કળશ ૩

વિશ્રામ ૧૮

પૂર્વછાયો

વર્ણી કહે નૃપ સાંભળો, ચાલ્યા બુધેજથી બળવંત;

ગામ ગોરાડ ગયા હરિ, જેનો અંત ન પામે અનંત. ૧

ચોપાઈ

ગામથી દિશા દક્ષિણમાંય, એક સારું તળાવ છે ત્યાંય;

હતો પીપળો પણ તેહ ઠામ, બેઠા તે તળે સુંદરશામ. ૨

એક કોળી તે બીજલ નામ, કોસ હાંકી રહ્યો તેહ ઠામ;

પાણી થોડું તે કુવા મોઝાર, હતું ઊંડું તે હાથ અઢાર. ૩

તેનું કારણ જાણવું એવું, હતું વર્ષ દુકાળના જેવું;

ઘનશામ ગયા કૂપતીર, એવે ટાંણે ઊંચુ આવ્યું નીર. ૪

લીધું નાથે કમંડલું ભરી, દીઠું બીજલે દૃષ્ટિએ કરી;

નીર ભરતી હતી ઘણી નારી, દીઠું તેણે ઊંચુ ચડ્યું વારી. ૫

પાણી પીને ચાલ્યા પરમેશ, ચાલી ગામામાં વાત વિશેષ;

કહે કોઈ આવ્યા ભગવાન, કહે કોઈ છે શંભુ સમાન. ૬

સુણી સૌ જન અચરજ પામે, એ જ વાત કરે ઠામોઠામે;

પણ આસુરી જન જેહ જાણે, જંત્ર મંત્ર કે જાદુ પ્રમાણે. ૭

દૈવી તો ધરે દર્શન આશ, પટેલ શામજી ને પ્રભુદાસ;

ક્ષત્રિ કાંધોજી પણ ત્યાં આવ્યા, પ્રભુ પાછળ પંથે સિધાવ્યા. ૮

સામે ગામથી ભરવાડ આવ્યો, તેને ત્રણે મળીને બોલાવ્યો;

કહ્યું તપસી મળ્યા તને કોઈ, સુણી બોલ્યો તે સન્મુખ જોઈ. ૯

એક તપસી અધર ચાલ્યો જાય, તેને તમથી નહીં પહોંચાય;

સુણી સર્વે નિરાશ તે થયા, પાછા ગામ પોતા તણે ગયા. ૧૦

પ્રભુ પાદર પાસ નિકળ્યા, અદેસીંહ ગરાશિયા મળ્યા;

કહ્યું તેણે હે તપસીરાજ! ચાલો ગામમાંહી રહો આજ. ૧૧

નથી રહેવું હરિ કહે રાત, રસ્તો ધોળેરાનો કહો ભ્રાત;

કહે વરણી સુણો તમે રાય, લીલા નાથની કેમ કળાંય. ૧૨

ઉપજાતિવૃત્ત

કોઇ સમે અદ્‌ભુતતા જણાવે, કોઈ સમે માનવ ભાવ લાવે;

સર્વજ્ઞતા1 કોઈ સમે જણાય, ક્યારે પૂછી પંથ પ્રવીણ2 થાય. ૧૩

જે કૃષ્ણ કેરા ભ્રકુટી વિલાસે,3 અનેક વિશ્વો ઉપજે વિનાશે;

ક્યારેક તે માણસથી ડરે છે, એવી ક્રિયા માનવની કરે છે. ૧૪

ચોપાઈ

અદેસીંહ બોલ્યા તેહ ઠામ, જજો આંહિ થકી રુણી ગામ;

ત્યાંથી તો વડગામ વિચરજો, શીકોતર તણે આરે ઊતરજો. ૧૫

એમ થૈને ધોળેરે સિધાવો, સીધો રસ્તો મેં સારો બતાવ્યો;

એ જ રસ્તે ચાલ્યા ઘનશામ, રુણી મૂકી આવ્યું વડગામ. ૧૬

જોયો ત્યાંના તળાવનો આરો, બેઠા ત્યાં વડ દેખીને સારો;

એક કાનજી કૂવો છે પાસે, પાણી મીઠું તેનું ભલું ભાસે. ૧૭

જળ લેવા ગયા જગદીશ, હતી નારી ત્યાં વીશ પચીશ;

તેણે શ્રીહરિની છબી ભાળી, નવ રસમય મૂર્તિ નિહાળી. ૧૮

દીઠા કોઈએ રૂપ શૃંગાર, કોટિ કામનો મદ હરનાર;

હાસ્યરૂપે દીઠા કોઇયે હરિ, હસાવે છે હરિ હાસ્ય કરી. ૧૯

જેમ ગોપકુમારીનાં ચીર,4 ચોરી લીધાં હતાં બળવીર;

તેમ દોરડું કાં તો ઈંઢાણી,5 લઈ નાસે છે સારંગપાણી. ૨૦

કહે કામનિયો6 તેહ કાળ, આ છે કોણ અડપલો બાળ;

કહે કોઈ જુવો એની હાંસી, જાણે હોય શું મોહની ફાંસી. ૨૧

દીઠા કોઈએ કરુણારૂપ, અતિ કોમળ ગાત્ર7 અનૂપ;

કહે એક સુણો સૌ નારી, આની કાયા છે કોમળ સારી. ૨૨

પણ પગ માંહિ નથી મોજડિયો, આ તે બાળ ક્યાંથી આવિ ચડિયો;

ખુંચતા હશે કાંકરા પાય, મારા દિલમાં દયા ઘણી થાય. ૨૩

વળી કોઈક બાઈ કહે છે, રુદ્રરૂપ8 આ કોઈ દિસે છે;

એની આંખ્યો દિસે અતિ રાતી,9 જાણે હોય શું ક્રોધે તપાતી. ૨૪

જેમ કંસને મારવા કાજ, ક્રોધ કીધો હતો વ્રજરાજ;

એવો કીધો છે ક્રોધ અપાર, જાણે ટાળશે ભૂમિનો ભાર. ૨૫

બીજી બાઈ બોલી કૂપતીર, દિસે બાળક આ શૂરવીર;

એના હૈયામાં છે ઘણી હામ, જાણે કરશે મોટાં મોટાં કામ. ૨૬

વળી બોલી તહાં એક નારી, આ તો ભાસે ભયંકર ભારી;

નરસિંહ જેવો વિકરાળ, આ તે શું હશે કાળનો કાળ? ૨૭

નારી એકે ત્યાં કર્યો ઉચ્ચાર, આ તો દિસે છે રાજકુમાર;

પણ કોપિન ને મૃગછાળ, કેમ શોભે એને જટાજાળ? ૨૮

તેથી ભાસે છે બીભત્સ રૂપ, તોયે અંતરે લાગે અનૂપ;

એકે અદ્‌ભુત રૂપ નિહાળ્યું, પ્રતિરોમમાં બ્રહ્માંડ ભાળ્યું. ૨૯

અહોહો બાઈ આ શું દેખાય? એમ ઉચ્ચારી મૂર્છિત થાય;

રસ શાંતરૂપે કોઈ દેખે, સનકાદિક સાક્ષાત લેખે. ૩૦

એમ નવરસમય છબી દીઠી, મનડામાં લાગી ઘણી મીઠી;

એટલામાં અદર્શ તે થયા, નવ જાણ્યું જે ક્યાં જોગી ગયા. ૩૧

તીર્થ ધનકા છે ખાડીને તીર, ગયા ત્યાં શુભ શામશરીર;

તીર્થ પર્વણીનું હતું ટાણું, ઘણું માનવીવૃંદ10 ભરાણું. ૩૨

ઘણે વર્ષે તે પર્વણી થાય, ત્યારે પાણી પાછું હઠી જાય;

દીસે સ્થાપિત શંભુ અનેક, પાસે પાણીનો કુંડ પ્રત્યેક. ૩૩

એવા તીર્થને પાવન કરી, મીઠા પાણી માટે ચાલ્યા હરી;

ત્યાંથી ઉત્તરમાં એક ઠામ, રામસર છે તળાવડી નામ. ૩૪

ત્યાંના કૂપમાંથી જળ લીધું, ધરી દેવને તે પછી પીધું;

ચાલ્યા ત્યાંથી શિકોતર આરે, કાંઠો થોડે છેટે રહ્યો જ્યારે. ૩૫

ત્યાં તો સામો મળ્યો લાખો કોળી, તેને પાસે હતી એક ઝોળી;

તેને પૂછે પ્રભુ કોણ તું છે? તારી ઝોળી વિષે વળી શું છે? ૩૬

ત્યારે બોલ્યો તે મન કરી સ્વચ્છ,11 હું છું કોળી છે ઝોળીમાં મચ્છ;

એવું સુણીને કહે હરિરાય, કોળી શૂદ્રમાં શ્રેષ્ઠ ગણાય. ૩૭

કોળી તો કૈક ભક્ત થયા છે, તેના દિલમાં વિશેષ દયા છે;

કેમ આટલાં મત્સ તેં માર્યાં? ક્યાં તું છુટીશ કર્મ તે તારાં? ૩૮

આવા માર્યા તેં જીવ અનેક, લેશે વેર તે પ્રાણી પ્રત્યેક;

અકરાકેર12 તેં કેમ કીધો? ડર ઈશ્વરનો તજી દીધો. ૩૯

પ્રભુ પૂછશે તુજને જ્યારે, તું શો ઉત્તર આપીશ ત્યારે?

સૌને માથે નકી મરવાનું, નથી આંહી સદા ઠરવાનું. ૪૦

એવાં વેણ ઘણાં સંભળાવ્યાં, સુણી આસું તેની આંખે આવ્યાં;

કંપી ત્રાસથી થરથર કાયા, બોલ્યો વંદી અહો જોગીરાયા! ૪૧

આજ દેશમાં છે દુષ્કાળ, અન્ન મોંઘું છે દીનદયાળ;

તેથી કર્મ હું આવું કરુ છું, જેમ તેમ આ પેટ ભરું છું. ૪૨

કહો પાપથી છુટું હું કેમ? કરું જેમ તમે કહો તેમ;

સુણી બોલિયા વિશ્વઆધાર, કરે છે જેઓ અન્ન આહાર. ૪૩

તેને ઈશ્વર અન્ન પૂરે છે, વિપ્ર વણિક ક્યાં ભૂખે મરે છે?

એમ કહી શુભ ધર્મ સુણાવ્યા, પછી નિયમ તેને ધરાવ્યા. ૪૪

મત્સને અડક્યા હરિ જ્યારે, થયા સર્વ સજીવન ત્યારે;

નદીનીરમાં મત્સ નંખાવ્યા, કોળી પાસેથી તરત તજાવ્યાં. ૪૫

દીધું કોળીને ત્યાં વરદાન, તને મળશે સદા અન્ન પાન;

પછી કોળી કહે મહારાજ, વડગામ રહો રાત આજ. ૪૬

થવા આવ્યો હવે સંધ્યાકાળ, રસ્તો વસમો છે દીનદયાળ;

પૂર્વમાંથી મહી નદી આવે, સાભ્ર13 ઉત્તરમાંથી સુહાવે. ૪૭

અહીં બન્ને સમુદ્રમાં ભળે, તેથી રસ્તો જવા નવ મળે;

વાંસ જેટલું છે ઊંડું વારી,14 ઊતરી ન શકે નરનારી. ૪૮

જળ છે ગાઉ અધ જેટલામાં, ઘણું કઠણ જવું એટલામાં;

સામે પાર જઈ આઘે જાય, ત્યાં તો જાળ્યોની ઝાડી જણાય. ૪૯

વડા વાઘ તે માંહી વસે છે, ધોળેરા સુધી ઉઝડ એ છે;

રાત જાશે ઘણી મહારાજ, મારે ઘેર રહો પ્રભુ આજ. ૫૦

સુણી બોલિયા શ્રીઘનશામ, મોટી નદિયો દિઠી બહુ ઠામ;

એહ ઉતરીને અમે આવ્યા, નવ ડરિયે નદીના ડરાવ્યા. ૫૧

કેવી રીતે ઊતરિયે અમે, જોવું હોય તો ત્યાં ચાલો તમે;

એમ કહીને તેને લઈ સાથ, શિકોતરને આરે ગયા નાથ. ૫૨

ત્યાં તો ભરતી આવી હતી ભારી, તિથિ પૂનમની હતી સારી;

રવિ આથમ્યો પશ્ચિમ પાસે, થયો ચંદ્રનો ઉદય આકાશે. ૫૩

ઘણાં ઘૂઘવે નદિયોનાં નીર, છૂટે ધીરજવાનની ધીર;

મોજા આવે છે જોર કરીને, જાણે સ્પર્શવા ઇચ્છે હરીને. ૫૪

બોલે દાદુર15 ત્યાં ચારે પાસ, બોલે તમરાં ધરે જન ત્રાસ;

મારે મગર જળમાં ઉછાળા, કોણ જઈ શકે હિંમતવાળા. ૫૫

કોળી ભક્ત કહે કૃપાનાથ, મારે ઘેર ચાલો મુજ સાથ;

કાલે ભરતી આ ઊતરી જાશે, ત્યારે સામે કાંઠે ઉતરાશે. ૫૬

કાં તો રસ્તે બીજે મુનિનાથ, ધોળેરા સુધી આવીશ સાથ;

બોલ્યા એવું સુણીને અચ્યુત,16 પરમેશ્વર વશ પંચ ભૂત.17 ૫૭

હોય ઈશ્વરની જો સહાય, પંચ ભૂત થકી તે શું થાય?

રાખે ઈશ્વર જો સાજા સારા, શું કરે વરુ વાઘ બિચારા. ૫૮

કહે ભક્ત જશો જેહ વાર, શાથી જાણું જે ઊતર્યા પાર?

સુણી શામ બોલ્યા ખુશી થૈને, વસ્ત્ર વીંજીશ18 હું પાર જઈને. ૫૯

તેથી જાણજો પાર ઉતરિયા, એમ કહી વૃષલાલ વિચરિયા;

જળ ઉપર તે ચાલ્યા જાય, કાંડા સુધી જ ચરણ બોળાય. ૬૦

વસ્ત્ર વીંજીયું જૈ સામે પાર, ભક્તે જાણ્યા જગત કરતાર;

કોળી ભક્ત ગયો વડગામ, કરી વાત પ્રકાશ તે ઠામ. ૬૧

ક્ષત્રિ જીભાઈ ભીમજી જેહ, ત્રીજા બારોટ મૂળજી તેહ;

વાત પ્રથમ કહી તેની પાસ, પછી થૈ તે પ્રજામાં પ્રકાશ. ૬૨

અતિ અદ્‌ભુત વાત વિચારી, પામ્યાં અચરજ સૌ નરનારી;

ચાલ્યા ધોળેરે શ્રીઘનશામ, પુરુષોત્તમ પૂરણકામ. ૬૩

દિસે જાળ્યોની અદભુત ઝાડી, તેમાં વાધ રહ્યા બહુ ત્રાડી;

તજી ત્રાસ ચાલ્યા તેહ સ્થાન, ગયા ભડિયાદમાં ભગવાન. ૬૪

વ્યાસ ગોવિંદરામને ઘેર, દૂધ થુલી જમ્યા રુડી પેર;

ચાલ્યા ત્યાંથી હરિ સાક્ષાત્, ગયા ધોળેરે પ્રગટે પ્રભાત. ૬૫

ખાંડેશ્વર મહાદેવમાં ગયા, દૈવી પુરુષ કોઈ ભેળા થયા;

જેની જાતિ ક્ષત્રિ કહેવાય, તે તો તેડી ગયા ચોરામાંય. ૬૬

અતિ અંતરમાં હેત આવ્યું, પ્રભુજીને ત્યાં ટીમણ19 કરાવ્યું;

દૈવી જીવોએ દર્શન કીધું, નરદેહ તણું ફળ લીધું. ૬૭

પુષ્પિતાગ્રાવૃત્ત

નિજજન તણી એમ સૂધ20 લીધી, ધવળપુરી21 પ્રભુએ પવિત્ર કીધી;

ઉપર થકી જણાય કામ એક, અકળિત કૃત્ય બીજાં કરે અનેક. ૬૮

 

ઇતિ શ્રીવિહારીલાલજી આચાર્યવિરચિતે હરિલીલામૃતે તૃતીયકલશે

અચિંત્યાનંદવર્ણીન્દ્ર-અભયસિંહનૃપસંવાદે

શ્રીહરિસાભ્રતટે અદ્‌ભુત ચરિત્રકરણ-ધોળેરાબંદરપ્રાપ્તનામા અષ્ટદસો વિશ્રામઃ ॥૧૮॥

કળશ/વિશ્રામ

ગ્રંથ વિષે

કળશ ૧ (૨૦)

કળશ ૨ (૧૮)

કળશ ૩ (૨૭)

કળશ ૪ (૩૧)

કળશ ૫ (૨૮)

કળશ ૬ (૨૯)

કળશ ૭ (૮૩)

કળશ ૮ (૬૩)

કળશ ૯ (૧૩)

કળશ ૧૦ (૨૦)

ચિત્રપ્રબંધ વિષે