ભક્તિનિધિ

પદ – ૯

રાગ: પરજ

સંતો મનમાં સમજવા માટ રે, સંતો મનમાં સમજવા માટ રે;

  કેદિ મેલવી નહિ એ વાટ રે; સંતો૦ ॥

જોઈ જોઈને જોયું છે સર્વે, વિવિધ ભાતે વૈરાટ1

ભક્તિ વિના ભવ ઉદ્‌ભવનો,2 અળગો ન થાય ઉચ્ચાટ3 રે; સંતો૦ ॥૧॥

તપ કરીને ત્રિલોકીનું કોય, પામે રૂડું રાજપાટ ।

અવધિયે4 અવશ્ય અખંડ ન રહે, તો શી થઈ એમાં ખાટ્ય રે; સંતો૦ ॥૨॥

માટે ભક્તિ ભવભયહરણી,5 કરવી તે શીશને સાટ ।

તેહ વિના તને મને તપાસું, વાત ન બેઠી ઘાટ રે; સંતો૦ ॥૩॥

ભક્તિથી કાયા6 જાણે છૈયે ડાહ્યા, એવું ડાહ્યાપણું પરું7 ડાટ8

નિષ્કુળાનંદ કે’ ભક્તિ કરતાં, ઉઘડે અભય પદ હાટ9 રે; સંતો૦ ॥૪॥ પદ ॥૯॥

 

કડવું – ૩૭

રાગ: ધન્યાશ્રી

ભક્તિ કરી હરિનાં સેવવાં ચરણજી, મનમાં માની મોટા સુખનાં કરણજી10

તન મન ત્રિવિધ તાપનાં હરણજી,11 એવાં જાણી જન સદા રહે શરણજી ॥૧॥

રાગ: ઢાળ

શરણે રહે સેવક થઈ, કેદિ અંતરે ન કરે અભાવ ।

જેમ વાયસ12 વાહણ તણો, તેને નહિ આધાર વિના નાવ ॥૨॥

તેમ હરિજનને હરિચરણ વિના, નથી અન્ય બીજો આધાર ।

તે મૂકી ન શકે તને મને, જાણી ભારે સુખ ભંડાર ॥૩॥

જેમ પતિવ્રતા હોય પ્રમદા,13 તે પતિ વિના પુરુષ પેખે નહિ ।

બીજા સો સો ગુણે કોઈ હોય સારા, તોય દોષિત જાણી દેખે નહિ ॥૪॥

તેમ ભક્ત ભગવાનના, હોય પતિવ્રતાને પ્રમાણ14

પ્રભુ વિના બીજું ન ભજે ભૂલ્યે, તે સાચા સંત સુજાણ ॥૫॥

જેમ બપૈયો બીજું બુંદ ન બોટે,15 સ્વાતિ16 વિના સુધાસમ17 હોય ।

પિયુ પિયુ કરી પ્રાણ પરહરે, પણ પિયે નહિ અન્ય તોય ॥૬॥

તેમ જન જગદીશના, એક નેક18 ટેકવાળા કે’વાય ।

સ્વાતિબિંદુ સમ સ્વામીનાં વચન, સુણી ઉતારી લિયે ઉરમાંય ॥૭॥

જેમ ચકોરની ચક્ષુ19 ચંદ્ર વિના, નવ લોભાય ક્યાંહી લગાર ।

તેમ હરિજન હરિ મૂર્તિ વિના, અવર જાણે અંગાર ॥૮॥

એમ અનન્ય ભક્ત ભગવાનના, પ્રભુ વિના બીજે પ્રીતિ નઈ ।

મન વચન કર્મે કરી, શ્રીહરિના રહ્યા થઈ ॥૯॥

એવા ભક્તની ભક્તિ જાણો, વા’લી લાગે વા’લાને મન ।

નિષ્કુળાનંદ કહે નાથને, એવે જને કર્યા પ્રસન્ન ॥૧૦॥ કડવું ॥૩૭॥

કડવું 🏠 home