કળશ ૮

વિશ્રામ ૮

શિખરિણી

મુની મુક્તાનંદે પ્રભુપદ નમીને વળિ કહ્યું,

હવે તો હે સ્વામી કરતવ1 કહું તેહ જ રહ્યું;

ઠરાવો કોઈને જણશ સહુ સંભાળ કરવા,

ગણી વસ્તૂ સર્વે નિશિ સમય એકત્ર ધરવા. ૧

સુણી બોલ્યા સ્નેહે અધિક હરખી અક્ષરમુની,

કરે એવાં કામો સકળ વળિ જાણે રિત જુની;

હરીભાઈ એવા હળદર પુરીમાં હરિજન,

નથૂભાઈ તેના સુત પણ સમર્પે તન મન. ૨

પછી તે બન્નેને બહુ હિતથિ બોલાવિ કહિયું,

રુદે રાજી થૈને ઉભય મળિને માનિ લહિયું;

કહ્યું નિત્યાનંદ હરિવર સુણો હું કહું હવે,

ઘણી રાજદ્વારી હરકત નડે કારજ નવે. ૩

જનો મોટા મોટા પ્રમુખ થઇને જો ઠિક ઠરે,

કચેરીમાં જૈને અવસર વિષે ઉત્તર કરે;

સુણી વાણી શાણી શુભ કમળપાણી મન ગમી,

ઠરાવ્યા મોટા ને પ્રમુખ કશિ રાખી નહિ કમી. ૪

અજૂભાઈ નામે અમિન મુમધાના અતિ ભલા,

તથા ગંગારામે નટપુર2 નિવાસી જયવલા;

વળી ત્યાંના વાસી ગુણિજન ભલા મોહન યથા,

વસે છે જે ભાઈ મુદપુર3 હરીશંકર તથા. ૫

વસોના વાલાધ્રૂ અવર વળિ બાલાધ્રૂ ગણિયે,

કહે તેને શ્રીજી વચન કહું તે સર્વ સુણિયે;

કચેરીનાં કામો ધરમ અરથે ધારિ કરજો,

સુણી બોલ્યા સૌ તે ફિકર હરિ તેની ન ધરજો. ૬

ઉપજાતિવૃત્ત

વળી સુનિત્યાખ્ય મુની વિચારી, કહે અહી વિશ્વ વિષે વિહારી;

ઠરાવવા શ્રેષ્ઠ ગૃહસ્થ દાસ, આવી વસે તે અહિં માસ માસ. ૭

પછી ઠરાવ્યા હરિભક્ત એવા, તપાસ રાખે રહિ આંહિ તેવા;

ભાઈ ભલા તે તળશી ગણાય, વાસો વસો માંહિ વસે સદાય. ૮

દાદા દવે ને વળિ ભાઈ વાલા, જેણે પિધા પૂરણ પ્રેમ પ્યાલા;

સોજીતરે ગોકળભાઇ જેમ, શ્રીપેટલાદે વ્રજલાલ તેમ. ૯

શ્રીસંજીવાડે જન બાપુ જેહ, બારોટ જાણો જગરૂપ તેહ;

વસે વળી જે ઉમરેઠ ગામ, તે તો રૂડા ઠાકર રૂપરામ. ૧૦

ભલા બિજા નિર્ભયરામ ભાઈ, જે બેયની ભક્તિ ભલી ગણાઈ;

ડભાણના તો રઘુનાથદાસ, તે સર્વમાં મુખ્ય સુકાશિદાસ. ૧૧

કહ્યું પ્રભૂએ જન તેહ પાસ, તમે રહીને કરજો તપાસ;

બોલ્યા સહૂ હે હરિ નિર્વિનાશ, તપાસશું સૌ રહિ માસ માસ. ૧૨

બોલ્યા પછી મોહનરામભાઈ, તથા હરીશંકર ચિત્ત ચાઈ;

જે જે વસે છે વરતાલમાંય, શક્તિ પ્રમાણે કરશે સહાય. ૧૩

રથોદ્ધતા

કામ શ્રેષ્ઠ કરવાનું છે હરી, કેમ તેહ શકશે બધું કરી;

કાષ્ઠ ઇંટ પથરાદિ આણવા, જોઇશે શકટ4 ભાર તાણવા. ૧૪

આસપાસ વરતાલથી ઘણાં, જેહ ગામ હરિના જનો તણા;

