વિશ્રામ ૯
પૂર્વછાયો
સાહેબ શાણા ગવર્નર, સામે મોકલ્યા એક સરદાર;
સાથે સેના ચતુરંગિની, વળિ દેશિ રાજાઓ અપાર. ૧
ચોપાઈ
દેશિ રાજાના ડંકા નિશાન, અંગરેજિ વાજાં ગુણવાન;
સાથે પલટણ શોભતિ સારી, એવી સામિ આવી અસવારી. ૨
પ્રભુને આવિ કીધા પ્રણામ, ભલે આવ્યા કહ્યું ઘનશ્યામ;
ગામના સરવે સતસંગી, પ્રણમ્યા પ્રભુપાયે ઉમંગી. ૩
હાર તોરા હરીને ધરાવ્યા, વાજતે ગાજતે પધરાવ્યા;
વાજાંવાળા ને પલટણ છાજે, પછી રાજાનિ અસ્વારિ રાજે. ૪
મુનિમંડળ કીર્તન ગાય, તેની શોભા વરણવી ન જાય;
બેઠા આચાર્ય બે રથમાંય, પછિ પાર્ષદો ચાલે છે ત્યાંય. ૫
છડિદાર બોલે જયકાર, સખા કાઠિ સાથે અસવાર;
મેનામાં બેઠા દેવ મુરારી, કરે ચમર મુકુંદ બ્રહ્મચારી. ૬
ગાડિયો માંહિ સદ્ગુરુ સંત, શોભે અસ્વારિ એહ અત્યંત;
ઉત્તરાભિમુખે દરવાજો, રાજકોટ તણો અતિ છાજ્યો. ૭
તહાં કીધો પ્રભુએ પ્રવેશ, મળ્યાં દર્શને લોક વિશેષ;
નજરે નિરખી ગિરધારી, થયાં રાજી બહૂ નરનારી. ૮
એમ ચાલતાં સહિત સમાજે, ગયા દક્ષણાદે દરવાજે;
કહે વર્ણિ સુણો તમે રાય, લોધિકાના અભેસિંહે જ્યાંય. ૯
હાલ છત્રિ કરાવિ છે સારી, ઉતર્યા તહાં દેવ મુરારી;
મોટો તંબુ હતો મધ્યમાંય, ઉતર્યા ત્રિભુવનપતિ ત્યાંય. ૧૦
ફરતા તંબુઓ આસપાસ, કર્યો બીજાયે તેમાં નિવાસ;
પ્રણમીને બીજા જન ગયા, સતસંગિ તો સેવામાં રહ્યા. ૧૧
ઉકો વાલો માંડણ શિલ્પકાર, ભલા ગોવિંદ ભક્ત ઉદાર;
એહ આદિ મળી હરિજન, અતિ આનંદ આણિને મન. ૧૨
સીધું સામાન તેઓએ લાવી, સૌને કાજે રસોઈ કરાવી;
મોટી ચંદની બાંધેલિ હતી, સભા ત્યાં ભરિ સંતના પતી. ૧૩
બેઠા આચાર્ય બેઠા ગૃહસ્થ, બેઠા સન્મુખ સંત સમસ્ત;
મોકલ્યો સાહેબે જમાદાર, કહ્યું શ્રીજીને તેણે તે વાર. ૧૪
જે જે જોઇયે તેહ સામાન, અમને કહો કરુણાનિધાન;
ચોકિદાર ચોકી પેરા માંહી, કહો તેટલા મોકલું આંહીં. ૧૫
સુણિ બોલિયા શ્રીહરિ તેહ, સીધું સામાન જોઇયે જેહ;
તે તો સેવક લાવ્યા અમારા, રાજકોટમાં જે રહેનારા. ૧૬
અમારે નથિ જોઇતું કાંઈ, ચોકી પેરાનો ખપ નથી આંહીં;
અમ સાથે છે કાઠિયો જેહ, સહુ સૌનું સંભાળશે તેહ. ૧૭
સાધુને પત્ર તુંબી ને માળા, તેને જોઇયે નહિ ચોકિવાળા;
નથી જોખમ જેને લગાર, તેને કોઇ નથી લુંટનાર. ૧૮
ઉપજાતિવૃત્ત (ત્યાગી નિર્ભય છે તે વિષે)
છે પાત્ર ને તુંબડિ જેહ પાસ, તેને દિસે ચોર તણો ન ત્રાસ;
માયા તણો સંગ્રહ હોય જેને, છે ચોરનો ત્રાસ સદૈવ તેને. ૧૯
છે જ્ઞાનરૂપી ધન સંત કેરું, જેનું દિસે મૂલ અતી ઘણેરું;
જે સંતનું તે ધન ચોરિ જાય, તે ચોર તો સંતસમાન થાય. ૨૦
જો સંતનું અંચળ ચોરિ જાય, તો કોઈનાથી ન ધરી શકાય;
સંત તણો સાથુ1 ન કોઈ ચાખે, તો સંત કેની શિદ બીક રાખે. ૨૧
