કળશ ૯

વિશ્રામ ૧૩

પૂર્વછાયો

ગોપાળજી મહારાજને, કહે શ્રીહરિ સ્નેહે ત્યાંય;

મૂરતિ રણછોડજી તણી, સ્થાપવી છે વરતાલ માંય. ૧

ચોપાઈ

તે તો ઇચ્છા તમારી પ્રમાણે, સ્થાપે આચાર્ય તેહ ઠેકાણે;

તે માટે તમે વરતાલ જાઓ, સહુની સાથે તૈયાર થાઓ. ૨

ધર્મવંશી સરવ નરનારી, સાથે સર્વને લેજો વિચારી;

રામપ્રતાપ ને ઇચ્છારામ, રહેશે અમ પાસે આ ઠામ. ૩

લલિતા જયા રાજકુમારી, પછિ તેને કહે ગિરધારી;

રણછોડજિ પધરાવા કાજ, જશે વરતાલ સર્વ સમાજ. ૪

તમો બેમાંથિ એક સિધાવો, વાટે બાઇયોની ખબર રખાવો;

બેય આચાર્યની ઘરનારી, તેની સંભાળ રાખજો સારી. ૫

લલિતા કહે ત્યાં જયા જાય, એવિ આપ કરો આજ્ઞાય;

જયાને કહે શ્રીજગદીશ, તમે જાઓ વચન ધરિ શીશ. ૬

જયાબાઇ બોલ્યાં તે ટાણે, જૈશ આપની આજ્ઞા પ્રમાણે;

ભગુજીને કહે ભગવાન, એક ઊંટ મહા વેગવાન. ૭

મોકલોજિ તમે વરતાલ, જઈ ખબર કરે હાલહાલ;

અક્ષરાનંદ સ્વામીને કહે, તેઓ કામમાં તત્પર રહે. ૮

ઉમરેઠ મનુષ્ય મોકલાવે, વેદપુરુષને ત્યાંથી તેડાવે;

મોટો મંડપ તૈયાર કરે, સર્વ સામગ્રી પણ તહાં ધરે. ૯

ભગુજીએ સુણી તતકાળ, ઊંટ મોકલ્યો શ્રીવરતાલ;

કમો વીરો બે પાળા ઉમંગે, મોકલ્યા તેહ ઊંટને સંગે. ૧૦

અક્ષરાનંદને સમાચાર, કહ્યા જૈ વરતાલ મોઝાર;

તેણે શ્રીજીનિ આજ્ઞા પ્રમાણે, કરવાને માંડ્યું તેહ ટાણે. ૧૧

હવે ગઢપુરમાં એહ વાર, થયો સંઘ જવાને તૈયાર;

ભગુજીને કહે ભગવાન, વાટે રહેજો સહુ સાવધાન. ૧૨

ચોકી પેરા તણો બંદોબસ્ત, રાતે રાખજો પાળા સમસ્ત;

નિત્યાનંદ તણા શિષ્ય જેહ, સારા સંત ભૂમાનંદ તેહ. ૧૩

તેને એમ કહ્યું પ્રાણનાથે, તમે જાઓ આચારજ સાથે;

પધરામણિએ જહાં જાય, તમે રહેજો સમીપ સદાય. ૧૪

હરિભક્તને પૂજાનિ રીત, તમે શીખવજો કરિ પ્રીત;

રઘુવીરજિ કેરા કોઠારી, જે છે કરશનજી સુવિચારી. ૧૫

એમ અવધપ્રસાદનિ પાસે, કોઠારી લાલોભક્ત ગણાશે;

ભેટ આવે કે વવરાય જેહ, તેનો લખશે હિસાબ તો તેહ. ૧૬

એવિ રીતે કરી બંદોબસ્ત, સંઘ ચાલિયો ત્યાંથિ સમસ્ત;

વદિ દ્વાદશિ ફાગણ માસી, કરિ પારણું ચાલ્યા હુલાસી. ૧૭

ઉગામેડિયે જૈ રહ્યા રાત, પછિ ચાલિયા ત્યાંથિ પ્રભાત;

કારિયાણીયે જૈ રાત રહ્યા, ત્રીજે દિવસ તો નાવડે ગયા. ૧૮

ચોથે દિવસ તો ધોલેરે ધામ, પાંચમે દિન કમિયાળે ગામ;

વળિ હરિજને રાખિયા ક્યાંઈ, રહ્યા બે દિન તે ગામ માંઈ. ૧૯

શુદિ સપ્તમિ ચૈત્રિ દહાડે, રહ્યા રાત જઈ સંજિવાડે;

અષ્ટમી દિન વરતાલ આવ્યા, કરિ સન્માન સત્સંગિ લાવ્યા. ૨૦

ઉતારો તો જેને ઘટે જેવો, આપ્યો ઊતરવા માટે એવો;

દેશદેશ થકી સંઘ આવ્યા, ભાતભાત તણી ભેટ લાવ્યા. ૨૧

બેય દેશ તણા સતસંગી, આવ્યા સંઘ સજીને ઉમંગી;

આવ્યા હરિજન ત્યાં તો હજારો, સમૈયો થયો તે બહુ સારો. ૨૨

હરિનવમિ તણો દિન આવ્યો, હરિભક્તને મન બહુ ભાવ્યો;

બેય આચાર્ય સહિત સમાજ, ગયા ગોમતિયે નાવા કાજ. ૨૩

શોભે શ્રીહરિની સ્વારિ જેવી, અતિ શોભે તે અસ્વારિ એવી;

સંત હરિજન કીર્તન ગાય, તેનિ શોભા વરણવી ન જાય. ૨૪

નાયિ આવિયા મંદિર માંય, સભામાં બેઠા બે ભાઇ ત્યાંય;

કોઇ તો દેખે એવો પ્રતાપ, જાણે શ્રીજી બિરાજે છે આપ. ૨૫

કોઇને તહાં થાય સમાધી, જાય ધામમાં છોડિ ઉપાધી;

તેહ જાગે જ્યારે સાક્ષાત, કરે અક્ષરધામનિ વાત. ૨૬

મતવાદિ આવી એ ઠેકાણે, પુછે પ્રશ્ન તે શાસ્ત્ર પ્રમાણે;

તેના ઉત્તર બે ભાઈ આપે, સૌના સર્વથા સંશય કાપે. ૨૭

હરિજન બહુ હાર ચડાવે, ગણતાં તેનો પાર ન આવે;

લૈને હાર આચારજો એહ, સહુ સંતને આપે છે તેહ. ૨૮

પોત પોતાના આચાર્ય કેરી, કરે પૂજા સૌ પ્રીતે ઘણેરી;

વસ્ત્ર ભૂષણ ભેટ ધરે છે, પછી આરતિ પ્રીતે કરે છે. ૨૯

પૂજા તો કરે બેયનિ પ્રીતે, પુષ્પ ચંદનથી રુડિ રીતે;

વસ્ત્ર ભૂષણ કે ધન જેહ, નિજ આચાર્યને આપે એહ. ૩૦

સમો મધ્યાનનો થયો જ્યારે, રામજન્મ ઉત્સવ કર્યો ત્યારે;

જ્યારે રાત્રિ ઘડી દશ ગઈ, વેળા શ્રીજીના જન્મનિ થઈ. ૩૧

પૂજ્યા બાળરુપી પ્રભુ પ્રીતે, કર્યો ઉત્સવ તે રુડિ રીતે;

પારણાં દશમી દિન કરી, પ્રતિષ્ઠા કરવા મન ધરી. ૩૨

જાણા1 જોશીને મૂર્ત પુછાવ્યું, ચૈત્ર વદિ સાતમે તે આવ્યું;

મોટો મંડપ કુંડ કરાવ્યો, ભાળિ સૌ જનને મન ભાવ્યો. ૩૩

રઘુવીર કહે મુદ આણી, સુણો ગોપાળજી મુજ વાણી;

રણછોડજિ પધરાવા તણો, તમે તો શ્રમ લીધો છે ઘણો. ૩૪

તમે જૈ પુરિ દ્વારિકા માંહી, ત્યાંના દેવને લાવ્યા છો આંહીં;

વળિ ડુંગરપુરમાં સિધાવ્યા, પ્રતિમા રુડિ ત્યાં થકિ લાવ્યા. ૩૫

માટે તેહ તણી રુડિ રીતે, પ્રતિષ્ઠા તો તમે કરો પ્રીતે;

બોલ્યા ગોપાળજી મહારાજ, આચારજ તો તમે છોજી આજ. ૩૬

શિક્ષાપત્રીમાં જેહ લખ્યું છે, તે તો મેં નજરે નિરખ્યું છે;

આચારજ જો કરે પ્રતિષ્ઠાય, કૃષ્ણનું રૂપ એ જ પૂજાય. ૩૭

બીજાં વંદવા જોગ્ય જ જાણો, નહિ પૂજવા જોગ્ય પ્રમાણો;

તે માટે પ્રતિષ્ઠા કરો તમે, કરશું પછિ પૂજન અમે. ૩૮

પછી અવધપ્રસાદનિ પાસે, રઘુવીરજિ બોલ્યા હુલાસે;

તમે પણ છો આચારજ આપ, માટે મૂર્તિ તણો કરો સ્થાપ. ૩૯

બોલ્યા અવધપ્રસાદજિ ત્યારે, તમે એ શું બોલ્યા અવિચારે?

શ્રીજીએ કર્યો દેશવિભાગ, કેમ કરીએ તે આજ્ઞાનો ત્યાગ? ૪૦

પોતપોતાના દેશ જ માંય, પ્રતિમાની પ્રતિષ્ઠા તો થાય;

બીજા દેશમાં જૈ કરે કોય, કેમ માને જે સત્સંગિ હોય. ૪૧

જહાં આજ્ઞા તણો ભંગ થાય, તે તો પાપનું સ્થાન ગણાય;

માટે શ્રીજીનિ આજ્ઞા પ્રમાણે, સ્થાપો મૂર્તિ તમે આ ઠેકાણે. ૪૨

એવી વાણિ સુણી રઘુવીરે, પ્રતિષ્ઠા કરવા માંડિ ધીરે;

બીરાજી મોટા મંડપ માંય, ગ્રહયજ્ઞ કર્યો શુભ ત્યાંય. ૪૩

વેદમાં પ્રતિષ્ઠાનું વિધાન, કહ્યું છે તેમ કીધું નિદાન;

નારાયણ તણે જમણે જ પાસે, સ્થાપ્યા રણછોડજીને હુલાસે. ૪૪

પ્રતિષ્ઠા કરિ પૂજન કીધું, ચરણોદક પ્રેમથી પીધું;

શણગાર અમૂલ્ય સજાવ્યા, ધૂપ દીપ નૈવેદ્ય ધરાવ્યા. ૪૫

આરતી પછી હેતે ઉતારી, શોભા તે સમે થૈ બહુ સારી;

વાજાં વિવિધ પ્રકારનાં વાજે, નભમાં દેવદુંદુભિ ગાજે. ૪૬

થાય જય જયકાર ઉચ્ચાર, થાય પુષ્પનિ વૃષ્ટિ અપાર;

કરે ઉત્સવ સંત સમાજ, આવ્યા દિવ્યરૂપે સુરરાજ. ૪૭

થાયે મંદિર માંહિ પ્રકાશ, કોટિ સૂર્ય શશી સમ ભાસ;

કોઇ તો જન એમ જ જાણે, શ્રીજી આવી ઉભા એહ ટાણે. ૪૮

પછિ ગોપાળજી મહારાજે, ઇચ્છા પોતાનિ પૂરવા કાજે;

પૂજા રણછોડજી તણિ કીધી, સ્તુતિ ઉચ્ચારી ત્યાં ભલિ વિધિ. ૪૯

હરિગીતછંદ (ગોપાળજી મહારાજકૃત સ્તુતિ)

હે દેવ દીનદયાળ જનપ્રતિપાળ દ્વારામતિપતી!2

રણછોડરાય સદાય સૌને આપ આપો સદ્‌ગતી;

જ્યાં ધર્મવંત જનો રહે તહાં આપને રહેવું ગમે,

તે માટ દ્વારામતિ તજી આ સ્થાનમાં આવ્યા તમે. ૫૦

છે શંખ ચક્ર ગદા પદમ કરમાં છબિ શુભ શ્યામ છે,

રુક્મિણિરમણ રણછોડજી નિર્મળ તમારું નામ છે;

વળિ ગોમતી આદિક સુતીર્થો સ્થિર ઠર્યાં છે આ સ્થળે,

જે આવિને દર્શન કરે ત્રણ તાપ તો તેના ટળે. ૫૧

ધન ધાન્ય સુખ સંપત્તિ પામે પુત્ર પણ પામે સહી,

સઘળા મનોરથ સિદ્ધ થાય રહે કશી ખામી નહીં;

સુખકરણ જનમનહરણ છો દુખહરણ દીનદયાળ છો,

ગિરિરાજધારી દાનવારી3 વ્રજવિહારીલાલ છો. ૫૨

દોહા

સદા રહી આ સ્થાનમાં, કરો વિનોદ વિશેષ;

સકળવિધી સંકટ હરો, હરિજન તણાં હમેશ. ૫૩

ચોપાઈ

પછિ સંતમંડળ સહુ આવ્યાં, નાથ આગળ શીશ નમાવ્યાં;

પછિ સત્સંગિ સૌ મળિ આવ્યા, ભેટ વિવિધ પ્રકારની લાવ્યા. ૫૪

ગયા નર દરશન કરિ જ્યારે, આવિ બાઇયો દર્શને ત્યારે;

જોઇ સત્સંગની એવિ રીત, જન સર્વ વખાણે ખચીત. ૫૫

સંત બ્રાહ્મણ ભોજન કીધાં, દ્વિજને દાન તો બહુ દીધાં;

જમાડ્યા યહાં સંઘ તમામ, જમાડ્યું વળિ વરતાલ ગામ. ૫૬

હિંદુ યવન4 કે શ્રાવક5 હોય, જમ્યા વગર રહ્યું નહિ કોય;

કર્યો જગ માંહિ જય જયકાર, ધન્ય તે ધર્મવંશિ ઉદાર. ૫૭

એહ દેવ-પ્રતિષ્ઠાની વાત, થઈ દેશવિદેશ વિખ્યાત;

પૂર્ણોત્સવ સુધી સૌ આંહિ રહ્યા, વળતી તો વિદાય તે થયા. ૫૮

આંહિ આવ્યા નહિ મહારાજ, માટે દર્શન કરવાને કાજ;

સંઘ આવ્યા હતા આંહિ જેહ, ગયા ગઢપુર દર્શને તેહ. ૫૯

મંદવાડ સુણી હરિ કેરો, સૌને દર્શન ભાવ ઘણેરો;

અયોધ્યાવાસી આદિક જેહ, સંઘ સાથે ગયા સહુ તેહ. ૬૦

પહોંચ્યા સહુ ગઢપુર ધામ, પ્રભુને જઇ કીધા પ્રણામ;

સમૈયાના સુણી સમાચાર, થયા રાજિ જગત કરતાર. ૬૧

આવ્યા ત્યાં નારણજી સુતાર, કરી લાવ્યા તે મુદ્રા6 શ્રીકાર;7

પ્રભુ સ્મરશિ પ્રસાદિ તે કીધી, મૂર્તિ છાપેલિ સહુ જને લીધી. ૬૨

જેવિ મૂર્તિ પ્રત્યક્ષ પ્રમાણ, દિસે એવી જ થાય વખાણ;

કહે શ્રીજી આ મૂર્તિ જે પૂજે, તેના જન્મમરણ રોગ રૂઝે. ૬૩

ગોપાળાનંદને કહે હરિ, છાપ રાખો તમે યત્ન કરી;

પ્રવર્તાવજો તે સરવત્ર, એમ કહિ તેઓને આપિ તત્ર. ૬૪

દશ છાપો પ્રથમ જે કરેલી, આઠમે કળશે છે કહેલી;

શ્રીજીએ સર્વ મુદ્રા મગાવી, પાસે મુકી કોઠારિએ લાવી. ૬૫

નર નારાયણિ છાપ બેય, આપિ અવધપ્રસાદને તેય;

આઠ છાપો બિજી જેહ રહી, રઘુવીરજિને આપિ સહી. ૬૬

પુષ્પિતાગ્રાવૃત્ત

દરશન કરિને કૃપાળુ કેરાં, જનમન શાંત થયાં તહાં ઘણેરાં;

હરિ તણિ છબિ ચિત્તમાં ઉતારી, અધિક કૃતાર્થ થયાં પુરૂષ નારી. ૬૭

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે નવમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે વૃત્તાલયે

શ્રીરણછોડજી પ્રતિમાસ્થાપનનામ ત્રયોદશો વિશ્રામઃ ॥૧૩॥

 

ઇતિ શ્રીહરિલીલામૃતે રાજદુર્ગનામ નવમઃ કલશઃ સમાપ્તઃ ॥૯॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે