કળશ ૯

વિશ્રામ ૧૨

પૂર્વછાયો

જેવી વિધે વરતાલમાં, પધરાવિયા રણછોડરાય;

વર્ણિ કહે વસુધાપતી, હવે કહું છું એહ કથાય. ૧

ચોપાઈ

પાંડે ગોપાળજી મહારાજ, રણછોડજિની છબિ કાજ;

ગયા હતા ડુંગરપર જેહ, છબિ લૈ આવ્યા વરતાલ તેહ. ૨

પ્રતિમા મુકિ વરતાલ માંય, ગયા પોતે હતા હરિ ત્યાંય;

દાદા ખાચરને દરબાર, સભામાં હતા જગકરતાર. ૩

દંડવત કર્યા ગોપાળજીયે, હાથ ઝાલી ઉઠાડ્યા હરિએ;

હરિ ભેટ્યા હેતે ભિડિ બાથ, પછિ બેઠા પલંગમાં નાથ. ૪

દેખી દુર્બળ શ્યામશરીર, ભર્યાં ગોપાળજી દૃગે નીર;

દીધી ધીરજ દીનદયાળે, કહ્યું કષ્ટ મટી જશે કાલે. ૫

વળિ બોલિયા વિશ્વના ધણી, કેમ વાર કરી તમે ઘણી?

આટલા દિન ક્યાં રહ્યા જાણી, ત્યારે બોલ્યા ગોપાળજી વાણી. ૬

આપે આપેલા માપ પ્રમાણે, મુરતી ન મળી તે ઠેકાણે;

તેનો કરવા વિશેષ તપાસ, તહાં વીતિ ગયો એક માસ. ૭

નવિ મૂર્તિ કરાવવિ પડી, વળિ તેમાં ગયા માસ અઢી;

ગયા તે લઇ વરતાલ માંહી, તહાં મુકિ આવ્યા છૈયે આંહીં. ૮

શોભીતિ પ્રતિમા છે તે સારી, સુણિ રાજિ થયા ગિરધારી;

પુષ્પદોલ તણો દિન આવ્યો, ત્યારે ઉત્સવ સારો કરાવ્યો. ૯

હરિએ કર્યો એમ ઉચ્ચાર, ફુલદોલ આ છે છેલિ વાર;

સુણિ સૌ જન પામ્યા ઉદાસી, આપિ ધીરજ શ્રીસુખરાશી. ૧૦

એમ દિનપર દિન વહી જાય, મંદવાડ શરીરે જણાય;

ત્યારે ગોપાળજીએ વિચારી, મુક્તાનંદને વાત ઉચ્ચારી. ૧૧

રણછોડજિની પ્રતિમાય, ઘણા શ્રમથી હું લાવ્યો છું ત્યાંય;

ક્યારે તેની પ્રતિષ્ઠા કરાશે, ચાલો પૂછિયે જૈ પ્રભુ પાસે. ૧૨

ગોપીનાથના મંદિર માંય, સજ્યા છે મહારાજની ત્યાંય;

સુતા જાગતા શ્રીવનમાળી, ગયા બે જણા તે સ્થળ ચાલી. ૧૩

પ્રભુપદને કરીને પ્રણામ, મુક્તાનંદ બોલ્યા તેહ ઠામ;

મંદવાડ ગ્રહણ કર્યો આપે, ધાર્યું આપે તે કોણ ઉથાપે. ૧૪

પણ રણછોડજી પ્રતિમાય, પધરાવવિ વરતાલ માંય;

કહો નાથ તેનું કેમ કરવું? જેવી આજ્ઞા તેવું અનુસરવું. ૧૫

સમૈયો હરિનવમીનો આવ્યો, તેનો કેવો વિચાર ઠરાવ્યો?

વરતાલ કહો કોણ જાશે? તહાં તો ઘણા સંઘ ભરાશે. ૧૬

સુણિ બોલિયા વૃષકુળરાય, નહીં વરતાલ અમથિ જવાય;

અમારે સ્થાને સ્થાપ્યા છે જેહ, બેય આચારજો જાય તેહ. ૧૭

રામપ્રતાપ ને ઇચ્છારામ, અમ પાસે રહે એહ ઠામ;

મુકુંદાનંદ ને મુક્તાનંદ, રહે તે પણ આંહિ સ્વછંદ. ૧૮

એમ કહિ સહુ સંત બોલાવ્યા, દાદા ખાચરનેય તેડાવ્યા;

વળિ બોલાવ્યા આચાર્ય બેય, તતકાળ આવ્યા સહુ તેય. ૧૯

બોલ્યા તે સહુ સન્મુખ માવો, સમૈયો હરિનૌમિનો આવ્યો;

નહિ વરતાલ અમથિ જવાય, સમૈયો ત્યાંનો બંધ ન થાય. ૨૦

માટે જાય આચારજ બેય, જેઓ અંગ અમારાં જ છેય;

તેને પૂજશે જે ધરિ પ્રીત, પૂજા માનીશ હું જ ખચીત. ૨૧

દ્વેષ જો કોઈ તેહનો કરશે, તે તો દ્વેષિ અમારો જ ઠરશે;

આજ જે રીતભાત ઉચ્ચારું, જાણો વંશપરંપરા સારુ. ૨૨

સુણો આચારજો બેય તમે, તમને ગાદિ સોંપી છે અમે;

માટે રાખજો ચિત્ત વિચાર, કેવો છે નિજનો અધિકાર. ૨૩

પામી ઉંચો અધિકાર આમ, કેમ થાય કદી નિચું કામ;

એવી લક્ષધા1 રાખજો લાજ, તમે કરજો વિચારીને કાજ. ૨૪

પાંચ સદ્‌ગુરુ હરિજન પંચ, જેમાં હોય અધર્મ ન રંચ;

ધર્મવાળા ને વૃદ્ધ ગણાય, તેનિ આજ્ઞામાં રહેજો સદાય. ૨૫

કદિયે ન સ્વતંત્ર તો થાવું, પૂછ્યા વગર તો ક્યાંઈ ન જાવું;

સેવામાં સદા રાખજો પાળા, એ તો શાંત અને ધર્મવાળા. ૨૬

જેને બોલતાં લાજ ન આવે, સદા ગ્રામ્યગપાટા સુણાવે;

એવાનો તજજો સહવાસ, બહુધા નવ રાખવા પાસ. ૨૭

અતિ વાચાળ કે ચારિ ખાય, દ્રવ્ય નારિમાં જેહ લોભાય;

અભિમાન રજોગુણિ હોય, એવા પાસે ન રાખવા કોય. ૨૮

હરિભક્તનું દૂખવે મન, વારે વારે જે લોપે વચન;

કરે જ્યાં ત્યાં જે ભાઇબંધાઈ, એવા સેવક તજવા સદાઈ. ૨૯

સારા સેવક ગાંગજિદાસ, રહે અવધપ્રસાદનિ પાસ;

નામે અર્જુન ભક્ત છે જેહ, રઘુવીર પાસે રહે તેહ. ૩૦

સંપ રાખજો સર્વે સદાય, જાણજો સંપથી સુખ થાય;

જ્યાં જ્યાં જાઓ ત્યાં સર્વ ઠેકાણે, ચાલજો શિક્ષાપત્રી પ્રમાણે. ૩૧

જે છે ત્યાગિ ગૃહસ્થ જે જન, માનશે તે તમારું વચન;

સૌને ધર્મમાં રાખજો તમે, સૌના તમને ગુરૂ કર્યા અમે. ૩૨

હવે સાંભળો સૌ બ્રહ્મચારી, કહું વર્ત્યાનિ રીત તમારી;

વાસુદેવા અખંડાનંદ, એ બે સદ્‌ગુરુ સદ્‌ગુણકંદ. ૩૩

રાખશે તે સંભાળ તમારી, એને આજ્ઞા છે એવિ અમારી;

સ્નેહે સેવા આચાર્યની કરવી, કરે આજ્ઞા તે અંતરે ધરવી. ૩૪

પધરામણિમાં સાથે જાવું, આપે ચામર તો રાજિ થાવું;

આવે મે’માન જો સતસંગી, કરવી તો રસોઇ ઉમંગી. ૩૫

હરિભક્ત તણો મહિમાય, અતિ જાણવો અંતર માંય;

વામનાનંદ વૈકુંઠાનંદ, બ્રહ્મચારી તે બે ગુણવૃંદ. ૩૬

એક અવધપ્રસાદના દાસ, બીજા તે રઘુવીરજિ પાસ;

નિત્યાનંદ બ્રહ્માનંદ જેહ, જાણો સદ્‌ગુરુ સંતમાં તેહ. ૩૭

ગોપાળાનંદના શિષ્ય બેય, નિર્ગુણા પુરુષાનંદ છેય;

તેની શાંત પ્રકૃતિ છે સારી, વાટે તેને ઠરાવો કોઠારી. ૩૮

દિલના બેય છે તે દયાળ, વાટે રાખશે સૌની સંભાળ;

હવે કહું કોઠારિનિ રીત, સહુ સાંભળજો ધરિ ચિત્ત. ૩૯

હરિભક્ત રસોઈ જે આપે, જોઇયે તેટલું લેવું માપે;

ઝાઝું લૈને બગાડ ન કરવો, વધે સામાન તે પાછો ધરવો. ૪૦

તેની શ્રદ્ધા પ્રમાણે જ લેવું, વધતું કાંઇયે ન કહેવું;

માંદા ભૂખ્યા થાક્યા હોય સંત, તેનિ રાખવિ ખબર અત્યંત. ૪૧

જોઇયે રાબ કે શિરા જેવું, માંદા સંતને તો તેહ દેવું;

સરખો સ્નેહ સૌ પર ધરવો, પક્ષપાત કદાપિ ન કરવો. ૪૨

આવે ભેટ મિઠાઇ કે મેવો, તે તો પ્રથમ આચાર્યને દેવો;

પછિ આપવો સદ્‌ગુરુઓને, સરખી રીતે અન્ય સંતોને. ૪૩

કેને છાનિ પ્રસાદિ ન દેવી, રીત રુડા કોઠારિની એવી;

જાણવો સંતનો મહિમાય, સંતથી વધે છે સંપ્રદાય. ૪૪

હવે સંતને વર્ત્યાનિ રીત, કહું છું તે સુણો ધરિ પ્રીત;

બરુ2 કાગળ દોરો કે સોય, વસ્તુ જો કાંઇ જોઇતિ હોય. ૪૫

તો તે સદ્‌ગુરુને જ કહેવું, સતસંગી પાસેથિ ન લેવું;

કોઠારીને તે સદ્‌ગુરુ કહેશે, ત્યારે કોઠારિ મંગાવી દેશે. ૪૬

પણ સદ્‌ગુરુનું લઈ નામ, વસ્તુ લેવિ નહીં નિજ કામ;

જમવું નિત્ય પંગતે જૈને, પણ સ્વાદના લાલચુ થૈને. ૪૭

નવ આગળ પાછળ જાવું, મનમાનતું લૈને ન ખાવું;

સ્વાદમાં ચિત્તની વૃત્તિ સાંધી, કદિ જમવું નહીં જુદું રાંધી. ૪૮

જ્યારે સંત રસાસ્વાદિ થાશે, ત્યારે જૂદા જૂદા પડિ જાશે;

તપ કરવું તે સંત આચાર, તપ કરવા તજ્યાં ઘરબાર. ૪૯

કદિ આસન કાજ ઉચાટે,3 કાં તો કાંઈ પદારથ માટે;

અકળાઈ જવું નહિ ક્યારે, લેવું આપે તે મોટેરા ત્યારે. ૫૦

ન મળે તોય સંતોષ રાખે, સાચો સંત ન કુત્સિત4 ભાખે;

આજ્ઞા મોટાનિ લીધા વિનાય, કદિ જાવું નહીં ગામ માંય. ૫૧

પધરામણિ આચાર્ય કેરી, શોભે સંતથી સારિ ઘણેરી;

માટે સૌ સાધુએ સાથે જાવું, પણ આજ્ઞા વિના ન રોકાવું. ૫૨

વળી વસ્તી વિષે જવું જ્યારે, નિચિ દૃષ્ટિએ ચાલવું ત્યારે;

ફાટી દૃષ્ટિ રાખી જેહ ફરે, તે તો સંત અસંતમાં ઠરે. ૫૩

માંહોમાંહિ જુવાનિયા મળી, ઠઠ્ઠા મશ્કરિ જો કરે વળી;

અથવા ક્રોધથી ચડભડે,5 ભાર ભાગે તેનો તેહ વડે. ૫૪

હરિભક્ત જુવે કદિ એવું, સમઝે તેનું માહાત્મ્ય કેવું?

માટે સંભાળિ ચાલશે સંત, ત્યાં સુધી તે પૂજાશે અત્યંત. ૫૫

નહીં તો બિજા વેરાગિ જેવા, હલકા ગણાશે સહુ એવા;

પાળા સંત તથા બ્રહ્મચારી, સાંખ્યયોગ તણા અધિકારી. ૫૬

પાંચ વાર કથા જહાં થાય, સુણવાને સદૈવ તે જાય;

કાંઇ કામનું કાઢિ બહાનું, ભુલવું નહિ ટાણું કથાનું. ૫૭

કામ હોય તો તે પછિ કરવું, કથામાં તો જરૂર વિચરવું;

કથાની રુચિ જેહની છૂટી, જાણો સત્સંગની વૃત્તિ તૂટી. ૫૮

રાખ્યો નહિ જો કથાનો પ્રસંગ, થયું સૌભરીનું વ્રત ભંગ;

હરિભક્તને વાતો સુણાવે, તે તો સંત સુજાણ કહાવે. ૫૯

હવે સાંભળી સૌ તમે પાળા, જે છો કલ્યાણ ઇચ્છવાવાળા;

ભગુજી ને રતનજી છે જેહ, તમોમાં મોટા જાણવા તેહ. ૬૦

તેનું માનવું વચન તમારે, નહિ થાવું સ્વતંત્ર તો ક્યારે;

આચારજજીનિ આજ્ઞામાં રહેવું, કહે કામ તે તો કરિ દેવું. ૬૧

તંબુ દેરા વાટે ઉભા કરવા, ભારખાના વિષે ભાર ભરવા;

ચોકિપેરો રુડો કરો રાતે, વળી માંજવા પાત્ર પ્રભાતે. ૬૨

સેવા કરવી સદા શિરસાટે, નિજ જીવના કલ્યાણ માટે;

પધરામણીમાં સાથે જાવું, નિચું જોઈને નિષ્કામી થાવું. ૬૩

શસ્ત્ર ધારિ થવું શૂરવીર, ખરિ વખતે ખોવું નહિ નીર;6

સંત આચાર્ય આજ્ઞા ઉચારે, ક્ષમા રાખવિ ત્યારે તમારે. ૬૪

સર્વ ત્યાગએ સમઝવું એમ, હોત ઘેર કરત કામ કેમ;

ઘણિ સૌનિ ધરત ઓશિયાળ,7 તેથી ભક્તિમાં છે બહુ માલ. ૬૫

પુષ્પિતાગ્રાવૃત્ત

પ્રભુપદરત જેહ સંત પાળા, પટ ભગવાં વળિ શ્વેત વસ્ત્રવાળા;

પણ જતિ સમ ધર્મ એક જાણો, સમ મહિમા મુનિ પાર્ષદ પ્રમાણો. ૬૬

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે નવમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

આચાર્યપ્રવાસે-સંતવર્ણિપાર્ષદાદિવર્તનનિરૂપણનામ દ્વાદશો વિશ્રામઃ ॥૧૨॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે