ભક્તિનિધિ

કડવું – ૨૮

રાગ: ધન્યાશ્રી

કરવું હતું તે કરી લીધું કામજી, ભક્તિ કરી રીઝવ્યા ઘનશ્યામજી ।

જે ઘનશ્યામ ઘણા સુખના ધામજી, તેને પામવા હતી હૈયે હામજી ॥૧॥

રાગ: ઢાળ

હામ હતી હૈયે ઘણી, પ્રભુ પ્રગટ મળવા કાજ ।

આ દેહે કરી જે દીનબંધુ, જાણું ક્યાંથી મળે મહારાજ ॥૨॥

આ નેણે નીરખીયે નાથને, મુખોમુખ કરિયે વાત ।

આવે અવસર એવો ક્યાં થકી, જે પ્રભુ મળે સાક્ષાત ॥૩॥

અંગોઅંગ એને મળવું, તે તો મહા મોંઘો છે મેળાપ ।

નો’તો ભરોંસો ભીંતરે,1 જે મળશે અલબેલો આપ ॥૪॥

જમવું રમવું જોડે બેસવું, એવો ક્યાં થકી પામિયે પ્રસંગ ।

મોટા મોટાને મુશ્કેલ મળવો, સુણી સદા રે’તા મનભંગ2 ॥૫॥

સર્વે પ્રકારે સાક્ષાત સંબંધ, જેનો અતિ અગમ3 અગાધ્ય ।

તેહ મળે કેમ મનુષ્યને, જે દેવને પણ દુરારાધ્ય4 ॥૬॥

તેહ પ્રભુજી પ્રસન્ન થઈ, નરતન ધરી મળ્યા નાથ ।

તેણે સર્વે રીતે સુખ આપિયાં, થાપિયા5 સહુથી સનાથ ॥૭॥

હળી મળી અઢળ6 ઢળીને,7 આપી ભક્તિ આપણી8

તેહ ભક્તિને ભવ બ્રહ્માએ, માગી મગન થઈ ઘણી ॥૮॥

ભક્તિમાં છે ભાર9 ભારે, તે જેને તેને જડતી નથી ।

પુણ્યવાન કોઈ પામશે, વારેવારે શું કહિયે કથી ॥૯॥

પ્રગટની પરિચરિયા, છે માનવીઓને મોંઘી ઘણી ।

નિષ્કુળાનંદ એ નૌત્તમ નિધિ, સૌ સમઝો છે સુખતણી ॥૧૦॥

કડવું 🏠 home