કળશ ૯

॥ શ્રીહરિલીલામૃતમ્ ॥

કળશ ૯

 

राजदुर्गनाम नवमकलशप्रारंभः ॥

 

વિશ્રામ ૧

શાર્દૂલવિક્રીડિતવૃત્ત

વૃત્તાલે કરિ પુષ્પદોલ વિચર્યા ભાવાખ્ય1 પૂરે હરી,

ચૈત્રેથી ગઢડે રહ્યા વૃતપુરે જૈ કાર્તિકી ત્યાં કરી;

મુંબૈના પતિને મળ્યા નૃપગઢ2 આચાર્ય હસ્તે વળી,

સ્થાપ્યા શ્રી રણછોડજી વૃતપુરે તેને નમૂં છૂં લળી. ૧

જેણે ખડ્ગ ક્ષમા સ્વરૂપી ધરિયૂં ધૈર્યાખ્ય ઢાલે ધરી,

નિર્માનિત્વ નવીન બખ્તર ધરી જીત્યા અસુરો અરી;

કીધો દિગ્વિજય પ્રતાપ જણવ્યો લૈ સંતરૂપ ચમૂ,3

એવા સૌથિ સમર્થ ઇષ્ટ સહજાનંદ પ્રભુને નમૂં. ૨

પૂર્વછાયો

કહે અચિંત્યાનંદજી, ભાવે સુણો અભેસિંહરાય;

ગોપીપતિ પધરાવિયા, કહું તેહ પછીનિ કથાય. ૩

વસંત ઉત્સવ ગઢપુરે, કર્યો શ્રીહરિ સુખના ધામ;

ફાગણ શુદિ એકાદશી સુધિ, ત્યાં રહ્યા સુંદર શ્યામ. ૪

ચોપાઈ

દ્વાદશી દિન પારણું કરી, વરતાલે જાવા ચાલ્યા હરિ;

સખા પાર્ષદ સંત સમાજ, સાથે લઇ સંચર્યા મહારાજ. ૫

આવે જ્યાં સતસંગીનું ગામ, રહે રાત ઠરીને તે ઠામ;

રસ્તે ભક્તોને દર્શન દૈને, રહ્યા બુધેજમાં પ્રભુ જૈને. ૬

ત્યાંથિ ઇંદરણજ ગયા માવ, ત્યાં તો વાંક નામે છે તળાવ;

ગાયો ચારસેંનું ધણ4 હતું, જોવા કૃષ્ણને આતુર થતું. ૭

નવ ગાયો તો પુંછ ચડાવી, દોડતી પ્રભુ આગળ આવી;

બોલ્યા શ્રીહરિ જોઇને એવું, સર્વે અસ્વારે સાથે રહેવું. ૮

થયા અસ્વાર એકઠા જ્યારે, નવે ગાયો આવી પાસે ત્યારે;

હતા અસ્વાર માંહિ શ્રીહરિ, સૌને સાત પ્રદક્ષિણા ફરી. ૯

હાથ ઊંચો કર્યો ધર્મલાલે, ગાયો ધણમાં ગઇ તેહ કાળે;

બોલ્યા ગોવાળ અચરજ જોઇ, મોટાપુરુષ આ મધ્યે છે કોઈ. ૧૦

નામ સ્વામિનારાયણ જાણી, નમ્યા ચરણે બોલ્યા નમ્ર વાણી;

પછી પરવરિયા નરભ્રાત, ગામ હાડેવે જૈ રહ્યા રાત. ૧૧

ખળાવાડમાં કીધો મુકામ, આવ્યા દર્શન જન તેહ ઠામ;

સૌનિ તેઓએ બરદાશ કીધી, વસ્તુ જોઇયે તે લાવિ દીધી. ૧૨

પ્રભાતે પ્રભુજી પરવરિયા, અણિંદ્રેથિ પલાણે સંચરિયા;

દેતા દર્શન શ્રીવૃષલાલ, વસો થૈને આવ્યા વરતાલ. ૧૩

તિથિ તો હતી પૂરણમાસી, હરખ્યા જન વરતાલવાસી;

ધામધુમથિ નાથ પધાર્યા, હરિમંડપ માંહિ ઉતાર્યા. ૧૪

કિધાં દેવ તણાં દરશન, જમિને સૌએ કિધું શયન;

જાણિ સારો સમૈયી થનાર, આવિયા હતા સંઘ અપાર. ૧૫

બિજે દિવસ દોલોત્સવ કિધો, લાવ સૌ સતસંગીએ લીધો;

ભટ આવ્યા હતા દિનાનાથે, હરિએ આપ્યો શિરપાવ હાથે. ૧૬

લૈને ઉતાવળા ઘેર ચાલ્યા, જાતાં વાટમાં તસ્કરે5 ઝાલ્યા;

બોલ્યા કોળિ તેને બાઝતાં જ, અલ્યા ભ્રાંમણ આલ્યને ભાંજ્ય.6 ૧૭

બોલ્યા ભટ ધ્રુજતા અકળાઈ, નથિ ભાંગ્ય ખાતો હું તો ભાઈ,

એક કોળિ બિજાને કહે છે, લઇ લ્યો આકડે મધ એ છે. ૧૮

પછિ ખડિયો તેનો ખૂંચિ લીધો, તેણે ભટને ઘણો ત્રાસ દીધો;

ભટની ગઈ પાઘડી પડી, કરગરિને બોલ્યા ભટ રડી. ૧૯

મને દુર્બળ બ્રાહ્મણ જાણો, આપો પાછું દયા ઉર આણો;

કહે કોળી હું ઓળખું છુંય, બહુ સ્વામિને ધૂતે છે તુંય. ૨૦

તસકર એમ કહિને સિધાવ્યા, ભટજી પાછા વરતાલ આવ્યા;

કહ્યા શ્રીહરિને સમાચાર, દીધી ધીરજ હરિએ ઉદાર. ૨૧

રાખ્યા કામ તપાસવા તેય, નિત્યાનંદ ને શુકમુનિ બેય;

જવા સૌ સંઘને રજા દીધી, કૃષ્ણે પણ જવા તૈયારી કીધી. ૨૨

સાથે પાળા થોડા અસવાર, લૈને જાવાનો કીધો વિચાર;

નિત્યાનંદે વિચાર્યું તે કાળ, કોણ કરશે હરિ માટે થાળ. ૨૩

રસ્તે નાથ ઉતાવળા જાશે, મુકુંદાનંદે તો ન ચલાશે;

માટે મોકલીયે બિજા કોઈ, રસ્તે ચાલી શકે એવા જોઈ. ૨૪

નિજ શિષ્ય શૂન્યાતીતાનંદ, વૈકુંઠાનંદ વર્ણી અદ્વંદ;7

એહ આદિક મુનિજન ચાર, કર્યા સાથે જવાને તૈયાર. ૨૫

વિશ્વાધાર તે વિદાય થયા, સંજિવાડે જઈ રાત રહ્યા;

પ્રેમી બારોટ આવિયા પાસ, પ્રભુભક્ત નામે પ્રભુદાસ. ૨૬

પાટીદાર ભલા રખિભાઈ, એહ આદિક આવિયા ધાઈ;

પ્રેમે પ્રભુને નમ્યા સહુ કોઈ, વાળુ કાજે કરાવિ રસોઈ. ૨૭

કર્યો થાળ તે વૈકુંઠાનંદે, કર્યું ભોજન વૃષકુળચંદે;

પછી ભોજન સૌને કરાવી, બેઠા શ્રીહરિ આગળ આવી. ૨૮

હતા બારોટ બુદ્ધિનિધાન,8 પુછ્યા પ્રશ્ન પંડિત સમાન;

અવિનાશીએ ઉત્તર આપ્યા, કરુણા કરિ સંશય કાપ્યા. ૨૯

સ્તુતિ બારોટે તે સમે કીધી, અહો નાથ તમે કૃપાનીધી;

અક્ષરાતીત અંતરજામી, જય જય જગધર જગસ્વામી. ૩૦

ત્રિભંગી છંદ

જય જય જગસ્વામી અંતરજામી અકળ અકામી બહુનામી,

જય અવિચળધામી ઈશ અકામી નહિ લવ ખામી ખગગામી;9

ન ભજે જન વામી હોય હરામી કુબુદ્ધિ પામી ખળ કામી,

ત્યાં સદા ભજામિ તથા નમામિ દાસ ભવામિ હે સ્વામી. ૩૧

દોહરો

હે સ્વામી હિતકારી હરિ, નૌતમ નરતનુ ધારી;

આવીને અમ ઘેર પ્રભુ, લીધી શુદ્ધિ અમારી. ૩૨

આ છબી અંતરમાં રહે, દ્યો એવું વરદાન;

તથાસ્તુ ત્યાં તે અવસરે, ભાખ્યું શ્રીભગવાન. ૩૩

ચોપાઈ

રૂડિ રીત્યે તહાં રહિ રાત્ય, પ્રભુ પરવર્યા ઊઠિ પ્રભાત;

બપોરા કર્યા જૈ ગલિયાણે, જમ્યા સાથવો શ્યામ તે ટાણે. ૩૪

ત્યાંથી જાખડે જૈ રહ્યા રાત, પીપળી ગયા ઊઠિ પ્રભાત;

ગયા ધોલેરે ધર્મકુમાર, દેવદર્શન કીધું તે ઠાર. ૩૫

પુજાભાઈ આદી હરિભક્ત, આવ્યા સૌ પરિવાર સંયુક્ત;

પ્રભુને કર્યા પ્રેમે પ્રણામ, આપ્યું ભોજન આદિ એ ઠામ. ૩૬

સૌના હૈયામાં હરખ ન માય, જાણે પ્રભુદર્શન ક્યાંથિ થાય;

બીજે દિન ગયા નાવડે નાથ, બપોરા કર્યા ત્યાં સહુ સાથ. ૩૭

કારીયાણી જઈ રહ્યા રાત, ત્યાંના હરિજન હરખ્યા અઘાત;

વસ્તા ખાચરને દરબાર, ઉતર્યા પ્રભુ પ્રાણઆધાર. ૩૮

શૂન્યાતીતાનંદે સારિ રીતે, કરાવ્યો થાળ પૂરણ પ્રીતે;

વૈકુંઠાનંદે કીધો તે થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ. ૩૯

પછી બોલ્યા પોતે બહુનામી, સુણો શૂન્યાતીતાનંદ સ્વામી;

કાઠી અહિના જે સરદાર, તે તો સૌને બોલાવો આ ઠાર. ૪૦

પછી મોકલ્યો જન સતસંગી, તેડી લાવ્યો તે સૌને ઉમંગી;

બોલ્યા તે પાસે શ્રીહરિ ત્યારે, ભાવનગર જવું છે અમારે. ૪૧

દાદો ખાચર ખાચર સુરો, બોલ્યા પ્રેમ ધરી મન પુરો;

થોડા અસ્વાર સંત છે સાથ, ન જવાય એ રીતે હે નાથ. ૪૨

સુણી બોલીયા શ્રીઘનશ્યામ, જાય અસ્વાર ગઢપુરધામ;

સંત સર્વને જૈને સુણાવે, ભાવનગર સહુ સંત આવે. ૪૩

વળિ કુંડળ સારંગપૂર, એહ આદિક પુર ધરિ ઊર;

જન કોઈને ત્યાં મોકલાવો, કાઠી અસ્વાર આંહિ તેડાવો. ૪૪

એવિ શ્રીહરિની સુણિ વાત, ગયા અસ્વાર બે રાતોરાત્ય;

ગઢડે જઈ સંતોને કહ્યું, જાઓ ભાવનગર સંત સહુ. ૪૫

શ્રીજી આવશે તે પૂરમાંય, તમે સૌ મળજો જઈ ત્યાંય;

સુણિ સંત તો સર્વે સીધાવ્યા, કહું જે હવે અસ્વાર આવ્યા. ૪૬

ગયા ભક્ત અલૈયો ને સુરો, જેના અંતરમાં પ્રેમ પુરો;

સતસંગીના ગામે સિધાવ્યા, કાઠી અસ્વારને તેડિ લાવ્યા. ૪૭

શૂન્યાતીતાનંદે તેહ વાર, ભાતું કરવાનો કીધો વિચાર;

વળિ શ્રીજીના થાળને સારુ, સાથે સામાન લેવા વિચાર્યું. ૪૮

જ્યારે વાત તે શ્રીજીએ જાણી, બોલ્યા સંત પ્રત્યે પ્રભુ વાણી;

ભાતાનું ને સીધાનું શું કામ, તે તો તૈયાર છે ગામોગામ. ૪૯

સંત જો સંતનો ધર્મ પાળે, અન્ન આવિ મળે સર્વ કાળે;

ધર્મમાં રહે છે નવનિધી, રહે ધર્મ વિષે અષ્ટસિદ્ધી. ૫૦

ભાતું રાખિયે તેટલું રાખો, બિજિ ચિંતા બધી ટાળી નાંખો;

વળિ હું કહું તે ઉર આણો, સુખ સ્વધર્મમાં સર્વ જાણો. ૫૧

ઉપજાતિવૃત્ત (ધર્મી સાધુને અન્ન મળે છે તે વિષે)

જે સ્નેહથી સંત સ્વધર્મ પાળે, ખામી નહીં અન્નનિ કોઇ કાળે;

જો વાસ તે જૈ વનમાં કરે, તો લોક આવી તહિં અન્ન દેય. ૫૨

સ્વધર્મ પાળે નહિ સાધુ જેહ, પામે ઘણું ભૂખનું દુઃખ તેહ;

મુખે કહે છે બહુ ભીખ માંગી, આ ચર્મની ઝુંપડિ આગ્ય લાગી. ૫૩

ઉંધે શિરે પગ રાખિ ઉંચા, રુવે ઘણી લાલચ રાખિ લુચ્ચા;

તથાપિ ના પેટ પુરું ભરાય, વિના સ્વધર્મે શ્રમ વ્યર્થ જાય. ૫૪

દંડા કુટે છે જઇ હાટહાટે,10 ત્રાગું11 કરે છે વળિ પેટ માટે;

તથાપિ શ્રદ્ધા વિણ લોક દે છે, કાળું કરો મૂખ જનો કહે છે. ૫૫

જે મારગે થૈ બહુ લોક જાય, પાણી ભરી નારિ જતી જણાય;

પંચાગ્નિ તાપે ઠરિ એહ ઠામે, તથાપિ પૂરું નહિ અન્ન પામે. ૫૬

જે સંતમાં ધર્મ ભલો જણાય, જ્યાં જાય ત્યાં પ્રેમ થકી પુજાય;

જો નીર માગે જન દૂધ આપે, સુખે જમે ધર્મ તણે પ્રતાપે. ૫૭

સુધર્મ જ્યારે દ્વિજમાં જણાતો, ત્યારે જનોને બહુ ભાવ થાતો;

દીઠી દ્વિજોમાં ખળતા ઘણેરી, શ્રદ્ધા ઘટી ગૈ જજમાન કેરી. ૫૮

સ્વપુત્ર જો શેલડી કાજ રૂવે, પીતા ન આપે વ્યય12 સામું જૂવે;

તે સંતને સાકર અન્ન દે છે, જો સંતમાં ધર્મ રુડો જુવે છે. ૫૯

ધર્મિષ્ઠને મિષ્ટ મળે જ અન્ન, દિઠા મહાદુઃખી થતા જ અન્ય;

માટે તમે સર્વ સ્વધર્મ પાળો, અન્નાદિ ચિંતા ઉરમાંથી ટાળો. ૬૦

પુષ્પિતાગ્રાવૃત્ત

વૃતપુર થકિ ચાલિ પદ્મપાણી,13 કૃત કરુણા કરી વાસ કારિયાણી;

રુચિ ધરિ મન ભાવપૂર14 જાવા, નિજજનના મનમાં છબી ઠરાવા. ૬૧

 

ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે નવમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિવૃત્તાલયાદ્-ભાવનગરગમનાર્થે કાર્યાણીપુરાગમનનામ પ્રથમો વિશ્રામઃ ॥૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે