કળશ ૮

વિશ્રામ ૭

શાર્દૂલવિક્રીડિત

ગોપાળાખ્ય મુનિ કહે હરિ સુણો આ કામ માટે સહુ,

બંદોબસ્ત ભલો થયો પણ હવે હું હાથ જોડી કહું;

જે જે મૂર્તિ મગાવવાનિ મનમાં આપે સુઇચ્છા ધરો,

તે નારાયણભાઇને ભલિ વિધે આણ્યાનિ આજ્ઞા કરો. ૧

તે નારાયણભાઇને પછિ તહાં બોલાવિ કૃષ્ણે કહ્યું,

જે જે હું કહું વાત તે સુણિ તમે લ્યો ચિત્ત ધારી સહુ;

પૂર્વાભીમુખનું નવે શિખરનું મંદિર થાશે અહીં,

તે મધ્ય અવતારયુક્ત મુજની મુર્તિ સ્થપાશે સહી. ૨

લક્ષમીએ તપ આ સ્થળે કર્યું હતું તે માટે મધ્યાલયે,1

શ્રીનારાયણ રૂપ મારું છબિ બે છે સ્થાપવી આ સ્થળે;

શ્રીવૃંદાવનનો વિહારિ પણ હું તે મંદિરે દક્ષિણે,

રાધાયુક્ત રહીશ રૂપ ધરિને લાલિત્ય સલ્લક્ષણે. ૩

તે સાથે હરિકૃષ્ણ નામ મુરતી સ્થાપીશ હું માહરી,

ભક્તોને મુજ રૂપ ધ્યાન ધરવા પ્રત્યક્ષ જેવી કરી;

સ્થાપું ઉત્તર મંદિરે મુજ પિતા માતાનિ મૂર્તિ ભલી,

વાસુદેવસ્વરૂપ બાળ મુજનું તે પાસ થાપું વળી. ૪

ને બીજાં શિખરો તળે સદનમાં જે મૂર્તિયો જાણવી,

તે મારા અવતારની અતિ ભલી આપે જઈ આણવી;

શ્રીવારાહ નૃસિંહ શેષશયની ને કૂર્મમૂર્તિ યથા,

હેતે તેમ હિરણ્યગર્ભ મુરતી મત્સ્યાખ્યમૂર્તી તથા. ૫

હેતે શ્રીહનુમાનની ગણપતીની મૂર્તિ મોટી સહી,

કોડે સ્વચ્છ કરાવજો ઝટ તમે રોકાઈ રે’શો નહીં;

તે નારાયણભાઇ વેણ સુણિને બોલ્યા સુણો શ્રીહરિ,

હીરાજી શિલ્પી તણી અતિ મતિ એ કામમાં છે ખરી. ૬

વાસી શ્રીવટપૂરના ભગુજિ છે તે ચિત્તમાં ચાય તો,

જો તે બેય કરે સહાય મુજને તે મૂર્તિયો થાય તો;

શ્રીજીએ પછી તેહ બેય જણને બોલાવિ આજ્ઞા કરી,

હેતે તે હરિભક્ત બેય હરખી આજ્ઞા શિરે એ ધરી. ૭

કાશીદાસ કહે કૃપાનિધિ સુણો આ ગામમાં જે વસે,

તે સૌ જો મળિને સહાય કરશે સૌ કામ તો સિદ્ધશે;

ગાડાંનો ખપ વાર વાર પડશે તે તો કૃષિકારનાં,

તે રીતે વળિ કામ ખૂબ પડશે સુતાર લૂહારનાં. ૮

માટે સૌ હરિભક્તને નિજ કને બોલાવિ આપે કહો,

મોટાં મંદિર કેરું કામ કરવા સર્વે સહાયી રહો;

એવી વાણિ ગમી મહાપ્રભુજિને સત્સંગિ તેડાવિયા,

તેનાં નામ હવે કહું નૃપ સુણો જે મુખ્ય ત્યાં આવિયા. ૯

આવ્યા દાસ કુબેર જોબન પગી નારાયણાખ્યો ગિરી,

તેઓને હરિએ ભલામણ ભલી તે કામ માટે કરી;

બોલ્યા સૌ કર જોડિ કૃષ્ણ સમીપે શા માત્ર છૈયે અમે,

ધારો તો ધરણી થકી કનકનું મંદિર કાઢો તમે. ૧૦

આપે તોપણ ભક્ત જાણિ અમને સેવા ભળાવી ભલી,

તેથી તો અતિ ધન્ય ભાગ્ય ગણિયે ભક્તિ કરી એટલી;

જે જે કામ ભળાવશોજિ અમને તે તો કરીશું અમે,

બીજા મુખ્ય જનો નિવાસી અહિંના તેને કહોજી તમે. ૧૧

શ્રીજીએ વનમાળિ ગોર દ્વિજને ડાહ્યાખ્યને મોકલ્યા,

તે તો જૈ પુરવાસિ મુખ્ય જનને માયાળુ થૈને મળ્યા;

સંદેશો કહી શ્યામનો સરવને તેડી તહાં લાવિયા,

તેનાં નામ હવે કહું નૃપ સુણો જે જે જનો આવિયા. ૧૨

આવ્યા દાસ નરોત્તમાખ્ય નરસી લાલાખ્ય જીવા દલા,

જોરાભાઇ સુધોરિ શ્યામળ અને ધર્માખ્ય ભક્તો ભલા;

ભાઈબા રણછોડ બેચર અને દાજી તથા રાયજી,

આવ્યા કાનજી મૂળજી વસનદાસાખ્યો ભલા ભાઇજી. ૧૩

વંશસ્થવૃત્ત

નારાયણાખ્યો શવદાસ જેહ છે, દયાળ ને ઇશ્વરદાસ તેહ છે;

આવ્યા વળી મૂળજિભાઈ જાણવા, પટેલ તે તો સઘળા પ્રમાણવા. ૧૪

કહ્યું પ્રભુએ સહુ પાટીદારને, થજો સહાયી શુભ કર્મકારને;

કહે પ્રભુને સહુ પાટીદાર તે, અહીં ભલું મંદિર છે થનાર છે. ૧૫

અમે અમારા કુળના પરંપરા, સહાયિ તેના જ થશું ખરેખરા;

પિતા તણો બોલ કુપુત્ર ટાળશે, સુપુત્ર તો પ્રેમ સહીત પાળશે. ૧૬

તમે અમારા કુળદેવ આજથી, બીજો અમારો કુળદેવતા નથી;

કુપુત્ર કોઈ કુળ માંહિ જાગશે, મમત્વ તે મંદિરનો જ ત્યાગશે. ૧૭

દ્વિજાતિ વંશે અસુરાંશ થાય છે, વિરુદ્ધ તે વેદથિ જેમ જાય છે;

સુપુત્ર તો સૌ રહેશે જ સેવતા, દિલે ગણીને નિજ કૂળદેવતા. ૧૮

કુપુત્ર કોઈ કુળમાં નહીં થજો, વિરુદ્ધ આ મંદિરથી નહીં જજો;

સુણી રુદે રાજી થયા દયાનિધી, વિશેષ આશીષ દયા કરી દીધી. ૧૯

ઉપજાતિવૃત્ત

ત્યાં શેઠિયા સાકરલાલ આવ્યા, સાથે વળી ગિર્ધરલાલ લાવ્યા;

નથુ તથા રાયજી જેષ્ઠ ચંદ, મોતી અને માણકજી સ્વચ્છંદ. ૨૦

તેને પ્રભુએ કહ્યું એ જ રીતે, બોલ્યા સહૂ તે પરિપૂર્ણ પ્રીતે;

ભાવે કરીને સહૂ બાઇ ભાઇ, સદા થશું મંદિરના સહાયી. ૨૧

પગી કહું સુંદરજી દલાજી, શક્રો તથા જૂસજી ત્યાં મળ્યાજી;

ઝાલોજિ વખ્તોજિ વળી ગણેશ, ને દેવકર્ણાખ્ય સુણો નરેશ. ૨૨

જક્તોજિ ને ઊજમજીય આવ્યો, મહાપ્રભુના મન માંહિ ભાવ્યા;

કહે પ્રભુ સૌ પગિયો સદાય, આ કામ માટે કરજો સહાય. ૨૩

બોલ્યા પગી સૌ કરિને પ્રણામ, કર્યું તમે બંધ અમારું કામ;

અમે તમારે શરણે જ આવ્યા, ચોરી કર્યાના નિયમો ધરાવ્યા. ૨૪

પુના સુધી સૌ નહિતો જતાતા, ફાડી ખજાનો ધન લાવતાતા;

વાટે જનારા જનનેય કુટી, લેતા વળી વસ્ત્ર તમામ લૂંટી. ૨૫

સેવ્યાં અમે તો ચરણો તમારાં, ખૂણે પડ્યાં ખાતરીયાં2 અમારાં;

લૂંટી હવે દ્રવ્ય નહીં લવાય, દ્રવ્યે કરી કેમ સહાય થાય. ૨૬

શ્રીમંત કરતાં ધર્મવંત મોટા ભક્ત વિષે

શ્રીજી કહે ભક્ત સુણો સુજાણ, જે ધર્મ પાળે વચન પ્રમાણ;

માનું હું તેને મુજભક્ત મોટો, વિના ધને તે ન ગણાય છોટો. ૨૭

અસંખ્ય નાણું ધર્મે ઉડાવે, મોટા ભલાં મંદિર તો કરાવે;

તથાપિ જો તે નહિ ધર્મ પાળે, કલ્યાણ પામે નહિ તર્તકાળે. ૨૮

ધર્મી કરે પૂજન માનસીક, પ્રત્યક્ષથી તેહ ગણું અધિક;

સુવર્ણપુષ્પે જ અધર્મિ પૂજે, તથાપિ તે છેક કનિષ્ટ સૂજે. ૨૯

બીજા મતોમાં ધનવાન મોટો, ગણાય છે નિર્ધન છેક છોટો;

ભલે સુદામા સમ ભક્ત હોય, મોટો ગણું છેક ગરીબ તોય. ૩૦

શ્રીમંતને માન વિશેષ દૈયે, તે રીતે સંસારિક જાણિ લૈયે;

વાલો મને ભક્ત સુધર્મિ જેવો, ન સ્વલ્પ ધર્મી ધનવાન તેવો. ૩૧

અધર્મથી જે ધન કોઈ લાવે, તે અર્પિને જો મુજને રિઝાવે;

તેથી કદી હું ન પ્રસન્ન થાઉં, એના થકી તો ઉલટો રિસાઉં. ૩૨

છે ધર્મ તે તો મુજ તાત સોય, તેનો કરે ભંગ લગાર કોય;

મારા પિતાનો રિપુ તે ગણાશે, તે કેમ વાલો મુજને જ થાશે. ૩૩

ધને કરે ભક્તિ ભલે હમેશ, દેહે કરે તેહ ગણું વિશેષ;

તે માટ દેહે કરી અંબરીષ, કર્તા ભલી ભક્તિ મહા મહીષ. ૩૪

વંશસ્થવૃત્ત

તમે પગી તેમ જ આપ દેહથી, સહાયતા સૌ કરજો સનેહથી;

કહે પગી ત્યાં વિનતી વળી કરી, સહાયતા સૌ કરશું અહી હરી. ૩૫

જનો અમારા કુળ માંહિ જે થશે, સપૂત તે જો સમજુ ભલા હશે;