તેહ સર્વ જનને તમે કહો, સૌ સહાય કરવા રહો અહો. ૧૫

વાત તેહ પ્રભુએ દિલે ધરી, ગામવાસી જનને કહી ખરી;

નામ તેહ કહું કોઈ ગામનાં, કેમ સર્વ કહું ઠામઠામનાં. ૧૬

એક ગામ ગણિયે બિલોદરું, શ્રીડભાણ પણ ગામ છે ખરું;

કેરિયાવિ વળિ બામણોલિયે, જીંડવુંપરું પછીથિ બોલિયે. ૧૭

માનિયે પછી મહુડિયું પરું, નામ ગામ નરસંડ છે ખરું;

એક ગામ શુભ નામ કંઝરી, છે વલાસણ તહાં ભજે હરી. ૧૮

મેઘવું વળિ સુજોળ ખાંધલી, ત્યાં નિવાસિ જન આવિયા મળી;

તેહ સર્વ જનને કહે હરી, સૌ સહાય કરજો ખરેખરી. ૧૯

ઉપજાતિવૃત્ત

સંજાયું ચાંગા ગુણવંત ગામ, વળિ રુડું વાંછલિયું જ નામ;

મેળાવ ગાના પણ ગામ બેય, તે સર્વ મધ્ય સતસંગ છેય. ૨૦

સૌને કહે શ્રીવૃષવંશરાય, આ કામમાં સૌ કરજો સહાય;

બોલ્યા જનો હાજર સૌ રહેશું, જે માગશે તે ઝટ વસ્તુ દેશું. ૨૧

આ અક્ષરાનંદજિ આપ દાસ, તથા મુનિબ્રહ્મ અમારિ પાસ;

પત્રો લખી મોકલશે જ જ્યારે, લખ્યા પ્રમાણે કરશું જ ત્યારે. ૨૨

બોલ્યા સુનિત્યાખ્યમુનિ ચહાઈ, સુણો ભલા મોહનરામ ભાઈ;

તથા હરીશંકર ધ્રુવ વાલા, તમે ત્રણે છો હરિને વહાલા. ૨૩

પાષાણ લેવા પણ વારવારે, જવું થશે ધ્રાંગધરે તમારે;

સ્તંભાવતીમાં5 પણ માલ લેવા, જનાર બીજા નથી આપ જેવા. ૨૪

સુણી ત્રણે તે ઉચર્યા સુજાણ, અમે સમર્પ્યા પ્રભુ અર્થ પ્રાણ;

પ્રજા અમારી વળિ જેહ થાશે, સુપુત્ર સેવા અહિંની ચહાશે. ૨૫

એવી રિતે શ્રીવૃષવંશ જાતે, ભલામણો દીધિ ભલી જ ભાતે;

ચલાવિયું મંદિર કેરું કામ, જંપે નહીં સૌ જન ચાર જામ.6 ૨૬

રહ્યા દયાસાગર દોઢ માસ, કરાવતા કામ રહી જ પાસ;

સર્વે જનો શ્રીહરિને રિઝાવા, મંડે મળી કામ ઘણું કરાવા. ૨૭

ચાલ્યું ભલું મંદિર કેરું કામ, ચાલ્યા હરિભક્ત કરી પ્રણામ;

ચાલ્યા મુનિમંડળ ઠામ ઠામ, ચાલ્યા પ્રભૂશ્રી ગઢપુર ધામ. ૨૮

જે ગામ માંહી સતસંગ ખાસો, તે ગામ માંહી વસિ રાત વાસો;

વાટે વિત્યા વાસર કાંઈ જ્યારે, ગયા પ્રભૂજી ગઢપુર ત્યારે. ૨૯

નિહાળિને શ્રીહરિ સૌખ્યરાશી, રાજી થયા સૌ ગઢપુરવાસી;

દેખી શશી સાગર ઊભરાય, આનંદ એવી ઉરમાં જણાય. ૩૦

પુષ્પિતાગ્રાવૃત્ત

દૃઢ કરિ વરતાલ માંહિ પાયો, રસિક રમાવર ધામનો રચાયો;

અમ ઉર દૃઢ એમ કૃષ્ણ થાય, અચળ સ્થિતી કરિને ઠરો સદાય. ૩૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે અષ્ટમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીવૃત્તાલયે શ્રેષ્ઠમંદિરારંભકરણનામ અષ્ટમો વિશ્રામઃ ॥૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે