ભક્તિનિધિ
કડવું – ૩૨
રાગ: ધન્યાશ્રી
ફરી ફરી દેહ નવ આવે આવોજી, તે શીદ ખોયે કરી કાવો1 દાવોજી ।
સમઝી વિચારી હરિ ભક્તિમાં લાવોજી,2 અવર સુખનો કરી અભાવોજી ॥૧॥
રાગ: ઢાળ
અભાવ કરી અસત્ય સુખનો, સત્ય સુખને સમજી ગ્રહો ।
અમૂલ્ય આવા અવસરને, ખોઈને ખાટ્યો3 કોણ કહો ॥૨॥
જેમ ચિંતામણિ મોંઘી ઘણી, તેણે કાગ કેમ ઉડાડિયે ।
શેતખાનની4 સાંકડે, હરિમંદિરને કેમ પાડિયે ॥૩॥
તેમ મનુષ્ય દેહ મોંઘો ઘણો, સર્વે સુખ સંપત્તિનો દેનાર ।
તે વિષય સુખમાં વાવરી,5 ખરી કરવી નહિ ખુવાર6 ॥૪॥
જેમ પ્રભુ પ્રસાદિની પાંબડી,7 ફાડી બગાડી કરે બાળોતિયું8 ।
એ સમજણમાં સેલી9 પડો, કામધેનુ10 દોહી પાઈ કૂતિયું11 ॥૫॥
તેમ મનુષ્ય દેહે કરી દાખડો, પોષિયું કુળ કુટુંબને ।
દાટો પરું એ ડા’પણને, ખરસાણી12 સારુ ખોયો અંબને13 ॥૬॥
જેમ કુંભ14 ભરી ઘણા ઘી તણો, કોઈ રાખમાં રેડે લઈ ।
એ અકલમાં ઉઠ્યો અગની, જે ન કરવાનું કર્યું જઈ ॥૭॥
તેમ દુર્લભ આ દેહ તેહ, અર્પણ કર્યું અનર્થમાં15 ।
કહો કમાણી શું કરી, ખોયો આવો વિગ્રહ16 વ્યર્થમાં ॥૮॥
માટે માહાત્મ્ય જાણી મનુષ્ય તનનું, કરવું સમઝી સવળું કામ ।
વણ અર્થે ન વણસાડવો,17 આવો દેહ અતિ ઇનામ ॥૯॥
જે રહી ગઈ ખોટ મનુષ્ય દેહે, તે ભાંગ્યાનો ભરુંસો તજો ।
નિષ્કુળાનંદ નકી ભગતિ, કરીને હરિને ભજો ॥૧૦॥