ભક્તિનિધિ

કડવું – ૩૫

રાગ: ધન્યાશ્રી

સાચા ભક્તની ભેટ થાય ભાગ્યેજી, જેને જગસુખ વિખસમ1 લાગેજી ।

ચિત્ત નિત્ય હરિચરણે અનુરાગેજી,2 તેહ વિના બીજું સરવસ3 ત્યાગેજી ॥૧॥

રાગ: ઢાળ

ત્યાગે સર્વે તને મને, પંચ વિષય સંબંધી વિકાર ।

ભાવે હરિની એક ભગતિ, અતિ અવર લાગે અંગાર ॥૨॥

અન્ન જમી જન અવરનું, સૂવે નહિ તાણી વળી સોડ ।

નિર્દોષ થાવા નાથનું, કરે ભજન સ્તવન4 કરજોડ ॥૩॥

મહા મે’નતે કરી મેલિયું,5 વળી અર્થે ભર્યું એવું અન્ન ।

તે ખાઈને ખાટ્ય6 માને નહિ, જો ન થાય હરિનું ભજન ॥૪॥

વળી વસ્ત્ર વિવિધ ભાતનાં, આપ્યાં અંગે ઓઢવા માટ ।

તે ઓઢી અન્ય ઉદ્યમ કર્યો, ખોળી જુવો શી થઈ ખાટ્ય ॥૫॥

એણે આપ્યું નથી અન્ન ઉષર7 જાણી, હૈયે હજાર ઘણી છે લેવા હામ ।

એહ આપવું પડશે આપણે, કે આપશે શ્રીઘનશ્યામ ॥૬॥

ઘનશ્યામને શિર શીદ દિયે, જૈયે8 ન કર્યું ભક્તિ ભજન ।

રહે વિચાર એહ વાતનો, હૃદિયામાંહિ રાત દન ॥૭॥

ખરું ન કર્યું ખાધા જેટલું, ઇચ્છ્યો ભક્ત થાવા એકાંત9

તે તો ઘાસકટુ10 ઘેવરનાં ભાતાં,11 ખાવા કરે છે ખાંત ॥૮॥

એહ વાત બંધ કેમ બેસશે, હરિભક્ત તે હૈયે ધારિયે ।

માટે સૂતાં બેઠાં જાગતાં, અતિ હેતે હરિને સંભારિયે ॥૯॥

એમ જાણે છે જન હરિના, તે ભક્તિ કરતાં ભૂલે નહિ ।

નિષ્કુળાનંદ કહે વેશ વરાંસે,12 ફોગટ મને ફૂલે નહિ ॥૧૦॥

કડવું 🏠 home