વિશ્રામ ૪
પૂર્વછાયો
ગુણનિધી ગઢપુર વિષે, વસ્યા ચાતુરમાસ નિવાસ;
જન્માષ્ટમી આદિક કર્યા, શુભ ઉત્સવ શ્રીઅવિનાશ. ૧
ચોપાઈ
ગોપીનાથના મંદિર કેરું, હતું કામ અધુરું ઘણેરું;
પાસે રહીને તે પૂરું કરાવ્યું, જોતાં ભક્તો તણે મન ભાવ્યું. ૨
દસરા પછિ આવિ દીવાળી, અન્નકૂટ કરી હદ વાળી;
કર્યા ઉચ્છવ ગઢપુર માંઇ, તેની ગણતી ન થઈ શકે કાંઇ. ૩
સમૈયા પણ અપરમપાર, કર્યા શ્રીહરિએ એહ ઠાર;
લખતાં બહુ જુગ વીતી જાય, ગઢપુરની લીલા ન લખાય. ૪
અન્નકૂટ કરી અઘહારી, વરતાલ જવા રુચિ ધારી;
સાથે લૈ સખા સંતસમાજ, ચાલ્યા સારંગપુર મહારાજ. ૫
બેઠા વેલ્યમાં વૃષકુળભૂપ, શોભે સુંદર મુરતી અનૂપ;
રહ્યા સારંગપુર જઈ રાત, પછી ઊઠિને ચાલ્યા પ્રભાત. ૬
કરુણા કરિને કૃપાનાથ, ગયા સુંદરિયાણે સૌ સાથ;
ત્યાંથિ ચાલિયા નટવરનાવ, આવિ રસ્તે જતાં એક વાવ્ય. ૭
જળ તેમાંથી પીધું જનેશ, સંતે વાવ્યમાં જળ નાખ્યું શેષ;
અણિયાળીએ જૈ દયાસિંધુ, પુજાભાઈને દર્શન દીધું. ૮
ધંધુકે વાવ્ય ઊપર જૈને, રહ્યા રાત તહાં રાજી થૈને;
ખસતાની નદી તણે તીર, બીજે દિવસ રહ્યા નરવીર. ૯
સુતા સૌ જન રાત્રિયે જ્યારે, એક વાઘ આવ્યો તેહ વારે;
તેને હાકોટો જ્યાં કર્યો હરી, વાઘ ચાલ્યો ગયો દિલે ડરી. ૧૦
જેનિ બીકથિ કાળ બિનારો, કોણ માત્ર ત્યાં વાઘ બિચારો?
પ્રભાતે ત્યાંથિ ચાલિ કૃપાળે, બપોરા કર્યા જૈ કમિયાળે. ૧૧
બોરુયે જઈને બળવીર, રહ્યા રાત્ય તળાવને તીર;
સાભ્ર1 ઉતર્યા ઊઠિ વહાણે,2 ગયા ગોવિંદજી ગલિયાણે. ૧૨
રહ્યા સરવરતટ થઈ રાજી, જમ્યા ત્યાં તો ચણેચિનિ ભાજી;
રોટલો બાજરીનો તે સાથ, જમ્યા નેહથી નટવરનાથ. ૧૩
બીજે દિન ગયા વરસડે ગામ, હતું પીલનું ઝાડ તે ઠામ;
જમ્યા શાક વૃંતાકનું ત્યાંય, બાજરી તણા રોટલા માંય. ૧૪
રહ્યા રાત્ય જઈ સંજિવાડે, ધોળિ શેલડિ આવિ તે દાડે;
નિત્યાનંદે સુધારિને આપી, જમ્યા તે પ્રભુ પ્રૌઢ પ્રતાપી. ૧૫
બીજે દિવસ આવ્યા વરતાલ, પુરુષોત્તમ જનપ્રતિપાળ;
સંત હરિજન સામા સિધાવ્યા, રૂડી રીતે પ્રભુ પધરાવ્યા. ૧૬
કરી દેવનાં દર્શન ત્યાંય, ઉતર્યા હરિમંડપ માંય;
આવ્યો કાર્તિકી દશમીનો દન, આવ્યા સંઘ સજી હરિજન. ૧૭
સમૈયો તે પ્રબોધનિ કેરો, થયો તે સમે સરસ ઘણેરો;
પાંચ દિવસ લગી પરમેશ, ધરે નિત્ય નવો નવો વેશ. ૧૮
તેના મર્મનું એહ નિદાન, ધરે ભક્ત સદા એવું ધ્યાન;
કિનખાબ તણો સુરવાળ, કિનખાબનિ ડગલિ વિશાળ. ૧૯
માથે મંડિલ3 બહુ મૂલવાળું, ખભે શેલું રંગેલું રુપાળું;
રેટો કમરે કશી લિધો એવો, સદા ધ્યાનમાં રાખવા જેવો. ૨૦
એવા નિત્ય નવા શણગાર, ધરે પ્રીતમ પ્રાણઆધાર;
સભામાં બેસે સુંદર શ્યામ, પુરુષોત્તમ પૂરણકામ. ૨૧
લિંબડા હેઠ પાટ ઢળાવી, ગાદિતકિયો તે ઉપર મુકાવી;
ઉત્તરાભિમુખે બેઠા નાથ, આવ્યો ત્યાં જીર્ણગઢ તણો સાથ. ૨૨
તેહમાં નારાયણજિ સુતાર, અતિશે પ્રભુમાં જેનો પ્યાર;
વામ પડખું પ્રભૂનું વિલોક્યું, તેમાં પ્રાણ સહિત મન રોક્યું. ૨૩
સંભારે મુરતી જ્યારે જ્યારે, એ જ સ્વરૂપ સાંભરે ત્યારે;
હરિએ મનની વાત જાણી, ત્યારે તે પ્રત્યે બોલિયા વાણી. ૨૪
ચોટિ રૂપમાં વૃત્તિ તમારી, તેવિ છાપ કરી લાવો સારી;
સતસંગી તથા સંત જેહ, પૂજશે સ્મરશે છબિ તેહ. ૨૫
નારાયણજીએ વિનતિ ઉચ્ચારી, છાપ એવિ બનાવીશ સારી;
રામનવમીયે હું આવીશ, ગઢપુરમાં તે છાપ લાવીશ. ૨૬
સુણી રાજિ થયા મહારાજ, થયો રાજિ તે સર્વ સમાજ;
સભામાં તે સમે સુખકારી, કરે જ્ઞાનનિ વાત મુરારી. ૨૭
ઊંડો વાત વિષે મર્મ લાવે, જવા ધામમાં ઇચ્છા જણાવે;
કહે સ્પષ્ટ તો જન ગભરાય, તેનિ ચિંતા ધરે મન માંય. ૨૮
લાલજી ગોર ગઢડેથિ આવ્યા, તે તો સારા સમાચાર લાવ્યા;
પતની જે ગોપાળજી કેરી, મેના નામે સુધર્મિ ઘણેરી. ૨૯
તેણે પ્રસવ્યો તહાં એક પુત્ર,4 તથિ શોભ્યું તેનું ઘરસૂત્ર;
કાર્તકી શુદિ અષ્ટમિ જ્યારે, થયો પુત્ર તણો જન્મ ત્યારે. ૩૦
શ્રીજી જાણે ભવિષ્યની વાત, તેથી અંતરે હરખ્યા અઘાત;
નિજ ગાદિ તણી અધિકાર, તેના વંશ વિષે છે જનાર. ૩૧
તેથી આનંદ અંતરે લાવી, ઘણી સાકર ત્યાં વહેંચાવી;
વધામણિયાને બંધાવિ પાગ, ઉપજ્યો મુદ સૌને અથાગ. ૩૨
હતા ગોપાળજી પણ આંહીં, તેઓ રાજિ થયા મનમાંહી;
એક દિવસે દયાવંત નાથ, વાતો કરતા હતા સહુ સાથ. ૩૩
બેસી પગથિયે મંદિર કેરે, બોલ્યા વચન તે મર્મ ઘણેરે;
સતસંગ વધ્યો બહુ ઠામ, ન જવાય અમે ગામોગામ. ૩૪
અમને પૂછવું હોય જેહ, શિક્ષાપત્રીને પૂછજો તેહ;
શિક્ષાપત્રી અમે રચિ સારી, એ તો જાણવી મૂર્તિ અમારી. ૩૫
એ થકી ઉલટા વર્તનારા, સંપ્રદાયિ નહીં તે અમારા;
તેનું કલ્યાણ પણ નહિ થાય, એમ જાણજો સૌ મન માંય. ૩૬
એવી વાત ઘણી કરિ નાથે, સુણિ લીધિ સહુ જન સાથે;
હરિભક્ત વડોદરા કેરા, પ્રભુપદ પર પ્રેમિ ઘણેરા. ૩૭
પ્રભુદાસ ઈશ્વર વનમાળી, જગજીવને શુભ તક ભાળી;
મોતૈયા લાડવાની રસોઈ, દીધી સંતોને હરષિત હોઈ. ૩૮
શ્રીજી સ્નેહ સહિત આદરે, પંગતીમાં પીરસવા ફરે;
હેમ માદળિયું પ્રભુદાસે, ધર્યું ભેટ મહાપ્રભુ પાસે. ૩૯
કંઠમાં ધરીને કૃપાનાથ, ગયા મંદિરમાં સંત સાથ;
લઇ માદળિયું હાથ માંય, લાગ્યા ચિત્તે વિચારવા ત્યાંય. ૪૦
નારાયણને કે આ લક્ષમીને, કેને અર્પું આ હેત કરીને;
બહુ વિચારી મનમાં ઠરાવ્યું, નારાયણને જ તે તો ધરાવ્યું. ૪૧
પ્રભુદાસ કહે મહારાજ, મને સાધુ કરો તમે આજ;
હવે ઘેર હું તો નહિ જાઉં, સેવા કરવા સદા સાધુ થાઉં. ૪૨
સુણી બોલિયા શ્રીઅવિનાશ, રહો છો રઘુવીરજી પાસ;
તમે છો તેમના છડિદાર, સારી રીતે સેવા કરનાર. ૪૩
માટે તે જ સેવા તમે કરો, સાંખ્યયોગિ તણું વ્રત ધરો;
સુણી એવું રઘુવીર પાસ, રહ્યા પાર્ષદ થૈ પ્રભુદાસ. ૪૪
વળી એક દિવસ તણી વાત, સુણો ભૂપ અભેસિંહ ભ્રાત;
રાયજીભાઈ જેહનું નામ, વટપત્તનમાં જેનું ધામ. ૪૫
તે તો સીધું રસોઇનું લાવ્યા, જલેબી ને મોતૈયા કરાવ્યા;
સાધુની ધર્મશાળા છે જ્યાંય, બેઠા સૌ સંત જમવાને ત્યાંય. ૪૬
પ્રીતે પીરસે પ્રાણઆધાર, ફર્યા પંગતમાં ત્રણ વાર;
બ્રહ્માનંદના પાત્રની પાસ, ત્રીજી વાર આવ્યા અવિનાશ. ૪૭
દીસે દુર્બળ જેમ શરીર, તેમ બેશિ ગયા બળવીર;
ખમા ખમા બોલ્યા ત્યારે સંત, ઉદાસિ થયા સર્વે અત્યંત. ૪૮
સૌનો શોક મટાડવા કાજ, વળિ ઉભા થયા મહારાજ;
શાંતિ સૌ જનને થાય જેમ, લાગ્યા પીરસવા પ્રભુ તેમ. ૪૯
કરે મર્મમાં એમ ઉચ્ચાર, જમો સંત આ લ્યો છેલિ વાર;
તેનો મર્મ મોટા મોટા જાણે, અન્ય તો નહિ સંશય આણે. ૫૦
એવી લીલા કરે અવિનાશી, સભા સાંજે સજે સુખરાશી;
વળી એક સમે મહારાજ, ગયા મંદિર દર્શન કાજ. ૫૧
બોલ્યા ગોપાળજી જોડી હાથ, મારી વિનતિ સુણો કૃપાનાથ;
કર્યું આ સ્થળે દ્વારિકાધામ, આવ્યાં ગોમતિ પણ એહ ઠામ. ૫૨
શંખ ચક્ર ગદા પદ્મ છા૫, લેવા આવે છે લોક અમાપ;
પણ રણછોડજી તણિ આંહીં, મુરતી નથિ આ ધામ માંહી. ૫૩
માટે તે પધરાવો જો સ્વામી, એટલીયે મટી જાય ખામી;
આપ બોલ્યા હતા સભા માંહી, રણછોડજિ થાપશું આંહીં. ૫૪
ક્યારે કરશો તે સત્ય વચન, જાણવાને ઇચ્છે મુજ મન;
કહે શ્રીજી તમે જ સિધાવો, મૂર્તિ ડુંગરપુર જઈ લાવો. ૫૫
મુરતીનું પ્રમાણ બતાવ્યું, ધન ખર્ચિને માટે અપાવ્યું;
કમાભક્તને મોકલ્યા સાથે, નિર્ગુણાનંદ આદિને નાથે. ૫૬
તે તો ડુંગરપુર ભણિ ગયા, પ્રભુ ચાલવા તતપર થયા;
ભલામણ હરિભક્તોને દૈને, ચાલ્યા શ્રીહરિ તો સજ્જ થૈને. ૫૭
વે’લમાં બેઠા અંતરજામી, પગ ચાંપે નિત્યાનંદ સ્વામી;
સતસંગિ વળાવાને આવ્યા, ભેટ કરવા ભાતું ભલું લાવ્યા. ૫૮
માંદા જેવા દિસે મહારાજ, ઉદાસી થયો સર્વ સમાજ;
રાવલી સુધિ સૌ ગયા સાથે, પછિ પાછા વળો કહ્યું નાથે. ૫૯
હરિભક્ત થયા દિલગીર, આવ્યાં નેણમાં નેહનાં નીર;
આપી ધીરજ વાળિયા શ્યામે, ગયા ગિરધર મેળાવ ગામે. ૬૦
પુષ્પિતાગ્રાવૃત્ત
હરિવર વરતાલ છેલિ વાર, દરશન સૌ જનને દિધું ઉદાર;
ચિત્ત ચિતવિ ચરિત્ર તે ઉચાર્યું, ચિતવન જોગ્ય જરૂર તેહ ધાર્યું. ૬૧
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે નવમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિવૃત્તાલયે અંત્યવારવિચરણનામ ચતુર્થો વિશ્રામઃ ॥૪॥