ભક્તિનિધિ
કડવું – ૩૯
રાગ: ધન્યાશ્રી
મન બુદ્ધિના માપમાં ના’વેજી, એવું અતિ સુખ હરિભક્તિથી આવેજી ।
જેહ સુખને શુકજી જેવા ગાવેજી, તે ભક્તિ પ્રભુ પ્રગટની કા’વેજી ॥૧॥
રાગ: ઢાળ
ભક્તિ પ્રભુ પ્રગટની, જે જે કરી છે હરિજને ।
તે તેને પળ પાકી ગઈ, સહુ વિચારી જુવો મને ॥૨॥
કુબજાએ કટોરો ભરી કરી, ચરચ્યું હરિને અંગે ચંદન ।
તેણે કરી તન ટેડાઈ1 ટળી, વળી પામી સુખસદન2 ॥૩॥
સઈ3 સુદામા માળીનું, સમાપર4 સરી ગયું કામ ।
તે પ્રગટ પ્રભુને પૂજતાં, પામી ગયા હરિનું ધામ ॥૪॥
વિદુર ભાજીને ભોજને, જમાડિયા જગજીવન ।
તે જમી પ્રભુ પ્રસન્ન થયા, એવું પરોક્ષશું સાધન ॥૫॥
સુદામે ભક્તે શ્રીહરિને, ત્રણ મૂઠી આપિયા તાંદુલ ।
તેણે દારિદ્ર દૂર ગયું, થયું અતિ સુખ અતુલ5 ॥૬॥
પંચાલિયે6 પાત7 પાત્રમાંથી, શોધી જમાડિયા હરિ આપ ।
તેણે મટ્યું કષ્ટ મોટું અતિ, તે તો પ્રગટને પ્રતાપ ॥૭॥
વળી ચીર ચીરીને ચિંથરી,8 આપી હરિ કરે બાંધવા કાજ ।
તેણે કરીને દ્રૌપદીની, રૂડી રાખી હરિએ લાજ ॥૮॥
એમ પ્રગટના પ્રસંગથી, જે જે સર્યાં જનનાં કામ ।
તેવું ન સરે તપાસિયું, મર કરે હૈયે કોઈ હામ9 ॥૯॥
વારે વારે કહ્યો વર્ણવી, અતિ ભારે ભક્તિમાંહી ભાર ।
નિષ્કુળાનંદ તે ભગતિ, પ્રભુ પ્રગટની નિરધાર ॥૧૦॥