કળશ ૯

વિશ્રામ ૧૧

પૂર્વછાયો

રુડિ રીતે રાજકોટથી, જ્યારે વિચરિયા અવિનાશ;

ત્યાંના નિવાસી ભક્તજન, થયા અંતર માંહિ ઉદાસ. ૧

ચોપાઈ

મુરતી હરિની ધરિ ઉરમાં, પાછા તે હરિજન ગયા પુરમાં;

પાડાસણ ગયા શ્રીપરમેશ, સરતાનજિ ત્યાંના નરેશ. ૨

દરબારમાં ઊતર્યા દેવ, આવ્યા હરિજન સૌ તતખેવ;

જેઠીભાઈ મઘો હકોભાઈ, આવ્યા સેવામાં તે સહુ ધાઈ. ૩

જમિને ત્યાં રહ્યા હરિ રાત, પછિ પરવર્યા ઊઠિ પ્રભાત;

મોકો ખાચર બોલ્યા તે વાર, સુખકારિ ચાલો સરધાર. ૪

ત્યાંથિ વાંકિયે ગામ વિચરવું, મારું વિનયવચન ઉર ધરવું;

રાજો ડાંગર બોલ્યા તે ઠામ, ચાલો ગિરધર ખોખરે ગામ. ૫

દીધું છે ત્યાંના જનને વચન, મહારાજ વિચારોને મન;

જીવો ડોડિયો ને કાનો ખેર, બોલ્યા તે પણ એવી જ પેર. ૬

તમે આપ્યું છે અમને વચન, માટે ખોખરે ચાલો જીવન;

તેઓ બે જણ આગળ થયા, પછિ ગિરધર ખોખરે ગયા. ૭

કાનો સિંધવ સન્મુખ આવ્યા, પ્રભુને ગામમાં પધરાવ્યા;

ઉતર્યા હરિ તેહને ઘેર, સૌએ સેવા સજી સારિ પેર. ૮

ધર્મવંશિયોએ કર્યો થાળ, જમ્યા તે હરિકૃષ્ણ કૃપાળ;

ભાઇ ગોવિંદના ફળિયામાં, હતો લીંબડો તેહ સમામાં. ૯

તહાં પાથર્યો ભક્તે પલંગ, પોઢ્યા સારિ રીતે ત્યાં શ્રીરંગ;

મકવાણાં ડોશી કંકુબાઈ, પગે લાગ્યાં પ્રભુજિને ધાઈ. ૧૦

માગ્યું વરદાન તે સમે સારું, પ્રભુ કલ્યાણ કરજો અમારું;

કહે શ્રીહરિ કરજો ભજન, તેથી પામશો અચળ ભવન.1 ૧૧

કાના સિંધવની ઘરનારી, માનબાઈ તે સત્સંગી સારી;

પુત્ર માસ છનો નામે ઘેલો, હતો તે સમે તેણે તેડેલો. ૧૨

તેને એક રુમાલ ઓઢાડ્યો, પછી શ્રીજીને ખોળે સુવાડ્યો;

તેને શિર હરિએ હાથ દીધો, પછિ તે બાઇયે તેડિ લીધો. ૧૩

પછિ સાંજે સભા સજિ સારી, આરતી ધુન સંતે ઉચારી;

જ્ઞાનવાત કરી પોઢ્યા હરી, પ્રભાતે જવા તૈયારી કરી. ૧૪

રથમાં બેઠા શ્રીમહારાજ, પછિ સંચર્યા સહિત સમાજ;

ચારે શેરિયો દીઠિ સુહાતી, આવે બાઇયો કીર્તન ગાતી. ૧૫

એવું જોઈ બોલ્યા ઘનશ્યામ, આ તો ગોકુળ જેવું છે ગામ;

સુણિ એવું બોલ્યા સંત કોય, જહાં આપ ત્યાં ગોકુળ હોય. ૧૬

વસ્તો ભક્ત બોલ્યા જોડી હાથ, તમે સાંભળો સત્સંગનાથ;

ગામમાં એવો દ્વિજ નથિ કોઈ, અમને આપે મુહુરત જોઈ. ૧૭

ખેડ આદિક જે કામ કરીએ, કેને મુહરત પૂછિ આદરિએ?

