ભક્તિનિધિ
કડવું - ૭
રાગ: ધન્યાશ્રી
ભક્તિ સમાન નથી ભવમાં કાંયજી, સમજુ સમજો સહુ મન માંયજી ।
પ્રભુ પ્રસન્ન કરવા છે અનુપ ઉપાયજી, તેને તુલ્ય બીજું કેમ કે’વાયજી ॥૧॥
રાગ: ઢાળ
કે’વાતું નથી કલ્પતરુ, નવનિધિ ને સિદ્ધિ સમેત1 ।
કામદુઘા અમૃતની ઉપમા, ન ઘટે કહું કોઈ રીત ॥૨॥
જેમ મંદારમાં2 સાર બહુ બાવના ચંદન, પાષાણમાં સાર પારસ3 ।
સપ્ત ધાતુમાં સરસ સુવર્ણ, તેમ ભક્તિ સાધનમાં સરસ ।૩॥
જેમ પન્નગારી4 પંખિયોમાં સરસ, શૈલમાં5 સરસ સુમેર6 ।
તેમ ભક્તિ સરસ સર્વ સાધને, એમાં નથી કહું કાંઈ ફેર ॥૪॥
જેમ તેજોમય તનમાં સરસ સૂર્ય, શીતળ તનમાં સરસ શશી ।
તેમ ભક્તિ સરસ સર્વે રીતે, આપું ઉપમા એને કશી ॥૫॥
જેમ પાત્રમાં અક્ષયપાત્ર7 સરસ, નાણામાં સરસ સુવર્ણમો’ર ।
તેમ ભક્તિ સરસ છે ભવમાં, એમ લખ્યું છે ઠોરમઠોર8 ॥૬॥
જેમ પંચભૂતમાં શૂન્ય9 સરસ, સર્વે અમરમાં10 અમરેશ11 ।
તેમ ભક્તિ સરસ ભગવાનની, એમાં નથી ફેર લવલેશ ॥૭॥
જેમ કુંપે સરસ રસ કુંપકા, ભૂપે સરસ પ્રિયવ્રત ।
રૂપે સરસ કામદેવ કહિયે, તેમ ભક્તિથી નૂન્ય બીજાં કૃત્ય12 ॥૮॥
કર્તવ્ય કરીને કાંઈક પામે, તે વામે13 કોઈ કાળે કરી ।
ભક્તિ એ ગતિ નિર્ભય અતિ, એમ શ્રીમુખે કહે છે શ્રીહરિ ॥૯॥
એમ ભક્તિ ભગવાનની, વર્ણવી સહુથી સરસ ।
નિષ્કુળાનંદ કે’ તે વિના બીજાં, નિશ્ચે દેખાડ્યાં નરસ ॥૧૦॥