ભક્તિનિધિ

મંગલાચરણ

સોરઠા

પ્રણમું પુરુષોત્તમ, અગમ નિગમ જેને નેતિ કહે ।

તે શ્રીહરિ થાઓ સુગમ, રમ્યરૂપ સાકાર સહિ ॥૧॥

એવા વસો મારે ઉર, દૂર કરવા દોષ દીનબંધુ ।

તે થાય ભક્તિ ભરપૂર, હજૂર રાખજો હરિ હેત કરી ॥૨॥

દોહા

ભક્તિ સરસ સહુ કહે, પણ ભક્તિ ભક્તિમાં ભેદ ।

ભક્તિ પ્રભુ પ્રગટની, એમ વદે છે ચારે વેદ ॥૩॥

પરોક્ષ ભક્ત પામે નહિ, મનમાની મોટી મોજ1

શાસ્ત્ર સર્વે શોધીને, ખરી કરી લ્યો ખોજ ॥૪॥

 

ભક્તિનિધિ

કડવું - ૧

રાગ: ધન્યાશ્રી

શ્રી પુરુષોત્તમ પૂરણ બ્રહ્મજી, નેતિ નેતિ કહી જેને ગાય નિગમજી ।

અતિ અગાધ જે સહુને અગમજી, તે પ્રભુ થયા આજ સુગમજી ॥૧॥

રાગ: ઢાળ

સુગમ થયા શ્રીહરિ, ધરી નરતનને નાથજી ।

જીવ બહુ કહું જક્તના જેહ, તેહને કરવા સનાથજી ॥૨॥

આપ ઇચ્છાએ આવિયા, કરવા કોટિકોટિનાં કલ્યાણ ।

દયા દિલમાં આણી દયાળે, તેનાં શું હું કરું વખાણ ॥૩॥

લે’રી2 આવ્યા આજ લે’રમાં, અતિ મે’ર કરી મે’રબાન ।

અનેક જીવ આશ્રિતને, આપવા અભયદાન ॥૪॥

અઢળ ઢળ્યા અલબેલડો, કહું કસર ન રાખી કાંય ।

કૈક જીવ કૃતાર્થ કીધા, મહાઘોર કળિની માંય ॥૫॥

ભાગ્યશાળી બ્રહ્મમો’લનાં, કર્યાં આપે આવી અગણિત ।

નિર્દોષ કિધાં નરનારને, રખાવી રૂડી રીત ॥૬॥

નૌતમ શક્કો3 સંસારમાં, આવી નાથે ચલાવિયો નેક ।

જે સાંભળ્યો નો’તો શ્રવણે, તે વર્તાવ્યો સહુથી વિશેક ॥૭॥

પૂરણ પુરુષોત્તમ પોતે, સરવેશ્વર સર્વના શ્યામ ।

જેની ઉપર જડે નહિ બીજો, તેહ કરે ધારે જેહ કામ ॥૮॥

પ્રબળ પ્રતાપી પધારતાં, સમજવું શું શું ન થાય? ।

સમર્થ સહુથી શ્રીહરિ, જે પૂરણકામ કે’વાય ॥૯॥

અતિ અગમ તે સુગમ થયા, થયા સેવી સુખ લેવા લાગ્ય ।

નિષ્કુળાનંદ મળ્યા એહ જેહને, તેહનાં ઊઘડિયાં ભાગ્ય ॥૧૦॥

કડવું 🏠 home