ભક્તિનિધિ

કડવું – ૧૬

રાગ: ધન્યાશ્રી

ઉરમાંહિ કરવો એમ વિવેકજી, પ્રગટની ભક્તિ સહુથી વિશેકજી ।

એહને સમાન નહિ કોઈ એકજી, તે તકે1 મળે તો ન ભૂલવું નેકજી2 ॥૧॥

રાગ- ઢાળ

તે તકે મળે તો નવ ભૂલવું, સમો જોઈ રે’વું સાવધાન ।

તેમાં યોગ્ય અયોગ્ય જોવું નહિ, રાજી કરવા શ્રીભગવાન ॥૨॥

ધર્મ વિચારીને ધનંજયે,3 યુદ્ધ કરવું નો’તું જરૂર ।

પણ જાણી મરજી જગદીશની, ત્યારે ભારત4 કર્યો ભરપૂર ॥૩॥

તેમાં કુળ કુટુંબી સગા સંબંધી, સહુનો તે કર્યો સંહાર ।

ન ગણ્યા વળી ગુરુ ગોત્રને,5 સહુને પમાડ્યા પાર ॥૪॥

એવું અણઘટતું કામ કર્યું, તેમાં ગયા કંઈકના પ્રાણ ।

તોય કુરાજી કૃષ્ણ નવ થયા, સામું કર્યા પાર્થનાં6 વખાણ ॥૫॥

એ સમે એમ ગમતું હતું, તેણે પ્રભુ થયા રળિયાત7

શુભાશુભનું ક્યાં રહ્યું, સહુ જુવો વિચારી વાત ॥૬॥

એમ પ્રભુ પ્રગટને, જેહ સમે ગમે જાણો જેમ ।

તેમ કરવું કર જોડીને, નવ ચડવું બીજે વે’મ8 ॥૭॥

વળી પ્રિયવ્રતે પ્રભુ પ્રસન્ન કરવા,નિવૃત્તિ મુકીને પ્રવૃત્તિ ગ્રહિ ।

તેહ જેવા આ જક્તમાં, બીજા બહુ ગણાણા નહિ ॥૮॥

માટે જે ગમે પ્રભુ પ્રગટને, તેમ જનને કરવું જરૂર ।

તેમાં હાણ્ય9 વૃદ્ધિ10 હાર જીતનો, હર્ષ શોક ન આણવો ઉર ॥૯॥

નિઃસંશય ને નરઉત્થાને,11 કરવી હરિની ભગતિ ।

નિષ્કુળાનંદ એ વારતા, મને માનજો છે મોટી અતિ ॥૧૦॥

કડવું 🏠 home