ભક્તિનિધિ
કડવું – ૪૪
રાગ: ધન્યાશ્રી
ભક્તિનિધિ આ ગ્રંથ જે ગાશેજી, ભક્તિનો ભેદ તેને જણાશેજી ।
સમજીને પછી ભક્ત ભલો થાશેજી, ત્યારે બીજાં બંધનથી મુકાશેજી ॥૧॥
રાગ: ઢાળ
મુકાશે બીજાં બંધનથી, રહેશે રાચી1 સાચી ભલી ભક્તિયે ।
ખરા ખોટાની ખબર ખરી, પડશે પોતાને તહિયે ॥૨॥
વિધવિધે2 વિચારશે, ધારશે ભક્તિ મન દૃઢ કરી ।
ભક્તિ વિના કોઈ ભલું કરવા, ભાળશે નહિ ભવમાં ફરી ॥૩॥
સહુથી સરસ સમજશે, ભક્તિ અતિ ભગવાનની ।
તેને તોલ3 તપાસતાં, નહિ જડે જોડ એ સમાનની ॥૪॥
એવાને ભક્તિ અતિ ભાવશે, ગાવશે ગુણ ભક્તિ તણા ।
જાણશે પોતાના જીવમાં, જે ભક્તિથી ઉદ્ધર્યા ઘણા ॥૫॥
મોટે મોટે4 વળી મહિમા, ભાખ્યો ભક્તિનો ભારે બહુ ।
તે ભક્તિ પ્રભુ પ્રગટની, સમજુ સમજી લિયો સહુ ॥૬॥
બીજી ભક્તિ જન બહુ કરે, તેમાં રહે ગમતું મનનું ।
પણ પ્રગટ પ્રભુની ભક્તિમાં, રહે ગમતું ભગવાનનું ॥૭॥
માટે કોઈને એ કરતાં, ભાવ થાતો નથી ભીંતરમાં ।
પછી પ્રીત બાંધી ભક્તિ પરોક્ષમાં, ઘણું આદરી બેઠાં ઘરોઘરમાં ॥૮॥
જિયાં આવ્યું જેને બેસતું, તિયાં ભળી થયા ભગત ।
એવે ભક્તે આ બ્રહ્માંડ ભરિયું, એ પણ જાણવી વિગત ॥૯॥
સાચી ભક્તિ શ્રીહરિ સંબંધી, વર્ણવી વારમવાર ।
નિષ્કુળાનંદ હવે નહિ કહે, સહુ સમજજો નિરધાર ॥૧૦॥