ભક્તિનિધિ
કડવું – ૩૮
રાગ: ધન્યાશ્રી
પ્રસન્ન કર્યા જેણે પરબ્રહ્મજી, તેને કોઈ વાત ન રહી અગમજી ।
સર્વે લોક ધામ થયાં સુગમજી,1 એમ કહે છે આગમ નિગમજી ॥૧॥
રાગ: ઢાળ
આગમ નિગમે એમ કહ્યું, રહ્યું નહિ કરવું એને કાંઈ ।
સર્વે સુખની સંપતિ, આવિ રહી એના ઉરમાંઈ ॥૨॥
સર્વે પાર જે પ્રાપતિ, સર્વેને સરે2 જેહ સુખ ।
તે પામે છે ભક્ત પ્રભુતણા, ઘણું ઘણું શું કહીએ મુખ ॥૩॥
સર્વે ઉપર જે શિરોમણી, સર્વે મસ્તક પર જે મોડ3 ।
સહુથી એ સરસ થયા, કોણ કહિયે જાણો એની જોડ ॥૪॥
સર્વે કમાણીને સરે કમાણી, સર્વે ખાટ્યને સરે ખાટ્ય ।
તેહ પામી પૂરણ થયા, તે તો ભક્તિ કરી તેહ માટ્ય ॥૫॥
સર્વે કળશ પર કળશ ચઢ્યો, સર્વે જીત પર થઈ જીત ।
સર્વે સારનું સાર પામિયા, જેને થઈ પ્રભુ સાથે પ્રીત ॥૬॥
જેમ મોટા રાજાની રાજનિધિ,4 તે લડ્યે લેશ લેવાય નઈ ।
પણ જનમી એ જનક5 કર્યો. ત્યારે સર્વે સંપત્તિ એની થઈ ॥૭॥
તેમ સેવક સુત શ્રીહરિતણા, મણા એને કોઈ વાતની નથી ।
પૂરણ પદની છે પ્રાપતિ, અતિશય શું કહિયે કથી ॥૮॥
જેમ અતિ ઉંચો અંબરે ચઢે, આકાશે વસે જ્યાં અનળ6 ।
એથી ઊંચો તો એક શૂન્ય છે, બીજાં હેઠાં રહ્યાં સકળ ॥૯॥
તેમ ભક્તિ થકી આ બ્રહ્માંડમાં, નથી સરસ જોયું શોધીને ।
નિષ્કુળાનંદ પદ પરમ પામ્યા, જે અગમ છે મન બુદ્ધિને ॥૧૦॥