વિશ્રામ ૧૦
પૂર્વછાયો
શ્રીહરિએ સહુ સ્વજનને, પુછિ કર્યો નક્કી નિરધાર;
સાહેબને મળવા જવું, કોણ કોણ મળિ કેઇ વાર. ૧
ચોપાઈ
મળિ સૌ જને એમ ઠરાવ્યું, પાછલે પોજાર મળવાને જાવું;
ત્રીજો પોજાર થયો પછિ જ્યારે, ચાલ્યા શ્રીહરિ મળવાને ત્યારે. ૨
મેનામાં મહારાજ બિરાજ્યા, રથમાં બેય આચાર્ય છાજ્યા;
નિત્યાનંદ ને ગોપાળાનંદ, શુકાનંદ આદિ મુનિવૃંદ. ૩
તેઓ પણ એક ગાડીમાં બેઠા, કોઇ પાર્ષદ ચાલતા હેઠા;
દાદો ને સુરો ખાચર જેહ, થયા અશ્વિએ1 અસ્વાર તેહ. ૪
ચાલ્યા મળવાને પુરુષ પુરાણ, કર્યું આગળથી તહાં જાણ;
ત્યારે સાહેબે કરીને વિવેક, સામી મોકલી પલટણ એક. ૫
તેણે દીધું રુડી રિતે માન, ગયા બંગલે શ્રી ભગવાન;
સામાં આવિયા સાહેબ મળી, તેનાં નામ સુણો કહું વળી. ૬
સર માલ્કમ સાહેબ જેહ, મુંબઈના ગવર્નર તેહ;
કારભારી તેના જે પ્રમાણો, તે તો ટામસ વિલિયમ જાણો. ૭
બ્લેન સાહેબ પોલીટીકાલ, તે તો ત્રણેની બુદ્ધિ વિશાળ;
બીજા સાહેબ છ હતા સંગે, મળ્યો સૌ હરિને તે ઉમંગે. ૮
હેતે ઝાલ્યો ગવર્નરે હાથ, બંગલામાં ગયા સહુ સાથ;
ખુરશી એક ઉત્તમ હતી, પધરાવ્યા ત્યાં સંતના પતી. ૯
હતા શ્રીજીની સાથે પધાર્યા, તહાં ખુરશિયે સૌને બેસાર્યા;
સામી ખુશિયોની હતિ હાર, બેઠા સાહેબ સૌ સરદાર. ૧૦
પછિ માલકમે કરિ પ્રેમ, પુછ્યા કૃષ્ણને કુશળ ક્ષેમ;
ભલે આવ્યા કહ્યું વળિ તમે, તસદી આપિ આપને અમે. ૧૧
સુણિ શ્રીહરિ બોલિયા એમ, પેખ્યો આપનો પૂરણ પ્રેમ;
આવ્યા આપ તણા ત્રણ પત્ર, તેથી આવ્યા છૈયે અમે અત્ર. ૧૨
મળિ આનંદ પામિયા તમને, શ્રમ કાંઇ પડ્યો નથિ અમને;
વળિ સાહેબે પુછ્યું વિચારી, કહો જન્મભૂમિ ક્યાં તમારી. ૧૩
કોણ માત પિતા કોણ નાત, ભ્રાત કેટલા તે કહો વાત;
સુણિ બોલિયા શ્રીઅક્ષરેશ, જન્મભૂમિ તો કૌશલ દેશ. ૧૪
અમે સરવરિયા દ્વિજ છૈયે, કહું બીજું તે સાંભળિ લૈયે;
માતા ભક્તિ અને ધર્મ તાત, એક જ્યેષ્ઠ કનિષ્ઠ બે ભ્રાત. ૧૫
ભાઈ રામપ્રતાપના જેહ, સુત અવધપ્રસાદ આ તેહ;
નાનાભાઇ ઇચ્છારામ ધીર, તેના પુત્ર આ છે રઘુવીર. ૧૬
તે બે પુત્ર મેં દત્તક લીધા, મારી ગાદિના વારસ કીધા;
કહે સાહેબ સાંભળો પ્યારા, તમે પરણેલ છો કે કુંવારા? ૧૭
જન્મભૂમિથિ ક્યારે સિધાવ્યા, અને આ દેશમાં ક્યારે આવ્યા?
કહે કૃષ્ણ વરસ અગ્યારે, અમે જન્મભૂમિ તજી ત્યારે. ૧૮
બદરીનાથ ને જગન્નાથ, ગયા તીરથમાં વિના સાથ;
સેતુબંધ રામેશ્વર ગયા, વિષ્ણુકાંચિ વિષે પણ રહ્યા. ૧૯
ત્યાંથી પંઢરપુરમાં સિધાવ્યા, પછી નાશક ત્રંબક આવ્યા;
આવ્યા સૂરત થૈ ગુજરાત, કાઠિયાવાડ જોઈ વિખ્યાત. ૨૦
છપનામાં2 જોયો દેશ એહ,3 રહ્યા સૌનો નિહાળિને નેહ;
કર્યો ગઢપુર માંહિ નિવાસ, ત્યાંના રાજા અમારા છે દાસ. ૨૧
કહે સાહેબ ધર્મ તમારો, અમે સાંભળ્યો છે બહુ સારો;
તમે શાસ્ત્ર કર્યું હોય જેહ, આપો અમને કૃપા કરી એહ. ૨૨
એવું સાંભળી સહિત વિવેક, શિક્ષાપત્રિ આપી એને એક;
સાહેબે લઈ માથે ચડાવી, કહ્યું જે અમે જોશું વંચાવી. ૨૩
પછિ પૂજાનો સામાન લાવ્યા, હાર તોરા હરીને ચડાવ્યા;
ચર્ચ્યું અત્તર શ્યામને અંગે, શાલ જોટો ઓઢાડ્યો ઉમંગે. ૨૪
પછિ જે જે હતા હરિ સાથે, તેને અર્ચિયા તે નરનાથે;
પ્રભુ પાસે માગ્યું શિર નામી, સુણો આપ નારાયણસ્વામી. ૨૫
અમારું ને અમારા શત્રુનું, ભલું કરજો મનુષ્ય સહુનું;
સુણી બોલિયા શ્રીગિરધારી, ધન્ય ધન્ય છે બુદ્ધિ તમારી. ૨૬
તમે સર્વનું ઇચ્છો છો સારું, માટે સારું થશે જ તમારું;
પછી હરિએ જવા રજા માગી, બોલ્યા સાહેબ તે પગે લાગી. ૨૭
થોડા દિવસ વસો આંહિ વાસ, જોઇએ તે માગો અમ પાસ;
હોય કોઇ વિઘનકારી તમને, તો તે વાત જાહેર કરો અમને. ૨૮
બોલ્યા શ્રીહરિ તે સમા માંઇ, અમારે નથિ જોઇતું કાંઇ;
જન સર્વ છે સ્નેહિ અમારા, નથિ કોઈ વિઘન કરનારા. ૨૯
ઉતાવળ છે જવાનિ અમારે, માટે તાણ ન કરવિ તમારે;
દાદા ખાચર બેઠા છે જેહ, ઘોડો આપે છે આપને તેહ. ૩૦
દે છે ભેટ નથી જોતું મૂલ, માટે આપ કરો તે કબૂલ;
સુણી બોલિયા સાહેબ તેહ, શિક્ષાપત્રી દિધી તમે જેહ. ૩૧
માનું છું લાખ ઘોડા પ્રમાણ, નથી જોઇતો એહ કેકાણ;4
દાદા ખાચરને વળિ કહ્યું, ભાગ્યશાળિ તમે પણ બહુ. ૩૨
મોટા સંત વસે તમ ઘેર, તેનિ સેવા સજો છો સુપેર;
વાતચીત ઘણી એવિ રીતે, પ્રભુ સાથે કરી તેણે પ્રીતે. ૩૩
રજા લૈને ઉઠ્યા પ્રભુ જ્યારે, જન સકળ ઉભા થયા ત્યારે;
સાહેબે હરિનો ઝાલ્યો હાથ, વળાવાને આવ્યા સહુ સાથ. ૩૪
બેઠા મેનામાં શ્રીહરિ જ્યારે, વળ્યા વંદીને સાહેબ ત્યારે;
અવિનાશિ ઉતારે સિધાવ્યા, તહાં સત્સંગિ સૌ મળિ આવ્યા. ૩૫
પલંગે બેઠા શ્રીમહારાજ, બેઠો આગળ સર્વ સમાજ;
નિત્યાનંદ બોલ્યા જોડિ હાથ, પુછું પ્રશ્ન સુણો સંતનાથ. ૩૬
અંગરેજ તણું રાજ જેહ, રહેશે ક્યાં લગી કહો તેહ;
કહે કૃષ્ણ સુણ મુનિરાજ, અંગરેજ તણું જેહ રાજ. ૩૭
હરિઇચ્છાથિ આવ્યું છે આંહીં, નથિ સંશય એ વિષે કાંહી;
થયા દેશિ રાજા જ્યારે એવા, સાધુ પીડા પામ્યા તમ જેવા. ૩૮
ધર્મિ વાંક વગરના પીડાય, રાજા કોઇ ન કરતા સહાય;
ન્યાય કોઇ પ્રજાને ન મળતો, રાંકની5 રાવ6 કા7 ન સાંભળતો. ૩૯
સંત પુરુષ તણો જે પોકાર, સાંભળ્યો જગ-સર્જનહાર;
ત્યારે રાજા આવ્યો અંગરેજ, અતિ ન્યાયી નરેશ છે એ જ. ૪૦
ચક્રવર્તિ ભરત ખંડ તણો, થશે એ જ જોરાવર ઘણો;
જ્યારે સાધુને તે પીડા કરશે, ન્યાય મુકી અન્યાય આદરશે. ૪૧
જોર પામી જુલમગાર થાશે, ત્યારે તેનું નકી રાજ જાશે;
સુણિ બોલિયા સત્સંગિ એમ, અંગરેજ રાજા રહો ક્ષેમ. ૪૨
પછી ત્યાં થકિ શ્રીગિરધારી, કરિ ચાલવા કેરિ તૈયારી;
હરિભક્તે કરી ઘણિ તાણ, રહો બે દિન શ્યામ સુજાણ. ૪૩
કહે કૃષ્ણ છે કામ અમારે, માટે તાણ ન કરવિ તમારે;
પછિ તૈયાર સૌને કરાવ્યા, તંબુ પાડિ ગાડામાં ભરાવ્યા. ૪૪
ત્યાંથિ સંચર્યા શ્રીહરિ જ્યારે, અસવારિ સારી સજિ ત્યારે;
સતસંગી વળાવવા આવ્યા, વાજાં વિવિધ પ્રકારનાં લાવ્યા. ૪૫
જેવિ રીત્યે આવ્યા હતા હરિ, તેવિ રીતે ચાલ્યા પાછા ફરી;
ચૌટા વચ્ચે થઈ જેમ છાજે, આવ્યા ઉત્તરાદે દરવાજે. ૪૬
પુષ્પિતાગ્રાવૃત્ત
હરિવર કૃત રાજકોટમાંય, સુભગ ચરિત્ર શિખે સુણે જ ગાય;
પ્રભુપદ અતિ પ્રેમ તેથિ લાગે, ભવભય ભીતિ સમસ્ત તેનિ ભાગે. ૪૭
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે નવમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિરાજકોટપુરે ગવર્નરસાહેબમીલનનામ દસમો વિશ્રામઃ ॥૧૦॥