ભક્તિનિધિ
પદ – ૧૧
રાગ: પરજ
નિરધારી1 છે નિગમે વાત રે સંતો... નિરધારી૦ ।
થાયે ભક્તિયે હરિ રળિયાત રે; સંતો૦ ॥ ટેક
ભક્તિ વિના ભવરોગ ન નાસે, રહે દુઃખ દિન રાત ।
ભક્તિ વિના ભટકણ ન ભાગે, સમઝી લેવું સાક્ષાત રે; સંતો૦ ॥૧॥
ભક્તિ કરીને ભક્ત હરિના, ઘણીઘણી ઉવૈયા2 ઘાત3 ।
ભક્તિ કરી ભારે ભાગ્ય જાગે છે, નથી એ વાત અખ્યાત4 રે; સંતો૦ ॥૨॥
ભક્તિ કરે તે ભક્ત હરિના, જોવી નહિ તેની જાત ।
ધન્ય ધન્ય એ જનનું જીવન, જેણે ભક્તિ કરી ભલી ભાત રે; સંતો૦ ॥૩॥
ભક્તિ કરી ખરી મોજ જેણે લીધી, તેણે થયા ભક્ત એ એકાંત ।
નિષ્કુળાનંદ કે’ નાથ મળીને, દીધી ભક્તિની દાત5 રે; સંતો૦ ॥૪॥ પદ ॥૧૧॥