વિશ્રામ ૨
પૂર્વછાયો
કહે અચિંત્યાનંદજી, સુણો ભૂપ ધરી નિજ ચિત્ત;
શૂન્યાતીતાનંદે સુણ્યાં, પ્રભુવચન પ્રીત સહીત. ૧
ચોપાઈ
ભાતું રાખિયું રીત પ્રમાણે, વિચર્યા પછિ ઊઠી વહાણે;1
રહ્યા રાત જઈ રોહિસાળે, હરખ્યા હરિજન તેહ કાળે. ૨
વિપ્ર ત્યાં ઓઝા લક્ષ્મીરામ, ઉતર્યા પ્રભુ એને ધામ;
કાઠી કુંડળ આદિક તણા, ત્યાં તો આવિયા અસ્વાર ઘણા. ૩
ઢાલ તલવાર બરછીયોવાળા, જેને જોતાં ડરે જમ કાળા;
થાય હયનો2 ઘણો હહણાટ, તેથી ગાજિ રહી બધિ વાટ. ૪
ઓઝે સર્વનિ બરદાશ કીધી, રસોઇ રુડિ રીતથિ દીધી;
પ્રેમે પૂજા પ્રભુજીની કરી, ભાવે ભેટ તે આગળ ધરી. ૫
કેવા ભક્ત તે લક્ષ્મીરામ, તેનિ વાત કહું એહ ઠામ;
થયો જજ્ઞ ડભાણમાં જ્યારે, થયા તૈયાર ત્યાં જવા ત્યારે. ૬
ભેટ ધરવા હતું નહિ ધન, વેચી નાંખ્યું ખાવા તણું અન્ન;
એના સોળ રુપૈયા જે આવ્યા, જૈને શ્રીજીને ભેટ ધરાવ્યા. ૭
જાણી અંતરજામીયે વાત, સભામાંહિ બોલ્યા સાક્ષાત;
આવા ભક્ત છે આ અવસરમાં, ખાવા અન્ન રાખ્યું નહિ ઘરમાં. ૮
વેચી નાંખી તેનાં નાણાં કર્યાં, યજ્ઞ અર્થે લાવી આંહિ ધર્યાં;
પરિપૂર્ણ હવે જજ્ઞ થાશે, નહીં નાણાંનો તોટો જણાશે. ૯
સુણી અંતરજામીની વાત, રુદે સર્વે થયા રળિયાત;
જ્યારે ઘેર ગયા લક્ષ્મીરામ, ધનપ્રાપ્તિ થઇ તેહ ઠામ. ૧૦
ધન્ય ધન્ય તો શ્રદ્ધા છે તેની, અતિ થાય પ્રશંસા જ એની;
કરે જે કોઈ શ્રદ્ધાથી કામ, રાજી થાય ઘણા ઘનશ્યામ. ૧૧
ઉપજાતિવૃત્ત (શ્રદ્ધા વિષે)
શ્રદ્ધા ધરે છે જન ચિત્ત જેહ, ગણાય છે ઉત્તમ ભક્ત એહ;
શ્રદ્ધા વિના પૂજન જો કરાય, યથાર્થ તેનું ફળ તો ન થાય. ૧૨
શ્રદ્ધા વિનાનો જપ જાણ્ય કેવો, કરે મજૂરી નૃપવેઠ્ય તેવો;
શ્રદ્ધા વિનાનો ઉપવાસ થાય, તો ઢોરની લાંઘણ3 તે ગણાય. ૧૩
શ્રદ્ધા વિનાનું બહુ દાન દેય, દીધા પછી જો પસતાય તેય;
આ લોકમાં કે પરલોક માંઇ, તેની ન તેને ફળપ્રાપ્તિ કાંઇ. ૧૪
જો હોય પાસે ધન લાખ એક, તથાપિ શ્રદ્ધા નહિ હોય છેક;
ધર્માર્થ તેણે વવરાય કેમ, લુંટાય અંતે મધમાખિ જેમ. ૧૫
જો કીર્તિ માટે કૃત4 ધર્મ કર્મ, જાણે જ તેની ઉપમાર્થ મર્મ;
આ લોકમાં તે જન કીર્તિ પામે, મળે ન તેનું ફળ મોક્ષધામે. ૧૬
ભક્તિ કરે મંદિર કેરિ કાંઈ, ન હોય શ્રદ્ધા પણ ચિત્તમાંઇ;
જો પાડ5 તેનો ધણીને ચડાવે, તો હેત તેથી હરિને ન આવે. ૧૭
શ્રદ્ધા થકી શું ન કરી શકાય, શ્રદ્ધા થકી કામ સમસ્ત થાય;
શ્રદ્ધાળુ ભક્તો નિજ દેહ ગેહ, અર્પે પ્રભુને ગણી તુચ્છ તેહ. ૧૮
શ્રદ્ધાળુ સારા દ્વિજ લક્ષ્મીરામ, દીધા પ્રભૂને કણ વેચી દામ;
તો શ્રીહરિએ બહુ માની લીધું, ન નાશ પામે ફળ એવું દીધું. ૧૯
ચોપાઈ
ત્યાંથી ચાલ્યા પ્રભુ વળે6 જાવા, રહ્યા ઘેલા નદીમાંહિ નહાવા;
હરભમજી વળાના ભૂપાળ, આવ્યા અસ્વારી લૈ તતકાળ. ૨૦
સનમાન કરી રુડિ રીતે, પુરમાં પધરાવિયા પ્રીતે;
અતિ ઉત્સાહે આપિ રસોઈ, તેડ્યા દરબારમાં સમો જોઈ. ૨૧
પટ7 ભૂષણે પૂજિયા હરી, પૃથવી કૃષ્ણાર્પણ કરી;
છબી અંતર માંહિ ઉતારી, સ્તુતિ સ્નેહ સહીત ઉચ્ચારી. ૨૨
શિખરિણી
નમો નિત્યાકારી8 સુ-નરતનુ ધારી સુખકરા,
કુનારી કૃત્યારી9 મદન-મદહારી મુનિવરા;
મુરારી મલ્લારી10 હરિ અરજ મારી ઉર ધરો,
પિબેકારી સારી મુજમન તમારી છબી ઠરો. ૨૩
ચોપાઈ
સ્તુતિ સાંભળિને ભગવાન, દિધું ભૂપને તે વરદાન;
બીજે દિન વિચર્યા બહુનામી, ગયા વરતેજ સંતના સ્વામી. ૨૪
નદિ ગામથી પશ્ચિમમાંય, કરિ નિત્યક્રિયા પ્રભુ ત્યાંય;
વૈકુંઠાનંદે ટીમણ11 દીધું, ભક્તિપુત્રે તે ભોજન કીધું. ૨૫
જતાં ભાવનગર ભગવાન, મળ્યાં સંતમંડળ તેહ સ્થાન;
વડવા નામે પુરનું છે પરું, રૂપાભાઇનું ત્યાં ઘર ખરું. ૨૬
બીજા ભક્ત રાજાભાઇ જેહ, જાતે ક્ષત્રી ગરાશિયા તેહ;
તેણે જાણ્યું જે શ્રીહરિ આવ્યા, ત્યારે સન્મુખ સામૈયું લાવ્યા. ૨૭
ધામધૂમ થકી રુડી પેર, ઉતાર્યા રૂપાભાઇને ઘેર;
કર્યો થાળ ત્યાં વૈકુંઠાનંદે, કર્યું ભોજન વૃષકુળચંદે. ૨૮
થઇ સંતની જૂદી રસોઈ, જમ્યા સંત બીજા સહુ કોઈ;
વાલે બહુ કરી જ્ઞાનનિ વાત, પછિ પોઢિને ઉઠ્યા પ્રભાત. ૨૯
હતો લિંબડો એક તે સ્થાન, કરાવ્યું ત્યાં શૂન્યાતીતે સ્નાન;
અતિ સારું પીતાંબર પહેરી, કરી નિત્યક્રિયા રંગલહેરી. ૩૦
રૂપાભાઇને કહે અવિનાશ, તમે જૈ કહો ભૂપતિ પાસ;
મળવાની ઇચ્છા હરિ ધારે, ક્યારે આવે તે સૌધ12 તમારે. ૩૧
રૂપાભાઇ તરત ગયા તહીં, વજેસિંહજીને વાત કહી;
ઘણો હરખ જણાવ્યો ભૂપાળ, કહ્યું મળશું તો આવતી કાલે. ૩૨
પદવંદન પ્રેમ કહાવ્યું, જમવાને સિધું મોકલાવ્યું;
રૂપાભાઇએ જૈ પ્રભુ પાસ, કરી વાત તે સર્વ પ્રકાશ. ૩૩
બાઇ અવલ જે વિપ્ર શ્રીમાળી, કરી જાણે રસોઇ રૂપાળી;
તળાજા પુરની રહેનારી, તેણે કીધિ રસોઈ ત્યાં સારી. ૩૪
જમ્યા જીવન જગદાધાર, સંત પાળા જમ્યા બીજે ઠાર;
પછી શ્યામે સભા સજી જ્યારે, આવ્યો ત્યાં સુરતી સઈ13 ત્યારે. ૩૫
એનું નામ તો આતમારામ, કરી જાણે તે ઉત્તમ કામ;
ભક્તિપુત્રનો ભક્ત અનન્ય, જેના અંતરમાં નહિ અન્ય. ૩૬
લાવ્યો તે એક ડગલિ બનાવી, કરી શ્રીહરિને ભેટ આવી;
બુટા14 બખીયા15 બનાવેલા એમાં, જોતાં અદ્ભુતતા દીસે જેમાં. ૩૭
ઘણા માસ કરીને પ્રયાસ, પ્રેમે લાવેલો શ્રીહરિ પાસ;
ડગલી પુરમાં વખણાણી, વાત તે તો વજેસિંહે જાણી. ૩૮
ત્યારે જોવાને ડગલી મગાવી, કહ્યું પુરનાં સૈયોને બોલાવી;
આવી ડગલી મને કરી દેજો , મ્હોર સો તેહનું મૂલ લેજો. ૩૯
શાર્દૂલવિક્રીડિત
કીધી શ્રીહરિ કાજ એક ડગલી સૈયે ઘણા સ્નેહથી,
રાજાએ નિરખી બધા દરજિને ત્યાં તો કહ્યું તેહથી;
જો આવી મુજ કાજ સૌ મળિ કરો સો મ્હોર આપું સહી,
આ ટેભા અતિ હેતના અમ થકી આવી ન થાશે અહીં. ૪૦
ચોપાઈ
પછી સુરતિ આતમારામ, તેને ભૂપે કહ્યું તેહ ઠામ;
આવી ડગલી કરી આપો અમને, સારું આપું ઇનામ તો તમને. ૪૧
કહે દરજી સુણો નરઈશ, જે છે અક્ષરધામ અધીશ;
એને અર્થે મેં ડગલી બનાવી, ચિત્ત ઘાલી ઘણો પ્રેમ લાવી. ૪૨
અંતે પામવું અક્ષરધામ, એવું લેવાને મોટું ઇનામ;
એમાં કારિગરી કરિ જે છે, ટેભા અંતઃકરણ તણા તે છે. ૪૩
કોઇ ગામ આપે કદિ રીઝી, એવી ડગલી બને નહીં બીજી;
એવાં વચન સુણાવીને કાન, ગયા દરજી સહુ નિજ સ્થાન. ૪૪
નરનાથે થઈને નિરાશ, મોકલી ડગલી પ્રભુ પાસ;
રુડી રીતે પોઢ્યા પ્રભુ રાતે, કરિ નિત્યક્રિયા તે પ્રભાતે. ૪૫
શુન્યાતીતાનંદાદિક સંત, ભાખે તે પ્રત્યે શ્રી ભગવંત;
તમે જૈને કરાવો રસોઈ, વરતેજ નદિ-તટ જોઈ. ૪૬
અમે રાજાને મળવાને જાશું, મળિ ત્યાં આવિને ભેળા થાશું;
એમ કહિ કર્યો સૌને વિદાય, બેઠા તૈયાર થઈ હરિરાય. ૪૭
ભૂપે શ્રીજીને તેડવા ધારી, મોકલી સજિને અસવારી;
દરબાર વિષે રુડિ રીતે, પધરાવ્યા પ્રભુજીને પ્રીતે. ૪૮
સ્નેહે વંદિ કર્યું સનમાન, ભલે આવ્યા કહ્યું ભગવાન;
હોય એમ સરખું કાંઇ કામ, સુખે ઉચ્ચરો શ્રીઘનશ્યામ. ૪૯
બોલ્યા શ્રીહરિ તેહ સમામાં, થાય મંદિર છે ગઢડામાં;
પધરાવ્યા અમે ગોપીનાથ, રાજી છે સહુ પુરજન સાથ. ૫૦
સાચા સંત ત્યાં ભજન કરે છે, ઉગ્ર તપ પણ તે આચરે છે;
તેનો ભાગ ભૂપાળને આવે, એવી રીતે શ્રુતિસ્મૃતિ ગાવે. ૫૧
પણ આવે છે આપના જન, કરે છે કાંઇ આવી વિઘન;
રાજીપો આપનો જો ન હોય, પ્રતિમાઓ ઉથાપિયે સોય. ૫૨
પધરાવીયે જૈ બીજે ગામ, કહો તો રચિયે પુરું ધામ;
