વિશ્રામ ૩
પૂર્વછાયો
હરિજયંતીનો કર્યો, સારો સમૈયો ગઢપુર માંય;
હરિજન દેશોદેશના, આવ્યા સંઘ સજીને ત્યાંય. ૧
ચોપાઈ
સંતમંડળ આવિયાં સહ, હરિજન પણ આવિયા બહુ;
સ્નેહે શ્રીજીનાં દર્શન કરે, છબિ નિરખિને અંતરે ધરે. ૨
ગોપીનાથનાં દર્શને જાય, તે તો શ્રીજીસ્વરૂપે દેખાય;
કરે ઉન્મતગંગામાં સ્નાન, આપે દ્વિજને નાનાવિધ દાન. ૩
ધન ખરચે સારો સમો જોઇ, આપે સંતોને સારિ રસોઇ;
સભા શ્રીજીની પાસે ભરાય, વાતો જ્ઞાન વૈરાગ્યની થાય. ૪
મુખે મધુરવચન બોલે શ્યામ, જાણે અમૃત વરસે એ ઠામ;
રામનવમીનો દિન થયો જ્યારે, સજિ શ્રીજીએ અસ્વારિ ત્યારે. ૫
ચડ્યા માણકીએ ગિરધારી, કરે ચમર મુકુંદ બ્રહ્મચારી;
શોભે સંગે સખા અસવાર, દાદા ખાચર આદિ અપાર. ૬
બેઠા રથ માંહિ સંત મહાંત, દૃષ્ટિ નાસાગ્ર ધરી નિર્ભ્રાંત;1
સંત હરિજન કીર્તન ગાય, સૌને આનંદ ઉર ન સમાય. ૭
નારાયણધરે નાથ પધાર્યા, સૌને આનંદ અધિક વધાર્યા;
વસ્ત્ર એક ધરી મુનિનાથ, નાવા જળમાં પેઠી સખા સાથ. ૮
જળકેળી કરે હરિરાય, સખા સંત મળી સહુ ગાય;
પછી વસ્ત્ર પેર્યાં પ્રભુ જ્યારે, સ્નેહે સંતે પૂજા કરી ત્યારે. ૯
કર્યું તિલક કેસર કેરું ભાલ, કર્યો કુમકુમ ચંદ્રક લાલ;
હાર તોરા ચડાવ્યા હરીને, ચાલ્યા શ્રીજી સવારિ કરીને. ૧૦
જન જોવાને આતુર થાય, પથમાં બહુ ભીડ ભરાય;
દાદા ખાચરને દરબાર, બેઠા આવિને ધર્મકુમાર. ૧૧
સમો મધ્યાહ્નનો થયો જ્યારે, રામજન્મ ઉત્સવ કર્યો ત્યારે;
ત્રિજા પહોર પછી સભા ભરી, બિરાજ્યા લિંબડા તળે હરી. ૧૨
બેઠા સંત બેઠા સંતસંગી, ધર્મવંશીયો બેઠા ઉમંગી;
નિત્યાનંદને નાથ કહે છે, વિદ્યા કોણ વિશેષ ભણે છે. ૧૩
નિત્યાનંદ કહે તેહ ઠામ, સારા અભ્યાસિ છે સીતારામ;
ઇચ્છારામજિના પુત્ર એહ, સારું સંસ્કૃત જાણે છે તેહ. ૧૪
કહે કૃષ્ણ કરીને વિવેક, સીતારામ બોલો શ્લોક એક;
ઉભા થૈ તે સમે સીતારામ, સારો શ્લોક બોલ્યા તેહ ઠામ. ૧૫
વૈતાલીય (અક્ષરચિંતામણિ)
नृहितांगधृतं च भूपतिं, जितमारं जलजाभलोचनम् ।
चिरभोगपदं कलाकरं, सहजानंदगुरुं भजे सदा ॥ १६
धीमतं कृपालुं च ॥
અર્થ: માણસના હિતને અર્થે શરીર ધરનારા અને પૃથ્વીના રક્ષણ કરનારા અને જિત્યો છે કામદેવ જેણે અને કમળની કાંતિ જેવાં છે નેત્ર જેનાં અને નિરંતર ભોગે યુક્ત છે સ્થાન જેનું અને અનેક કળાઓના સ્થાનરૂપ એવા સહજાનંદ ગુરુને હું નિરંતર ભજું છું; વળી તે કેવા છે તો બુદ્ધિમાન અને દયાવાળા છે. (૧૬)
ચોપાઈ
શ્લોક સાંભળને ઘણો સારો, દિલમાં રિઝ્યા ધર્મદુલારો;
સીતારામને શિર કર થાપી, શાલ પાગ પ્રસાદીન આપી. ૧૭
રાત દશ ઘટિકા ગઈ જ્યારે, હરિજન્મ ઉચ્છવ કર્યો ત્યારે;
પારણામાં ઝુલે પરમેશ, દિસે પ્રત્યક્ષ શ્રીઅક્ષરેશ. ૧૮
જોઈ જનમન અચરજ થાય, લીલા શ્રીહરિની ન કળાય;
