કળશ ૯

વિશ્રામ ૬

પૂર્વછાયો

વિચરિ હરિ વરતાલથી, ગયા મોહન ગામ મેળાવ;

દર્શન દેવા દાસને, તેનો ભાળિને ઉત્તમ ભાવ. ૧

ચોપાઈ

ત્યાંના ભક્તોને દર્શન દઈ, ચાલ્યા શ્રીહરિ સત્વર થઈ;

પંથે ત્યાંથિ જતાં પિપળાવ, નિચેવાળિયું આવ્યું તળાવ. ૨

આંબા હેઠ કર્યો વિશરામ, જળપાન કર્યું તેહ ઠામ;

કહ્યું સંતને ત્યાં મુનિનાથે, વધ્યા છે નખ મુજ પગહાથે. ૩

કપિલેશ્વરાનંદ મુનીએ, નખ લીધા પછી નેરણીએ;

પ્રભુ ત્યાંથી ગયા પીપળાવ, ત્યાંના ભક્તનો ભાળિને ભાવ. ૪

દાજીભાઇ તણી મેડી માંય, ઉતર્યા જગજીવન ત્યાંય;

પૂરવાભિ મુખે શુભ બારી, જમ્યા થાળ તહાં ગિરધારી. ૫

નિત્યાનંદને આપી પ્રસાદી, જાણીને મહામુક્ત અનાદી;

પછી પોઢી રહ્યા પ્રભુ રાતે, ગયા પરિયજ ગામ પ્રભાતે. ૬

સામા આવ્યા ત્યાંના સતસંગી, અતિ અંતર માંહિ ઉમંગી;

સરેરા1 તળે ઉતર્યા શ્યામ, ગયા ત્યાં થકિ ચાંગડે ગામ. ૭

હતું પીપરનું ઝાડ ત્યાંયે, ઉતર્યા પ્રભુ તેહને છાંયે;

વર્ણિ વૈકુંઠે ત્યાં કર્યો થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ. ૮

કરિ બાટિયો ત્યાં જમ્યા સંત, પછી ત્યાંથિ ચાલ્યા ભગવંત;

પંથે ઘાંચો2 આવી તેહ ઠામ, બેઠા ઘોડીએ શ્રીઘનશ્યામ. ૯

પશેગામ ગયા પ્રભુ જ્યાંય, આવી સાભ્રમતી નદી ત્યાંય;

નાજો જોગિયો ચાલતા હતા, જોયા વસ્ત્ર ઉતારવા જતા. ૧૦

ઇચ્છા હરિએ રમોજનિ3 આણી, નાજા જોગિયાને કહિ વાણી;

નીર ઝાઝું નથી એહ સમે, શીદ વસ્ત્ર ઉતારો છો તમે. ૧૧

એવાં વચન સુણી ઘણાં સારાં, નાજે ભક્તે ન વસ્ત્ર ઉતાર્યાં;

પ્રભુએ પછી મુખ મલકાવી, ઉંડા જળમાંહિ ઘોડી ચલાવી. ૧૨

નાજોભક્ત પાછળ ચાલ્યા જ્યારે, પડ્યા જળમાં ભિંજ્યાં વસ્ત્ર ત્યારે;

હસ્યા શ્રીહરિ ને સખા જન, નાજોભક્ત રાજી થયા મન. ૧૩

પ્રભુ કોઈ રિત્યે રાજિ થાય, હરિભક્તનું મન હરખાય;

એમ કરતા વિનોદ વિશેષ, વટામણ ગયા વિશ્વેશ્વરેશ. ૧૪

ખળામાં ઉતર્યા ધરી ખાંત, જમ્યા બાટી રહ્યા તહાં રાત;

પ્રભાતે ચાલ્યા પૂરણકામ, ગિરધર ગયા જાખડે ગામ. ૧૫

વેલ્ય માંહિ બિરાજિને વાલો, વિચરે વાટે ધર્મનો લાલો;

ભોગાવો ઉતરી ભગવાન, ચાલ્યા આગળ ત્યાં એક સ્થાન. ૧૬

એક આવી તળાવડિ સારી, બોલ્યા વૈકુંઠાનંદ બ્રહ્મચારી;

નાથ નિમેળ છે એહ નીર, કરો સ્નાનાદિ શ્યામશરીર. ૧૭

વાલે તે વિનતી સુણી લીધી, પછી નિત્યક્રિયા તહાં કીધી;

જલેબી દૂધ માંહિ કરેલી, હતી વર્ણિની પાસે રહેલી. ૧૮

તેણે આપી તે જમવાને કાજે, માંગ્યું આમલીજળ4 મહારાજે;

કર્યું વર્ણિયે આમલપાણી, જમ્યા વાલમ તે તો વખાણી. ૧૯

કમિયાળે કૃપાળુ સિધાવ્યા, મોડ ગઢવી તહાં સામા આવ્યા;

દંડવત કરિને લાગ્યા પાય, તેનો હૈયામાં હરખ ન માય. ૨૦

ત્યાં તળાવથિ વાયુ દિશાયે, હતી આંબલિ ઊતર્યા ત્યાંયે;

લાવ્યા સીધું તે ગઢવી રસાળ, કર્યો વૈકુંઠાનંદે તે થાળ. ૨૧

કહે વર્ણિ ચણેચિનિ ભાજી, લાવો તો જમશે પ્રભુ તાજી;

મોડભાઇએ તે દિધિ લાવી, બ્રહ્મચારિએ ભાજિ બનાવી. ૨૨

જમ્યા થાળ તે પરમ પ્રતાપી, પ્રસાદી મોડભાઇને આપી;

પુરણાનંદના કૃત છંદ, મોડભાઈ બોલ્યા સુખકંદ. ૨૩

મુક્તાનંદ પ્રેમાનંદ સ્વામી, બોલ્યા કીર્તન પદ શિર નામી;

રહી રાત ને ચાલ્યા પ્રભાત, રોઝકે ગયા પ્રભુ સાક્ષાત. ૨૪

જગ્યા ત્યાં સંતને ઉતર્યાની, હતી ત્યાં ઉતર્યા સુખદાની;

પ્રભુ કાયામાં કસર જણાવે, દેખી સંતને દિલગીરી આવે. ૨૫

ત્યારે ઉચ્ચારિ ઉપદેશ સારો, આપે ધીરજ ધર્મદુલારો;

પ્રભુ જૈ ગજા ગઢવીને ઘેર, તહાં થાળ જમ્યા રુડિ પેર. ૨૬

ધોલેરાના હરિભક્ત આવ્યા, ભેટ કરવા મેવો ભલો લાવ્યા;

કાજુકળિયા દરાક્ષ બદામ, પેંડા આદિકનું ભર્યું ઠામ. ૨૭

ધર્યું ભેટ તે ભૂધર પાસે, અંગિકાર કર્યું અવિનાશે;

ચાલ્યા ત્યાં થકી ઉગ્યે દિનેશ,5 ગયા પરબડીએ પરમેશ. ૨૮

પેખી પીંપર સરવર પાળે, તહાં વિશ્રામ કીધો કૃપાળે;

કર્યું તેહ તળાવમાં સ્નાન, કરી નિત્યક્રિયા ભગવાન. ૨૯

ગામના સતસંગિયો આવ્યા, ભાતભાતનિ તે ભેટ લાવ્યા;

સૌને દર્શન દૈને દયાળ, ગયા પોલારપર જનપાળ. ૩૦

ત્યાંથી સંચર્યા સુંદરશ્યામ, ગયા કૃષ્ણજી કુંડળ ગામ;

તહાં મામૈયો પટગર નામ, ઉતયો પ્રભુ તેહને ધામ. ૩૧

તેણે સેવા સારી રીતે કીધી, રસોઈ સર્વ સંતને દીધી;

બીજે દિવસ ગયા બહુનામી, કારિયાણિએ અંતરજામી. ૩૨

ઝીંઝાવદર થઈને નિંગાળે, કૃપાસિંધુ ગયા તેહ કાળે;

નદિ કેરી વિષે કરી સ્નાન, સાથવો જમ્યા શ્રીભગવાન. ૩૩

વાલે ત્યાં થકિ વિચરણ કીધું, રાધાવાવ્યે જઈ જળ પીધું;

કર્યો ગઢપુર માંહિ પ્રવેશ, ત્યાંના હરિજન હરખ્યા વિશેષ. ૩૪

ગોપિનાથનાં દર્શન કરી, ઉતર્યા દરબારમાં હરી;

વીત્યા બે ત્રણ વાસર જ્યારે, મહારાજે વિચારિને ત્યારે. ૩૫

સુત ગોપાળજી તણા જેહ, કેવે નામે ઠરાવવા તેહ;

ભટજી મયારામ તેડાવ્યા, જન્મ અક્ષર તેના કરાવ્યા. ૩૬

ભટજી કહે આ સુત જેહ, કૃપાપાત્ર છે આપનો તેહ;

માટે કૃષ્ણપ્રસાદજી નામ, સંભવે છે એનું ઘનશ્યામ. ૩૭

મહારાજ તણે મન ભાવ્યું, નામ કૃષ્ણપ્રસાદ ઠરાવ્યું;

થયો બે માસનો સુત જ્યારે, પાંડે ઠાકોરરામજી ત્યારે. ૩૮

તેડિ લાવ્યા જતાં હતા માવો, કહ્યું એહને નિયમ ધરાવો;

પછિ આપ્યું એને જળ હાથે, પાંચ નિયમ ધરાવિયાં નાથે. ૩૯

તુલસીનિ કંઠી પહેરાવી, હીરાકંઠિ કનકની ધરાવી;

કહ્યું કૃષ્ણે થશે વિદવાન, તે તો શંકરસ્વામિ સમાન. ૪૦

કહે વર્ણિ સુણો વસુધેશ, થયા વિદવાન સૌથિ વિશેષ;

સ્વામી શંકરની પેરે તેહ, ગયા છોડી જુવાનીમાં દેહ. ૪૧

કથા ચાલતિ તે હવે કહું, સુણો સ્નેહ ધરી મન બહુ;

પ્રભુને સુત પાયે લગાડ્યો, પછિ માતા કને પહોંચાડ્યો. ૪૨

એક દિન ગઢપૂર અગાડી, સુબો આવિયો ગાયકવાડી;

મીરસાહેબ તેહનું નામ, આવિ કીધા પ્રભુને પ્રણામ. ૪૩

લક્ષ્મીબાગમાં આપ્યો ઉતારો, લાગ્યો તે તેના મનમાંહિ સારો;

ઘણા લોકના મુખ થકી ત્યાંય, શ્રીજીનો સાંભળ્યો મહિમાય. ૪૪

તેણે પ્રથમ કુસંગિને સંગે, અપરાધ કર્યો હતો અંગે;

એ તો આ સમે સાંભરિ આવ્યો, પૂરો મનમાં થયો પસતાવો. ૪૫

જાણે કેમ હરીને રિઝાવું, અપરાધ ક્ષમા તે કરાવું;

પ્રભુને બાગમાં પધરાવ્યા, જ્યારે સંત સહીત તે આવ્યા. ૪૬

પછી શ્રીજીને પૂજિયા પ્રીતે, આપ્યો સરસ પોશાગ સુરીતે;

ભલો મેનો6 વળી ભેટ ધર્યો, કૃપાનાથે અંગિકાર કર્યો. ૪૭

પ્રણમીને ક્ષમા માગિ જ્યારે, તથા અસ્તુ કહ્યું પ્રભુ ત્યારે;

ધન્ય યવન તણો અવતાર, રીઝ્યા જેહને જગકરતાર. ૪૮

પ્રભુજી દરબારમાં આવ્યા, મીરસાહેબ ત્યાંથિ સિધાવ્યા;

પંચમી ત્યાં વસંતનિ આવી, કર્યો ઉત્સવ મનમુદ લાવી. ૪૯

ઘણા હરિજન દર્શને આવ્યા, સૌને દર્શન દૈ હરખાવ્યા;

ગઢપુરમાં રહી મહારાજ, કર્યાં જીવ અનેકનાં કાજ. ૫૦

પુષ્પિતાગ્રાવૃત્ત

ગુણિનિધિ ગઢપૂરમાં બિરાજી, હરિજનના મનને કરે જ રાજી;

પ્રગટ પરમ જે વધ્યો પ્રતાપ, સુણિ સતસંગિ થયા જનો અમાપ. ૫૧

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે નવમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

દુર્ગપુરે મીરસાહેબમીલનનામ ષષ્ઠો વિશ્રામઃ

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે