ભક્તિનિધિ

પદ – ૮

રાગ: બિહાગડો

ભજો ભક્તિ કરી ભગવન રે; સંતો ભક્તિ કરી ભગવન રે.

  માનો એટલું હિત વચન રે, સંતો૦ । ટેક

ભક્તિ વિના ભારે ભાગ્ય ન જાગે, જાણી લેજો સહુ જન ।

ભક્તિ વિના ભવદુઃખ ન ભાંગે, એ પણ માનવું મન રે; સંતો૦ ॥૧॥

ભક્તિ વિના ભટકણ ન ટળે, મર કરે કોટિક જતન ।

ભક્તિ વિના નિર્ભય નર નહિ, કરે સો સો જો સાધન રે; સંતો૦ ॥૨॥

ભક્તિ ભંડાર અપાર સુખનો, નિર્ધનિયાનું એ ધન ।

જે પામી ન રહે પામવું, એવું એ સુખસદન રે; સંતો૦ ॥૩॥

તે ભક્તિ તન માનવે1 થાયે, નહિ અન્ય તન કરવા સંપન2

નિષ્કુળાનંદ કે’ નિરાશ થઈને, કરો હરિસેવન રે; સંતો૦ ॥૪॥ પદ॥ ૮॥

 

કડવું – ૩૩

રાગ: ધન્યાશ્રી

સેવા ન કરે તે સેવક શાનોજી, થયો હરિદાસ પણ હરામી છાનોજી ।

એહને ભક્ત રખે કોઈ માનોજી, અંતર પિતળ છે બા’રે ધૂંસ3 સોનાનોજી ॥૧॥

રાગ: ઢાળ

સોના સરિખો શોભતો, થયો ભક્ત ભવમાંહિ ભલો ।

લાખો લોક લાગ્યાં પૂજવા, દેખી આટાટોપ4 ઉપલો ॥૨॥

ખાવા પીવાની ખોટ ન રહી, મળે વસ્ત્ર પણ વિધવિધશું ।

સારો સારો સહુ કોઈ કહે, પામ્યો આ લોક સુખ પ્રસિદ્ધશું ॥૩॥

ભોજન વ્યંજન બહુ ભાતનાં, ઘણાં મળે ગામોગામ ।

મળ્યું સુખ વણ મહેનતે, જ્યારે કરી તિલક ધરી દામ5 ॥૪॥

આડંબર આણી ઉપલ્યો, થયો ભક્ત તે ભરપૂર ।

જાણ્યું કસર કોઈ વાતની, જોતાં રહી નથી જરૂર ॥૫॥

એવો બા’રે વેષ બનાવિયો, સારો સાચા સંત સમાન ।

પણ પાછું વળી નવ પેખિયું,6 એવું આવી ગયું અજ્ઞાન ॥૬॥

જે ભક્તપણું શું ભાળી મુજમાં, ભક્ત ભક્ત કહે છે ભવમાંઈ ।

ભક્તપણું નથી ભાસતું7, ભાસે છે ઠાવકી ઠગાઈ8 ॥૭॥

જે સર્વે સુખ શરીરનાં, લઈ લેવાં લોકની પાસથી ।

ભક્ત જાણી ભોળવાઈ ભોળા, આપે હૈયે હુલાસથી ॥૮॥

વળી વા’લી વસ્તુ વિલોકીને, આણી આપે જાણી હરિદાસ ।

જાણે અરથ એથી સરશે, એવો આણી ઉરે વિશ્વાસ ॥૯॥

તે વાત નથી તપાસતો, એવો દિલે દગાદાર છે ।

નિષ્કુળાનંદ નર કળ9 કરે છે, પણ સરવાળે શું સાર છે? ॥૧૦॥

કડવું 🏠 home