બીજે દિવસે મહાપ્રભુ પાસ, બોચાસણના આવ્યા કાશિદાસ. ૧૯
ધ્રુવ પ્રહ્લાદ ને અંબરીશ, તેની તુલ્ય ભજે જગદીશ;
કહ્યું તેણે અહી ભગવંત, મારે આજ જમાડવા સંત. ૨૦
આપ પિરસીને ખૂબ જમાડો, મારો પૂર્ણ મનોર્થ પમાડો;
શ્રીજીએ કહિ સંતોને વાત, કરાવ્યાં શાક ને દાળ ભાત. ૨૧
જઇને લખુ કંદોઈ પાસે, આપ્યો સામાન શુભ કાલિદાસે;
કહ્યું મોતિયા લાડુ બનાવો, સમો પંક્તિનો થાય ત્યાં લાવો. ૨૨
પછી મોતિયા તેણે બનાવ્યા, થયો પંક્તિ સમો ત્યારે લાવ્યા;
કહે સહુ આટલાથિ શૂં થાશે, અર્ધિ પંગતે આ પીરસાશે. ૨૩
લખુ કંદોઇ બોલિયા એમ, કર્યું મેં મારાથી થયું જેમ;
પુરીયો સંત પાસે કરાવો, બબે લાડુ પુરી પીરસાવો. ૨૪
પ્રભુ પાસે જઈ કાશિદાસ, કહી વાત તે થૈને ઉદાસ;
આપ્યો કંદોઇને મેં સામાન, ન કર્યા લાડુ તેહ સમાન. ૨૫
આ તો અર્ધા જ લાડુ છે છતમાં,2 પહોંચે નહીં પૂરિ પંગતમાં;
સંત કાલના છે ઉપવાસી, હવે શૂં કરવું સુખરાશી. ૨૬
રહ્યા મનના મનોરથ મનમાં, વળિ હાંસિ થાશે સહુ જનમાં;
પછી લાડુ પાસે પ્રભુ આવ્યા, લાડુ કેટલા છે તે ગણાવ્યા. ૨૭
લાડુ તો થયા એક હજાર, પાંચસેં સંત છે જમનાર;
કાલિદાસનો થાબડિ વાંસો, કહે કૃષ્ણ ઉદાસિ ન થાશો. ૨૮
સંતપંક્તિ કરાવિ તે ઠામ, લાડુ પીરસે શ્રીઘનશ્યામ;
બબે લાડુ લઈ બેય કરમાં, પીરસે એકના જ પત્તરમાં. ૨૯
જોતાં ચિત્તમાં ચટપટી થઈ, કાલિદાસની ધીરજ ગઈ;
જાણે હમણાં થાશે ઉપહાસ,3 પીરસાશે બસેં ને પચાસ. ૩૦
લાડુ ઊપર વસ્ત્ર ઢાંકેલ, કોઈ જાણે ન કેટલા રહેલ;
રહ્યા પીરસિ પરમ પ્રતાપી, પછિ જમવાની આગન્યા આપી. ૩૧
બબે લાડુ મુક્યા બિજિ વાર, ત્રિજિ વાર અકેકો તે ઠાર;
ચોથિ વાર અકેકો જે લેય, છાતી માંહિ ચરણ તેને દેય. ૩૨
પિરશૂં ત્યાં ઘણી વાર એમ, કાલિદાસ રીઝે મને જેમ;
દાળ ભાત ને શાક છે જેહ, પીરસે છે બીજા સંત તેહ. ૩૩
કાલિદાસના ઉચ્ચાટ ટળિયા, એના મનના મનોરથ ફળિયા;
રિઝ્યા અંતરમાં તે અમાપ, જાણ્યો પ્રગટ પ્રભુનો પ્રતાપ. ૩૪
જમ્યા પાર્ષદ આવી અનેક, તોય લાડુ ખુટ્યા નહિ છેક;
જન સર્વ જમી રહ્યા જ્યારે, તોય લાડુ તો બહુ વધ્યા ત્યારે. ૩૫
લાડુ દરબારમાં મોકલાવ્યા, કાશિદાસને કાંઈ અપાવ્યા;
એવાં ચરિત્ર કરે પરમેશ, ગાય શારદા શેષ મહેશ. ૩૬
જન સૌ વસ્યા પૂર્ણિમા સુધી, કર્યું વર્ણન મેં જેવી બુદ્ધી;
જન સર્વ ગયા નિજસ્થાન, રહ્યા ગઢપુરમાં ભગવાન. ૩૭
પુષ્પિતાગ્રાવૃત્ત
ગઢપુર નિજ ધામ જોગ્ય જાણી, હરિનવમી કરિ કૃષ્ણ હેત આણી;
કરિ હરિવર ત્યાં ક્રિયા વિચિત્ર, ચિંતવન જોગ્ય ચરિત્ર તે પવિત્ર. ૩૮
ઇતિ શ્રીવિહારીલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે નવમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિદુર્ગપુરે શ્રીરામનવમ્યુત્સવકરણનામ તૃતીયો વિશ્રામઃ ॥૩॥