ભક્તિનિધિ

કડવું - ૬

રાગ: ધન્યાશ્રી

પ્રસન્ન કરવા ઘણું ઘનશ્યામજી, કરો હરિભક્તિ અતિ હૈયે કરી હામજી ।

જે ભક્તિ અતિ કા’વે નિષ્કામજી, ધર્મસહિત છે સુખનું ધામજી ॥૧॥

રાગ: ઢાળ

ધામ સર્વે સુધર્મ સોતી, ભક્તિ અતિ ભક્ત કરે ।

તેને તોલે ત્રિલોક માંહિ, સમજી જુવો નહિ નીસરે ॥૨॥

જેણે આ લોક સુખની આશા મેલી, પરલોક સુખ પણ પરહર્યાં ।

એક ભક્તિ ભાવી ભગવાનની, વિષયસુખ વિષ સમ કર્યાં ॥૩॥

જેણે પંચ વિષયશું પ્રીત ત્રોડી, જોડી પ્રીત ભક્તિ કરવા ।

તજી મમત તન મનની, તેને રહી કહો કેની પરવા1 ॥૪॥

રાજી કુરાજીયે કોઈને, નવ વણસે2 સુધરે વાત ।

નથી એથી સુખ મળવા ટળવા, જોઈએ હરિ રાજી રળિયાત ॥૫॥

પરબ્રહ્મને પ્રસન્ન કરવા, કરે ભક્તિ માહાત્મ્યે સહિત ।

ધરી દૃઢ ટેક એક અંતરે, તે ફરે નહિ કોઈ રીત ॥૬॥

નિષ્કપટ નાથની ભગતિ, સમજો સુખ ભંડાર છે ।

એની બરાબરી નોય કોઈ બીજું, એ તો સર્વે સારનું સાર છે ॥૭॥

સાચી ભક્તિ ભગવાનની, સર્વે શિર પર મોડ3 છે ।

બીજાં સાધન બહુ કરે, પણ જુવો એની કોઈ જોડ છે ॥૮॥

જેમ ગળપણમાં શર્કરા4 ગળી, વળી રસમાં સરસ તૂપ ।

જેમ અંબરે સરસ જરકસી, તેમ ભક્તિ અતિ અનુપ ॥૯॥

એવી અનુપમ ભગતિ, ભાવી ગઈ જેને ભીતરે ।

નિષ્કુળાનંદ કે’ સર્વે સાધન, એની સમતા કોણ કરે ॥૧૦॥

કડવું 🏠 home