ભક્તિનિધિ
કડવું- ૨૭
રાગ: ધન્યાશ્રી
ખરાખરી ભક્તિમાં ખોટ ન આવેજી, સહુ જનને મને સુખ ઉપજાવેજી ।
ભગવાનને પણ એવી ભક્તિ ભાવેજી, જે ભક્તિને શિવ બ્રહ્મા સરાવેજી1 ॥૧॥
રાગ: ઢાળ
સરાવે શિવ બ્રહ્મા ભક્તિ, ભલી ભાતે ગુણ ગાય ઘણા ।
તે ભક્તિ જાણો પ્રગટની, કરતાં કાંઈ રહે નહિ મણા ॥૨॥
જેહ ભક્તિમાં જાણજો, કપટ કાંઈ ચાલે નહિ ।
સદા પ્રભુને પેખે પાસળે,2 તે મોકળે3 મને મા’લે4 નહિ ॥૩॥
દૂર હરિને નહિ દેખતાં, સદા સમીપે દેખે છે શ્યામ ।
તેનું ચિત્ત ચોરી કરી કેમ શકે, ન કરે ન કર્યાનું કામ ॥૪॥
જાણે પગે ભરું છું જે પગલાં, કરે5 કરું છું જેહ કામ ।
રસનાનું6 જાણે રસ7 રવનું,8 જાણે શ્રવણે9 સુણું તે શ્યામ ॥૫॥
નયણે રૂપ જે નીરખું, ચરમે10 લિયું જે સ્પર્શ રસ ।
નાસે11 જેહ વાસ લિયું, નથી એથી અજાણ્યું અવશ્ય ॥૬॥
એમ પેખે પ્રભુને પાસળે, તે ભવભુલવણીમાં ભૂલે નહિ ।
સદા દેખે સમીપે શ્યામને, સાચા ભક્ત તે સમઝો સહિ ॥૭॥
એવા જન જગદીશને, માનો મળવા મોંઘા ઘણું ।
સર્વે શાસ્ત્રમાંહી સૂચવ્યું, માહાત્મ્ય એવા ભક્તતણું ॥૮॥
જેહ ભક્તને વા’લા ભગવાન છે, તેહ ભક્ત વા’લા છે ભગવાનને ।
પણ ભક્ત નામે રખે ભૂલતા, એ તો ગાયા છે ગુણવાનને ॥૯॥
ભાગ્ય હોય તો એવા ભક્તની, ભેટ્ય થાય ભવમાંઈ ।
નિષ્કુળાનંદ તો નરને, કરવું રહે નહિ કાંઈ ॥૧૦॥