સુણી બોલિયા અશરણશરણ, કરવું શ્રીહરી તણું સ્મરણ. ૧૮

લઈ સ્વામિનારાયણ નામ, સદા આદરવું શુભ કામ;

સુણિ એવું શ્રીજીનું વચન, હરિજન સહુ હરખીયા મન. ૧૯

પછિ પરવર્યા કરુણાનિધાન, ગયા ભંડારિયે ભગવાન;

ત્યાંથિ ભાડલે થૈ દહિંસરે, અણિયાળીએ ત્યાંથિ વિચરે. ૨૦

કડુકે ગયા જનસુખદાઈ, સામો આવ્યો ત્યાં ભક્ત મેરાઈ;2

તેણે અંગરખું ભેટ કર્યું, ધર્મપુત્રે તે તન પર ધર્યું. ૨૧

બેસતું તે બરાબર આવ્યું, ત્યારે શ્રીજીએ એવું સુણાવ્યું;

આવે બેસતું અંગમાં એવું, તમે કેમ સીવી શક્યા તેવું? ૨૨

કહે દરજી હે નાથ તમારી, મૂરતી મન માંહિ સંભારી;

જેવું ધ્યાનમાં રૂપ તે આવ્યું, તેવું અંગરખું મેં બનાવ્યું. ૨૩

સુણી અચરજ પામિયા સહુ, જાણ્યો એ તો ચમત્કાર બહુ;

બોલ્યો મેરાઇ જોડીને હાથ, આંહિ રાત રહો મુનિનાથ. ૨૪

સુણિ બોલિયા શ્રીહરિ ત્યારે, ઉતાવળ છે જવાની અમારે;

પછિ સંચર્યા ત્યાંથિ સહુજી, ગયા મડાળા ગામ પ્રભુજી. ૨૫

ચેલા ખાચરનો દરબાર, ઉતર્યા જઇ વિશ્વઆધાર;

જમીને બેઠા જીવન જ્યારે, આવ્યા ભગવદાનંદ ત્યારે. ૨૬

સેવાનંદ હતા તેને સંગે, પ્રણમ્યા પ્રભુજીને ઉમંગે;

શ્રીહરિએ પુછ્યા સમાચાર, ક્યાંથી આવ્યા કહો એહ વાર? ૨૭

કહે સંત સુણો પ્રભુ તમે, વટપત્તનથી આવ્યા અમે;

કહે શ્રીજી ત્યાંના હરિજન, કેવા રાજિ ખુશી છે તે મન. ૨૮

કહે સંત હે પરમપવિત્ર, કરો છો જિ મનુષ્ય-ચરિત્ર;

મંદવાડ ધર્યો છે શરીરે, સુણિ સૌ જન છે દિલગીરે. ૨૯

સૌએ વંદન સ્નેહે કહ્યાં છે, ભેટ નારંગી ફળ મોકલ્યાં છે;

કહિ એ રીતે કંડિયો ધર્યો, અંગિકાર તે શ્રીજીએ કર્યો. ૩૦

નારંગી ફળને સુધરાવી, જમ્યા શ્રીજી ઘણો સ્નેહ લાવી;

જે જે બેઠા હતા તે ઠેકાણે, આપિ સૌને પ્રસાદિ તે ટાણે. ૩૧

રહ્યા રુડિ રીતે તહાં રાત, પ્રભુ ઊઠિને ચાલ્યા પ્રભાત;

ગામ ભોંયરે થૈ ભગવાન, ગયા મોઢુકે જ્ઞાનનિધાન. ૩૨

વડ હેઠ જગા જોઇ સારી, ઉતર્યા તહાં દેવ મુરારી;

કરિ નિત્યક્રિયા મહારાજ, જમ્યા ટીમણ સહિત સમાજ. ૩૩

પછી ત્યાંથી ચાલ્યા સહુ સાથ, દેવધરીએ ગયા દીનનાથ;

ડાહ્યો વોરો તહાં હરિજન, તેણે આવી કર્યાં દરશન. ૩૪

કહ્યું ગામમાં શ્યામ પધારો, આવી પૂરો મનોરથ મારો;