પિતા તણું મંદિર તે પ્રમાણશે, મમત્વ મોટો મન માંહિ આણશે. ૩૬

સુણી હરિ રંજન ચિત્તમાં થયા, સુખી થજો એમ કહ્યું કરી દયા;

પછી તહાં તો ગિરિ ચાર આવિયા, મહાપ્રભુને મન તેહ ભાવિયા. ૩૭

ગિરી પુરુષોત્તમ એક તો હતા, બિજા ગિરી તો રગનાથજી છતાં;

ત્રિજા ગિરી તો કહું રામચંદ્ર તે, તથા રુડા રૂપગિરી ગિરિંદ્ર તે. ૩૮

કહ્યું પ્રભૂયે સહુને સુખી હજો , સહાયિ આ કામ વિષે સહૂ થજો;

કહે સહૂ અંતરભાવ આણશું, અમારું છે મંદિર એમ જાણશું. ૩૯

સુતાર આવ્યા પ્રભુ પાસ તે સમે, પગે પ્રભુને અતિ નેહથી નમે;

સુમુખ્ય તો વાસણ જેનું નામ છે, સુપુત્ર નારાયણ બુદ્ધિધામ છે. ૪૦

સુતાર સદ્‌ભક્ત ભવાન ભાખિયે, સુપુત્ર તો જાદવજી જ દાખિયે;

સુતાર પુજા શુભ લાલદાસ જે, અને વળિ મુળજી અંબીદાસ તે. ૪૧

લુહાર આવ્યા જન અંબીદાસ છે, સુપુત્ર તેના મુળજી સ્વપાસ છે;

લુહાર નારાયણદાસ નામના, નિવાસિ તે સૌ વરતાલ ગામના. ૪૨

ઉપજાતિવૃત્ત

સુતાર લુહાર સહૂ જનોને, શ્રીજી કહે તે સતસંગિયોને;

જે હોય આ મંદિર કેરું કામ, તે તો તમે સૌ કરજો તમામ. ૪૩

જે ભક્તિ આ કામ વિષે કરાશે, તો તેહનું અક્ષય3 પુણ્ય થાશે;

માટે જ દેજો મમતા ધરીને, જે જોઇએ તે જણસો4 કરીને. ૪૪

બોલ્યા સહૂ તે શિર નામિ પાગ, અહી અમારાં અતિ ધન્યભાગ્ય;

દેવાલયાર્થે કરિ કાંઇ દેવું, ક્યાંથી મળે ઉત્તમ કામ એવું. ૪૫

બોલ્યા પ્રભૂજી વળી સર્વ પાસ, છે અક્ષરાનંદ અહીં નિવાસ;

વળી અહીં બ્રહ્મમુનિ રહે છે, આનંદસ્વામી પણ સંત તે છે. ૪૬

તેને તમે સર્વ સહાયિ થાજો, ભક્તિ કરી ભક્ત ભલા ગણાજો;

બોલ્યા સહૂ અંતર પ્રેમ આણી, લેશું અમે કામ અમારું જાણી. ૪૭

હીરાજિ શિલ્પી પુરુષોત્તમાખ્ય, તેને કહે શ્રીઘનશ્યામળાખ્ય;

ચાતુર્ય જે હોય બધું તમારું, તેવું કરો મંદિર સૌથિ સારું. ૪૮

બોલ્યા સુણીને જન શિલ્પિ બેય, અમારિ તો અક્કલ અલ્પ છેય;

પ્રભુ તમારી શુભ પ્રેરણાથી, થશે ભલું મંદિર તો કૃપાથી. ૪૯

પુષ્પિતાગ્રાવૃત્ત

જળધિ ઉપર સેતુ કાજ જેમ, શિલપિ હતા નળ નીલ બેય તેમ;

શિલપિ સુવરતાલ ધામકામ, નર પુરુષોત્તમ ને હિરાજિ નામ. ૫૦

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

વૃત્તાલયે શ્રીહરિમંદિરસૂચનાકરણનામ સપ્તમ વિશ્રામઃ ॥૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે