ભક્તિનિધિ
પદ – ૧૦
રાગ: પરજ
જ્યાન ન કરવું જોઈએ રે સંતો જ્યાન૦,
અતિ અંગે ઉન્મત્ત1 હોઈ રે; સંતો૦ ॥ ટેક .
જો જાયે જાવે2 તો કરીયે કમાણી, સાચવી લાવિયે સોઈ ।
નહિ તો બેસી રહિયે બારણે, પણ ગાંઠની ન આવીએ ખોઈ રે; સંતો૦ ॥૧॥
જો ડૂબકી દિયે દરિયામાં, મોતી સારુ મને મોહી ।
તો લાવિયે મુક્તા3 મહામૂલાં, પણ નાવિયે દેહ ડબોઈ4 રે; સંતો૦ ॥૨॥
જો જાયે જળ જાહ્નવી5 ના’વા, તો આવીયે કિલબિષ6 ધોઈ ।
પણ સામુ ન લાવિયે સમઝી, પાપ પરનાં તે ઢોઈ7 રે; સંતો૦ ॥૩॥
તેમ ભક્ત થઈને ભક્તિ કરિયે, હરિચરણે ચિત્ત પ્રોઈ8 ।
નિષ્કુળાનંદ કે’ નર ઘર મૂકી, ન જીવીએ જનમ વગોઈ9 રે; સંતો૦ ॥૪॥ પદ ॥૧૦॥
કડવું – ૪૧
રાગ: ધન્યાશ્રી
જીવત વગોઈને જીવવું એ જૂઠુંજી, એ તો થયું જેમ મા’ મહિને માવઠુંજી10 ।
વિવાયે11 વે’ચાણી12 લાણીમાં13 એલઠુંજી,14 એહમાંહી સારું શું કર્યું એકઠુંજી ॥૧॥
રાગ: ઢાળ
સારું તે એણે શું કર્યું, પાણી મળે ન ધોયો મેલ ।
જેમ ગીંગો15 ગયો ગંગાજીએ, નાકે દુર્ગંધીનો ભરેલ ॥૨॥
તેમ ભક્તિમાં કોઈ આવી ભળ્યો, પણ ન ટળ્યો જાતિ સ્વભાવ ।
પાકી મૃત્તિકાના પાત્રનો, નહિ ઠામ થાવા ઠેરાવ ॥૩॥
જેમ સિંધુ જોજન સો લાખનો, તેનો પાર લેવા કરે પરિયાણ16 ।
તે સમઝુ કેમ સમઝિયે, જે રાચ્યો17 રાંધવા પાષાણ ॥૪॥
એમ એવાને આગળે, ભોળા કરે ભક્તિની વાત ।
જેની દાઢ્યો ડાળ્યો ચાવી ગઈ, તે કેમ રે’વા દિયે પાત18 ॥૫॥
એવાને ઉપદેશ દેવો, એવો કરવો નહિ કેદિ કોડ ।
જે એ ભક્તિ અતિ ભજાવશે,19 એવો દિલે ન રાખવો ડોડ20 ॥૬॥
એમ ભાવ વિનાની ભગતિ, નર કરી શકે નહિ કોય ।
ભક્તિ કરશે ભારે ભાગ્યવાળા, જે ખરા ખપવાન હોય ॥૭॥
જેના હૃદિયામાં રુચિ ઘણી, ભક્તિ કરવા ભગવાનની ।
તેને ભક્તિ વિના ભાવે નહિ, ખરી અરુચિ રહે ખાનપાનની ॥૮॥
ભક્તિ વિના બ્રહ્મલોક લગી, લલચાવે નહિ ક્યાંઈ મન ।
રાત દિવસ રાચી21 રહે, સાચા કે’વાય તે હરિજન ॥૯॥
પ્રગટ પ્રભુની ભક્તિ વિના, જેને પળ કલપ22 સમ થાય ।
નિષ્કુળાનંદ એવા ભક્તને અર્થે, હરિ રહે જુગજુગ માંય ॥૧૦॥