ભક્તિનિધિ
કડવું - ૪
રાગ: ધન્યાશ્રી
વિઘને ભર્યાં સુખ સારુ સાધનજી, કરતાં મૂંઝાય છે શુદ્ધ સંતનાં મનજી ।
તે કેમ કરી શકે જાણો એ જનજી, જેને ઉપર છે અનંત વિઘનજી ॥૧॥
રાગ: ઢાળ
વિઘન વિવિધ ભાતનાં, રહ્યાં સાધન પર સમોહ1 ।
સુર અસુર ઇચ્છે પાડવા, પ્રેરી કામ ક્રોધ લોભ મોહ ॥૨॥
જપતાં જાપ બાપ આપણે,2 પ્રહ્લાદજીને પીડા કરી ।
સત્ય રાખતાં હરિશ્ચંદ્ર શિબિ, નળ મુદગળ ન બેઠા ઠરી ॥૩॥
તપ કરી ત્રિલોકમાં, પામી પડિયા પાછા કઈ ।
એમ કરી તન તાવતાં, સુખ અટળ આવ્યું નહિ ॥૪॥
વ્રત રાખતાં અંબરીષ પીડ્યો, દાન દેતાં પિડાયો નર ઘોષ ।
પુણ્ય કરતાં પાંડવ પાંચાલી, આવ્યા દુર્વાસા દેવા દોષ ॥૫॥
જોગે પિડાણા શુક જડભરત, જગને પિડાણો નહૂષ ભૂપાળ ।
બળી વળી દધિચિ ઋષિ, રંતિદેવ સરીખા દયાળ ॥૬॥
એવી અનેક પ્રકારની આપદા, આવી સત્યવાદી પર સોઈ ।
વનવાસી ત્યાગી વૈરાગી, વણ વિપતે નહિ કહું કોઈ ॥૭॥
જે જે જને એહ આદર્યું, પરલોક પામવા કાજ ।
તે તે જનને જાણજો, સુખનો ન રહ્યો સમાજ ॥૮॥
વિઘન બહુ વિધવિધનાં, ભર્યાં ભવમાંહિ ભરપૂર ।
પરલોક ન દિયે પામવા, જન જાણી લેજો જરૂર ॥૯॥
માટે વાટ3 એ તે મૂકવી, સમઝી વિચારીને શુભમતિ ।
નિષ્કુળાનંદ કે’ નિર્ભય થાવા, કરવી હરિની ભગતિ ॥૧૦॥