ભક્તિનિધિ

કડવું – ૪૦

રાગ: ધન્યાશ્રી

પ્રગટ પ્રભુની ભક્તિ વખાણીજી, અતિશય મોટપ્ય ઉરમાંયે આણીજી ।

સહુથી સરસ શિરોમણી1 જાણીજી, એહ ભક્તિથી તર્યાં કૈંક પ્રાણીજી ॥૧॥

રાગ: ઢાળ

પ્રાણીને પરમ પદ પામવા, ભક્તિ હરિની છે ભલી ।

સર્વે થકી સરસ સારું, કરી દિયે કામ એ એકલી ॥૨॥

જેમ તમ2 ટાળવા રાત્યનું, ઊગે ઉડુ3 આકાશે અનેક ।

પણ રવિ વિનાની રજની,4 કહો કાઢી શકે કોણ છેક ॥૩॥

તેમ ભક્તિ ભગવાનની, સમજો સૂરજ સમાન ।

અતિ અંધારું અહંતાતણું,5 તે ભક્તિથી ટળે નિદાન ॥૪॥

નમ્રતા ને જે નમવું, દમવું6 દેહ મન પ્રાણને ।

તે ભક્તિ વિના ભાવે નહિ, ભાવે હંમેશ થાવું હેરાણને ॥૫॥

દુર્બળતા ને દીન રે’વું, રીબને ગરજું7 ઘણું ।

તે ભક્તિ વિના નવ ભાળિયે, જો જોએ પર પોતાપણું ॥૬॥

ભક્તિ વિના ભારે ભારનો, માથે રહી જાય મોટલો8

જાણું કમાણી કાઢશું, ત્યાં તો ઉલટો વળ્યો ઓટલો9 ॥૭॥

જેમ ચોબો છબો10 થાવા ચાલિયો, દશો ચાલ્યો વિશો11 થાવા વળી ।

તે નીસર્યો મૂળગી12 નાતથી, રહ્યો ભટકતો નવ શક્યો ભળી ॥૮॥

તેમ ભક્તિ હરિની ભાગ ન આવી, આવી ભેખ લૈ ભૂંડાઈ ભાગ ।

અતિ ઊલટું અવળું થયું, થયો મૂળગો નર મરી નાગ ॥૯॥

તેમ ભક્તિ ન કરી ભગવાનની, કરી ભૂંડાઈ તે ભરપૂર ।

નિષ્કુળાનંદ એ નરને, થયું જ્યાન જાણો જરૂર ॥૧૦॥

કડવું 🏠 home