સર્વે મુડી મોકલિ સત્યઘેર,2 ચાલ્યા પ્રવાસે ધનહીન પેર;3
પછી ગમે ત્યાં જ કરે મુકામ, વળાવિયાનૂં નહિ કાંઇ કામ. ૨૨
જે સંત થૈ જોખમ પાસ રાખે, તે સંત સાચો નહિ શાસ્ત્ર ભાખે;
તે સંત તો હોય ગૃહસ્થ જેવો, તેને નહીં સદ્ગુરુ જાણિ સેવો. ૨૩
સ્ત્રીદ્રવ્યથી જે અળગા રહે છે, ચિત્તે નહીં વસ્તુ કશી ચહે છે;
તેને નહીં કોઇની ઓશિયાળ,4 તેને ન લાગે ડર કોઇ કાળ. ૨૪
વિશેષ જાણ્યું તન નાશવંત, એવા દિસે સદ્ગુરુ જે મહાંત;
ઝાડી વિષે વાસ વસે કદાપી, શા કારણે ત્રાસ ધરે તથાપી? ૨૫
આત્મા તણો તો નહિ નાશ થાય, આત્માનિ ચોરી ન કરી શકાય;
આત્મસ્વરૂપે વરતે જ જેહ, કોઈ થકી દીલ ડરે ન તેહ. ૨૬
શત્રૂ તથા મિત્ર સમાન જાણે, સુખે દુઃખે જે સમતા પ્રમાણે;
જેને નહીં રંચક રાગ દ્વેષ, તેને દિલે શો ડર હોય લેશ. ૨૭
ચોપાઈ
માટે આ સંત છે સહુ એવા, નથિ એનિ પાસે ચોરિ લેવા;
નથિ ચોકિ પેરા તણું કામ, કહો સાહેબને જૈ સલામ. ૨૮
જમાદારે જઈ એમ કહ્યું, મન સાહેબનું રાજિ થયું;
પછિ થૈ ત્યાં રસોઈ તૈયાર, જમ્યા શ્રીજી ને સંત ઉદાર. ૨૯
જમ્યા આચાર્ય બે હતા જેહ, જમ્યા કાઠિ ગરાશિયા તેહ;
પછિ આરતિ ને ધુન કરી, જ્ઞાનવાત ત્યાં ઉચ્ચર્યા હરી. ૩૦
પછી પોઢિ રહ્યા પરમેશ, જાગ્યા જ્યારે રહી રાત લેશ;
દંતધાવન આદિક કર્યું, પછિ સ્નાન વિધાન આદર્યું. ૩૧
નિત્યકર્મ કરીને કૃપાળ, જમ્યા ધર્મવંશીકૃત થાળ;
જમ્યા સંત ને કાઠિ ઉમંગે, પછિ બેઠા પ્રભૂજિ પલંગે. ૩૨
નિજ મંત્રિ બોલાવિયા ચાર, તેનાં નામ કહું છું આ ઠાર;
દેવો ભીમ પાળા અનુચર,5 હરજી તથા લાધો ઠક્કર. ૩૩
તેઓ પ્રત્યે બોલ્યા અવિનાશ, તમે જાઓ શ્રીસાહેબ પાસ;
અમારા નારાયણ જઈ કહો, પછિ એટલું પૂછીને લહો. ૩૪
અમે મળવાને આવિયે ક્યારે, કેવિ ઇચ્છા છે ઉરમાં તમારે;
કચેરી થાય રાજાનિ જ્યારે, કહો તો અમે આવિયે ત્યારે. ૩૫
કહો તો આવિ મળિયે એકાંતે, વાતચીત તો થાય નિરાંતે;
સુણિ ચારે જણા તે સિધાવ્યા, શબ્દ સાહેબને તે સુણાવ્યા. ૩૬
બોલ્યા તેહ ગવર્નર ત્યારે, આવે ઇચ્છામાં ત્યારે પધારે;
નથિ બીજા રાજાઓનું કામ, મારે સ્વામિને કરવા પ્રણામ. ૩૭
ભેટવાનો અમારે છે ભાવ, નથિ દેખાડવાનો દેખાવ;
ઝાઝે માણસે ગડબડ ધારું, થોડાં માણસ આવે તો સારું. ૩૮
સુણિ એવું વળ્યા જણ ચાર, કહ્યા શ્રીજીને જૈ સમાચાર;
સુણિ સાહેબનો બહુ સ્નેહ, અતિ રાજી થયા પ્રભુ એહ. ૩૯
પુષ્પિતાગ્રાવૃત્તવૃત્ત
દિવસ ચડત હોય જેહ કેરો, ઉર ઉપજે સુવિચાર તો ઘણેરો;
જનિત યવનજાતિ અંગરેજ,6 પ્રગટ પ્રભૂ પર પ્રેમવંત તે જ. ૪૦
ઇતિ શ્રીવિહારિલાલજીઆચાર્યવિરચિતે હરિલીલામૃતે નવમકલશે
અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે
શ્રીહરિરાજકોટવિચરણનામ નવમો વિશ્રામઃ ॥૯॥