ભક્તિનિધિ
કડવું – ૪૩
રાગ: ધન્યાશ્રી
દૂર ન રહે એવા જનથી દયાળજી, રાત દિન રાખે એની રખવાળજી ।
જેમ જનની નિત્ય જાળવે બાળજી, એમ અતિ કૃપા રાખે છે કૃપાળજી1 ॥૧॥
રાગ: ઢાળ
કૃપાળ એમ કૃપા કરી, સમે સમે કરે છે સંભાળના ।
નિત્યે નજીક રહી નાથજી, પળે પળે કરે છે પ્રતિપાળના2 ॥૨॥
ખાતાં પીતાં સૂતાં જાગતાં, ઘણી રાખે છે ખબર ખરી ।
ઊઠતાં બેસતાં ચાલતાં, હરે છે સંકટ શ્રીહરિ ॥૩॥
નર અમર મનુજાદથી,3 રક્ષા કરે છે રમાપતિ ।
ભૂત ભૈરવ ભવાનીના ભયને, રાખે છે તે રોકી અતિ ॥૪॥
અંતરશત્રુ ન દિયે કેદી ઉઠવા, નિશ્ચે કરીને નિરધાર ।
નિજભક્ત જાણીને નાથજી, વા’લો વે’લી કરે વળી વા’ર4 ॥૫॥
પોતાને પીડા જો ઉપજે, તેને ગણે નહિ ઘનશ્યામ ।
પણ ભક્તની ભીડ્ય5 ભાંગવા, રહે છે તૈયાર આઠું જામ6 ॥૬॥
દેખી ન શકે દુઃખ દાસનું, અણું જેટલું પણ અવિનાશ ।
માને સુખ ત્યારે મનમાં, જ્યારે ટાળે જનના ત્રાસ ॥૭॥
સાચા ભક્તની શ્રીહરિ, સદા સર્વદા કરે છે સહાય ।
તે લખ્યાં છે લક્ષણ ભક્તનાં, હરિએ હરિગીતા માંય ॥૮॥
એવા ભક્તના અલબેલડો, પૂરે છે પૂરણ કોડ ।
તેહ વિનાના ત્રિશંકુ જેવા, રખે રાખો દલે કોઈ ડોડ ॥૯॥
એક ભેરવજપ બીજી ભગતિ, તે અણમણતાં7 ઓપે8 નહિ ।
નિષ્કુળાનંદ નક્કી વારતા, જે કે’વાની હતી તે કહી ॥૧૦॥