સુણી બોલ્યા ગોહેલકુળભાણ,16 મીઠાબોલા ને નીતિના જાણ. ૫૩
આપ એ શું બોલ્યા મહારાજ, કરું આપ પ્રતાપે હું રાજ;
મારા દેશ વિષે વિચરો છો, મોટું ધામ વળી આદરો છો. ૫૪
તેથી દેશમાં છે નવનીધ, સુખ-સંપત્તિ છે સર્વવીધ;
એમ કહિ કારકુન બોલાવ્યો, રુડી રીતેથી હુકમ લખાવ્યો. ૫૫
કરે સ્વામિનારાયણ ધામ, કોઈ હરકત ન કરે તે ઠામ;
કરિ સહિ નિજસિક્કાથી છાપ્યો, હરિના હાથમાં પત્ર આપ્યો. ૫૬
પછી ત્યાં થકિ શ્યામ સિધાવ્યા, ભૂપ દ્વાર સુધી સાથે આવ્યા;
પગે લાગી જ્યારે પાછા વળિયા, વાલો વરતેજની વાટે પળિયા.17 ૫૭
રૂપાભાઇ આદિક હરિજન, વળાવાને આવ્યા ધરિ મન;
પુત્રી ઠક્કર હરજી તણી, હતી વરતેજ માંહી પરણી. ૫૮
હરિભક્ત ભલી પ્રેમ નામે, તેને ખબર કરી તેહ ગામે;
તેથિ સનમુખ આવી તે બાઈ, છેલિ પીપર સુધી તે ધાઈ. ૫૯
તહાં પોચ્યા જ્યારે ઘનશ્યામ, ધરી રુપૈયો કીધા પ્રણામ;
હતો મેવો રાજાભાઇ પાસે, લીધો હાથમાં તે અવિનાશે. ૬૦
પ્રસાદી કરી બાઈને દીધો, અતિ ઉત્સાહથી તેણે લીધો;
બોલી બાઈ જોડીને બે હાથ, ભવ સુફળ થયો આજ નાથ. ૬૧
આંહિ તથિ વિજોગે રહેવું, હું તો જાણું છું જમપુરી જેવું;
ત્યારે શ્યામ કહે સારું થાશે, ભગવાન ભજ્યે કષ્ટ જાશે. ૬૨
જ્યારે વરતેજ વાલો સિધાવ્યા, સામા મેઘજિ ઠક્કર આવ્યા;
પ્રેમબાઇ તણા તે તો પતી, લગની હરિમાં તેને હતી. ૬૩
તેણે રાખવાની કરી તાણ, પણ નવ રહ્યા શ્યામ સુજાણ;
ગામ સોંસરા સંચર્યા હરિ, ગયા જ્યાં નદિ છે માલેસરી. ૬૪
ભાવનગરથિ અવલબાઈ, લૈને આવ્યાં તે મેવા મિઠાઈ;
નદી કાંઠે છે કાળિયો આંબો, ઘેરગંભીર પહોળો ને લાંબો. ૬૫
જમ્યા ત્યાં ઉતરીને મિઠાઈ, પ્રસાદિ પછિ સૌને અપાઈ;
ભાવનગરના જન પાછા ફરિયા, પ્રભુ તે નદિયે થિર ઠરિયા. ૬૬
વર્ણીએ રસોઇ કરી હતી, પ્રીતે તે જમ્યા સંતના પતી;
જમ્યા સંત પાળા અસવાર, ચાલ્યા ત્યાં થકિ થૈને તૈયાર. ૬૭
ચૈત્ર શુદિ પડવે હતી જ્યારે, ગયા ગોવિંદ ગઢપુર ત્યારે;
જન હરખિયા ગઢપુરવાસી, હતા હરિને વિજોગે ઉદાસી. ૬૮
પુષ્પિતાગ્રાવૃત્ત
ભગવત શુભ ભાવપત્તને જૈ, કરિ જયકાર પધારિયા ખુશી થૈ;
પછિ ગઢપુરમાં વશા સુપ્રીતે, અમ ઉર માંહિ વસોજી એ જ રીતે. ૬૯
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે નવમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિ-ભાવનગરવિચરણનામ દ્વિતીયો વિશ્રામઃ ॥૨॥