કહે કૃષ્ણ અમારે છે કામ, નહિ રોકાઇએ એહ ઠામ. ૩૫

ડાહ્યા શેઠે તે ગામમાં જઈ, ટોપરાં ને ખજૂર તે લઈ;

ભગવાનને તે ભેટ ધરી, કૃપાનાથે અંગીકાર કરી. ૩૬

ત્યાંથિ પરવર્યા શ્રીપરમેશ, સખપર ગયા સર્વજનેશ;

ત્યાંથિ દુર્ગપુરે દીનનાથ, આવ્યા સંત સખા લઈ સાથ. ૩૭

કરી દર્શન શ્રીહરિ કેરાં, હરિજન મન હરખ્યાં ઘણેરાં;

રાજકોટ તણા સમાચાર, સહુ જનને કહ્યા તેહ વાર. ૩૮

સ્નેહ સાહેબનો દિઠો જેવો, કહ્યો સૌ જન આગળ એવો;

રાજકોટની લીલાની વાત, થઈ દેશ વિદેશ વિખ્યાત. ૩૯

જન આસુરી તો હતા જેહ, કહે તર્ક કરી વાત તેહ;

જાણે છે વશીકરણ વિદ્યાને, તેથિ સાહેબ પણ તેને માને. ૪૦

પણ મૂર્ખ વિચારે ન એમ, ઉગ્યો સૂર્ય છાનો રહે કેમ;

ભલે અજ્ઞાનિ અવગુણ ગાય, અંત્યે સત્ય તે સત્ય જ થાય. ૪૧

ઉપજાતિવૃત્ત (સત્યં જયતિ તે વિષે)

કહે હિરાને કદિ કાચ કોય, તથાપિ જો તેહ હિરો જ હોય;

જ્યારે ઝવેરી જન હાથ જાશે, ત્યારે ખરી વાત પ્રસિદ્ધ થાશે. ૪૨

કસ્તૂરિને કોઇ કહે કદાપી, કસ્તૂરિ એ તો નથિ રે તથાપી;

સુગંધ જ્યારે સઘળે જણાશે, તે બોલનારો મુરખો ગણાશે. ૪૩

જો દુષ્ટ કોઈ દિલ દ્વેષ રાખે, છે સત્ય તેને જ અસત્ય ભાખે;

અંત્યે જતાં સત્યનિ જીત થાય, શાસ્ત્રો પુરાણો સહુ એમ ગાય. ૪૪

જે નાણું સાચું જ જરૂર હોય, ખોટું કહે મૂરખ લોક કોય;

તેના કહ્યાથી નહિ ખોટું થાય, જે સત્ય તે સત્ય થશે સદાય. ૪૫

જો નેત્રમાં કાંઇ વિકાર થાય, તેને પિળો રંગ બધે જણાય;

જો શર્કરાને કડવી કહેશે, તે રોગિ છે સૌ જન જાણિ લેશે. ૪૬

જો ઘૂડથી સૂર્ય દિઠો ન જાય, તો સૂર્યને શું નુકશાન થાય?

સો પ્રાણિ જાણે રવિનો પ્રતાપ, તો ઘૂડથી કેમ થશે ઉથાપ. ૪૭

ઉગે ભલો ચંદ્ર પ્રકાશ જ્યારે, ગ્લાની ધરે પંકજવૃંદ3 ત્યારે;

તો તેજ ઓછું શશિનું ન થાય, તેજસ્વિનું તેજ વધ્યું જ જાય. ૪૮

શ્રીસ્વામિનારાયણનો પ્રતાપ, દેખી બળ્યા દુષ્ટ જનો અમાપ;

તથાપિ નિત્યે ચડતી કળાય, સત્સંગની વિશ્વ વિષે જણાય. ૪૯

પુષ્પિતાગ્રાવૃત્ત

ધરમ તનુજ રાજકોટ જૈને, દુરગપુરે ફરિ આવિ રાજિ થૈને;

સ્થિર મન વસવા તહાં ઠરાવ્યું, પરમ પવિત્ર ચરિત્ર તે સુણાવ્યું. ૫૦

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે નવમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિરાજકોટપુરાત્-દુર્ગપુરાગમનનામૈકાદશો વિશ્રામઃ ॥૧૧॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે