કળશ ૯

વિશ્રામ ૫

પૂર્વછાયો

વર્ણિ કહે અભેસિંહજી, સુણો સ્નેહ સહિત તમે ભ્રાત;

બુરાનપુર ધરગામમાં, થયા ધામ તેની કહું વાત. ૧

ચોપાઈ

વરતાલમાં ધર્મદુલારે, સ્થાપ્યા લક્ષ્મીનારાયણ ત્યારે;

સંઘ આવેલો બુરાનપુરનો, વધ્યાથી અતિ ઉત્સાહ ઉરનો. ૨

ધરગામનાં પણ મુદ ધારી, ઘણાં આવેલાં નર અને નારી;

આવ્યા બુરાનપુર થકિ ધાઈ, બાપુભાઈ ને ગોવિંદભાઈ. ૩

નાનાભાઈ શિવાશાહ નામ, આવ્યા એ પણ દર્શનકામ;

નરની ને નારાયણ કેરી, બેય મૂર્તિયો સારિ ઘણેરી. ૪

તે તો સ્થાપિ પ્રથમ હરિ ત્યાંય, એ જ ઠેકાણે ઓરડામાંય;

શ્રીજીને વિનવિ પગે લાગી, એમાંથી એક મૂરતિ માગી. ૫

ધરગામના ગોવિંદભાઈ, હરિ પાસે બોલ્યા હરખાઈ;

બીજી મૂર્તિ આપો પ્રભુ અમને, કહીયે વિનતી કરિ તમને. ૬

બેય મૂર્તિ પ્રસાદિનિ એ છે, તમે હાથેથિ થાપેલિ તે છે;

અમારા દેશમાં તે થપાય, સૌને દર્શનનું સુખ થાય. ૭

પ્રભુએ પછી પરમ પ્રતાપી, મુર્તિ અકેકિ બેયને આપી;

નારાયણની તો બુરાનપુરમાં, આપિ સ્થાપવા હરખીને ઉરમાં. ૮

નરની સ્થાપવા ધરગામે, આપિ સ્નેહથિ સુંદર શ્યામે;

કહ્યું લક્ષ્મીનારાયણ નામ, રાખજો એહનું બેય ઠામ. ૯

જોડ્યે લક્ષ્મિનિ મૂરતિ બે આપી, પધરાવવા પરમ પ્રતાપી;

નારાયણમાં સદા હું રહીશ, સુખ સૌ હરિજનને દઈશ. ૧૦

હરિભક્તો તે મૂર્તિયો લૈને, પોતપોતા તણે દેશ જૈને;

કર્યો આરંભ મંદિર કેરો, સૌને ઉત્સાહ ઉરમાં ઘણેરો. ૧૧

આવિ છાશિયાની1 સાલ જ્યારે, થયાં મંદિર તૈયાર ત્યારે;

કાર્તકીનો સમૈયો તે કાળે, શ્રીજીએ કર્યો શ્રીવરતાલે. ૧૨

ધરગામ ને બુરાનપુરના, આવ્યા હરિજન તે દેશ દુરના;

કહ્યું શ્રીહરિને તેહ વાર, થયાં મંદિર બેય તૈયાર. ૧૩

બેય ઠેકાણે તો રુડિ વીધી, સ્થાપવાની તૈયારી છે કીધી;

પધારો આપ બુરાનપુરમાં, અમે આનંદ પામિયે ઉરમાં. ૧૪

શુભ મુહરત છે જોવરાવ્યું, માગશર શુદિ ષષ્ઠિનું આવ્યું;

કરિને ત્યાં પ્રતિષ્ઠાનું કામ, ધરગામ પધારજો શ્યામ. ૧૫

અમે તેડવા આવિયા તમને, કરશો ન નિરાશિ તે અમને;

સુણિ બોલિયા સુંદર શ્યામ, નથિ મારે શરીરે આરામ.2 ૧૬

માટે મોકલું સંત હું એવા, મળતા ગુણ જે મુજ જેવા;

આવવું તો ઘટે છે અમારે, નથી આવ્યાનો જોગ અત્યારે. ૧૭

અમો આવ્યા થકી સુખ જેવું, સંતથી તમને થશે તેવું;

પછી સંતને કહે સુખકંદ, સુણો પરમચૈતન્યાનંદ. ૧૮

તમે બુરાનપુરમાં સિધાવો, લક્ષમીનારાયણ પધરાવો;

અમોથી જનને સુખ જેવું, તમોથી પણ ત્યાં થશે તેવું. ૧૯

સુણો સ્વયંપ્રકાશાનંદ, તમે પણ મુનિગણના છો ચંદ;

માટે જાઓ તમે ધરગામ, કરો જૈને પ્રતિષ્ઠાનું કામ. ૨૦

થાપો લક્ષ્મીનારાયણ દેવ, સુખ સૌને કરે તતખેવ;

એવિ આજ્ઞા ચડાવિને શીશ, ગયા મંડળ લૈને મુનીશ. ૨૧

બેય સંતમાં ગુણ છે સમાન, જેને ભાઈ કહે ભગવાન;

બેય ગામમાં મૂહુરત એક, માગશર શુદિ ષષ્ઠિનું નેક.3 ૨૨

ધામધૂમથિ મૂર્તિયો સ્થાપી, એ તો સંભારે લોક અદ્યાપી;

સર્વ નાતોના વિપ્ર જમાડ્યા, દક્ષિણા દઈ તોષ4 પમાડ્યા. ૨૩

રામનવમિયે હે નરપાળ, ત્યાંના સંઘ આવ્યા વરતાલ;

પણ પ્રભુનાં ન દર્શન થયાં, ત્યારે તે સહુ ગઢપુર ગયા. ૨૪

ત્યાંય માંદા હતા મહારાજ, તોય દૂરનો જાણિ સમાજ;

પાસે બોલાવિયા કરિ પ્યાર, ત્યાંના સર્વ પુછ્યા સમાચાર. ૨૫

ત્યારે પ્રેમે કરીને પ્રણામ, ત્યાંના ભક્ત બોલ્યા તેહ ઠામ;

દયા સંતોએ દિલમાંહિ લીધી, પ્રતિષ્ઠા ધામધુમથિ કીધી. ૨૬

કોઈ વાતે ન રાખી જ ખામી, અમે સંતોષ પામિયા સ્વામી;

સુણી બોલિયા શ્રી જગવંદ, જે છે પરમ ચૈતન્યાનંદ. ૨૭

મુનિ છે તે અગસ્ત સમાન, ભક્તિમાન મહા ગુણવાન;

સ્વયંપ્રકાશાનંદજિ જે છે, તુલ્ય જાણો વશિષ્ઠને તે છે. ૨૮

એવા જ્યાં મારું સ્થાપન કરે, મારું ત્યાં તો અચળ તેજ ઠરે;

માટે મૂર્તિનાં દરશન કરજો, મારું ધ્યાન એ મૂર્તિમાં ધરજો. ૨૯

ધર્મ પાળજો ધીરજ ધારી, યાદ રાખજો આજ્ઞા અમારી;

અંતે પામશો અક્ષરધામ, મુજ પાસે જ કરશો વિરામ. ૩૦

હવે સુખથિ સિધાવી સ્વદેશ, દીલે દિલગીર થાશો ન લેશ;

સમાચાર તે સંતોને દેજો , મારા જય નારાયણ કહેજો. ૩૧

એમ કહિ કર્યા સૌને વિદાય, ચાલ્યા સૌ પ્રભુને નમિ પાય;

સૌએ શ્રીજીને એહ પ્રસંગે, મંદવાડ દિઠો નહિ અંગે. ૩૨

તેથી હરખતાં હરખતાં જાય, રાતવાસો વળિ જહાં થાય;

કહે સતસંગી આગળ વાત, સાજા તાજા છે હરિ સાક્ષાત. ૩૩

બ્રહ્મચારી કહે અહો રાય, દીસે શ્રીજીની અકળ કળાય;

ક્યારે માંદું શરીર દેખાડે, ઘડીમાં મંદવાડ મટાડે. ૩૪

ક્યારે હરિજનને હરખાવે, ક્યારે રોગિ થઈ રોવરાવે;

વૈદ ધનવંતરી5 જેવો હોય, નાડી પરખી શકે નહિ કોય. ૩૫

સદા જે છે નિરોગી સ્વતંત્ર, ભાસે રોગને વશ પરતંત્ર;

પુરા જ્ઞાનિયો તે મર્મ જાણે, જન અજ્ઞાની સંશય આણે. ૩૬

કહે વર્ણિ સુણો ભૂપ સહી, કથા એ તો અવાંતર6 કહી;

હવે કહ્યું વરતાલની વાત, ગઇ કાર્તિકી પુનમ ભ્રાત. ૩૭

ખાનદેશી ગયા ખાનદેશ, ગયા સંઘ સ્વદેશ વિશેષ;

પ્રભુજી ગઢપુર જવા માટે, ગયા ગામ મેળાવની વાટે. ૩૮

પુષ્પિતાગ્રાવૃત્ત

ધરિ હરિમુરતી બુરાનપૂર, ધરિ ધરગામ વિષે વળી જરૂર;

નરપતિ સુકથા સુણાવિ તેહ, મુજ મનમાં સ્ફુરિ આવિ આજ જેહ. ૩૯

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે નવમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિબુરાનપૂર-ધરગામપ્રતિષ્ઠાવિધિનિરૂપણનામ પંચમો વિશ્રામઃ ॥૫॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે