કળશ ૯

વિશ્રામ ૭

પૂર્વછાયો

કહે અચિંત્યાનંદજી, નરનાથ સુણો ધરિ નેહ;

કૃષ્ણ ગયા રાજકોટમાં, હવે કથા કહું છું તેહ. ૧

ચોપાઈ

નામદાર ગવર્નર જેહ, આખા મુંબૈ ઇલાકાના1 એહ;

સર માલકમ જેનું નામ, આવ્યા સોરઠ જોવાને કામ. ૨

રાજકોટમાં કિધો નિવાસ, રાજ સ્થાનોનો2 કરવા તપાસ;

ઘણા જનથી તેણે ઘણે ઠામ, સુણ્યું સ્વામિનારાયણ નામ. ૩

એને ઈશ્વરનો અવતાર, ઘણા માને છે પુરુષ ને નાર;

નવો ધર્મ ચલાવે છે સારો, થયા છે શિષ્ય લોકો હજારો. ૪

લૂંટ ફાટ કાઠી બહુ કરતા, સરકારથિ તે નહિ ડરતા;

રીંછ વાઘ વરૂ વશ થાય, પણ કાઠિયો વશ ન કરાય. ૫

ખૂન કરતાં કરે નહીં વાર, પ્રભુનો ડર ન ધરે લગાર;

તેને સ્વામિનારાયણ મળ્યા, તેથી ધર્મને મારગે વળ્યા. ૬

ચોરીનું કામ તેણે તજાવ્યું, અફીણાદિ બંધાણ મુકાવ્યું;

નિત્યનિત્ય નિયમ ધરી નહાય, પૂજા પાઠ કરી અન્ન ખાય. ૭

હતા જેઓ મહા વ્યભિચારી, માતા તુલ્ય ગણે પરનારી;

માખીને પણ કદિયે ન મારે, કેમ માણસને તે સંહારે. ૮

દારૂ પીને જે છાકટા3 થતા, નથી કેફ તે કોઈ ચાખતા;

એવા ભક્ત થયા છે અનેક, એ તો આશ્ચર્ય વાત જે એક. ૯

એક સ્વામિનારાયણ વડે, તહાં ફોજ ન રાખવિ પડે;

સ્વામિનારાયણે કર્યું જેહ, ન બને કોઈ નર થકી તેહ. ૧૦

એવી વાત સુણી બહુ ઠાર, થયો મળવાનો તેથિ વિચાર;

નિજ સેક્રેટરી તેહ ઠામ, હતા ટામસ વિલિયમ નામ. ૧૧

તેને કહ્યું ગવર્નરે એમ, લખો સ્વામી આવે આંહિ જેમ;

તેણે પત્ર લખી મોકલાવ્યો, તે તો મહાવદિ બારશે આવ્યો. ૧૨

આવ્યો અસવાર ગઢપુર ગામ, માતાદીન હતું તેનું નામ;

પત્ર લૈ શ્રીહરીએ વંચાવ્યો, વળિ સૌ હરિજનને સુણાવ્યો. ૧૩

હતિ શ્રીજીને અંગે કસૂર, તેથી જાવા ધાર્યું નહિ ઊર;

વદિ તેરશે ઉત્તર લખાવ્યો, એમાં ભાવાર્થ એવો જણાવ્યો. ૧૪

કાંઈ કસર છે અંગમાંય, તે માટે નહિ આવિ શકાય;

ચાલ્યો અસવાર કાગળ લઈ, રાજકોટ બિજી વાત થઈ. ૧૫

તહાં એજંટ પોલિટિકલ, જેનું નામ બલેન ભૂપાળ;

તેને પુછ્યું ગવર્નરે જ્યારે, વાત તેણે કરી ઘણિ ત્યારે. ૧૬

વળિ સ્વામિનારાયણ કેરો, મહિમા કહ્યો તેણે ઘણેરો;

તેથી આતુરતા અતિ થઈ, મનમાં નહિ ધીરજ રહી. ૧૭

માલકમ કહે તેને તેડાવો, અસવાર બિજો મોકલાવો;

ઉપમા લખીને લખો પત્ર, સ્વામી આગળ મોકલો તત્ર. ૧૮

લખજો તેમાં મારા પ્રણામ, મારે મળવાનું છે તેને કામ;

પછી બલેન સાહેબે પત્ર, લખ્યો તેનો કહું ભાવ અત્ર. ૧૯

પાંચશે અને ત્રેંતાલીશ, લખ્યો જાવક નંબર શીશ;

લખ્યો પત્ર તે પ્રેમ કરીને, સાંભળો ભૂપ સ્નેહ ધરીને. ૨૦

પૂર્વછાયો

સકળ ઉપમા સંભવે, બિરાજિત સદા જ્ઞાનરૂપ;

સ્વામી સહજાનંદજી, ગઢપુર મુકામ અનૂપ. ૨૧

લિખિત સ્નેહાંકિત સદા, આકટીંગ પુલેટીકલ;

બલેન સાહેબના બહુ, સ્નેહે વાંચો સલામ કૃપાળ. ૨૨

વિશેષ વિનતિ એહ છે, મુંબઇના ગવર્નર જેહ,

પધાર્યા છે એહ પ્રાંતમાં, ખાસ સ્વારિનિ સાથે તેહ. ૨૩

આપને મળવા ચહાય છે, થશે મળ્યાથિ બહુજ પ્રસન્ન;

આપ સાથે રાજકોટમાં, મળવાનું છે તેને મન. ૨૪

સાહેબની મરજી થકી, લખ્યો છે આપને આ પત્ર;

કૃપા કરી રાજકોટમાં, માટે આપ પધારશો અત્ર. ૨૫

તારીખ તો બાવીશમી, ફેબ્રુઆરી માસ છે આજ;

અઢારસેં ને ત્રીશની, સાલ ઇસવી છે મહારાજ. ૨૬

સંવત શતક અઢારસેં, સાલ છાસી તણો માઘ માસ;

વદી ચૌદશ શશિવાર4 દિન, લખી પત્ર મોકલ્યો આપ પાસ. ૨૭

એટલું લખિને સહિ કરી, શાણા બલેન સાહેબે તત્ર;

સ્વાર નામે પિરભાઈને, પછી બિડિને આપ્યો પત્ર. ૨૮

ફાગણ શુદિ પડવે દિને, પહોંચ્યો સ્વાર ગઢપુર ધામ;

પત્ર પ્રભુનિ આગળ ધર્યો, અતિ પ્રેમે કરીને પ્રણામ. ૨૯

વાલમે પત્ર વંચાવીયો, શુકાનંદ સ્વામીની પાસ;

તહાં ઘણા બેઠા હતા, દાદા ખાચર આદિક દાસ. ૩૦

સ્વારની કરી બરદાશ ત્યાં, કહ્યું ઉત્તર આપશું કાલ;

સભા વિષે વંચાવીયો, એહ કાગળ પરમ કૃપાળ. ૩૧

આ તો બિજો પત્ર આવિયો, માટે જવું કે ન જવું ત્યાંય;

સાહેબ મળવા કારણે, દિસે આતુર અતિ મન માંય. ૩૨

એમ વિચાર અહીં કરે, લખ્યો ઉત્તર પહેલો જેહ;

પ્રતિપદા દિન પહોંચિયો, તહાં ગવરનરને તેહ. ૩૩

પત્ર વાંચી પ્રભુજી તણો, થયું અંતર અતિશે ઉદાસ;

સ્વામિનારાયણ નવ મળ્યા, રહી ગઈ અધૂરી આશ. ૩૪

આવ્યા છે નરપતિ અહીં ઘણા, તેનાં પણ ઘણાં છે કામ;

તાકિદ છે મુંબઈ જવા, કેમ જવાય ગઢપુર ગામ? ૩૫

ફાગણ શુદિ દ્વિતીયા દિને, ગવર્નરે કરીને વિચાર;

ટામસ વિલિયમને કહ્યું, વળી પત્ર લખો એક વાર. ૩૬

ઉત્તર પહોંચ્યો એ લખો, લખો દિલગીર છું હું વિશેષ;

થાત મેળાપ જો આપનો, મને આનંદ વધત અશેષ. ૩૭

એવું સુણી તે સાહેબે, લખ્યો પત્ર વળી ત્યાં એક;

સ્નેહ જણાવ્યો અતિ ઘણો, વળી અતિ જણાવ્યો વિવેક. ૩૮

ચોપાઈ

સંવત તો અઢારસેં છાસી, બીજ ફાગણ શુદિ પ્રકાશી;

રહીને રાજકોટ મુકામ, લખું છું હું કરીને સલામ. ૩૯

સ્વામિ શ્રીસહજાનંદ જેહ, ગઢપુરના નિવાસી છો તેહ;

આપનો પત્ર જે આંહિ આવ્યો, બડા સાહેબને તે વંચાવ્યો. ૪૦

માઘકૃષ્ણ તેરશનો લખેલો, એમાં એવો છે અર્થ રહેલો;

અંગે આપને કસર છે કાંઈ, એથિ આવી શકાશે ન આંહીં. ૪૧

એવા વાંચિ એમાં સમાચાર, થયા દિલગીર તે તો અપાર;

આપનાં દર્શનનિ અતિશે, રહી આતુરતા ઉર વિષે. ૪૨

આપે જેહ ચલાવ્યો છે ધર્મ, તેના નિયમનો છે શુભ મર્મ;

એવિ સાંભળિને ભલી વાત, થયા સાહેબ રાજી અઘાત. ૪૩

એટલું લખિ પત્રમાં તહીં, કરી ટામસ વિલિયમે સહી;

ભુજથી આવતા હતા સંત, પત્ર આપ્યો તેને મતિમંત. ૪૪

જાણી વાત તે અંતરજામી, દાદા ખાચરને કહે સ્વામી;

ગવર્નર મનમાં ઘડે ઘાટ, થાય દિલગીર દર્શન માટ. ૪૫

પત્ર બે એમના આવ્યા આંહીં, આવે છે ત્રિજો પણ વાટમાંહી;

ગયા વગર તહાં નહિ ચાલે, માટે ચાલો તરત હાલહાલે. ૪૬

મીરસાહેબે આપેલો જેહ, મેનો તૈયાર ત્યાં કર્યો તેહ;

મેના માંહિ બેઠા મહારાજ, રથમાં બેઠા સંત સમાજ. ૪૭

દાદા ખાચર થૈ અસવાર, શ્રીજી સાથે સિધાવ્યા તે વાર;

દત્તપુત્ર લીધા બેય સાથ, વિચર્યા એમ વિશ્વનો નાથ. ૪૮

બીજને દિન મધ્યાન કાળે, પહોંચ્યા પ્રભુ ગામ ખંભાળે;

સાથવો જમ્યા સુંદરશ્યામ, જમ્યા ધર્મવંશી ગુણધામ. ૪૯

ખંભાળામાં ખબર પડિ જ્યારે, આવ્યા ઓઘડ ખાચર ત્યારે;

સાથે પુત્ર આવ્યા તેના ચાર, તેનાં નામ કહું નિરધાર. ૫૦

નાગ માણશિયો અને ભાયો, ચોથો ગોદડ નામે ગણાયો;

પ્રભુને કહ્યું કરિને પ્રણામ, ચાલો નાથ પાવન કરો ગામ. ૫૧

સુણિ બોલિયા શ્રીહરિ ત્યારે, ઉતાવળ છે જવાનિ અમારે;

રસોઈ જમવા રહેવાય, ત્યારે રાત અહીં પડિ જાય. ૫૨

માટે તૈયાર હોય તે લાવો, કાઠિયોને છાશો પિવરાવો;

પછિ લાવ્યા રસોઈ તૈયાર, જમ્યા કાઠિયો સૌ તેહ વાર. ૫૩

ત્યાંથી સંચર્યા સુંદરશ્યામ, ગયા ગિરધર વાંકિયે ગામ;

ઘેલો ખાચર સામૈયું લાવ્યા, વાજતે ગાજતે પધરાવ્યા. ૫૪

પુછ્યું શ્રીહરિએ પછી ત્યાંય, ગયા છે મોકો ખાચર ક્યાંય;

ઘેલો ખાચર બોલિયા વાત, રાજકોટ ગયા મુજ તાત. ૫૫

ઘેલા ખાચરની જેહ માત, સોઢીબાઈ નામે વિખ્યાત;

તેણે સામાન આપિયો લાવી, સંત કાજે રસોઈ કરાવી. પ૬

ધર્મવંશીયોએ કર્યો થાળ, જમ્યા જીવન જનપ્રતિપાળ;

કરી જ્ઞાનનિ વાતો વિશેષ, પછી પોઢિ રહ્યા પરમેશ. ૫૭

પુષ્પિતાગ્રાવૃત્ત

હરિવર વિચરે નિવાસ જેને, અતિ મન માંહિ ઉમંગ થાય તેને;

શુચિતર પુર અક્ષરાખ્ય જેવું, જનઘર તેહ ગણાય ધામ તેવું. ૫૮

 

ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે નવમકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિરાજકોટપથ-વાંકિયા ગ્રામ વિચરણનામ સપ્તમો વિશ્રામઃ ॥૭॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે