઘટિત છે તે કામ તેવું કરો,

સારો ભક્તિ કર્યા તણો સમય છે તે વાત ચિત્તે ધરો. ૪૯

બોલ્યા વર્ણિ સુણો નરેશ સુખથી આ જે કથા હું કહું,

જે સત્સંગિ નિવાસિ દુર્ગપુરના તે મેં કહ્યા છે બહુ;

તે નામો વળિ જો ફરીથિ ઉચરું વાધે કથા તો ઘણી,

તેથી તો પુનરુક્તિ થાય વળિ તે માટે કહું શું ગણી. ૫૦

આંબો શેઠ ગઢાળિના વળિ તહાં જે શેઠ ઘેલો રહે,

તેડાવી જણ બેયને નિજ કને સિંધૂ કૃપાના કહે;

સાથે લૈ શુભ શેઠિયા અહિં તણા જાઓ જહાંથી જડે,

લાવો સાકર ખાંડ ગોળ વળિ ઘી તે રોકડે દોકડે. ૫૧

ઉપજાતિવૃત્ત

બોટાદના દોશિ ભગો ભલેરા, તથા પુજો સુંદરિયાણ કેરા;

તેને કહે શ્રીહરિ એમ ત્યારે, હિસાબ સર્વે લખવો તમારે. ૫૨

શ્રી વેદમૂર્તી ઉમરેઠવાસી, આવ્યા હરીભાઇ તહાં હુલાસી;

તેની સમીપે સજવા સુસેવા, રાખ્યા કહું તે દ્વિજરાજ કેવા. ૫૩

ઓઝા હતા લાયક લક્ષ્મિરામ, છે રોહિસાળાપુર જેનું ગામ;

ને લાલજી બેચર લક્ષ્મિરામ, તે તો રહેતા ગઢપૂર ધામ. ૫૪

આરંભ ત્યાં મંડપનો કરાવ્યો, લુહાર સૂતાર મળી બનાવ્યો;

રંભા તણા થંભ ધર્યા અપાર, ધજા પતાકા પણ પાસ ચાર. ૫૫

મોતી તણાં તોરણ તો બિરાજે, સુવર્ણના કુંભ વિશાળ છાજે;

જે ભાળિ દેવો અભિમાન ભૂલે, જે આગળે દેવવિમાન ડૂલે.6 ૫૬

ત્યાં હોમનો કુંડ ભલો કરાવ્યો, તે શ્રીહરીના મન માંહિ ભાવ્યો;

ત્યાં પીઠ7 કીધાં સુઘટીત ઘાટે, ગ્રહાદિના સ્થાપનને જ માટે. ૫૭

મેરાઇ8 જે નામ જસો સુજાણ, તેને કહે શ્રીવૃષવંશભાણ;9

ગોપીપતીના તન માંહિ છાજે, વાઘા સિવો સુંદર એહ કાજે. ૫૮

સમીપ આવ્યું સુમુહૂર્ત જ્યાંય, આવ્યા ઘણા સંઘ વિદેશિ ત્યાંય;

સંતો તણાં મંડળ શ્રેષ્ઠ આવ્યાં, તેઓ જનોને પણ તેડિ લાવ્યાં. ૫૯

આપે ઉતારા ગઢપૂરવાસી, સૌની ભલી પ્રીત વિશેષ ભાસી;

પોતે રહ્યાના પણ તે નિવાસ, ખાલી કરે ભોગવિ સંકડાશ. ૬૦

જ્યારે મળ્યા ત્યાં જન તો ઘણેરા, ઊભા કર્યા પાદર તંબુ દેરા;

પરાં વસે શેર સમીપ જેમ, ચારે દિશાયે થઈ વસ્તિ તેમ. ૬૧

અસ્વારિ લૈ કૈક નરેશ આવે, નિશાન ડંકો પણ સાથે લાવે;

ખમા ખમાજી છડિદાર બોલે, સુછત્ર કેરી છબિ મેઘતોલે. ૬૨

રાજાનિ અસ્વારિ ઘણી બિરાજે, તે એકથી એક વિશેષ છાજે;

જોવા મળીને જનજૂથ જાય, તે જોઈ જોઈ દિલ રાજિ થાય. ૬૩

પુષ્પિતાગ્રાવૃત્ત

ગઢપુર ફરતા થયા ઉતારા, સમિપ તથા વળિ સીમ માંહિ સારા;

તહિં ગઢપુર તો જણાય કેવું, જળનિધિમાં લઘુ નાવ હોય જેવું. ૬૪

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીગોપીનાથપ્રતિષ્ઠોત્સવે સંઘાગમનનામ દ્વિષષ્ઠિતમો વિશ્રામઃ ॥૬૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે