ભક્તિનિધિ
પદ - ૧
રાગ: આશાવરી
સંતો ભક્તિ ઉપર ભય શાનો રે સંતો ભક્તિ ઉપર ભય શાનો.
તે તો મન કર્મ વચને માનો રે... સંતો૦ ટેક.
જપ તપ તીરથ જોગ જગન, દાન પુણ્ય સમાજ1 શોભાનો ।
પામી પુણ્ય ખૂટે પડે પાછા, તેમાં કોણ મોટો કોણ નાનો રે... સંતો૦ ॥૧॥
ધ્યાન ધારણા સમાધિ સરવે, કુંપ2 અનુપ કાચનો ।
ટકે નહિ કેદી ટોકર વાગે, તો શિયો ભરુંસો બીજાનો રે... સંતો૦ ॥૨॥
જ્ઞાની ધ્યાનીને લાગ્યા ધકા3 ધરપર,4 જાણો નથી ફજેતો એ છાનો ।
નિર્ભય પ્રાપતિ ન રહિ કેની, જોઈ લીધો દાખડો ઝાઝાનો રે... સંતો૦ ॥૩॥
સર્વે પર વિઘન સભરભર,5 નિર્ભય ભક્તિ ખજાનો ।
નિષ્કુળાનંદ કે’ ન ટળે ટાળતાં, ટળે તોય કળશ સોનાનો6 રે... સંતો૦ ॥૪॥
કડવું - પ
રાગ: ધન્યાશ્રી
નિરવિઘન છે નાથની ભક્તિજી, જેમાં વિઘન નથી એક રતિજી ।
સમજીને કરવી સદાય શુભ મતિજી, તો આવે સુખ અલૌકિક અતિજી ॥૧॥
રાગ: ઢાળ
અલૌકિક સુખ આવે, જો ભાવે ભક્તિ ભગવાનની ।
તે વિના ત્રિલોક સુખને, માને શોભા મિયાનની7 ॥૨॥
મૂરતિ મૂકી મન બીજે, લલચાવે નહિ લગાર ।
અન્ય સુખ જાણ્યાં ફળ અર્કનાં,8 નિશ્ચે નિરસ નિરધાર ॥૩॥
એમ માની માને સુખ માવમાં, કરે ભક્તિ ભાવે સહિત ।
ભક્તિ વિના બ્રહ્મલોક લગી, ચાહે નહિ કાંઈ ચિત્ત ॥૪॥
અનન્ય ભાવે કરે ભગતિ, મન વચન કર્મે કરી ।
ભાવે નહિ હરિભક્તિ વિના, એવી વાત અંતરમાં આવી ઠરી ॥૫॥
નિષ્કામ ભક્તિ નાથની, જેને કરવા છે મને કોડ9 ।
બીજા સકામ ભક્ત સમૂહ હોય, તોય હોય નહિ એની હોડ10 ॥૬॥
એવી ભક્તિને આદરે, જેમાં લોકસુખ નહિ લેશ ।
તેમ સુખ શરીરનું, ઇચ્છે નહિ અહોનેશ11 ॥૭॥
મેલી ગમતું નિજ મનનું, હાથ જોડી રહે હરિ હજૂર ।
સેવા કરવા ઘનશ્યામની, ભાવ ભીતરમાં ભરપૂર ॥૮॥
ભાવે જેવું ભગવાનને, સમો જોઈ કરે તેવી સેવ ।
પણ વણસમે વિચાર વિના, ત્યાર ન થાય તતખેવ ॥૯॥
એવા ભક્તની ભગતિ, વા’લી લાગે વા’લાને મન ।
નિષ્કુળાનંદ કહે નાથજી, તે ઉપર થાય પ્રસન્ન ॥૧૦॥