ભક્તિનિધિ

કડવું - ૧૨

રાગ: ધન્યાશ્રી

હરિની ભક્તિનો કરતાં દ્વેષજી, આવે અંગે અંતરે કોટિ કલેશજી ।

તેણે કરી રહે હેરાન હમેશજી, એહ માંહી સંશય નથી લવલેશજી ॥૧॥

રાગ: ઢાળ

લેશ સંશય નવ લેખવો, એનો દેખવો અસદ્ ઉપાય ।

નાખતાં રજ સૂરજ સામી, પાછી પડે આંખ્ય મુખમાંય ॥૨॥

જે જળથી શીતળ થાય, તેને લગાડે કોઈ તાપ ।

તેનું તે બાળે તનને, સામુનો1 થાય સંતાપ ॥૩॥

વળી જે વહ્નિથી ટાઢ ટળે, તેમાંજ નાંખિયે નીર ।

પછી બેસિયે પાસળે,2 શું શીત3 વીતે4 શરીર ॥૪॥

વળી જે ભોજને કરીને ભૂખ ભાગે, તે ભોજનમાં ભેળિયે ઝેર ।

તે કહો સુખ કેમ પામશે, જેણે કર્યું સુખદશું વેર ॥૫॥

જે પટે5 ઘટ6 ઢાંકિયે, તે પટનો કરીયે ત્યાગ ।

પછી ઇચ્છિયે પ્રવીણતા,7 તે મૂરખ નર કહ્યા લાગ8 ॥૬॥

જે ભૂમિમાં અન્ન ઊપજે, તે ભૂમિમાં વિષ વવાય ।

પછી અમરપણું ઇચ્છવું, તે તો અતિ અવળું કે’વાય ॥૭॥

એમ અભાગી નરને, હરિભક્તિમાંહિ અભાવ ।

તે કેમ તરશે સિંધુતોયને,9 જે બેઠા પથરને નાવ ॥૮॥

ડોબું10 ન ગમ્યું દૂઝણું,11 ભલી લાગી આવિયા12 ભેડ્ય13

તજી દઈ તાંદુલને,14 કરી કૂકશ15 સારુ વઢવેડ્ય ॥૯॥

અલ્પમતિને અવળું સૂજે, સવળું સૂજે નહિ લવ લેશ ।

નિષ્કુળાનંદ એવા નરને, આપિયે શિયો ઉપદેશ ॥૧૦॥

કડવું 🏠 home